Source : BBC NEWS
ઇમેજ સ્રોત, facebook
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હજુ વાર છે, જોકે તાજેતરમાં એક એવી ચૂંટણી યોજાઈ, જેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, બાબેન (બારડોલી)ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કિસાન પરિવર્તન પૅનલનો જંગી મતોથી વિજય થયો છે.
આ ચૂંટણીમાં સહકાર પૅનલ અને કિસાન પરિવર્તન પૅનલ વચ્ચે જંગ હતો અને 14 ઉમેદવારો મેદાનમાં હતા.
જોકે આ ચૂંટણીમાં વર્તમાન સત્તાધીશો સાથે સંકળાયેલા ઉમેદવાર સામે નવા નેતૃત્વનો વિજય થયો છે. એટલે કે 14માંથી 14 ઉમેદવાર પરિવર્તન પૅનલના ચૂંટાયા છે.
આ ચૂંટણીમાં અનિલભાઈ પરસોત્તમભાઈ પટેલ બિનહરીફ (સહકાર પૅનલ) ચૂંટાયા છે.
ગુજરાતમાં યોજનારી વિધાનસભા ચૂંટણી માટે આ પરિણામ ચોંકાવનાર માનવામાં આવે છે, કેમ કે બારડોલીના વર્તમાન ધારાસભ્ય ઈશ્વર પરમારની પણ આ ચૂંટણીમાં હાર થઈ થઈ છે.
કિસાન પરિવર્તન પૅનલના મુખ્ય આગેવાન અને વિજેતા ઉમેદવાર મુકેશચંદ્ર નગીનભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે “આ ચૂંટણીમાં પરિવર્તન પાર્ટીના 14માંથી 14 ઉમેદવાર જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે.”
તેમનું કહેવું હતું કે “10 વર્ષથી સભાસદોનો આક્રોશ હતો અને તેમણે હવે પરિવર્તન પૅનલ પર ભરોસો મૂક્યો છે.”
રાજકીય નિષ્ણાતો આ પરિણામોને આવનારી ચૂંટણી માટે મહત્ત્વનાં અને પરિવર્તનકારી ગણાવી રહ્યા છે.
બારડોલી શુગર મિલની ચૂંટણીમાં શું થયું હતું?
ઇમેજ સ્રોત, Rupesh sonavane-bbc
બાબેન-બારડોલી ખાતે આવેલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી સહકારી મંડળી છે.
સહકારી ક્ષેત્રની વેબસાઇટ પર આવેલી માહિતી અનુસાર, બાબેન-બારડોલી ખાતે આવેલી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ 1955માં ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં શરૂ થયેલી પ્રથમ ખાંડ ફૅક્ટરી છે.
આ એશિયાની સૌથી મોટી સહકારી ખાંડ ફૅક્ટરી છે. આ સોસાયટીની શરૂઆત 850 ટીસીડી (ટન પ્રતિ દિવસ) શેરડી પિલાણથી કરવામાં આવી હતી અને હાલમાં પ્લાન્ટની ક્ષમતા 10,000 ટીસીડી છે.
ઇમેજ સ્રોત, Kisan Parivartan Panel/fb
આ સહકારી મંડળીમાં કુલ 5691 સભાસદો છે અને તાજેતરની ચૂંટણીમાં 43 ટકા જેટલું મતદાન થયું હતું.
આ ચૂંટણીમાં સહકાર પૅનલ તરફથી બારડોલીના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કૅબિનેટ મંત્રી ઈશ્વર પરમાર પણ મેદાનમાં હતા. તેમની સામે કિસાન પરિવર્તન પૅનલમાંથી તરુણકુમાર જગુભાઈ વાઘેલાની જીત થઈ છે. ઈશ્વર પરમાર 2012, 2017માં પણ ધારાસભ્ય હતા.
આ ચૂંટણીમાં ભાવેશ પટેલની પણ હાર થઈ છે. ભાવેશ પટેલ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે સહકાર પૅનલ સામે પરિવર્તન પૅનલના ઉમેદવારોની જીતનું માર્જીન પણ મોટું હતું. મોટા ભાગના ઉમેદવારો 1000થી વધુ મતો મેળવ્યા છે.
પરિવર્તન પૅનલ સામે સહકાર પૅનલની હાર કેમ થઈ?

સહકાર પૅનલમાં જે ઉમેદવારો હતા એમાંથી ઘણા સત્તાધારી પક્ષ ભાજપ સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા માનવામાં આવે છે.
સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક બીબીસી સાથે વાત કરતા કહે છે, “પરિવર્તન પૅનલનું જીતવાનું કારણ એક જ છે કે ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપે છે, એના કારણે સહકારી ક્ષેત્ર એક ‘રાજકીય અડ્ડો’ બની ગઈ છે. સહકારી ક્ષેત્રોનાં જે મૂલ્યો છે, એનું ફંડ છે એનો આ લોકો દુરુપયોગ કરે છે. એના કારણે સભાસદો છેલ્લા ઘણા સમયથી આ નીતિ સામે નારાજ હતા.”
“ખેડૂતોના અનેક પ્રશ્નો પણ હતા. આ લોકો સહકારી ક્ષેત્રમાં ખેડૂતોના પ્રતિનિધિ બને, પણ ખેડૂતોને કોઈ સહકાર આપતા નહોતા, આથી ખેડૂતો પણ નારાજ હતા.”
બારડોલીના ભાજપના વર્તમાન ધારાસભ્ય ઈશ્વર પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે “સત્તાધારી પક્ષ સામે ખેડૂતોની નારાજગી એટલે હતી કે ખેડૂતોને શેરડીના સંતોષકારક ભાવ નહોતા મળતા, ખેતીમાં ઉતારો ઓછો આવતો હતો, આથી તેમને પરવડે તેમ નહોતું.”
પરિવર્તન પૅનલમાંથી એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે સહકારી ક્ષેત્રમાં રાજકીય માણસોની શી જરૂર છે.
તેના જવાબમાં ઈશ્વર પરમાર કહે છે કે સંસ્થાના પૂર્વ પ્રમુખો પણ રાજકારણ સાથે સંકળાયેલા હતા.
સહકારી ક્ષેત્રમાં રાજકારણ અંગે તેમણે કહ્યું કે “બારડોલી શુગર ફૅક્ટરીના પ્રમુખ (1984થી 1989) ઈશ્વરભાઈ પટેલ જનસંઘ અને ભાજપ સાથે સંકળાયેલા હતા. એ પછીના પ્રમુખ રમણલાલ સુખાભાઈ પટેલ જનતા દળ અને બાદમાં કૉંગ્રેસ સાથે સંકળાયેલા હતા. અગાઉ સ્થાપક ડૉ. મૅનેજિંગ ડાયરેક્ટર ડૉ. દયારામભાઈ પટેલ પણ સંસ્થા કૉંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલા અને હારી ગયેલા. “
તેમણે વધુમાં કહ્યું કે “કોઈ સંસ્થાને કંઈ પણ જરૂર હોય તો સત્તાધારી પાર્ટીની જરૂર તો પડતી હોય છે.”
બારડોલી સહકારી ચૂંટણીનાં પરિણામો કેટલાં મહત્ત્વનાં?
ઇમેજ સ્રોત, Rupesh sonavane-bbc
દક્ષિણ ગુજરાતના રાજકારણ અને સહકારી ક્ષેત્રને નજીકથી સમજનારા રાજકીય વિશ્લેષક નરેશ વરિયા માને છે કે સહકાર પૅનલનું હારનું સૌથી મોટું કારણ ભાજપની મેન્ડેટ પ્રથા છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે “એક સમય એવો હતો કે આ બધાં સહકારી ક્ષેત્રો પર કૉંગ્રેસની મજબૂત પકડ હતી. પણ તેનું રાજનીતિકરણ નહોતું થયું. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના તત્કાલીન શાસનકાળથી સહકારી ક્ષેત્રોમાં ભારતીય જનતા પાર્ટીએ પકડ જમાવવાનું શરૂ કર્યું.”
“એટલે હવે દક્ષિણ ગુજરાતની તમામ સહકારી ક્ષેત્રોમાં એક પ્રકારે ભાજપનું શાસન છે એવું કહી શકાય.”
તેઓ કહે છે, “ભાજપમાં કેન્દ્રીકૃત વ્યવસ્થા વધારે હાવી થાય છે. એટલે સી.આર. પાટીલ આવ્યા પછી મેન્ડેટ પ્રથા શરૂ થઈ. આ લોકો (સહકાર પૅનલ) જે હારી ગયા એનું સૌથી મોટું કારણ એ મેન્ડેટ પ્રથા છે.”
તેઓ વધુમાં કહે છે કે દક્ષિણ ગુજરાતમાં સહકારી મંડળીઓની (ડેરીઓ સિવાય) બહુ મોટી ભૂમિકા છે. દક્ષિણ ગુજરાતમાં જે સમૃદ્ધિ આવી એની પાછળ સૌથી મોટું કારણ આ શુગર મિલો છે. તેણે લોકોને આર્થિક અને સામાજિક મજબૂતાઈ આપી છે.
સહકાર પૅનલની હાર અંગે તેઓ કહે છે, “ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવો નહોતા મળતા, બીજી પણ સમસ્યાઓ હતી. હમણાં સરકારે સહકારી મંડળીઓ પર ઇન્કમ ટૅક્સનો પ્રશ્ન હતો, એનું નિવારણ કર્યું હતું, જે સાત-આઠ વર્ષથી લટકતો હતો.”
તેઓ કહે છે, “રાજકારણથી નુકસાન થતું હતું તેવું ત્યાંનો સભાસદ પણ માનતો હતો. બારડોલીમાં જે થયું એમાં એની (સહકાર પૅનલ) સામે રોષ હતો. આથી આ લોકોએ કિસાન પરિવર્તન પૅનલ બનાવી અને લોકો તેમને ચૂંટી લાવ્યા.”
‘ભાજપનો આંતરિક’ વિખવાદ હારનું કારણ બન્યો?
ઇમેજ સ્રોત, Rupesh sonavane-bbc
રાજકીય વિશ્લેષક નરેશ વરિયા કહે છે કે “આ હારમાં ભાજપનું આંતરિક રાજકારણ અને વિખવાદ પણ સપાટી પર આવ્યો છે. ઘણા ભાજપના નેતાઓએ આમાં ભૂમિકા ભજવી છે.”
તેઓ કહે છે, “ખેડૂતોમાં એક પ્રકારનો અસંતોષ હતો. ચૂંટણી પછીનો માહોલ જે હતો, એમાં અસંતોષ સ્પષ્ટ જોવા મળતો હતો.”
“સહકાર પૅનલમાં મોટા ભાગના ઉમેદવારો ભાજપના સંગઠન સહિત અનેક ક્ષેત્રોમાં સંકળાયેલા હતા. ઉમેદવારોની પસંદગી પણ ભાજપના પક્ષમાં નક્કી થઈ હતી.”
તેઓ કહે છે કે આ ચૂંટણીનાં પરિણામોની આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ અસર પડી શકે છે. તો ઈશ્વર પરમારનું માનવું છે કે આ ચૂંટણીની આગામી ચૂંટણીમાં કોઈ અસર થઈ શકે તેમ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




