Home તાજા સમાચાર gujrati અમેરિકામાં મિડટર્મ ચૂંટણી : કોણ આગળ, કોણ પાછળ, મતદારોનો સર્વે ટ્રમ્પની નીતિ...

અમેરિકામાં મિડટર્મ ચૂંટણી : કોણ આગળ, કોણ પાછળ, મતદારોનો સર્વે ટ્રમ્પની નીતિ વિશે શું કહે છે?

4
0

Source : BBC NEWS

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાની મિડટર્મ ચૂંટણીનું મતદાન પૂર્ણ થવાને આરે છે અને કેટલીક બેઠકો પર પરિણામો આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે.

નૉર્થ કૅરોલિનાથી ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર રૉય કૂપરે પોતાના સમર્થકોને સંબોધિત કર્યા. તેઓ આ ચૂંટણી રાત્રે એવી પ્રથમ સેનેટ બેઠક જીતનાર ઉમેદવાર બન્યા છે, જે અગાઉ રિપબ્લિકન પાર્ટીના કબજામાં હતી.

સમર્થકોને સંબોધતા કૂપરે કહ્યું, “તમે તમારો અવાજ બુલંદ કર્યો છે અને આ અવાજ ખૂબ જ શક્તિશાળી રહ્યો છે.”

તેમણે આગળ કહ્યું, “નૉર્થ કૅરોલિનાના ઘણા લોકો માટે મધ્યવર્ગનો ભાગ બનવું હવે એક દૂરનું સપનું બની રહ્યું હતું, જ્યારે સૌથી ધનિક અમેરિકનો આપણા ખર્ચે એવી સંપત્તિ એકત્ર કરી રહ્યા હતા, જેની કલ્પના પણ કરી શકાતી નથી.”

કૂપરે જણાવ્યું કે “વૉશિંગ્ટનમાં રહેલી અરાજકતા અને ભ્રષ્ટાચારથી લોકોનું નુકસાન થઈ રહ્યું હતું. આજે તમે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે આ બધું બંધ થવું જોઈએ.”

તેમણે વધુમાં કહ્યું, “અમેરિકન સેનેટમાં તમારા નવા પ્રતિનિધિ તરીકે હું આ સંદેશ વૉશિંગ્ટન સુધી પહોંચાડવા અને તે દિશામાં કાર્ય કરવા માટે તૈયાર છું.”

આ દરમિયાન, બીબીસીના અમેરિકન ન્યૂઝ પાર્ટનર સીબીએસના જણાવ્યા મુજબ, સેનેટની અન્ય પાંચ મહત્ત્વપૂર્ણ બેઠકો પરની સ્પર્ધા હજુ પણ અત્યંત રસાકસીભરી છે.

સીબીએસે તે રાજ્યોની સેનેટ બેઠકો અંગેનાં વલણો જાહેર કર્યાં છે જ્યાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ અંતિમ પરિણામો હજુ સ્પષ્ટ નથી.

મુખ્ય રાજ્યોમાં સ્થિતિ

સાઉથ કૅરોલિના: ડેમૉક્રેટિક પાર્ટીની સ્થિતિ મજબૂત.

આયોવા: કાંટાની ટક્કર.

કાન્સાસ: કાંટાની ટક્કર.

મિશિગન: કાંટાની ટક્કર.

નેબ્રાસ્કા: કાંટાની ટક્કર.

ટૅક્સાસ: કાંટાની ટક્કર.

આ પરિણામો દર્શાવે છે કે નૉર્થ કૅરોલિનામાં રૉય કૂપરની જીત ડેમૉક્રેટ્સ માટે મહત્ત્વપૂર્ણ સફળતા છે, પરંતુ સેનેટમાં અંતિમ સત્તાસંતુલન હજુ અન્ય રાજ્યોનાં પરિણામો પર નિર્ભર રહેશે.

રૉય કૂપરે નૉર્થ કૅરોલિનામાં જીત નોંધાવી.

ટ્રમ્પની આર્થિક નીતિઓને લઈને અમેરિકન મતદાતાઓમાં નારાજગી : મતદાર સર્વે

અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓ પહેલાં કરવામાં આવેલા મતદાર સર્વેક્ષણનાં પ્રાથમિક પરિણામો અનુસાર, લગભગ બે-તૃતીયાંશ મતદાતાઓનું માનવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓએ અમેરિકાની આર્થિક સ્થિતિને વધુ ખરાબ બનાવી છે.

તેના વિરુદ્ધ, 28 ટકા મતદાતાઓએ માન્યું કે ટ્રમ્પની નીતિઓના કારણે આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયો છે, જ્યારે માત્ર 8 ટકા મતદાતાઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિની નીતિઓનો અર્થવ્યવસ્થા પર કોઈ નોંધપાત્ર અસર પડી નથી.

સર્વેક્ષણમાં મતદાતાઓને એ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું તેમના મતદાન પાછળનું એક કારણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રત્યે સમર્થન અથવા વિરોધ વ્યક્ત કરવાનું હતું.

આ પ્રશ્નના જવાબમાં 43 ટકા મતદાતાઓએ કહ્યું કે તેમણે પોતાના મત દ્વારા રાષ્ટ્રપતિ પ્રત્યેનો વિરોધ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, 41 ટકા લોકોએ જણાવ્યું કે તેમના મતદાનના નિર્ણયમાં ટ્રમ્પ કોઈ મહત્ત્વપૂર્ણ પરિબળ નહોતા.

માત્ર 16 ટકા મતદાતાઓએ કહ્યું કે, તેમણે રાષ્ટ્રપતિ પ્રત્યે સમર્થન વ્યક્ત કરવા માટે મતદાન કર્યું હતું.

જોકે, સર્વેક્ષણના આ આંકડા હજુ પ્રાથમિક છે અને રાત્રિ દરમિયાન વધુ માહિતી ઉપલબ્ધ થતાં તેમાં ફેરફાર થઈ શકે છે.

રિપબ્લિકન અને ડેમૉક્રેટિક પક્ષના મતદાતાઓ વચ્ચેના મતભેદ અને મતદાનના વલણ અંગેની વિગતવાર માહિતી હાલમાં ઉપલબ્ધ નથી.

ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પ્રત્યે મતદાતાઓમાં અસંતોષ જોવા મળ્યો

શરૂઆતનાં વલણોમાં ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ છે.

ડેમૉક્રેટિક પાર્ટી શરૂઆતનાં વલણોમાં પાંચ રાજ્યોમાં આગળ ચાલી રહી છે.

આ ચૂંટણીનાં પરિણામો ડોનાલ્ડ ટ્રમ્પના બાકી રહેલા કાર્યકાળ પર મોટી અસર કરી શકે છે.

પરિણામો નક્કી કરશે કે ક્યો પક્ષ અમેરિકાની કૉંગ્રેસ પર કોનું નિયંત્રણ આવશે.

મતદારોમાં થયેલા એક સર્વેક્ષણમાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે, લગભગ બે તૃતીયાંશ મતદારો ટ્રમ્પની નીતિઓને કારણે અમેરિકાની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે એવું માને છે. તેની અસર આ ચૂંટણીનાં પરિણામો પર પડી શકે છે.

ભારતીય મૂળનાં પિયા ડાંડિયાની જીત

ડૅમૉક્રેટિક પાર્ટીનાં વિજેતા ઉમેદવાર પિયા ડાંડિયા

બીબીસીની પાર્ટનર ચૅનલ સીબીએસ અનુસાર, ડેમૉક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર અને ભારતીય મૂળનાં પિયા ડાંડિયાએ ફ્લૉરિડાની 22મી કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટની બેઠક જીતી લીધી છે.

તેમણે દક્ષિણ ફ્લૉરિડાની સૌથી હાઇ-પ્રોફાઇલ ચૂંટણી મુકાબલામાંથી એક મનાતા જંગમાં રિપબ્લિકન ઉમેદવાર કેસી એસ્કરને હરાવી દીધાં છે.

ડાંડિયાનો વિજય ડેમૉક્રેટિક પાર્ટી માટે એક નવા ચૂંટણી ક્ષેત્રમાં જીત દર્શાવે છે. આ વિસ્તારનું પરિસીમન થયું હતું.

પિયા ડાંડિયા અગાઉ હાર્લેમમાં શિક્ષિકા અને હાઇસ્કૂલના પ્રિન્સિપાલ રહી ચૂક્યાં છે. તેમણે વ્હાઇટ હાઉસ ફેલો તરીકે પણ સેવા આપી છે અને ઍપલમાં પણ કામ કર્યું છે.

પામ બીચ કાઉન્ટીમાં ભારતીય ઇમિગ્રન્ટ માતાપિતાના ઘરમાં જન્મેલાં અને ઉછરેલાં પિયાએ તેમના પ્રચારમાં શિક્ષણ, મોંઘવારી સાથે જોડાયેલા પડકારો અને આર્થિક તકોને મુખ્ય મુદ્દાઓ બનાવ્યા.

પિયા ડાંડિયાએ ઑગસ્ટમાં ડેમૉક્રેટિક પ્રાઇમરી ચૂંટણી પણ જીતી હતી.

ડેમૉક્રેટિક પાર્ટી જ્યૉર્જિયાની મહત્ત્વની બેઠક પણ જીતવા જઈ રહી છે.

આ ચૂંટણી શેની છે અને બહુમતી માટે કેટલી બેઠકો જરૂરી?

અમેરિકાની કૉંગ્રેસનું બિલ્ડિંગ

અમેરિકાની કૉંગ્રેસ(સંસદ) એ બે ગૃહથી બનેલી છે. જેમાં નીચલું ગૃહ એ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ ગણાય છે અને ઉચ્ચ ગૃહ તરીકે સેનેટ હોય છે.

મિડટર્મ ચૂંટણીમાં હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવની તમામ 435 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે.

આ સિવાય સેનેટની 100માંથી 35 બેઠકો પર ચૂંટણી છે. રાજ્યસ્તરના અનેક પદ માટે પણ ચૂંટણીઓ છે જેમાં ગવર્નર પદ પણ સામેલ છે.

અત્યારની પરિસ્થિતિ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ અને સેનેટ બંનેમાં બહુમતી છે.

પરિણામો આ સ્થિતિને બદલી શકે છે એવાં અનુમાનો પૉલમાં દર્શાવવામાં આવ્યા છે.

હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવમાં બહુમતી માટે 218 બેઠકો જરૂરી છે જ્યારે સેનેટમાં બહુમતી માટે 51 બેઠકો જરૂરી છે.

ક્યા મુખ્ય ઉમેદવારો અને રાજ્યો પર નજર?

ડૅમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર અબ્દુલ અલ-સૈયદ

આ ચૂંટણીમાં ઇન્ડિપેન્ડેન્ટ ઇલેક્શન ઍનાલિસ્ટ કૂક પૉલિટિકલ રિપોર્ટ અનુસાર, છ રાજ્યો અલાસ્કા, કૅન્સાસ, આયોવા, મેઇને, ઑહાયો અને ટૅક્સાસ પર સૌની નજર રહેશે.

આ છ રાજ્યો હાલમાં રિપબ્લિકન્સના નિયંત્રણ હેઠળ છે.

ડેમૉક્રેટિક પાર્ટીને આમાંથી ત્રણ રાજ્યો જીતવાં જરૂરી મનાય છે જે તેમનો સેનેટમાં બહુમતીનો રસ્તો સરળ બનાવશે.

પૉલ્સ દર્શાવે છે કે ડેમૉક્રેટ્સ માટે ટૅક્સાસમાં મોટી શક્યતા છે કારણ કે તેમના ઉમેદવાર જેમ્સ ટલારિકો આ રાજ્યમાં 1988 પછી પહેલી વાર સેનેટની બેઠક જીતી શકે છે.

ડેમૉક્રેટ્સને તેમની મિશિગનની સીટ પણ જાળવવી પડશે જેમાં તેમના ડાબેરી ચર્ચિત ઉમેદવાર અબ્દુલ અલ-સૈયદ મેદાનમાં છે.

હાલમાં હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવમાં રિપબ્લિકન્સ પાસે 218 બેઠકો સાથે પાતળી બહુમતી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS