Home તાજા સમાચાર gujrati અદાણી ગ્રૂપ પરના લેખ મામલે વિવાદ : દિલ્હીમાં પત્રકાર રવિ નાયરના ઘરે...

અદાણી ગ્રૂપ પરના લેખ મામલે વિવાદ : દિલ્હીમાં પત્રકાર રવિ નાયરના ઘરે ગુજરાત પોલીસના દરોડા, શું છે સમગ્ર મામલો

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty/@t_d_h_nair

ગુજરાત પોલીસની ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે દિલ્હી પોલીસ સાથે મળીને 17 ઑગસ્ટ, 2026ના રોજ સ્વતંત્ર પત્રકાર રવિ નાયરના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો.

‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’માં અદાણી ગ્રૂપ અંગેનો તેમનો એક અહેવાલ પ્રકાશિત થયો હતો, જેના તેઓ સહલેખક હતા.

આ અહેવાલને લઈને તેમણે એક ટ્વીટ કર્યું હતું અને એ ટ્વીટના મામલે રવિ નાયર વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી. આ દરોડો એફ.આઈ.આર.ના સંદર્ભે પાડવામાં આવ્યો હતો.

કેરળમાં આવેલા તેમના નિવાસસ્થાને પણ આ જ સમયે દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદની ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બી.બી.સી.ને જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર, કેસની તપાસ માટે કેટલાંક ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં છે.

ગુજરાત હાઈકોર્ટે પત્રકાર રવિ નાયર વિરુદ્ધ અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડની ફરિયાદના આધારે નોંધાયેલી છેતરપિંડીની એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો છે.

આ ફરિયાદ ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’માં પ્રકાશિત એક લેખને લઈને કરવામાં આવી હતી. આ લેખમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર એલ.આઈ.સી.એ અદાણી ગ્રૂપમાં રોકાણ કર્યું હતું.

અધિકારીએ પુષ્ટિ કરી હતી કે પોલીસની ટીમ નાયરના ઘરે ગઈ હતી.

દિલ્હી પોલીસની મદદથી તેમણે નાયર વિરુદ્ધ ડી.સી.બી.માં નોંધાયેલી એફ.આઈ.આર.ના સંદર્ભે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યાં હતાં.

જો કે, પોલીસે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને દરોડો પાડ્યો ત્યારે નાયર ત્યાં હાજર ન હતા. તેમના 25 વર્ષના પુત્ર અને તેમના એક સહકર્મી સચી હેગડે ત્યાં ઉપસ્થિત હતાં.

બીબીસી સાથે વાત કરતાં હેગડેએ કહ્યું, “હું તેમની સાથે સ્વતંત્ર પત્રકાર તરીકે કામ કરું છું. પોલીસ નાયરના ઘરે આવી ત્યારે હું ત્યાં જ હતી. તેમણે ઘરની તલાશી લીધી, કબાટો તપાસ્યાં, લેપટોપ લઈ ગયાં. તેમણે મારું અને તેમના 25 વર્ષના પુત્રનું લેપટોપ પણ લઈ લીધું.”

હેગડેએ પોલીસને જણાવ્યું કે કોઈ પણ એફ.આઈ.આર.માં તેમનાં નામ નથી, તો પછી પોલીસ તેમની ચીજવસ્તુઓને કેવી રીતે જપ્ત કરી શકે? “અમને અમારા વકીલ સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સત્તાવાર કાગળોમાં અમે એ પણ લખ્યું હતું કે અમને અમારી વસ્તુઓ આપવા માટે મજબૂર કરવામાં આવ્યાં છે.”

તેમણે એમ પણ કહ્યું કે ઉપકરણો જપ્ત કરતી વખતે તેમની હેશ વૅલ્યુ (ડીજીટલ ઓળખ) મેળવવા માટે અનેક વખત પ્રયાસ કરવા છતાં તેમને એ આપવામાં આવી નહોતી.

ડી.સી.બી.ના અધિકારીએ કહ્યું, “અમે નિયમો અનુસાર કાર્યવાહી કરી છે અને કેસ વિશે વધુ વિગતો જાણવા માટે ઉપકરણોને એફ.એસ.એલ.ની તપાસ માટે મોકલીશું.”

આ કેસ નાયરે ઑક્ટોબર, 2025માં એક્સ પર કરેલી એક પોસ્ટને સંબંધિત છે. આ પોસ્ટ તેમણે ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’માં સહલેખક તરીકે લખેલા એક અહેવાલ અંગે કરી હતી. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારે એલ.આઈ.સી.ને અદાણી ગ્રૂપમાં 3.9 અબજ ડૉલર સુધીનું રોકાણ કરવા માટે સૂચના આપી હતી.

પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ આ દરોડાને અત્યંત ચિંતાજનક ગણાવીને તેની ટીકા કરી હતી.

પી.સી.આઈ. દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું હતું, “હેશ વેલ્યુ વિના એ જાણવું અશક્ય છે કે જપ્ત કર્યા પછી કોઈ ઉપકરણ સાથે છેડછાડ કરવામાં આવી છે કે નહીં. જે ટ્વીટને લઈને કેસ નોંધાયો છે તેની સાથે નાયરના પુત્ર અને હેગડેનો કશો સંબંધ નથી.તેથી તેમનાં ઉપકરણો પણ લઈ જવામાં આવ્યાં એ સ્વીકારી શકાય નહીં.”

પી.સી.આઈ.નાં પ્રમુખ સંગીતા પિશારોટીએ સહી કરેલા આ નિવેદનમાં જણાવાયું હતું, “ઉલ્લેખનીય છે કે આ અહેવાલ ખોટો હોઈ શકે છે એવો આક્ષેપ કરતી એફ.આઈ.આર. અદાણી ગ્રૂપના એક કર્મચારીએ નોંધાવી હતી. તેમાં ફક્ત નાયરનું જ નામ છે—તેમના સહલેખકનું કે આંતરરાષ્ટ્રીય પ્રકાશનનું નહીં. સ્વતંત્ર પત્રકારને આ રીતે પરેશાન કરવા યોગ્ય નથી.”

અન્ય પત્રકારોએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. ‘ધ ન્યૂઝ મિનિટ’નાં એડિટર-ઇન-ચીફ ધન્યા રાજેન્દ્રને ટ્વીટ કરીને કહ્યું હતું, “અહેવાલ અંગેના એક ટ્વીટને લઈને ફરિયાદ કરવામાં આવી હતી-કદાચ આ રીતે ‘વૉશિંગ્ટન પોસ્ટ’ને એફ.આઈ.આર.માંથી બાકાત રાખવા માટે. સુનવણી દરમિયાન અદાણીના વકીલો અને રાજ્ય સરકારે દલીલ કરી હતી કે એલ.આઈ.સી. અંગેનો અહેવાલ કદાચ બનાવટી હોઈ શકે છે. એટલે કોર્ટે કહ્યું કે જરૂર પડે તો ઉપકરણો જપ્ત કરો!”

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

દરોડો પાડવાના સમય અંગે ટિપ્પણી કરતાં પી.સી.આઈ.એ કહ્યું, “આ દરોડા અને જપ્તી એવા સમયે થયાં છે, કે જ્યારે સરકારની જરા અમથી ટીકા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ મેટા પ્લૅટફૉર્મ્સ કોઈ ભેદભાવ વિના હટાવી રહ્યાં હોય એમ લાગે છે.”

“માહિતી પર આ રીતે અંકુશ મૂકવામાં આવી રહ્યો છે અને એ જ સમયે પોતાનું કામ કરી રહેલા પત્રકારો ભારે કિંમત ચૂકવવી પડે છે.”

“આ બધું ભારતમાં પ્રેસની સ્વતંત્રતાની દુઃખદ પરિસ્થિતિ દર્શાવે છે. પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા પોલીસ અને સરકારી એજન્સીઓને અપીલ કરે છે કે તેઓ એવી કાર્યવાહી બંધ કરે, કે જેનાથી સ્વતંત્ર ભારત જે સિદ્ધાંતો પર ઊભું થયું છે, એ જ સિદ્ધાંતો નબળા પડે.”

