Home તાજા સમાચાર gujrati “આ દવા વિના હું ઘરની બહાર નથી નીકળી શકતી”, Gen-Zમાં દારૂને બદલે...

“આ દવા વિના હું ઘરની બહાર નથી નીકળી શકતી”, Gen-Zમાં દારૂને બદલે દવાઓની લત કેમ વધી રહી છે?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી,

ઇમેજ સ્રોત, Getty Images

મિત્રો સાથે બહાર જવાનું થતાં પહેલાં 20 વર્ષની મેઈને ગળામાં કંઈક ગાંઠ જેવું જણાતું, તેના હાથ પરસેવાથી તર થઈ જતા અને તેને ડર લાગતો કે પોતે કંઈ ખોટું તો નહીં બોલી બેસે ને.

ત્યાર પછી ચીનની એક યુનિવર્સિટીમાં ભણતી આ વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયા પર કેટલીક દવાઓ વિશે જાણવા મળ્યું.

મેઈએ પ્રેગાબાલિન નામની દવા લેવાનું શરૂ કર્યું. આ દવાનો ઉપયોગ સામાન્ય રીતે વાઈ, બેચેની અને ચેતાતંતુના દુખાવાની સારવાર માટે થાય છે. સાથે તેણે બીટા બ્લૉકર પણ લેવાનું શરૂ કર્યું.

બીટા બ્લૉકરનો ઉપયોગ સામાન્ય રીતે હૃદયની બીમારીઓની સારવાર માટે થાય છે અને તે બેચેનીનાં લક્ષણો પણ ઘટાડી શકે છે.

મેઈએ આ બંને દવાઓ ગેરકાયદે રીતે ઑનલાઇન વેચાણકારો પાસેથી ખરીદી હતી.

મેઈ કહે છે, “મને ખૂબ આનંદ થતો. એમ લાગતું કે આખા રૂમમાં હું સૌથી રસપ્રદ વ્યક્તિ બની શકું એમ છું. એવું લાગે છે જાણે દારૂનો નશો પણ ન ચડે અને 10 પેગ પી લીધા હોય.”

આ દવાઓ વધુ પ્રમાણમાં લેવાથી નશા જેવો જ અનુભવ થઈ શકે છે.

પણ નિષ્ણાતો ચેતવણી આપે છે કે તબીબી દેખરેખ વિના આ દવાઓ લેવી જોખમી, અને કેટલાક કિસ્સામાં જીવલેણ પણ બની શકે છે.

લાંબા સમય સુધી આ દવાઓ લેવાથી તેની લત લાગી શકે છે. દવા લેનાર વ્યક્તિ તેના પર નિર્ભર બની જાય છે. નિષ્ણાતો એમ પણ જણાવે છે કે આવી દવાઓ લેવાનું બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે બેચેની, અનિદ્રા અને આત્મહત્યાના વિચારો વધી શકે છે.

મેઈ (આ તેમનું સાચું નામ નથી) માટે આ સિલસિલો રાત્રે બહાર ફરવા જવાથી શરૂ થયેલો અને તે ધીમે-ધીમે આદતમાં ફેરવાઈ ગયો છે. હવે તેઓ આ દવાઓ રોજ લે છે.

તેઓ કહે છે, “આ દવાઓ વિના હું ઘરની બહાર નીકળી શકતી નથી.”

દવાઓનો સહારો લઈ રહેલા યુવાનો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી,

ઇમેજ સ્રોત, Getty Images

મેઈ એકલાં નથી. દુનિયાભરમાં કેટલાક યુવાનો દારૂના વિકલ્પ તરીકે દવાઓનો સહારો લઈ રહ્યા છે.

1997થી 2012 વચ્ચે જન્મેલી જનરેશન ઝીમાં બેચેનીનું પ્રમાણ અગાઉની કોઈ પણ પેઢી કરતાં વધુ છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1990થી 2021 દરમિયાન 10થી 24 વર્ષની વયના લોકોમાં ઍન્‍ક્ઝાયટી ડિસઑર્ડર(બેચેની સંબંધિત વિકાર)નાં વૈશ્વિક કેસની સંખ્યા એક કરોડથી વધીને 1.6 કરોડ થઈ ગઈ છે.

61 અભ્યાસોની સમીક્ષામાં એમ પણ જાણવા મળ્યું કે મહામારી પહેલાંના સ્તરની સરખામણીએ યુવાનોમાં ઍન્‍ક્ઝાયટી કે બેચેનીનું પ્રમાણ વધ્યું છે.

દરમિયાન, દારૂના બદલામાં “સ્વાસ્થ્યવર્ધક” વિકલ્પોની શોધે સોશિયલ મીડિયા પર આવા પદાર્થો માટે નવું બજાર ઊભું કરવામાં મદદ કરી છે. આ દવાઓનો પ્રચાર હૅન્ગઓવર વિના નશો કરાવનારા પદાર્થો તરીકે કરવામાં આવે છે.

ટીસાઇડ યુનિવર્સિટીમાં વ્યસન અંગે સંશોધક લિયામ નોલ્સ કહે છે, “યુવાનો આ દવાઓને સ્વચ્છ અને સલામત વિકલ્પ માને છે, પરંતુ આ સલામતીની ખોટી લાગણી છે.”

સામાજિક રીતે હળવામળવા માટે આ દવાઓનો ઉપયોગ કરતા યુવાનો કેટલા છે, એ ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. ખાસ તો એટલા માટે કે તેમાંના કેટલાય આ દવાઓ ગેરકાયદે રીતે મેળવે છે.

નેચર કમ્યુનિકેશન્સ’માં પ્રકાશિત એક અભ્યાસના અંદાજ મુજબ, 2008થી 2018 દરમિયાન પ્રેગાબાલિન નામની દવાના વપરાશમાં વિશ્વભરમાં ચાર ગણો વધારો થયો હતો. પ્રેગાબાલિનના દુરુપયોગ અને તેના કારણે થતા મૃત્યુના કિસ્સાઓમાં પણ ઝડપથી વધારો થયો છે.

સોશિયલ મીડિયાની મહત્ત્વની ભૂમિકા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી,

ઇમેજ સ્રોત, Getty Images

ચીનમાં પ્રેગાબાલિનના દુરુપયોગના કિસ્સા પહેલી વાર 2024માં નોંધાયા હતા. આ વર્ષે સરકારે આ દવા પર નિયંત્રણ વધુ સખત કરવાની યોજના જાહેર કરી છે.

ભારતે પણ આ વર્ષે મે મહિનામાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જૉર્ડન અને યુક્રેનના સંશોધકોએ પણ તેના દુરુપયોગમાં વધારો નોંધ્યો છે.

દવાઓને લગતા હૅશટૅગ પર ક્લિક કરતાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર હજારો વીડિયો જોવા મળે છે.

તેમાં વપરાશકર્તાઓને પોતાની રીતે દવાઓનું કોકટેલ (મિશ્રણ) તૈયાર કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ઑનલાઇન ‘સ્ટૅકિંગ’ તરીકે ઓળખવામાં આવે છે.

પણ એવું લાગે છે કે સોશિયલ મીડિયા યુવાનોને માત્ર આ દવાઓથી પરિચિત કરાવે છે એટલું નથી, એ તેમને આ દવાઓ મેળવવામાં પણ મદદ કરી રહ્યું છે.

બીબીસી વર્લ્ડ સર્વિસને જાણવા મળ્યું કે કેટલાક ઇન્ફ્લુએન્સર પોતાની પ્રોફાઇલ પર આ દવાઓ વેચી રહ્યા હતા.

મેઈનું કહેવું છે કે તેમણે ચીની સોશિયલ મીડિયા મારફત દવા ખરીદી હતી.

મેઈ કહે છે, “તેને વેચતી હજારો જાહેરાતો છે. તેને શોધવી અને ઑર્ડર કરવો સહેલું છે.”

આ સ્થિતિ કેવળ ચીન પૂરતી મર્યાદિત નથી.

યુક્રેનની 26 વર્ષની કસ્ટમર સર્વિસ કર્મચારી લોરાએ બીબીસીને જણાવ્યું કે આ દવાઓ ઑનલાઇન અથવા મિત્રો મારફતે મેળવવી સહેલી છે.

દારૂથી દૂર થતી પેઢી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી,

ઇમેજ સ્રોત, Getty Images

આવા પદાર્થોમાં વધતો રસ એવા સમયે જોવા મળી રહ્યો છે, જ્યારે યુવાનો ઝડપથી દારૂથી દૂર થઈ રહ્યા છે.

આ કારણે જેન-ઝીને ‘નશાથી દૂર રહેનાર પેઢી’ તરીકે ઓળખવામાં આવે છે.

બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ, 2025માં વિશ્વભરમાં દારૂના શેરના મૂલ્યમાં 830 અબજ અમેરિકન ડૉલરનો ઘટાડો થયો હતો.

સંશોધકોનું માનવું છે કે આ સ્થિતિ યુવાનોના દારૂ પીવાના વલણમાં આવેલા ફેરફારને કારણે ઊભી થઈ છે. તેની પાછળ ખર્ચ અને સ્વાસ્થ્ય અંગેની ચિંતા જેવાં કારણો છે.

સંશોધક નોલ્સનું કહેવું છે કે મોજમજા માટે પ્રેગાબાલિનનો ઉપયોગ કરતાં તેમણે જોયેલા ઘણા યુવાનો પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપે છે.

તેમણે જણાવ્યું, “લોકો કેટલી કૅલરી લે છે અને તેની તેમના વજન પર કેવી અસર પડે છે, એ અંગે સજાગ છે.”

બ્રિટનનો 22 વર્ષના મૅટ પણ આ દલીલને યોગ્ય માને છે. તેઓ નિયમિતપણે જિમમાં જાય છે અને તેમનું માનવું છે કે દારૂ પીવાની સરખામણીએ આ દવાઓની તેમના લિવર અને હૃદય પર ઘણી ઓછી અસર થાય છે.

મૅટ કહે છે, “આ જૂથના લોકો માને છે કે દારૂ કરતાં આ દવાઓ વધુ સ્વાસ્થ્યપ્રદ છે.”

આ દવાઓ પણ ખતરનાક બની શકે છે?

દારૂને ઓછામાં ઓછા સાત પ્રકારના કૅન્સર સાથે સાંકળવામાં આવ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબ્લ્યુએચઓ)એ 2023માં ચેતવણી આપી હતી કે દારૂનું કોઈ પણ માત્રામાં કરાતું સેવન જોખમ ઊભું કરે છે.

લંડનની ઇમ્પિરિયલ કૉલેજમાં ન્યુરોસાઇકોફાર્માકોલૉજિસ્ટ પ્રોફેસર ડેવિડ નટ લાંબા સમયથી નશીલા પદાર્થોને લગતા કાયદા હળવા કરવાની તરફેણમાં ઝુંબેશ ચલાવી રહ્યા છે.

તેમનું કહેવું છે કે મેઈ જે દવાઓ લઈ રહ્યાં છે તે દારૂ પીવા કરતાં ઓછી નુકસાનકારક હોઈ શકે છે, ભલે ને તેનાં પોતાનાં અલગ જોખમો હોય.

તેમનું કહેવું છે કે પ્રેગાબાલિનનો ઉપયોગ મોટી માત્રામાં કરવામાં આવે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે.

ડેવિડ નટ કહે છે, “તેનો ઉપયોગ એ નશો કરવા માટે કરી રહી હોય, તો તેને એની લત પડી જવાનું જોખમ છે. એ રીતે જોઈએ તો આની પણ કિંમત ચૂકવવી પડે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી,

ઇમેજ સ્રોત, Getty Images

મોજમજા માટે પ્રેગાબાલિન લેતા લોકોને ધીમે-ધીમે આ દવાની વધુ માત્રાની જરૂર પડવા લાગે છે.

એટલે કે આરામ કે આનંદની અગાઉ જેવી જ અનુભૂતિ મેળવવા માટે તેમને સતત વધુ માત્રામાં દવા લેવાની જરૂર પડી શકે છે.

પ્રેગાબાલિનની વધુ પડતી માત્રા લેવાથી શ્વાસ ધીમો પડી શકે છે અને કેટલાક કિસ્સામાં તે જીવલેણ પણ બની શકે છે.

બીટા બ્લૉકરની વધુ પડતી માત્રા લેવાથી બેભાન થઈ જવાય અને હૃદયના ધબકારા જોખમી રીતે ધીમા પડી શકે છે.

આદત પડી જવાનું જોખમ

કિંગ્સ કૉલેજ લંડનનાં મનોવિજ્ઞાનનાં પ્રોફેસર એમિલી જોન્સનું કહેવું છે કે આ દવાઓ અને દારૂથી થતા શારીરિક નુકસાનની સરખામણી કરવામાં એક વધુ મૂળભૂત સવાલ છૂટી જવાનો ભય છે.

સવાલ એ છે: લોકોને એવું લાગવા માંડે કે રાસાયણિક દવાઓની મદદ વિના તેઓ લોકો સાથે હળીમળી શકતા નથી, ત્યારે શું થાય?

તેઓ કહે છે, “વધુ પડતો દારૂ પીવો જોખમી છે, પરંતુ ડૉક્ટરની દેખરેખ વિના નિયમિત રીતે દવા લેવી પણ એટલી જ જોખમી છે.”

તેમને ચિંતા છે કે ગભરામણ જેવી લાગણીઓથી બચવા માટે દવાનો ઉપયોગ કરવાથી વ્યક્તિની એવી માન્યતા વધુ મજબૂત બની શકે છે કે સામાન્ય સામાજિક પરિસ્થિતિઓ અસુરક્ષિત છે.

એમિલી જોન્સ કહે છે, “તમે એવું માનવા માટે ટેવ પાડો કે રાત્રે બહાર જતાં પહેલાં આ દવા લેશો તો જ તમે સુરક્ષિત રહેશો, તો ધીમે-ધીમે આ માન્યતા તમારા માટે સ્વાભાવિક બનવા લાગશે.”

જોન્સનું કહેવું છે કે સમય જતાં લોકો દવા વિના પોતાની સમસ્યાઓનો સામનો કરવાની ક્ષમતા પરનો વિશ્વાસ ગુમાવી શકે છે.

તેઓ કહે છે, “તમારી સમસ્યાઓનો સામનો કરવાની પોતાની ક્ષમતા પરનો વિશ્વાસ તમે ધીમે-ધીમે ગુમાવી બેસો છો.”

લોરાએ આ પ્રકારની નિર્ભરતાનો અનુભવ કર્યો છે.

શરૂઆતમાં તે પાર્ટી અને સામાજિક કાર્યક્રમોમાં જતાં પહેલાં ગભરામણ ઘટાડતી દવા લેતાં હતાં, પરંતુ થોડા સમયમાં તેણે ઑફિસમાં પણ આ દવા લેવાનું શરૂ કરી દીધું.

લોરા કહે છે, “એનાથી મને મદદ મળતી હતી. હું લોકો સાથે કામ કરું છું. એનાથી વાતચીત કરવી અને સમસ્યાઓ ઉકેલવી સહેલી બનતી હતી.”

બે અઠવાડિયા સુધી તેને દવા મળી નહીં, ત્યારે તેણે જણાવ્યું કે તેને હતાશાના હુમલા આવવા લાગ્યા અને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા.

તેઓ કહે છે, “શું થઈ રહ્યું હતું એ મને સમજાતું નહોતું. હું ખૂબ ગભરાયેલી રહેતી, ખાઈ શકતી નહોતી અને મિત્રોને મળી શકતી નહોતી.”

કાળા બજારમાં મળતી દવાઓ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી,

ઇમેજ સ્રોત, Getty Images

વધુ ને વધુ દેશો આ દવાઓ પર નિયંત્રણ સખત કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ દવાઓ મેળવવા પર વધુ નિયંત્રણ મૂકવાથી જુદા પ્રકારનાં જોખમો ઊભા થઈ શકે છે.

રોગચાળા વિજ્ઞાની અને યુક્રેનની નુકસાન ઘટાડવા માટે કામ કરતી સંસ્થા ‘માઇન્ડ ગેમ્સ’નાં વડાં મિકિતા લાપિનનું કહેવું છે કે જરૂરી નથી કે આવા પદાર્થો પર પ્રતિબંધ મૂકવાથી લોકો તેનો ઉપયોગ કરવાનું બંધ કરે.

તેઓ કહે છે, “કેટલાક પદાર્થો પર પ્રતિબંધ મૂકવાથી લોકો કાળા બજાર તરફ વળી શકે છે અને શંકાસ્પદ ગુણવત્તાવાળી દવાઓ ખરીદી શકે છે, જેના કારણે ઓવરડોઝનું જોખમ વધી જાય છે.”

નૉલ્સે કહ્યું કે ગેરકાયદે રીતે ખરીદેલી પ્રેગાબાલિન વધુ જોખમી છે, કારણ કે વપરાશકર્તાને પોતે ખરેખર શું લઈ રહ્યા છે તેની ચોક્કસ જાણ હોતી નથી.

નૉલ્સ કહે છે, “તમે બ્રિટનની કોઈ દુકાનમાંથી દારૂ ખરીદો, તો તેના પર તેમાં રહેલા આલ્કોહૉલનું પ્રમાણ અને ટકાવારી લખેલી હોય છે.”

તેમણે કહ્યું કે ઑનલાઇન ખરીદેલી પ્રેગાબાલિનના કિસ્સામાં હંમેશાં એવું હોતું નથી.

તેમના મતે, દારૂના કિસ્સામાં આવું નથી.

મેઈને ચિંતા છે કે કદાચ તે આ આદતમાંથી સંપૂર્ણપણે છૂટકારો ક્યારેય મેળવી નહીં શકે.

તે કહે છે, “આ વિચાર જ ડરામણો છે. આ દવા વિના હું કેવી રીતે રહી શકીશ, એ જ મને સમજાતું નથી.”

આ લેખમાં ચર્ચાયેલા મુદ્દાઓથી તમે કે તમારા કોઈ પરિચિત અસરગ્રસ્ત હો, તો સ્થાનિક ડૉક્ટર સલાહ આપી શકે છે અથવા મદદ કરી શકે એવી કોઈ સંસ્થા સુધી પહોંચવામાં માર્ગદર્શન આપી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS