Home તાજા સમાચાર gujrati સુરેન્દ્રનગર: પતિએ જ આઠ લોકો સાથે મળી પત્નીનો ‘રેપ કરાવી વીડિયો વાઇરલ...

સુરેન્દ્રનગર: પતિએ જ આઠ લોકો સાથે મળી પત્નીનો ‘રેપ કરાવી વીડિયો વાઇરલ કર્યા’નો આરોપ, કેવી રીતે પકડાયા?

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

  • પ્રકાશિત

  • વાંચવાનો સમય: 4 મિનિટ

નોંધ: અહેવાલની કેટલીક વિગતો વાચકને વિચલિત કરી શકે છે.

દેશમાં થોડા દિવસ પહેલાં જ દિલ્હીમાં ‘મહિલાઓ સાથે ગેરવર્તન’ મુદ્દે જબરદસ્ત દેખાવો જોવા મળ્યા હતા, જોકે, આના અમુક દિવસ બાદ ગુજરાતમાંથી મહિલા સાથે ‘રેપ કરી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ’ કર્યાના સમાચાર સામે આવ્યા છે.

આ મામલામાં પોલીસે આપેલી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં એક મહિલા ‘પતિને મૂકી અન્ય પુરુષ સાથે જતી રહેતા’ પતિ સહિત તેના પરિવારજનોએ ‘મહિલાના શુદ્ધિકરણ’ના નામે તેમના પર ‘લોકો સામે રેપ કરાવડાવી અને પુરુષને પેશાબ પીવડાવી અપમાનિત’ કરાયાની ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસનું કહેવું છે કે, “આ કામના આરોપીઓએ મહિલા અને જે પુરુષ સાથે તેઓ જતાં રહ્યાં હતાં તેમની સાથે આ કૃત્ય આચરતી વખતે આખા બનાવની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરીને સમગ્ર કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર વહેતું કરી દીધું હતું.”

આ મામલામાં સુરેન્દ્રનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને મંગળવારે સર્વાઇવર મહિલાના પતિ અને બે અન્ય મહિલા સહિત કુલ નવ લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસનું કહેવું છે કે સર્વાઇવર મહિલા પરના ‘અત્યાચાર’નો વીડિયો સોશિયલ મીડિયા પર ધ્યાને પડ્યા બાદ સ્થાનિક પોલીસની ટીમે મહિલાને શોધીને ‘સુઓમોટો કાર્યવાહી’ કરી હતી.

સમગ્ર મામલામાં પોલીસે જાહેર કરેલી પ્રેસ નોટ પ્રમાણે, આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 70 (1), 115 (2), 127 (3), 142 (3) (5), તથા આઇટી ઍક્ટની કલમ 66 (ઈ) અને 67 (એ) મુજબ ગુનો દાખલ કર્યો છે.

શું હતો બનાવ?

બીબીસી ગુજરાતી

સમગ્ર મામલા અંગે બીબીસી ગુજરાતીના સુરેન્દ્રનગર ખાતેના સહયોગી સચીન પીઠવાએ જણાવ્યું હતું કે, “મહિલા પર અત્યાચારનો આ બનાવ ગત 4 ઑક્ટોબરે બન્યો હતો, બાદમાં પોલીસ પાસે આ વીડિયો આવતાં પોલીસે મંગળવારે આ કેસમાં બે મહિલા અને સર્વાઇવર મહિલાના પતિ સહિત કુલ નવ લોકોની ધરપકડ કરી હતી.”

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુએ પત્રકારો સાથેની વાતચીતમાં સમગ્ર બનાવ અંગેની વિગતો આપી હતી.

તેમણે કહ્યું, “આ બનાવમાં મહિલા પોતાના પતિને મૂકીને બીજા સાથે રહેવા લાગી હતી. મહિલાના પતિ, પોતાના ઘરના લોકો સાથે મળીને મહિલાને ઘરમાં તાળું મારીને બંધ રાખતા હતા. જે બાદ આ બહેન આ ગેરકાયદેસર કેદમાંથી બહાર નીકળી ગયાં.”

“પાછળથી આ કામના આરોપીઓએ આ બહેનનો પીછો કર્યો અને મહિલાને પકડીને દોરડા વડે ઝાડ અને અન્ય જગ્યાએ બાંધીને તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. આ સંબંધે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં તમામ આરોપી સુરેન્દ્રનગરનાં રહેવાસી છે.”

“આ આખા બનાવની આરોપીઓએ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવ્યો હતો.”

તેઓ આગળ કહે છે, “આ બનાવમાં મહિલાને બાંધીને, તે બીજા પુરુષ સાથે જતી રહી હોવાના કારણે ‘શુદ્ધિકરણ’ કરવાના નામે તમામ લોકો સામે, જે વ્યક્તિ સાથે આ મહિલા ગઈ હતી, આરોપીઓએ તે વ્યક્તિ પાસેથી આ મહિલા સાથે કુકર્મ કરાવવામાં આવ્યું. આ આખો બનાવ ખૂબ ખરાબ પ્રકારનો હતો.”

પોલીસે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં આરોપીઓ દ્વારા મહિલા અને તેની સાથે રહેલા પુરુષને આપવામાં આવેલા ત્રાસની વિગતોનું વર્ણન અહીં લખી શકાય તે પ્રકારનું નથી.

પોલીસ અધિકારી ડેલુએ બનાવની વિગતો આપતાં કહ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર એક મહિલા સાથે અશ્લીલ હરકત કરાતી હોવાનો, તેની સાથે ગેરકાયદેસરનાં કામ કરતા અને આસપાસ ઘણા બધા લોકો મજાક ઉડાડતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.”

“આ વીડિયો અમને મળતાં સુરેન્દ્રનગર ડિવિઝનનાં એએસપી વેદિકા બિહાણીના નેતૃત્વમાં સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝનની પોલીસે સાથે મળીને આ મહિલાને શોધવાનું કામ શરૂ કરાયું હતું.”

તેમણે વધુમાં જણાવ્યું, “નોંધનીય છે કે આ બનાવ મામલે મહિલાએ પોલીસને પહેલાં કોઈ જાણ નહોતી કરી, પોલીસને બહારથી સમાજના આગેવાનો તરફથી આ સમગ્ર બનાવની માહિતી મળી હતી, આ સૂચના આધારે અમે સંબંધિત વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી.”

“આ ફોટો અને વીડિયોને આધારે પોલીસ દ્વારા આ મહિલાને શોધવામાં આવી હતી. મહિલાને શોધ્યા બાદ પોલીસે આ મામલામાં ગુનો દાખલ કર્યો છે.”

બુધવારે એએસપી વેદિકા બિહાણીની આગેવાનીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું હતું.

જેમાં ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફ સાથે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતા, પોલીસે આ દરમિયાન આરોપીઓ પાસેથી ઘટનાક્રમ અંગે માહિતી મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

‘મહિલાની શુદ્ધિકરણની વિધિ’ શું હોય છે?

બીબીસી ગુજરાતી

જ્યાં આ બનાવ બન્યો ત્યાં સમાજસેવક તરીકે પાછલાં ઘણાં વર્ષોથી કામ કરતા હર્ષદભાઈ વ્યાસ કહે છે કે, “આ સમગ્ર બનાવ અતિપછાત કોમના એક પરિવારમાં બન્યો છે. આ લોકો જે વિસ્તારમાં રહે છે ત્યાં મેં ઘણાં વર્ષો સુધી કામ કર્યું છે.”

તેઓ કહે છે, “જે સમાજમાં આ બનાવ બન્યો છે, તેના કેટલાક લોકો લગ્ન બહાર સંબંધ, જેને સામાજિક માન્યતા ન મળી હોય એવા સંબંધો બાંધવાના કિસ્સામાં મહિલાને ‘શુદ્ધિકરણની વિધિ’માં ભાગ લેવા ફરજ પાડે છે.”

“આ વિધિમાં આવા આરોપનો સામનો કરતી મહિલાને સમાજના તમામ લોકો સામે પોતાની ‘ભૂલ’ કબૂલવા માટે ‘દૈવી કોપ’ અને ‘માતાજી’ની બીક બતાવવામાં આવે છે.”

“જો કોઈ મહિલા પોતે આવો કોઈ આક્ષેપ કબૂલે તો તેને આખું જીવન અન્ય પુરુષો હીણપત અને ખરાબ નજરે જોતા હોય છે, તેમજ મહિલા પર જ શુદ્ધિકરણની આ વિધિમાંથી પસાર થવાનો ભાર હોય છે, જોકે, આ સમાજના ઘણા નવયુવાનો તેને અનુસરતા નથી.”

હર્ષદભાઈ કહે છે, “આવા આક્ષેપ જાહેરમાં કબૂલવા માટે મજબૂર થયેલી મહિલાને એકાદ વખત દંડ અને માફી અપાયા બાદ ઘણી વાર અમાનવીય સજા કરાય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS