Home તાજા સમાચાર gujrati ક્રિસ્ટા પાઇક : એ મહિલા, જેને 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ફાંસીએ...

ક્રિસ્ટા પાઇક : એ મહિલા, જેને 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ફાંસીએ ચડાવાશે

5
0

Source : BBC NEWS

ટેનેસી ડિપાર્ટમેન્ટ ઑફ કરેકશન્સ દ્વારા લેવામાં આવેલી કેદી ક્રિસ્ટા પાઈકની તસવીર. ટેનેસીમાં હાલમાં તે મૃત્યુદંડની સજા પામેલી એકમાત્ર મહિલા કેદી છે.

એશ્લી સેલર્સે આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાની મિત્ર ક્રિસ્ટા પાઇક સાથે છેલ્લી વાર વાત કરી હતી. ફાંસીની સજા પામેલી પાઇકને બુધવારે અમેરિકાના ટેનેસી રાજ્યમાં ઘાતક ઇન્જેક્શન દ્વારા ફાંસી આપવાની તૈયારી ચાલી રહી છે. તેણે જેલની કોટડીમાંથી સેલર્સને મૅસેજ કર્યો હતો.

પાઇકે સેલર્સને કહ્યું હતું કે બુધવારે તેને ફાંસી આપવામાં આવે ત્યારે પોતે પોતાના કોઈ પ્રિયજનને ત્યાં હાજર રહેવા દેવા માગતી નથી.

સેલર્સ કહે છે, “તે નથી ઇચ્છતી કે અમારે એ બધું જોવું પડે.”

સેલર્સ માટે આ જ વાત સમજવી મુશ્કેલ છે. તે પાઇકને હંમેશાં દયાળુ અને બીજાની કાળજી રાખનારી વ્યક્તિ તરીકે જ ઓળખે છે. પરંતુ 31 વર્ષ પહેલાં જઘન્ય અપરાધ કરનારી આ વ્યક્તિ એ જ પાઇક છે, એ વાત સ્વીકારવી તેને મુશ્કેલ લાગે છે.

હાલમાં 50 વર્ષની પાઇક જ્યારે 18 વર્ષની હતી ત્યારે તેણે પોતાના એ સમયના બૉયફ્રેન્ડ ટેડેરિલ શિપ સાથે મળીને 19 વર્ષની કોલિન સ્લેમરને માર મારીને, ત્રાસ આપીને હત્યા કરી હતી. બંનેની મુલાકાત મુશ્કેલીમાં મુકાયેલા કિશોરો માટેના એક તાલીમ શિબિરમાં કોલિન સાથે થઈ હતી.

1995માં કોલિનનો મૃતદેહ મળ્યો ત્યારે તેની છાતી પર પેન્ટાગ્રામનું નિશાન કોતરેલું હતું. પેન્ટાગ્રામને શૈતાની ધાર્મિક વિધિઓ સાથે જોડવામાં આવે છે. આ ઘટનાએ ટેનેસીના નોક્સવિલમાં ભારે મીડિયા ચર્ચા જગાવી હતી.

પાઇકે આરોપ મૂક્યો હતો કે કોલિને તેનું અપમાન કર્યું હતું અને તેનો બૉયફ્રેન્ડ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. શિબિરમાં રહેતા અન્ય બે લોકોએ પાછળથી જુબાની આપી હતી કે પાઇકે હત્યા પહેલાં અને પછી તેના વિશે બડાઈ હાંકી હતી અને કોલિનની ખોપરીનો એક ટુકડો પણ તેમને બતાવ્યો હતો.

એક વર્ષ પછી પાઇકને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી. તે સમયે 17 વર્ષના શિપને પેરોલની શક્યતા સાથે આજીવન કેદની સજા થઈ હતી.

વર્ષો સુધી કરેલી અપીલો નિષ્ફળ ગયા પછી હવે પાઇકને બુધવારે ફાંસી આપવાનું નક્કી થયું છે. જો ફાંસી આપવામાં આવશે, તો 200થી વધુ વર્ષમાં ટેનેસીમાં ફાંસી આપવામાં આવતી હોય એવી તે પ્રથમ મહિલા હશે. 1970ના દાયકાથી અત્યાર સુધી અમેરિકામાં માત્ર 18 મહિલાને ફાંસી આપવામાં આવી છે, જ્યારે પુરુષોની સંખ્યા 1,663 છે.

કોલિનનાં માતાએ કહ્યું છે કે પોતે ઇચ્છે છે કે પાઇકને ફાંસી આપવામાં આવે, જેથી તેની દીકરીને “છેવટે શાંતિ મળે.”

કોલિન સ્લેમરની તસવીર. તસવીર કદાચ ફોટોગ્રાફી સ્ટુડિયોમાં બૅકગ્રાઉન્ડ સામે લેવામાં આવી છે. તેણે નારંગી અને સફેદ પટ્ટાવાળું સ્વેટશર્ટ અને સોનાની લટકતી બુટ્ટીઓ પહેરી છે. તે કેમેરા સામે હસી રહી છે. તેના વાળ લાલાશ પડતા ભૂખરા છે અને આગળની તરફ વાળની લટ છે.

પરંતુ પાઇકના વકીલોને હજી પણ એવી આશા છે કે છેલ્લી ઘડીએ તેની ફાંસી અટકાવી શકાશે. તેમણે 226 પાનાંની દયાની અરજી કરી છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર નિષ્ણાતોએ પણ ફાંસી રોકવાની માગ કરી છે.

પાઇકના બાળપણમાં જાતીય શોષણ, ત્યજી દેવાવું અને ઉપેક્ષા થઈ હોવાનો દસ્તાવેજી રેકૉર્ડ છે. તેના વકીલોનું માનવું છે કે આજે કિશોરાવસ્થામાં તેણે આવો જ અપરાધ કર્યો હોત અને તે માટે દોષિત ઠરી હોત, તો તેને મૃત્યુદંડની સજા ન થઈ હોત.

તેને સજા સંભળાવાઈ ત્યારથી વીતેલાં વર્ષોમાં તેના બચાવ પક્ષના વકીલોએ તેના બાળપણ વિશે એવી વિગતો શોધી કાઢી છે, જે તેમના કહેવા પ્રમાણે જ્યૂરી સમક્ષ ક્યારેય રજૂ થઈ શકી નહોતી.

કોર્નેલ લૉ સ્કૂલમાં જાતિ અને મૃત્યુદંડના નિષ્ણાત તરીકે કામ કરતાં અને પાઈકના બચાવમાં જોડાયેલાં સાન્ડ્રા બેબકોક કહે છે, “આશ્ચર્યની વાત છે કે તેમને તેના જાતીય શોષણ અને બળાત્કારના ઇતિહાસની જાણ હોવા છતાં તેમણે એમાંથી એક પણ વાત રજૂ કરી નહીં.”

તેઓ કહે છે, “તેનો કેસ અનેક કારણસર અત્યંત ગંભીર છે. એક તરફ તેના પર થયેલા જાતીય શોષણનો લગભગ અકલ્પનીય ઇતિહાસ છે, અને બીજી તરફ તેની નાની ઉંમર તથા માનસિક બીમારી—આ બધું એકસાથે જોવું પડે છે.”

નાની ઉંમરની ક્રિસ્ટા પાઈકની તસવીર. તેના વાળ ટૂંકા, વાંકડિયા ભૂખરા છે અને તેણે લાલ રંગનું સ્વેટર પહેર્યું છે. પાછળ સફેદ વાહનનો એક ભાગ દેખાય છે.

1995માં પાઇકના બચાવ પક્ષે ફૉરેન્સિક મનોવિજ્ઞાની ડૉ. ડાયના મેકકૉયની સેવા લીધી હતી. તેમણે તપાસમાં જણાવ્યું હતું કે પાઇકનાં માતાપિતાએ તેની ભારે ઉપેક્ષા કરી હતી.

મેકકૉયના અહેવાલ મુજબ, તેનાં માતાના અનેક પતિઓ અને બૉયફ્રેન્ડ્સે પાઇકનું શારીરિક અને જાતીય શોષણ કર્યું હતું. તેના પર અનેક વખત બળાત્કાર પણ થયો હતો. એક વખત તે 11 વર્ષની હતી ત્યારે અને બીજી વખત 17 વર્ષની હતી ત્યારે. પાછળથી જાણવા મળ્યું કે નાની બાળકી હતી ત્યારે પણ તેની દાદીના બૉયફ્રેન્ડે તેના પર વારંવાર બળાત્કાર કર્યો હતો. મેકકૉયે જણાવ્યું હતું કે પાઇકનાં માતાને વિશ્વાસ જ નહોતો કે તેની દીકરી સાથે આવું થયું હતું.

પરંતુ પાઇકની ટ્રાયલ દરમિયાન તેના વકીલે મેકકૉયને સાક્ષી તરીકે રજૂ કર્યા નહોતા. તેમણે મેકકૉયે સૂચવેલા અનેક સાક્ષીઓને પણ બોલાવ્યા નહોતા. એક દાયકા કરતાં વધુ સમય પછી તેના કેસની સમીક્ષા માટે યોજાયેલી કોર્ટની સુનવણીમાં આ વિગતો બહાર આવી. ત્યારે નવા વકીલોએ દલીલ કરી હતી કે અગાઉના વકીલે પાઇકનો યોગ્ય રીતે બચાવ કર્યો નહોતો. જોકે, ન્યાયાધીશે આ દલીલ ફગાવી દીધી હતી.

2021માં જેલમાં પાઇકને બાયપોલર ડિસઑર્ડર હોવાનું નિદાન થયું હતું. ત્યારથી તેને તેની દવા આપવામાં આવી રહી છે.

ત્યાર પછી પાઇકના બચાવ પક્ષે કામ કરતા અન્ય ફૉરેન્સિક મનોવિજ્ઞાની ડૉ. બેથેની બ્રાન્ડે 2023માં તેનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પાઇકનો કેસ અત્યંત અસામાન્ય હતો, કારણ કે જે લોકો તેની રક્ષા કરવાની જવાબદારી ધરાવતા હતા એવા અનેક લોકોએ જ તેનું શોષણ કર્યું હતું.

તેઓ કહે છે, “તેનું બાળપણ શારીરિક, જાતીય અને ભાવનાત્મક શોષણથી ભરેલું હતું. તે શાળાએ જવાની ઉંમરે પહોંચે એ પહેલાંથી જ અનેક પુરુષોએ તેની સાથે જાતીય શોષણ કર્યું હતું.”

બ્રાન્ડના જણાવ્યા મુજબ, બાયપોલર ડિસઓર્ડરને કારણે પાઇકને સારવાર વિના મેનિયાના હુમલા આવતા હતા અને તેને પીટીએસડીની પણ સારવાર મળી નહોતી. તેઓ કહે છે, બ્રાન્ડના જણાવ્યા મુજબ, આ બંને સ્થિતિને કારણે પાઇકને તે છોકરીથી વધારે ખતરો લાગતો હતો અને આવી પરિસ્થિતિમાં પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો તેના માટે મુશ્કેલ બનતો હતો.

બેબકોક વધુમાં કહે છે, “તેને ફાંસી આપી દેવામાં આવે, તો તે આપણને એ જ બતાવે છે કે આ દેશમાં મૃત્યુદંડની વ્યવસ્થા માત્ર મજાક બની ગઈ છે. તે સૌથી ગંભીર અપરાધ કરનારા લોકો માટે નથી. તે એવા લોકો માટે છે જેમને કોર્ટમાં સૌથી નબળી કાનૂની મદદ મળી હોય અને જેઓ સૌથી વધુ નુકસાનનો ભોગ બન્યા હોય તથા સૌથી વધુ અસહાય હોય.”

‘તેણે કરેલા અપરાધની સજા મળવી જોઈએ’

કોર્ટના દસ્તાવેજો અનુસાર, કિશોરાવસ્થાની તસવીરમાં દેખાતી પાઈકે જાન્યુઆરી 1995માં સ્લેમરની હત્યા કરી હતી. તે પહેલાં તેણે એક મિત્રને કહ્યું હતું કે “એ દિવસે મને બસ ગુસ્સો આવી રહ્યો હતો.”

ગયા વર્ષે ટેનેસીની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે પાઇક પોતાની સજા હળવી કરવા માટે પૂરતાં કારણો રજૂ કરી શકી નથી. તેની તમામ અપીલોનો માર્ગ હવે પૂરો થઈ ગયો હતો અને તેની ફાંસી માટે તારીખ નક્કી કરવામાં આવી હતી.

આ પહેલાં ફેડરલ અપીલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે પાઇકના ટ્રાયલ દરમિયાન તેનાં માતા, પિતા અને માસીએ આપેલી જુબાનીમાં તેના મુશ્કેલ બાળપણ વિશેની વિગતો જ્યૂરી સમક્ષ પહેલેથી જ આવી ગઈ હતી.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે બાયપોલર ડિસઑર્ડર, પીટીએસડી અને મગજને થયેલા નુકસાન અંગેના નવા પુરાવાઓમાં જ્યૂરી સમક્ષ રજૂ થયેલી વાતોનું “મોટા ભાગે પુનરાવર્તન” જ હતું અને તેનાથી ચુકાદો બદલાયો ન હોત.

આ વિવાદમાં હત્યાના જાણીતા કેસ લિસા મૉન્ટગોમેરીના કેસ સાથે કેટલીક સમાનતા છે. તેના વકીલોએ પણ દલીલ કરી હતી કે તે માનસિક બીમારીથી પીડાતી હતી, શોષણનો ભોગ બની હતી અને તેની સજા હળવી કરવી જોઈએ.

ટેનેસીના ગવર્નર બિલ લીએ તેને સજામાફી નહીં આપે, તો પાઇકને 30 સપ્ટેમ્બરે ફાંસી આપવામાં આવશે. આ અંગેનો નિર્ણય છેલ્લી ઘડી સુધી આવી શકે છે. લીએ અગાઉ મૃત્યુદંડના કોઈ કેસમાં સજામાફી આપી નથી.

આ અઠવાડિયે ટેનેસીની સુપ્રીમ કોર્ટે પાઇકની ફાંસી રોકવાની માગ પણ ફગાવી દીધી હતી. તેના વકીલોનું કહેવું છે કે તેઓ હવે આગળ શું કાનૂની પગલાં લઈ શકાય તેની ચર્ચા કરી રહ્યા છે.

ફાંસીના દિવસે પાઇકે માત્ર મહિલાઓની બનેલી ટીમ રાખવાની માગ કરી છે. તેનું કહેવું છે કે પુરુષોના જૂથ દ્વારા તેને પકડી રાખવામાં આવશે તો તેના જૂના આઘાતની અસર વધુ ગંભીર બની શકે છે. ટેનેસી સરકારે કહ્યું છે કે પાઇકને મહિલા ગાર્ડ્સ જેલમાંથી ફાંસીની જગ્યાએ લઈ જાય એવો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ તેની કોઈ ખાતરી આપી નથી.

કોલિનનાં માતા મે માર્ટિનેઝ ક્રિસ્ટા પાઇકને ફાંસી આપવાના પક્ષમાં છે.

2021માં નોક્સવિલના ટીવી સ્ટેશન ડબલ્યુબીઆઇઆર સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “તેણે અપરાધ કર્યો છે. મને લાગે છે કે તેણે તેની સજા ભોગવવી જોઈએ.” આ અઠવાડિયે બીબીસી સાથે વાત કરતાં પણ તેમણે કહ્યું હતું કે તેઓ હજી પણ પોતાના અગાઉના નિવેદન પર અડગ છે.

માર્ટિનેઝે ડબલ્યુબીઆઇઆરને કહ્યું હતું કે પાઇકને મૃત્યુ પહેલાં વેદના સહન કરવી જોઈએ. “કોલિને જે પીડા સહન કરી હતી, એવી જ પીડા તેને પણ થાય તો મને સારું લાગે.”

મે માર્ટિનેઝ પોતાની દીકરી કોલિન સ્લેમરની હત્યાના કેસમાં સજા થયા પછી રાહત મેળવવા માટેની સુનવણી દરમિયાન નોક્સ કાઉન્ટી કોર્ટરૂમની બહાર નોક્સવિલ પોલીસ વિભાગના નિવૃત્ત ડિટેક્ટિવ રૅન્ડી યોર્ક સાથે બેઠાં છે. 27 ફેબ્રુઆરી, 2006.

તેઓ વધુમાં કહે છે, “મારું હૃદય રોજેરોજ તૂટી જાય છે, કારણ કે હું એ બધું વારંવાર યાદ કરતી રહું છું. હવે મારાથી એ સહન થતું નથી. હું મરું એ પહેલાં આ બધું પૂરું થાય એમ ઇચ્છું છું.”

“એક પણ દિવસ એવો જતો નથી જ્યારે મને કોલિન કે તેનું મૃત્યુ અને તેણે સહન કરેલી પીડા યાદ ન આવે. હું બસ ક્રિસ્ટાને ફાંસી અપાય એમ ઇચ્છું છું, જેથી આ બધું પૂરું કરી શકું અને મારી દીકરીને પણ આખરે શાંતિ મળે.”

પીડિતોના અધિકારો માટે કામ કરતા જસ્ટિસ કોઅલિશન નામના સંગઠને માર્ટિનેઝ ફાંસી જોવા ટેનેસી જઈ શકે તે માટે નાણાં એકઠાં કર્યાં છે.

સંગઠનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રૉબર્ટ બ્રેસવેલે કહ્યું કે પાઇકને આપવામાં આવેલી સજા પાઇક જેવા સામાન્ય નાગરિકોની બનેલી જ્યૂરીએ નક્કી કરી હતી અને કોલિનનો પરિવાર પણ આ જ સજા ઇચ્છે છે.

તેઓ કહે છે, “30 સપ્ટેમ્બરે તેને ફાંસી આપવામાં આવે એવી પરિવારની માગને અમારું સંપૂર્ણ સમર્થન છે.”

એશ્લી સેલર્સ બે વિરોધાભાસી લાગતી માન્યતા વચ્ચે અટવાયેલી છે. એક તરફ, કોલિનનાં માતાને પોતાની દીકરીને ન્યાય મળ્યો હોવાનું માનવાનો પૂરો અધિકાર છે. બીજી તરફ, તેમની મિત્ર ક્રિસ્ટા સહિત દરેક વ્યક્તિને પોતાનું જીવન સુધારવાની તક મળવી જોઈએ.

સેલર્સ કહે છે, “ટીવી પર દેખાતી વ્યક્તિ અને કોલિન સાથે બનેલી એ ભયાનક ઘટના- આ બંનેને સાથે સમજવાનો પ્રયાસ કરું ત્યારે મને એક જ વાત સમજાય છે: માનસિક સ્વાસ્થ્ય અને આઘાત. વ્યક્તિ પાસે પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી સાધનો ન હોય ત્યારે તે જે રીતે બનેલી ઘટનાને અનુભવે છે અને તેની સાથે જે રીતે કામ પાર પાડે છે, તે મહત્ત્વનું છે.”

“નાની ઉંમરે બનેલી આવી ભયાનક ઘટનાઓના આઘાત વ્યક્તિની અંદર જ રહે છે. પછી એ આઘાત વ્યક્તિના વર્તનમાં બહાર આવે છે અને ક્યારેક તે બીજાને નુકસાન પહોંચાડે છે.”

સેલર્સની પાઇક સાથે મુલાકાત જેલમાં થઈ હતી. તે સમયે સેલર્સને લૂંટ અને હત્યામાં સંડોવણી બદલ 25 વર્ષની સજા થઈ હતી. બંને હાઈ-સિક્યૉરિટી જેલના એકમમાં પોતાના દરવાજાના ભોજન માટેના નાના ખુલ્લા ભાગમાંથી એકબીજા સાથે વાત કરતાં હતાં. હવે સેલર્સ ન્યાયવ્યવસ્થામાં સુધારા અને ગુનાના ભોગ બનેલા લોકો માટે કામ કરે છે.

તેઓ કહે છે, “લોકો એ જાણવા માગે છે કે દરેક વ્યક્તિનું જીવન મહત્ત્વનું છે, ખરું ને? તેઓ એ પણ જાણવા માગે છે કે કોલિનનું જીવન મહત્ત્વનું હતું.”

“આ ક્ષણે ક્રિસ્ટા જીવવા માટે કરતાં પોતાનું જીવન પણ મહત્ત્વનું હતું એ સાબિત કરવા માટે વધુ લડી રહી છે, એવું મને લાગે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS