Home તાજા સમાચાર gujrati નહેરમાં મળ્યા શરીરના ટુકડા; હાથ પરના ટેટૂથી પોલીસ આરોપી સુધી કેવી રીતે...

નહેરમાં મળ્યા શરીરના ટુકડા; હાથ પરના ટેટૂથી પોલીસ આરોપી સુધી કેવી રીતે પહોંચી?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

અગત્યનું: આ સમાચારનાં કેટલાંક વર્ણન અસ્વસ્થ કરી શકે છે.

આ એક એવાં મહિલાની કહાણી છે, જેમણે બાળપણમાં જ પોતાનાં માતાને ગુમાવી દીધાં હતાં. તેથી તેઓ પોતે અનાથાશ્રમમાં મોટાં થયાં હતાં. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે તેમના પુત્રને પણ નાની ઉંમરે જ અનાથાશ્રમમાં જવું પડ્યું છે.

વિજયવાડાના ઇબ્રાહિમપટ્ટણમ પોલીસ સ્ટેશનની હદમાં એક મહિલાની હત્યા થઈ હોવાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

માતાની હત્યા અને સાવકા પિતા જેલમાં જતાં ચાર વર્ષનો પુત્ર અનાથ થઈ ગયો છે.

ઇબ્રાહિમપટ્ટણમના પોલીસ ઇન્સ્પેક્ટર સુબ્રહ્મણ્યમ અને એસીપી દુર્ગારાવે આપેલી માહિતી અનુસાર, વીટીપીએસમાં મળી આવેલો મૃતદેહ કારી દુર્ગા ઉર્ફે કલ્યાણીનો હોવાનું જણાયું છે.

શફી નામની વ્યક્તિએ આ હત્યા કરી હોવાનો પોલીસનો આરોપ છે.

નહેરમાં ધડ મળ્યું, શરીરના બાકીના અવયવો ક્યાં છે?

પોલીસે જણાવ્યું કે, 18 સપ્ટેમ્બરની સાંજે વિજયવાડાની બહાર આવેલા વીટીપીએસની નહેરમાં એક ધડ મળી આવ્યું હોવાની માહિતી મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને શરીરના અન્ય ભાગો શોધવા માટે તપાસ શરૂ કરી.

ધડ પર કપડાં હતાં. તે સિવાય મૃત વ્યક્તિ વિશે કોઈ માહિતી મળી નહોતી.

થર્મલ પાવર પ્રોજેક્ટ તરફ જતી આ નહેર પર એક જાળી છે. 19 સપ્ટેમ્બરે પોલીસે એનડીઆરએફના જવાનોની મદદથી આ જાળી પાસે શોધખોળ કરી. ત્યારે તેમને ત્યાં એક હાથ અને બે પગ મળી આવ્યા.

મૃત મહિલાની ઓળખ માટે પોલીસ પાસે કપડાં પરની બ્રાન્ડના નામ સિવાય બીજો કોઈ પુરાવો નહોતો. તેથી પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું.

મૃતદેહ વીટીપીએસની નહેર પરના કોઈ પુલ પરથી નહેરમાં ફેંકવામાં આવ્યો હોવાની શક્યતા હતી. પોલીસે આ શક્યતાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારનાં સીસીટીવી ફૂટેજની પણ ઝીણવટપૂર્વક તપાસ કરી.

આ કેસની તપાસ દરમિયાન મૃત મહિલાના હાથ પરના મોરનાં પીંછાના ટેટૂથી એક અત્યંત મહત્ત્વની કડી મળી. આ ટેટૂને કારણે પોલીસને મૃત મહિલા અને આરોપીની ઓળખ કરવામાં મદદ મળી.

બીબીસી ગુજરાતી

પોલીસે તેના પગમાંના પાયલ, કાનની બુટ્ટી, ટેટૂ અને કપડાં જેવી ઓળખ કરવામાં મદદરૂપ થઈ શકે તેવી તમામ વસ્તુઓના ફોટા લીધા. આ ફોટા સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રમાણમાં શેર કરીને આ મહિલાની ઓળખ કરવા માટે અપીલ કરવામાં આવી.

મૃતદેહની ઓળખ માટે પોલીસે અનેક પ્રયાસ કર્યા. શરીર પરનાં કપડાંની કંપની વિશેની માહિતી મેળવીને પણ પોલીસે તપાસ કરી.

પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પરની પોસ્ટ જોયા પછી કેટલાક લોકોએ મંગળાગિરી પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ ટેટૂ ધરાવતી એક યુવતીને જોઈ હોવાનું જણાવ્યું.

એ દરમિયાન કલ્યાણીના ભાઈએ પણ પોલીસનો સંપર્ક કર્યો. તેણે જણાવ્યું કે આ ટેટૂ તેની બહેનનું છે અને મૃતદેહ પરનાં કપડાં પણ તેની બહેનનાં કપડાં જેવાં છે.

બીબીસી ગુજરાતી

કલ્યાણીના ભાઈએ પોલીસને જણાવ્યું કે એક અઠવાડિયાથી તેની બહેન સાથે તેની વાત થઈ નહોતી. પોલીસનો ફોન આવ્યા પછી તે તેના ઘરે ગયો, પરંતુ ઘરે તાળું હતું. આજુબાજુમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે ત્રણ દિવસથી ઘરે આવી નહોતી, એમ ઇબ્રાહિમપટ્ટણમના સીઆઈ સુબ્રહ્મણ્યમે જણાવ્યું.

વીટીપીએસના અધિકારીઓની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. મૃત મહિલાનું નામ અને અન્ય માહિતી મળ્યા પછી પોલીસે તેના ફોન નંબરની મદદથી તકનીકી તપાસ શરૂ કરી.

પોલીસે તેનો કૉલ રેકૉર્ડ તપાસ્યો. તેણે છેલ્લે કોની સાથે વાત કરી હતી અને કોની સાથે વારંવાર વાત કરતી હતી, તેની માહિતી મેળવી.

આ તપાસમાંથી પોલીસને મહત્ત્વની કડીઓ મળી. ત્યાર પછી શફી નામની વ્યક્તિ પર શંકા જતાં પોલીસે તેની ઝીણવટપૂર્વક પૂછપરછ શરૂ કરી.

ખરેખર શું થયું?

પોલીસે આપેલી માહિતી અનુસાર, મૃત મહિલાનું નામ કારી દુર્ગા ઉર્ફે કલ્યાણી હતું. તેઓ એલુરુ જિલ્લાના કાલિદિન્દી તાલુકાના ચિન્ના તાડિનાડ ગામાનં રહેવાસી હતાં.

નાની ઉંમરે જ તેમનાં માતાનું અવસાન થયું હતું. તેથી તેમના પિતાએ કલ્યાણી અને તેમના ભાઈને કૃષ્ણા જિલ્લાના ગન્નવરમ નજીક આવેલા એક આશ્રમમાં દાખલ કર્યાં હતાં.

કલ્યાણી અને તેમનો ભાઈ લગભગ 18 વર્ષના થયાં ત્યાં સુધી એ જ આશ્રમમાં રહ્યાં. ત્યાર પછી બંને આશ્રમમાંથી બહાર નીકળ્યાં. કલ્યાણી મંગળાગિરીમાં રહેતાં હતાં. ગુજરાન ચલાવવા માટે તેઓ અલગ અલગ હોટેલોમાં કામ કરતાં હતાં.

કલ્યાણી સાથે રહેતા હોવાનો દાવો કરનારી એક વ્યક્તિની પણ પોલીસે પૂછપરછ કરી હતી. તેમના પગની આંગળીઓમાં વિવાહિત મહિલાઓ પહેરે છે એવાં આભૂષણ હતાં. પરંતુ એ વ્યક્તિ સાથે તેમનું લગ્ન થયેલું હતું કે બંને માત્ર સાથે રહેતાં હતાં, એટલે કે લિવ-ઇનમાં હતાં, એ પોલીસે સ્પષ્ટ કર્યું નથી.

બીબીસી ગુજરાતી

આ બંનેના સંબંધથી એક પુત્રનો જન્મ થયો હતો. પરંતુ પુત્રને પિતા સાથે મતભેદ થતાં કલ્યાણી તેનાથી અલગ થઈ ગયાં હતાં. ત્યાર પછી પુત્રના પિતાનો સગો શફી આ બાળકને દત્તક લઈ ગયો હતો. શફી માંસ વેચવાનો વ્યવસાય કરતો હતો.

પોલીસે જણાવ્યું કે શફીને પહેલેથી જ ત્રણ દીકરીઓ હતી. પરંતુ તેને પુત્ર જોઈતો હોવાથી તેણે આ બાળકને અનૌપચારિક રીતે દત્તક લીધો હતો.

પોલીસે આપેલી માહિતી અનુસાર, બાળકને દત્તક આપ્યા પછી પણ કલ્યાણી શફીના સંપર્કમાં હતાં. બાળકને દત્તક લેતી વખતે શફીએ કલ્યાણીને એક લાખ રૂપિયા આપ્યા હતા.

એસીપી દુર્ગારાવે જણાવ્યું કે, “ત્યાર પછી પણ કલ્યાણીએ વધુ પૈસા માગ્યા ત્યારે શફીએ તેને કેટલીક રકમ અને થોડું સોનું પણ આપ્યું હતું.”

પોલીસે જણાવ્યું કે પરંતુ કલ્યાણી વારંવાર પૈસાની માગણી કરતાં હોવાથી શફીએ તેમને મારી નાખવાનો નિર્ણય લીધો હતો.

‘તે સતત પૈસાની માગણી કરતી હતી’

પોલીસની માહિતી અનુસાર, આ મહિનાની 17 તારીખે શફીએ પત્ની અને બાળકોને ગુંટુરમાં તેમના સગાંના ઘરે મોકલી દીધાં. ત્યાર પછી તેણે કલ્યાણીને પોતાના ઘરે બોલાવ્યાં. બંનેએ લાંબો સમય વાતચીત કરી. ત્યાર બાદ શફીએ ચાકુથી તેના પર હુમલો કરીને તેની હત્યા કરી.

ત્યાર પછી તેણે કલ્યાણીના મૃતદેહના ટુકડા કર્યા અને તેને પ્લાસ્ટિકની થેલીઓમાં ભર્યા. બે તબક્કામાં તે આ ટુકડાઓ મોટરસાઇકલ પર લઈ ગયો અને વીટીપીએસની નહેરમાં ફેંકી દીધા. આ વખતે તેની સાથે દુર્ગારાવ ઉર્ફે અબ્દુલ્લા નામનો તેનો એક સહકર્મી પણ હતો.

અબ્દુલ્લા હાલમાં ફરાર હોવાનું પોલીસે જણાવ્યું.

“કલ્યાણી વારંવાર પૈસાની માગણી કરતી હતી. પૈસા ન આપે તો બાળકને પાછું લઈ જવાની ધમકી આપતી હતી.”

એસીપી દુર્ગારાવે પત્રકારોને જણાવ્યું કે, “શફીને આ બાળક ખૂબ વહાલું હતું. બાળકને પાછું આપવું ન પડે અને કલ્યાણીની હત્યા કરી નાખીએ તો આ વિવાદ પૂરો થઈ જશે, એમ શફીને લાગ્યું. તેણે માંસ કાપવા માટે વપરાતા ચાકુથી જ તેની હત્યા કરી.”

“આ હત્યા પાછળ બીજું કોઈ કારણ હોવાનું જણાયું નથી.”

પોલીસે જણાવ્યું કે, શફીએ દત્તક લીધેલા કલ્યાણીના પુત્રની ઉંમર ચાર વર્ષ છે. આ દત્તક પ્રક્રિયા કાયદેસર રીતે થઈ ન હોવાથી, કાયદાકીય સલાહ લીધા પછી આ બાળકને કોઈ બાળસુધારગૃહમાં રાખવામાં આવશે.

પોલીસે જણાવ્યું કે હત્યા કર્યા પછી મૃતદેહના ટુકડા કરીને તેનો નિકાલ કરી દેવાથી કલ્યાણીની ઓળખ થઈ શકશે નહીં, એવું શફીને લાગ્યું હતું.

આરોપીના સગાં અને કલ્યાણીના ભાઈ સાથે વાત કરવાનો બીબીસી પ્રયાસ કરી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS