Home તાજા સમાચાર gujrati ભાવનગર: ‘ઝેરી નકલી વિદેશી દારૂ’ પીધા બાદ મૃત્યુ પામેલા અને બીમાર પડેલા...

ભાવનગર: ‘ઝેરી નકલી વિદેશી દારૂ’ પીધા બાદ મૃત્યુ પામેલા અને બીમાર પડેલા લોકોના લોહીમાંથી શું મળી આવ્યું?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભાવનગર, બ્લડ ટેસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

ભાવનગરમાં તાજેતરમાં ‘નકલી વિદેશી દારૂ’ પીધા બાદ સાત લોકોનાં મૃત્યુ થતાં રાજ્યમાં ફરી એક વાર ‘લઠ્ઠાકાંડ’ અને ‘ઝેરી દારૂ’ જેવા શબ્દો ચર્ચામાં આવ્યા છે.

આ મામલે થયેલી એફઆઈઆર પ્રમાણે ગત 18 ઑગસ્ટના રોજ ભાવનગરની સર ટી હૉસ્પિટલ ‘નકલી ઝેરી વિદેશી દારૂ’ પીધા બાદ એક યુવાનનું મૃત્યુ નીપજતાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

અત્યાર સુધી ‘નકલી વિદેશી દારૂ પીનારા’ કુલ સાત લોકોનાં મૃત્યુ થયાં છે અને હાલ 39 લોકો સારવાર હેઠળ છે.

આ મામલે ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી એફઆઈઆરમાં કુલ 21 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરની સ્ટેટ મૉનિટરિંગ સેલની ટીમ પણ તપાસ માટે ભાવનગર પહોંચી છે.

‘નકલી વિદેશી દારૂ પીનારા’ના લોહીમાંથી શું મળ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભાવનગર, બ્લડ ટેસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images/ALPESH DABHI

આ મામલે થયેલી એફઆઈઆરમાં પોલીસે ‘નકલી વિદેશી દારૂ પીધા’ બાદ મૃત્યુ પામેલ અને સારવાર હેઠળ હોય એવા દર્દીઓના બ્લડ સેમ્પલની એફએસએલ દ્વારા કરાયેલી તપાસનાં પરિણામો જાહેર કર્યાં છે.

જે વિગતો પ્રમાણે આ ઘટનામાં સૌથી પહેલા મૃત્યુ પામનાર ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલના લોહીના નમૂનામાં 0.0773 %W/V (ટકાવારીમાં વેઇટ ટુ વૉલ્યુમ) મિથેનલ મળી આવ્યું હતું.

તેમજ ‘નકલી વિદેશી દારૂ’ પીનાર કાર્તિકભાઈ મકવાણાના લોહીના નમૂનામાં 0.0847 %W/V મિથેનૉલ મળી આવ્યું હતું.

અભયભાઈ દિહોરાના લોહીમાંથી 0.1408 %W/V મિથેનૉલ અને 0.0279 %W/V ઇથેનૉલ મળી આવ્યું હતું.

બળદેવસિંહ ગોહિલના લોહીના નમૂનામાં 0.0886 %W/V મિથેનૉલ મળી આવ્યું હતું. ઘનશ્યામસિંહ જાડેજાના લોહીના નમૂનામાં 0.0818 %W/V મિથેનૉલ અને 0.0043 %W/V ઇથેનૉલ મળી આવ્યું હતું.

વિશ્વરાજસિંહ ગોહિલના લોહીમાં 0.1060 %W/V મિથેનૉલ, અબ્દુલ શમીમ અબ્દુલ હામીદ ખાનના લોહીમાંથી 0.0344 %W/V મિથેનૉલ તેમજ 0.1035 %W/V ઇથેનોલ, કપિલ દેવમુરારિના લોહીમાંથી 0.0239 %W/V મિથેનૉલ અને 0.0744 %W/V ઇથેનૉલ, હિતેશભાઈ જોશીના લોહીમાં 0.0144 %W/V મિથેનૉલ અને 0.0403 %W/V ઇથેનૉલ તેમજ હાર્દિક કિલજીના લોહીમાં 0.0321 %W/V મિથેનૉલ અને 0.0407 %W/V ઇથેનૉલ મળી આવ્યું હતું.

મિથાઇલ આલ્કોહૉલ કેટલો નુકસાનકારક?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભાવનગર, બ્લડ ટેસ્ટ

ઇમેજ સ્રોત, ALPESH DABHI

દારૂને વધારે નશીલો બનાવવા માટે તેમાં ઑક્સિટોસિન ભેળવી દેવામાં આવે છે, જે મૃત્યુનું કારણ બને છે.

હાલનાં વર્ષોમાં ઑક્સિટોસિન વિશે એવી માહિતી સામે આવી છે કે ઑક્સિટોસિનથી નપુંસકતા અને નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.

તેના સેવનથી આંખોમાં બળતરા, ખંજવાળ અને પેટમાં બળતરા થઈ શકે છે અને લાંબા ગાળે તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે.

કાચા દારૂમાં યુરિયા અને ઑક્સિટોસિન જેવા કેમિકલ પદાર્થ ભેળવવાના કારણે મિથાઇલ આલ્કોહૉલ બની જાય છે જે લોકોનાં મૃત્યુનું કારણ બને છે.

વૈજ્ઞાનિકો કહે છે કે મિથાઇલ આલ્કોહૉલ શરીરમાં જતા કેમિકલ રિઍક્શન તીવ્ર બની જાય છે. તેનાથી શરીરનાં અંદરનાં અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને તરત માણસનું મૃત્યુ થઈ જાય છે.

કેવી રીતે બનાવાય છે ‘નકલી વિદેશી દારૂ’?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભાવનગર, બ્લડ ટેસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યમાં નકલી દારૂ વેચાતો હોવાનું સામે આવ્યું હોય તેવું આ પહેલી વખત નથી. તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ એક રૅકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં એક વ્યક્તિ ભંગારમાંથી એકત્ર કરવામાં આવેલી બૉટલો અને કેટલાંક રસાયણોની મદદથી ‘નકલી દારૂ’ બનાવતી હતી અને તેને એવી રીતે સીલ કરીને પૅક કરવામાં આવતી હતી.

બીબીસી સાથે વાત કરતાં, ભાવનગર જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ નીતેશ પાંડેએ જણાવ્યું હતું કે, આજકાલ નકલી દારૂ બનાવવાની આ એક સામાન્ય પદ્ધતિ છે અને નિયમિત તપાસ દરમિયાન આવા ઘણા લોકો આ રીતે ‘નકલી દારૂ’ બનાવતા હોવાનું સામે આવે છે.

તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો ભંગારની દુકાનોમાંથી બૉટલો ખરીદે છે, તેના માટે સ્ટિકરો બનાવે છે, સ્વાદ અને રંગ માટે સિરપનો ઉપયોગ કરે છે અને તેમાં થોડા પ્રમાણમાં દારૂ તથા કેટલાંક રસાયણો પણ ભેળવે છે.

જોકે, પોલીસને શંકા છે કે આ ચોક્કસ કિસ્સામાં આ ફૉર્મ્યુલા નિષ્ફળ ગઈ હોવાનું જણાય છે અને તેના કારણે દારૂ ઝેરી બની ગયો હશે, તેથી પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.

આ મામલે બૉટલોની સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા ચાર બુટલેગરોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ લોકોને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોવાનું આઈજીપી આર. વી. અસરીએ બીબીસીને જણાવ્યું હતું.

પોલીસે એક ચોક્કસ બ્રાન્ડની ઘણી બૉટલો જપ્ત કરી છે અને નકલી દારૂના વેચાણમાં સંડોવાયેલા અન્ય લોકોને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

વૈજ્ઞાનિક તપાસ માટે ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (એફએસએલ)ની ટીમ પણ તપાસમાં સામેલ છે.

પોલીસે એવા લોકોને પણ ડૉક્ટરની સલાહ લેવાની અપીલ કરી છે, જેમણે આ પ્રકારના નકલી દારૂની બૉટલમાંથી દારૂ પીધો હોય, ભલે તેમને કોઈ પ્રતિકૂળ સ્વાસ્થ્ય અસર જણાઈ ન હોય.

ઉલ્લેખનીય છે કે, માર્ચ 2026માં વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં 42 કરોડ રૂપિયાનો દારૂ માત્ર રાજ્યની રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ચેકપોસ્ટ પરથી પકડવામાં આવ્યો છે.

વિધાનસભામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માર્ચ મહિનામાં જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસે 10,49,855 IMFLની બૉટલો, જેની કુલ કિંમત 38.89 કરોડ રૂપિયા થાય છે, અને 1,59,265 બિયરની બૉટલો, જેની કિંમત આશરે 3.33 કરોડ રૂપિયા થાય છે, તેટલો દારૂ જાન્યુઆરી 25, 2026 સુધીમાં પકડ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS