Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે જલદી ભારત અને અમેરિકા વચ્ચે એક વેપાર કરાર થશે.
ટ્રેડ ડીલ અંગે તેમણે કહ્યું, “અમે એક કરાર સુધી પહોંચી જઈશું, કેમ કે મને વડા પ્રધાન (નરેન્દ્ર મોદી) બહુ પસંદ છે. તેઓ મારા સારા મિત્ર છે અને અમારે ઘણું બને છે. અમારા સંબંધો બહુ સારા છે.”
જોકે ફરી ટ્રમ્પે કહ્યું કે “ભારતે અમેરિકા પર બહુ વધારે ટેરિફ લાદ્યો અને તેના બદલામાં અમેરિકાને કશું મળ્યું નથી.”
વ્હાઇટ હાઉસમાં પત્રકારોને તેમણે કહ્યું કે “વર્ષો સુધી ભારતે અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો… તેમણે અમારી પર બહુ મોટો ટેરિફ નાખ્યો અને બદલામાં કશું ન આપ્યું. હવે સ્થિતિ સાવ વિપરીત છે. અમે ભારત પાસેથી બહુ પૈસા કમાઈએ છીએ.”
ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચે ઘણા લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી જાહેરાત થઈ નથી.
લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપનું નિધન
ઇમેજ સ્રોત, @VPIndia
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના પૂર્વ મહાસચિવ અને બંધારણીય નિષ્ણાત સુભાષ કશ્યપના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “ડૉક્ટર સુભાષ સી કશ્યપના નિધનથી બહુ દુખ થયું, જેમણે લોકસભામાં મહાસચિવ તરીકે કામ કર્યું હતું. તેઓ ભારતના અગ્રણી બંધારણીય નિષ્ણાતોના એક હતા, જેમનું સંસદીય અને બંધારણીય વિમર્શમાં યોગદાન આપણા સમાજને સમૃદ્ધ કરનારું રહ્યું.”
સુભાષ કશ્યપના નિધન પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સમેત અનેક નેતાઓએ પણ શોક પ્રગટ કર્યો છે.
97 વર્ષીય સુભાષ કશ્યપ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. તેઓ ભારતીય બંધારણના નિષ્ણાત તરીકે જાણીતા હતા. તેમણે આના પર પુસ્તક પણ લખ્યું છે.
સુભાષ કશ્યપ લોકસભાના સાતમા, આઠમા અને નવમા કાર્યકાળ દરમિયાન મહાસચિવ હતા.
તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી ‘વન નેશન વન ઇલેક્શન’ની સંભાવના પર વિચાર કરવા બનાવેલી ઉચ્ચસ્તરીય સમિતિના સભ્ય પણ હતા.
વડા પ્રધાન મોદી આજે સુરતના પ્રવાસે
ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન, 2026 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતના સુરતની મુલાકાતે આવશે.
ગુજરાત માહિતી ખાતાની પ્રેસ રિલીઝ અનુસાર, આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત વિસ્તારને રૂપિયા 18,777 કરોડનાં વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.
વડા પ્રધાન સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ 24 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
વડા પ્રધાન મોદી નૅશનલ હાઈવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ) હેઠળ રૂપિયા 7689 કરોડના ખર્ચે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે (પૅકેજ વીઆઇ અને વીઆઇઆઇ)નું લોકાર્પણ પણ કરશે.
આ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