આ મહિનાની શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટે સ્વતંત્ર પત્રકાર રવિ નાયર વિરુદ્ધ કથિત છેતરપિંડીના કેસમાં નોંધાયેલી એફ.આઈ.આર.ને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

આ એફ.આઈ.આર. ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ના એક સમાચાર અહેવાલને લઈને નોંધવામાં આવી હતી.

અહેવાલમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ એલ.આઈ.સી.એ અદાણી ગ્રૂપમાં રોકાણ કર્યું હતું.

બીબીસી સાથે વાત કરતાં ગુજરાત હાઈકોર્ટના નાયરના વકીલ અર્જુન જોશીએ જણાવ્યું હતું કે 11 ઑગસ્ટ, 2026ના રોજ એફ.આઈ.આર. રદ કરવાની અરજી જસ્ટિસ એમ.જી. મેંગડેની કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી.

નાયરે અગાઉ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ પછી હાઈકોર્ટમાં જવાની છૂટ સાથે તેમણે કેસ પાછો ખેંચી લીધો હતો. નાયરે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે આ જ હકીકતોના આધારે બદનક્ષીની ફરિયાદ પહેલેથી જ પડતર હતી એ સંજોગોમાં હાલની એફ.આઈ.આર. કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે.

ફરિયાદમાં તપાસનો કશો આદેશ આપવામાં આવ્યો ન હોવાથી તેમને હેરાન કરવા માટે જ હાલની એફ.આઈ.આર. નોંધાવવામાં આવી હતી. જો કે, સરકારી વકીલે દલીલ કરી હતી કે રવિ નાયર તપાસમાં સહકાર આપી રહ્યા નથી.

બીબીસીએ અદાણી ગ્રૂપના કૉર્પોરેટ કમ્યુનિકેશન્સ વિભાગને ઈમેલ મોકલ્યો છે અને તેમના પ્રત્યુત્તરની રાહ જવાઈ રહી છે. જવાબ મળ્યા પછી આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.

રવિ નાયર કેસ શું છે?

લાઇવ લૉ’ના અહેવાલ અનુસાર, 24 ઑક્ટોબર, 2025ના રોજ ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’માં નાયરે લખેલો એક લેખ પ્રકાશિત થયો હતો. તેમાં તેમણે દાવો કર્યો હતો કે એલ.આઈ.સી.એ અદાણી ગ્રૂપમાં 3.9 અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું. આ દાવો તેમણે એલ.આઈ.સી. અથવા ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્શિયલ સર્વિસિસે જાહેર કરેલા કહેવાતા દસ્તાવેજોના આધારે કર્યો હતો.

લેખ પ્રકાશિત થયા પછી એલ.આઈ.સી.એ પોતાના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર સ્પષ્ટતા કરી હતી કે લેખમાં ઉલ્લેખ કરાયેલા દસ્તાવેજો નથી તેમણે જાહેર કર્યા નથી કે નથી એ તેમને મળ્યા. એલ.આઈ.સી.એ એમ પણ જણાવ્યું હતું કે આ રોકાણ કોઈ બાહ્ય દબાણ હેઠળ કરવામાં આવ્યું નહોતું. ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્શિયલ સર્વિસિસે પણ આવી જ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેમણે આવા કોઈ દસ્તાવેજો તૈયાર કર્યા જ નથી.

અદાણી પોર્ટ્સ ઍન્ડ સેઝ લિમિટેડે માનહાનિનો આક્ષેપ કરતાં ખાનગી ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી હાલની એફ.આઈ.આર. નોંધાવવામાં આવી હતી. તેમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 318(4) [છેતરપિંડી], 336(2), 336(4) [બનાવટ] અને 340(2) [બનાવટી દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકૉર્ડનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ] હેઠળના ગુનાઓના આક્ષેપ કરવામાં આવ્યા છે.

રવિ નાયરે અગાઉ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ પછી હાઈકોર્ટમાં જવાની છૂટ મળતાંની સાથે તેમણે કેસ પાછો ખેંચી લીધો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS