Home તાજા સમાચાર gujrati ઇલોન મસ્કે મુકેશ અંબાણીને ‘વડા પ્રધાન’ કેમ કહ્યા? વધતા ટકરાવ પાછળનાં કારણો...

ઇલોન મસ્કે મુકેશ અંબાણીને ‘વડા પ્રધાન’ કેમ કહ્યા? વધતા ટકરાવ પાછળનાં કારણો જાણો

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ઇલોન મસ્ક મુકેશ અંબાણી રિલાયન્સ સ્ટારલિંક ઇન્ટરનેટ

ભારતમાં સ્ટારલિંકના પ્રવેશ અંગે ઇલોન મસ્કે શુક્રવારે એક નિવેદન આપ્યું જેના કારણે વિવાદ સર્જાયો છે.

તેમણે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પર નિશાન તાકીને તેમને “વડા પ્રધાન અંબાણી” કહ્યા. તેમણે તેમના પર મૉનોપોલી જાળવી રાખવાના પ્રયાસનો આરોપ લગાવ્યો. સાથે સાથે મસ્કે સવાલ કર્યો કે “શું ભારતમાં સેટેલાઈટ ઇન્ટરનેટ સેવામાં પ્રતિસ્પર્ધાની મંજૂરી અંગે અંબાણી વિચાર કરશે?”

ઇલોન મસ્કની આ પોસ્ટ તાજેતરમાં સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના નિવેદનના કેટલાક કલાક પછી આવી છે, જેમાં સિંધિયાએ કહ્યું કે, ભારત કોઈ પણ ક્ષેત્રમાં મૉનોપોલીની મંજૂરી નથી આપતું.

તેમણે કહ્યું કે ભલે એક ‘ખાસ’ કંપનીને લઈને ઘણી ચર્ચા થઈ રહી હોય, પરંતુ ત્રણ કંપનીઓને સેટેલાઈટ કૉમ્યુનિકેશન સેવાઓનાં લાઇસન્સ મળી ગયાં છે. આ કંપનીઓ સુરક્ષા સંબંધિત જરૂરિયાતો અને નિર્ધારિત માપદંડને પૂરા કરીને પછી પોતાની સર્વિસ શરૂ કરી શકે છે.

મસ્કની આ પોસ્ટથી સ્ટારલિંકની સૅટકૉમ સર્વિસને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો છે. તાજેતરમાં જ અમેરિકાના આ અબજોપતિ ઉદ્યોગપતિએ આરોપ લગાવ્યો હતો કે, ભારતીય બજારમાં પોતાનો દબદબો જાળવવા માટે શક્તિશાળી ઉદ્યોગપતિ તેમની સર્વિસ શરૂ કરવાના પ્રયાસોને રોકવા માંગે છે.

મસ્કે પોતાની પોસ્ટમાં અંબાણી માટે શું લખ્યું છે?

બીબીસી ગુજરાતી ઇલોન મસ્ક મુકેશ અંબાણી રિલાયન્સ સ્ટારલિંક ઇન્ટરનેટ

ગુરુવારે એક પોસ્ટમાં મસ્કે સવાલ કર્યો હતો કે શું “અંબાણી જ ભારતના અસલી બૉસ છે”.

શુક્રવારે સાંજે મસ્કની એક નવી પોસ્ટના કારણે આ વિવાદ વધી ગયો.

તેમણે લખ્યું કે “પ્રિય વડા પ્રધાન અંબાણી, આ સમજવામાં થયેલી ચૂક બદલ મારી વિનમ્ર ક્ષમા સ્વીકાર કરો કે ભારતના અસલી બૉસ તમે જ છો. સ્વભાવિક છે કે તમે ભારતના લોકોનું મૉનોપોલી દ્વારા શોષણ ચાલુ રાખવા ઇચ્છશો. આમ છતાં શું તમે સ્ટારલિંકને ભારતમાં પ્રતિસ્પર્ધા કરવાની તક આપવાનો વિચાર કરશો? ભારતના ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટની સુવિધા નથી, જે રીતે દુનિયાના બીજા દેશોમાં પણ જોવા મળ્યું છે. તેના કારણે બાળકો શિક્ષણની તકથી વંચિત રહી જાય છે અને નાના વેપારીઓને પોતાનો સામાન વૈશ્વિક બજારમાં વેચવાની તક નથી મળતી. સ્ટારલિંક આ લોકોનું જીવન બહેતર બનાવી શકે છે. આભાર.”

અંબાણી અને રિલાયન્સ જૂથે મસ્કની આ ટિપ્પણી અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી. બીબીસીએ આ વિશે ટિપ્પણી માટે તેમનો સંપર્ક કર્યો છે.

વિવાદનો ટાઇમિંગ

બીબીસી ગુજરાતી ઇલોન મસ્ક મુકેશ અંબાણી રિલાયન્સ સ્ટારલિંક ઇન્ટરનેટ

આ વિવાદ એવા સમયે થયો છે જ્યારે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ બજારમાં સ્પર્ધા વધતી જાય છે. રિલાયન્સ જિયો અને ભારતી ઍરટેલ પણ પોતાની સર્વિસ શરૂ કરવાની તૈયારીમાં છે.

આ હરીફાઇમાં જટિલતા વધી જાય છે કારણ કે સ્ટારલિંકે અંબાણીની રિલાયન્સ જિયો અને ભારતી ઍરટેલ સાથે હિસ્સેદારી પણ કરી છે.

માર્ચ 2025માં બંને કંપનીઓએ ભારતમાં સ્ટારલિંક ઉપકરણ અને સર્વિસના વિતરણ માટે સ્પેસઍક્સની સાથે સરકારી મંજૂરી હેઠળ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

કંપનીઓએ એમ પણ કહ્યું કે તેઓ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શૅરિંગ માટે વિચારી શકે છે. બીબીસીએ આ વિશે ટિપ્પણી માટે ભારતી ઍરટેલનો પણ સંપર્ક કર્યો હતો.

મસ્કે સૌથી પહેલાં બુધવારે આ આરોપ લગાવ્યા, જેમાં તેમણે ‘કેટલાક કુલીન વર્ગો’ પર ભારતીય મૉનોપોલીનો સકંજો કસવાનો આરોપ લગાવ્યો હતો.

ગુરુવારે ભારતના સંદેશાવ્યવહાર મંત્રાલયે જવાબ આપતા કહ્યું કે, ઑપરેટર સ્ટારલિંક, યુટેલસૅટ વન-વેબ અને જિયો સેટેલાઈટ કૉમ્યુનિકેશન્સ મંજૂરી પ્રક્રિયાના લગભગ એક જ તબક્કામાં છે અને ત્રણેય સેવાઓ શરૂ કરતા પહેલાં સુરક્ષા મંજૂરી સાથે સ્પેક્ટ્રમ ફાળવણી માટે રાહ જોવાની રહેશે.

મંત્રાલયે મસ્કનું નામ લીધા વગર કહ્યું કે”ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ ભેદભાવપૂર્ણ છે એવું કહેવું બિલકુલ પાયાવિહોણું છે.”

મસ્કે વિલંબ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સ્ટારલિંકને પહેલેથી 165થી વધુ દેશોમાં લાઇસન્સ પ્રાપ્ત થયેલું છે.

હજુ સુધી લાઇસન્સ કેમ નથી મળ્યું?

બીબીસી ગુજરાતી ઇલોન મસ્ક મુકેશ અંબાણી રિલાયન્સ સ્ટારલિંક ઇન્ટરનેટ

મસ્કે ગુરુવારે ઍક્સ પર લખ્યું કે, “સ્ટારલિંકને 165 કરતા વધુ દેશોમાં લાઇસન્સ મળ્યું છે અને તેણે ભારતના દરેક કાયદા અને જરૂરિયાતોનું પાલન કરવામાં ત્રણ વર્ષ વીતાવી દીધા છે. છતાં લાઇસન્સ કેમ નથી મળ્યું? શું અંબાણી જ ભારતમાં અસલી બૉસ છે?”

મસ્કની કંપની સ્પેસઍક્સની માલિકી હેઠળની સ્ટારલિંક ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડવા માટે લો-અર્થ ઑર્બિટમાં સ્થિત સેટેલાઇટનો ઉપયોગ કરે છે. ખાસ કરીને અંતરિયાળ ક્ષેત્રોમાં જ્યાં મોબાઇલ નેટવર્ક અને બ્રૉડબેન્ડ કેબલ પાથરવાનું મુશ્કેલ અથવા મોંઘું થઈ શકે છે.

આ કંપની 2021થી ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેણે મહત્ત્વપૂર્ણ લાઇસન્સ પ્રાપ્ત કરી લીધા છે. પરંતુ કૉમર્શિયલ સેવાઓ શરૂ કરતા પહેલાં તેને હજુ પણ અંતિમ સુરક્ષા મંજૂરી અને સ્પૅક્ટ્રમ ફાળવણીની જરૂર છે.

મસ્ક અંબાણી સામે કેમ ટક્કર લઈ રહ્યા છે?

બીબીસી ગુજરાતી ઇલોન મસ્ક મુકેશ અંબાણી રિલાયન્સ સ્ટારલિંક ઇન્ટરનેટ

બુધવારે આ વિવાદ ત્યારે બહાર આવ્યો જ્યારે સ્ટારલિંક, રિલાયન્સ જિયો અને ભારતી ઍરટેલના વરિષ્ઠ અધિકારી દિલ્હીમાં આયોજિત મોબાઇલ કૉંગ્રેસમાં ભાગ લેવા એકઠા થયા હતા, જ્યાં ત્રણેય કંપનીઓએ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ માટે પોતાની યોજનાઓ પર ચર્ચા કરી હતી.

આ કાર્યક્રમમાં વાત કરતા રિલાયન્સ જિયો ઇન્ફોકૉમના ચૅરમૅન અને મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ કહ્યું કે, કંપની પોતાની સેટેલાઇટ કૉમ્યુનિકેશન ટૅક્નૉલૉજી વિકસીત કરી રહી છે અને રેગ્યુલેટરી મંજૂરીની દિશામાં કામ કરી રહ્યા છે.

એક રિપોર્ટરે ઇલોન મસ્કના આરોપો વિશે પૂછ્યું ત્યારે આકાશે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે એટલું જ કહ્યું કે “અમે અમારું ધ્યાન પોતાના ભારતીય ગ્રાહકોને વધુ સારી સર્વિસ પૂરી પાડવા પર કેન્દ્રિત કરવા માગીએ છીએ.”

ભારતી ઍરટેલના ચૅરમૅન સુનીલ ભારતી મિત્તલે કહ્યું કે, તેમની કંપનીનો સેટેલાઇટ પ્રોજેક્ટ પણ સરકારી મંજૂરીની રાહ જોઈ રહ્યો છે.

સ્ટારલિંકના વ્યવસાયિક સંચાલનની દેખરેખ કરતા સ્પેસઍક્સના કાર્યકારી અધિકારી લૉરેન ડ્રેયરે કહ્યું કે કંપનીએ ભારતીય રેગ્યુલેટર્સની સાથે કામ કરવામાં વર્ષો વીતાવ્યાં છે, તથા દેશની જરૂરિયાતોને પૂરી કરવા પોતાના નેટવર્કમાં સુરક્ષા નિયંત્રણ બનાવ્યાં છે.

ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રીને લઈને સુરક્ષા એક મહત્ત્વની ચિંતાનો વિષય રહ્યો છે.

ભારતીયોને ઇન્ટરનેટ પ્લાન કેટલા પરવડશે?

બીબીસી ગુજરાતી ઇલોન મસ્ક મુકેશ અંબાણી રિલાયન્સ સ્ટારલિંક ઇન્ટરનેટ

2024માં ભારતીય અધિકારીઓએ કહ્યું કે તેમણે અંતરિયાળ અંદમાન અને નિકોબાર ટાપુઓ પર માદક પદાર્થોની તસ્કરીની તપાસ અને પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં સૈન્ય અભિયાન દરમિયાન સ્ટારલિંકનાં ઉપકરણો જપ્ત કર્યાં હતાં.

તે સમયે મસ્કે કહ્યું હતું કે, સ્ટારલિંકની સેવા ભારતમાં ક્યારેય સક્રિય ન હતી. તેમણે એવો તર્ક આપ્યો કે અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવેલાં ઉપકરણો તેમના ઉપગ્રહ નેટવર્કનો ઉપયોગ નહીં કરતાં હોય.

એક સવાલ એવો પણ છે કે આ સર્વિસ ભારતીય ગ્રાહકો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે કેટલી કિફાયતી હશે.

ભારત દુનિયામાં સૌથી મોટા ઇન્ટરનેટ બજારો પૈકી એક છે, પરંતુ તેની પહોંચ હજુ પણ અસમાન છે. ખાસ કરીને અંતરિયાળ ક્ષેત્રોમાં ઍક્સેસનો પ્રશ્ન છે જ્યાં મોબાઇલ નેટવર્ક અને બ્રૉડબેન્ડ કેબલ પાથરવાનું મુશ્કેલ અથવા મોંઘું છે.

મસ્કનો તર્ક છે કે સ્ટારલિંક આ અંતરને ઘટાડવામાં મદદ કરી શકે છે.

તેમણે બુધવારે ઍક્સ પર લખ્યું કે, “ભારતમાં સ્ટારલિંક એવા લોકો માટે હાઈસ્પીડ, કિફાયતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે જે હાલના ભાવનો બોજ ઉઠાવી શકતા નથી અને જેની પાસે બિલકુલ ઇન્ટરનેટ કનેક્શન નથી.”

કંપનીએ હજુ સુધી ભારત માટે પ્લાનની જાહેરાત નથી કરી, પરંતુ કેટલાક નિષ્ણાતો માને છે કે અન્ય જગ્યાઓ પરથી એવા સંકેત મળ્યા છે કે આ સર્વિસ ઘણા ભારતીય પરિવારો માટે પહોંચની બહાર હોઈ શકે છે.

અમેરિકામાં સ્ટારલિંકના રેસિડેન્શિયલ પ્લાન 55 ડૉલર પ્રતિ મહિનાથી શરૂ થાય છે. જોકે, સ્થળ અને પ્લાન મુજબ કિંમત અને ઉપકરણનો ખર્ચ અલગ અલગ હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS