Source : BBC NEWS

શેરીઓમાં ઢગલેઢગલા હીરા વેચવાની વાત આવે, ત્યારે તમામ લોકોના મનમાં વિજયનગર સામ્રાજ્યનું નામ આવે છે. રાયલાઓના શાસનકાળ દરમિયાન હમ્પીની શેરીઓમાં હીરાનો કેવો ભવ્ય વેપાર થતો હતો, તેની વાતો દક્ષિણ ભારતમાં લોકો કરે છે અને તેના પર આધારિત ફિલ્મો પણ બને છે.
પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે એ જ પ્રદેશ પર શાસન કરતું બીજું એક સામ્રાજ્ય પણ હીરાના વેપાર માટે એટલું જ પ્રખ્યાત હતું. એ હતું ગોલકોંડા સામ્રાજ્ય, જેની રાજધાની આજે હૈદરાબાદ તરીકે ઓળખાય છે.
આજે મોટા ભાગના તેલુગુ લોકો માટે ગોલકોંડા એટલે માત્ર એક જૂનો કિલ્લો. પરંતુ અંગ્રેજી ભાષામાં ગોલકોંડા શબ્દ નસીબ અને સમૃદ્ધિના પર્યાય તરીકે પ્રચલિત થયો છે, એમાં નવાઈ નથી.
એમ કહી શકાય કે હમ્પીની શેરીઓમાં જે મોટા પાયે હીરાનો વેપાર થતો હતો, એવો જ વેપાર આજના હૈદરાબાદના જૂના શહેરના કરવાન વિસ્તારની શેરીઓમાં પણ થતો હતો.
અઢારમી સદી સુધી ભારત વિશ્વમાં હીરાનો સૌથી મોટો અને સૌથી મહત્ત્વનો સ્રોત હતું.
આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં અઢારમી સદી પછી જ હીરાની ખાણો મળી આવી હતી.
દક્ષિણ ભારતના કૃષ્ણા, તુંગભદ્રા અને પેન્ના નદીઓના વિસ્તારોમાં આ હીરાઓનું મૂળ રહેલું છે. આ જ કારણસર વિજયનગર, બીજાપુર અને ગોલકોંડા જેવાં સામ્રાજ્યો, એટલે કે સમગ્ર દખ્ખણનો પ્રદેશ, હીરાના વેપારના પર્યાય બની ગયાં હતાં.
ઇમેજ સ્રોત, Getty Images
ક્યારેક ગોલકોંડા સામ્રાજ્યનો હિસ્સો રહેલું કોલ્લુર આજે આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લામાં આવેલું છે.
ત્યાં પહોંચવા બેલ્લમકોંડા પાસેથી ખેતરો, વૃક્ષો અને ટેકરીઓ વચ્ચેથી પસાર થવું પડે છે. આગળનો રસ્તો એટલો સાંકડો છે કે ટ્રૅક્ટર અને બાઇક સિવાયનાં વાહનો લઈ જવા શક્ય નથી. મોબાઇલના નેટવર્ક કે વીજળી વિનાના આ ગામમાં ઘરો ભાગ્યે જ દેખાય છે. જોકે, દૂરદૂરથી આવેલા કેટલાક લોકો અઠવાડિયાં સુધી પરિવારથી દૂર રહીને જમીન ખોદે છે અને રેતી ચાળે છે.
ઐતિહાસિક નોંધો મુજબ, આઠસો વર્ષ પહેલાં આ કોલ્લુર વિશ્વવિખ્યાત હીરાની ખાણ માટે જાણીતું હતું.

આ નગર વિશે વધુ જાણવા માટે ઓછામાં ઓછાં 400 વર્ષ પહેલાં યુરોપના પ્રવાસીઓ અને વેપારીઓએ લખેલાં પુસ્તકોનો અભ્યાસ કરવો પડે.
આ વાત ઈસવી સન 1618થી 1622ની વચ્ચેની છે. વિલિયમ મોથોલ્ડ નામનો એક વિદેશી યુરોપથી કોલ્લુર આવ્યો. ત્યાંના લોકોને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો.
તેણે લખ્યું હતું કે ગામની નજીક આવેલી હીરાની ખાણોમાં 30,000 લોકો કામ કરતા હતા.
તેના લખાણનાં પચાસ વર્ષ પછી, ઈસવી સન 1665માં, ફ્રેન્ચ પ્રવાસી બૅપ્ટિસ્ટ ટેવર્નિયર એ જ નગરની મુલાકાતે આવ્યો.
તેણે નોંધ્યું કે આ ગામની હીરાની ખાણોમાં 30,000 નહીં, પણ 60,000 લોકો કામ કરતા હતા.
આ બંને ઉપરાંત માર્કો પોલો, હેનરી હોવર્ડ, કોલિન મૅકેન્ઝી અને બીજા અનેક લોકોએ પણ આ હીરાની ખાણો વિશે વિગતવાર લખ્યું છે.

પછીના સમયગાળામાં આ ગામ જળાશયમાં ડૂબી ગયું અને સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું.
એક દાયકા પહેલાં ખાલી થઈ ગયેલા આ ગામમાં હવે માત્ર ચાર પરિવારો રહે છે, જે બકરાં ચરાવીને ગુજરાન ચલાવે છે. ત્યાંથી હોડીમાં કૃષ્ણા નદીના પુલિચિંતલા જળાશયમાં થોડા કિલોમીટર આગળ જતાં પાણીની વચ્ચે દેખાતો ટાપુ હકીકતમાં ડૂબી ગયેલા ગામનો ઊંચો ટેકરો છે.
ત્યાં નાનાં તંબુઓમાં રહીને કેટલાક લોકો જમીન ખોદી હીરા શોધે છે. આજે પણ અહીં હીરા મળી આવતા હોવાથી અનેક લોકો નસીબ અજમાવવા આવે છે. બીબીસીની ટીમે 2018માં મુલાકાત લીધી ત્યારે પણ ડઝનબંધ લોકો હીરાની શોધમાં હતા. બીબીસીની ટીમે 2025માં ફરી આ ગામની મુલાકાત લીધી હતી.
ખાણનો પર્યાય બની ગયું કોલ્લુર

ટૂંકમાં કહીએ તો, કોલ્લુર ગામ ‘ખાણ’ શબ્દનો પર્યાય બની ગયું હતું. એ વખતે આ ગામ એટલું પ્રખ્યાત થયું હતું કે ‘ખાણ’ એટલે કોલ્લુર, એવું કહેવાતું.
“અઢારમી સદી સુધી દક્ષિણ ભારતનો દખ્ખણનો પ્રદેશ હીરાનો મોટો સ્રોત હતો. કોહિનૂર જ નહીં, ગ્રેટ મોઘલ, રીજન્ટ, ઑર્લોફ, નિઝામ અને હોપ જેવા હીરા પણ અહીંથી મળી આવ્યા હતા. ખાસ કરીને તેરમીથી સત્તરમી સદી દરમિયાન હીરાનો વેપાર ખૂબ ફૂલ્યોફાલ્યો હતો,” એમ ભારતીય ભૂસ્તરીય સર્વેક્ષણ (જીએસઆઈ)ના નિવૃત્ત વિજ્ઞાની એસ. વી. સત્યનારાયણે બીબીસીને જણાવ્યું હતું.
“આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની કૃષ્ણા અને પેન્ના નદીઓની ખીણોમાં મોટા પ્રમાણમાં હીરા મળી આવતા હતા. અહીં-તહીં આવેલી નાની ખાણોને બાદ કરતાં, આ પ્રદેશ વિશ્વભરમાં હીરાનો સૌથી મોટો સ્રોત હતો. 1725માં બ્રાઝિલમાં હીરાની ખાણો મળી આવી ત્યાં સુધી આવી જ સ્થિતિ હતી. અંગ્રેજોના આગમન પહેલાં ભારતના વિદેશી વેપારમાં હીરાની મહત્ત્વની ભૂમિકા હતી. વિજયનગર, બીજાપુર અને ગોલકોંડા સામ્રાજ્યોના સમયમાં હીરા ખૂબ લોકપ્રિય બન્યા હતા,” એમ સત્યનારાયણે બીબીસીને જણાવ્યું હતું.
“મોટા ભાગના હીરા તુંગભદ્રા અને કૃષ્ણા નદીના વિસ્તારોમાં મળી આવતા હતા. આ પૈકી કોલ્લુર સૌથી વધુ જાણીતું છે. રાવુલકોંડા જેવી બીજી ખાણો પણ હતી. ગાંડીકોટા જેવાં વેપારી કેન્દ્રો પણ હતાં. વિજયનગર સામ્રાજ્ય હીરા માટે ખૂબ પ્રખ્યાત હતું. પછીના સમયમાં બીજાપુર અને ગોલકોંડા સામ્રાજ્યોનો પ્રભાવ વધ્યો. હીરા સાથે અનેક રસપ્રદ કથાઓ જોડાયેલી છે. કેટલાક હીરા શાપિત હોવાનું પણ કહેવાય છે. સામાન્ય રીતે ઉનાળામાં નદીનું પાણી સુકાઈ જાય ત્યારે ખુલ્લી પડતી જમીનમાં હીરાની શોધ કરવામાં આવે છે,” એમ ઇતિહાસના સંશોધક અને પત્રકાર નાનીસેટ્ટી શેરીશે બીબીસીને જણાવ્યું હતું.
કરવાન – હીરાને પહેલ પાડવા માટે જાણીતું

1518થી 1687 દરમિયાન હૈદરાબાદથી કુતુબશાહી શાસકોએ ગોલકોંડા સામ્રાજ્ય પર શાસન કર્યું હતું. પશ્ચિમમાં ગુજરાતના સુરતથી લઈને પૂર્વમાં આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમ સુધી આ સામ્રાજ્યનો વિસ્તાર હતો. પ્રાચીન કાળથી જ આ બંને શહેરો આંતરરાષ્ટ્રીય વેપારનાં મહત્ત્વનાં કેન્દ્રો હતાં. તેમની વચ્ચે હૈદરાબાદ આવેલું હતું, જે ગોલકોંડા સામ્રાજ્યનું મહત્ત્વનું કેન્દ્ર હતું.
હૈદરાબાદના જૂના શહેરમાં આવેલો કરવાન વિસ્તાર એક સમયે હીરાને ઘસવા, તેના પહેલ પાડવા અને વેચવા માટેનું જાણીતું કેન્દ્ર હતું. ગુજરાતીઓ, મારવાડીઓ અને અન્ય ભારતીય વેપારીઓ કરવાનમાં આવીને વસ્યા હતા. વિદેશીઓની પણ ત્યાં સતત અવરજવર રહેતી હતી.
નાનીસેટ્ટી શેરીશના જણાવ્યા અનુસાર, “ફ્રેન્ચ પ્રવાસી થેવનોએ લખ્યું હતું કે ગોલકોંડાનું રાજ્ય હીરાની ભૂમિ હતું. સત્તરમી સદી સુધીમાં ગોલકોંડાના શાસન હેઠળ 23 અને બીજાપુરના શાસન હેઠળ હીરાની 15 ખાણો હતી. આ ખાણોમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળતી હતી. ઔરંગઝેબે ગોલકોંડા પર આક્રમણ કર્યું, તેની પાછળનું એક કારણ ત્યાં હીરાની વિપુલ ઉપલબ્ધતા પણ હોવાનું કહેવાય છે.”
“જૂના સમયમાં રાજા હીરાની શોધ કરવા માટે ચોક્કસ રકમ આપતા હતા. કોઈને એક કેરેટ કે તેનાથી ઓછા વજનનો હીરો મળે, તો તેની ધરપકડ થઈ શકતી હતી. પરંતુ તેનાથી વધુ વજનનો હીરો મળે, તો તે રાજાને સોંપવો પડતો હતો. આથી એ જમાનામાં મોટી ખાણોની આસપાસ રહેતા લોકો સાંજે ઘરે પાછા જતા ત્યારે તેમનાં કપડાં ઉતરાવીને તપાસ કરવામાં આવતી કે તેઓ કોઈ હીરો સંતાડીને તો નથી લઈ જતા. ખાણમાં કામદારોની સંખ્યા જેટલી જ ચોકીદારોની સંખ્યા પણ હતી.” એમ શેરીશે બીબીસીને જણાવ્યું હતું.
શેરીશના જણાવ્યા અનુસાર, “વિજયનગર સામ્રાજ્યના પતન પછી ગોલકોંડાનું રાજ્ય હીરાના વેપારીઓ માટેનું એક મોટું કેન્દ્ર બનીને ઊભર્યું હતું.”
કોહિનૂર અહીંથી મળી આવ્યો હતો?
ઇમેજ સ્રોત, Tim Graham Photo Library via Getty Images
કોહિનૂર હીરો ચોક્કસપણે ક્યાંથી મળી આવ્યો હતો, તેના સ્પષ્ટ પુરાવા નથી. જોકે, મોટા ભાગના ઇતિહાસકારો અને ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે તે કોલ્લુરની ખાણમાંથી મળી આવ્યો હતો.
શાહજહાંના કબજામાં આવ્યા પછી કોહિનૂર એક હાથમાંથી બીજા હાથમાં કેવી રીતે ગયો અને છેવટે બ્રિટિશ રાજમુકુટ સુધી કેવી રીતે પહોંચ્યો, તેનો ઇતિહાસમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. પરંતુ તે શાહજહાં સુધી કેવી રીતે પહોંચ્યો, તેના કોઈ નક્કર પુરાવા નથી.
“કોહિનૂર વિશે અનેક માન્યતાઓ છે. મારા સંશોધન મુજબ, તે કોલ્લુરની ખાણમાંથી સીધો ગાંડીકોટાના શાસક મીર જુમલાના હાથમાં આવ્યો હતો. મીર જુમલાએ પોતાની વફાદારીના પ્રતીકરૂપે ભેટ તરીકે તે શાહજહાંને આપ્યો હતો.
“મોઘલ દસ્તાવેજોમાં હીરાના રંગ, કદ, પાણી જેવી નિર્મળતા, પારદર્શકતા અને લાલ મખમલના કાપડમાં વીંટાળેલી તેની પેટીનું જે વર્ણન મળે છે, તે કોહિનૂરને અનુરૂપ છે. વળી, એ સમયે આટલા મોટા હીરા મળી આવતા હોય એવી એક માત્ર ખાણ કોલ્લુર હતી. મીર જુમલા પાસે પહોંચ્યો ત્યાં સુધી આ હીરાનું કોઈ નામ નહોતું. શાહજહાંએ તેને ‘કોહિનૂર’ નામ આપ્યું, જેનો ફારસી ભાષામાં અર્થ થાય છે ‘પ્રકાશનો પર્વત’,” એમ શેરીશે જણાવ્યું હતું.
ફ્રેન્ચ પ્રવાસી બૅપ્ટિસ્ટ ટેવર્નિયરે મીર જુમલા પાસે રહેલા હીરાઓનું વિગતવાર વર્ણન કર્યું છે. ટેવર્નિયરે લખ્યું હતું કે મીર જુમલા પાસે હીરાના ઢગલા હતા.
જીએસઆઈના નિવૃત્ત વૈજ્ઞાનિક એસ. વી. સત્યનારાયણ પણ આ જ મત ધરાવે છે.
તેમણે જણાવ્યું હતું કે, “કોહિનૂર કદાચ ઈસવી સન 1656માં અથવા 1304માં કોલ્લુરમાંથી મળી આવ્યો હતો.”
“કોહિનૂર ક્યારે મળી આવ્યો હતો અને મળ્યો ત્યારે તેનું વજન કેટલું હતું, એ વિશે શંકા હોઈ શકે. પરંતુ તે કૃષ્ણા નદીની ખીણમાંથી મળી આવ્યો હતો, એ વિશે કોઈ શંકા નથી,” એમ શેરીશે જણાવ્યું હતું.
એસ. વી. સત્યનારાયણે આપેલી માહિતી અનુસાર, કોહિનૂર ઉપરાંતના અન્ય જાણીતા હીરા ક્યાંથી મળી આવ્યા હતા, તેની વિગતો નીચે મુજબ છે.
આજે ક્યાં છે હીરાની એ ખાણો?
આજના આંધ્ર પ્રદેશના અનંતપુર, કર્નૂલ, કૃષ્ણા અને ગુંટુર જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં હીરા મળી આવતા હતા. આ ઉપરાંત, આજના તેલંગાણાના મહબૂબનગર જિલ્લામાં, કર્ણાટકના રાયચુરમાં, મહારાષ્ટ્રના વૈરાગઢ વિસ્તારમાં તથા આંધ્ર પ્રદેશના હાલના પ્રકાશમ અને કડપા જિલ્લાઓમાં પણ પ્રમાણમાં ઓછા હીરા મળી આવતા હતા.
જીએસઆઈના નિવૃત્ત વૈજ્ઞાનિક એસ. વી. સત્યનારાયણે બીબીસીને આપેલી માહિતી અનુસાર, 1677માં હેનરી હોવર્ડે તૈયાર કરેલા દસ્તાવેજના આધારે આ સ્થળો હીરાની જૂની ખાણો તરીકે ઓળખાય છે.
હીરા અહીં જ કેમ મળી આવતા હતા?
હીરા મુખ્યત્વે કિમ્બરલાઇટ, લેમ્પ્રોઇટ, કૉન્ગ્લોમરેટ (વિવિધ ખડકોના ટુકડાઓથી બનેલો ખડક) અને ગ્રેવલ (કાંકરીના થર) સાથે સંકળાયેલા હોય છે.
“આ બધી પ્રાચીન ખાણો મોટે ભાગે કાંપના ખડકો, કિમ્બરલાઇટ, લેમ્પ્રોઇટ અને સપાટીની માટી ધરાવતા વિસ્તારોમાં આવેલી છે. કૃષ્ણા અને તુંગભદ્રા નદીઓના સંગમથી લઈને વિજયવાડા સુધી, આશરે 300 કિલોમીટરના વિસ્તારમાં આ ખાણો ફેલાયેલી છે. આ વિસ્તારમાં આજના કૃષ્ણા, ગુંટુર, મહબૂબનગર, કર્નૂલ, પ્રકાશમ, કડપા અને અનંતપુર જિલ્લાઓનો સમાવેશ થાય છે. મોટા ભાગનું ખનનકામ કોલ્લુર-પરિતાલા પટ્ટામાં થયું હતું.
“કોહિનૂર, ગ્રેટ મોઘલ, પિટ અથવા રીજન્ટ, ઑર્લોફ, નિઝામ અને હોપ જેવા હીરા આ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. તુંગભદ્રા અને કૃષ્ણા નદીઓના સંગમથી લઈને કોલ્લુર-પરિતાલા તરીકે ઓળખાતા આ પટ્ટામાં હીરા મળી આવતા હતા,” એમ જીએસઆઈના નિવૃત્ત વૈજ્ઞાનિક એસ. વી. સત્યનારાયણે જણાવ્યું હતું.
સત્યનારાયણના જણાવ્યા અનુસાર, કર્નૂલ જિલ્લાના રામલ્લકોટ, બાણગાનપલ્લે, વજ્રગિરિ અને મુનિમડુગુ, ગુંટુર જિલ્લાના કોલ્લુર તથા કૃષ્ણા જિલ્લાના મલ્લવેલ્લી વિસ્તારમાં કૉન્ગ્લોમરેટ પ્રકારના ખડકો જોવા મળે છે.
અનંતપુર અને કર્નૂલ જિલ્લાઓના વજ્રકરુર તથા જોન્નાગિરિ વિસ્તારોમાં પણ હીરાનું ખાણકામ થતું હતું. અનંતપુર જિલ્લામાં વજ્રકરુરની કિમ્બરલાઇટ ખડકરચનાઓ અને કર્નૂલમાં ચેલિમાની લેમ્પ્રોઇટ ખડકરચનાઓ પણ આ સંદર્ભે જાણીતી છે. આ વિસ્તારોની જમીનમાં હીરા મળી આવતા હતા.
“કૃષ્ણા જિલ્લાની ગ્રેવલ ખાણો અને વિજયનગર સામ્રાજ્યના વજ્રકરુર વિસ્તારનાં ઉત્ખનન સ્થળોએ મોટા પ્રમાણમાં હીરા મળી આવ્યા હતા. હોવર્ડે 1677માં લખ્યું હતું કે 1610ની આસપાસ એક પોર્ટુગીઝ પ્રવાસીને વજ્રકરુરમાં 400 કેરેટથી વધુ વજનનો હીરો મળ્યો હતો.
“ગાર્સિયા દા ઓર્તાની નોંધ મુજબ, 1534માં વિજયનગરમાં મરઘીના નાના ઈંડા જેટલો એક હીરો મળી આવ્યો હતો. તેની સાથે આશરે 150, 175 અને 312 કેરેટના બીજા ત્રણ હીરા પણ મળ્યા હતા. કયા વર્ષે કયો હીરો કયા રાજાના હાથમાં પહોંચ્યો હતો, તેની વિગતો પણ તેમણે નોંધી હતી,” એમ સત્યનારાયણે જણાવ્યું હતું.
હવે ત્યાં ખોદકામ કેમ થતું નથી?

ઐતિહાસિક રીતે કોલ્લુર જેવાં સ્થળોએ તેરમીથી અઢારમી સદી સુધી, એટલે કે લગભગ 600 વર્ષ સુધી મોટા પાયે ખાણકામ થયું હતું. આ ઉપરાંત, બીજી અનેક ખાણોમાંથી પણ સેંકડો વર્ષો સુધી હીરા મળતા રહ્યા હતા.
“હીરાની કોઈ પણ ખાણમાંથી મોટા પ્રમાણમાં હીરા મળે તો જ તેનું ખનન નફાકારક બને. નહીંતર ઔદ્યોગિક ધોરણે ખનન કરવું શક્ય નથી,” એમ શેરીશે જણાવ્યું હતું.
આ ખાણો બાબતે પણ આ જ સમસ્યા ઊભી થઈ હતી. જે તે સમયના રાજાઓના શાસનકાળમાં આ બધી ખાણોમાંથી મોટા પાયે હીરા કાઢી લેવામાં આવ્યા હતા. હવે ત્યાં કશું નથી.
એનો અર્થ એવો નથી કે ત્યાં હીરા બિલકુલ મળતા જ નથી. સમયાંતરે અહીં-તહીં એકાદ હીરો મળી આવે છે. પરંતુ ઔદ્યોગિક ધોરણે ખાણકામ કરી શકાય એટલા પ્રમાણમાં હીરા મળતા નથી.

“1725 પછી બ્રાઝિલમાં હીરાની નવી ખાણો મળી આવવી, સામ્રાજ્યોનું પતન અને સૌથી મહત્ત્વનું, હીરાના વેપારમાં આવેલી મંદી જેવાં કારણોસર અહીંની ખાણોનું કામ બંધ થવા લાગ્યું. જોકે, અહીં-તહીં હીરાની શોધ આજે પણ થાય છે.
“1890થી 1894 દરમિયાન હૈદરાબાદ ડેક્કન કંપનીએ આજના પરિતાલા નજીક ફરીથી હીરા શોધવાનું કામ શરૂ કર્યું હતું, પરંતુ તે નફાકારક સાબિત ન થતાં બંધ કરી દેવામાં આવ્યું. 1825માં વોયસીએ લખ્યું હતું કે કૃષ્ણા અને પેન્ના નદીઓની ખીણોમાં આવેલી ખાણો લગભગ ખાલી થઈ ગઈ હતી. ત્યાં મોટા પાયે હીરાનું ઉત્પાદન થતું નહોતું અને કેટલીક નાની ખાણો શોધવાના પ્રયાસો થઈ રહ્યા હતા,” એમ એસ. વી. સત્યનારાયણે જણાવ્યું હતું.
“1950 પછી ભારતીય ભૂસ્તરીય સર્વેક્ષણના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે આ વિસ્તારોમાં હીરાનું ખાણકામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુંટુર અને કૃષ્ણા જિલ્લાઓના કોલ્લુર, ચંદ્રલપાડુ અને પરિતાલા વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. કિમ્બરલાઇટ અને લેમ્પ્રોઇટ ખડકરચનાઓની પણ શોધ કરવામાં આવી હતી. પરંતુ ખાસ પરિણામ મળ્યું નહોતું. બહુ નાના હીરા મળી આવતા હતા. ઔદ્યોગિક ધોરણે ખાણકામ નફાકારક ન હોવાથી આ પ્રયાસો પડતા મૂકવામાં આવ્યા,” એમ સત્યનારાયણે જણાવ્યું હતું.
અત્યારે કોણ હીરા શોધે છે?
આજે સામાન્ય લોકો, ગરીબ પરિવારો અને નિમ્ન મધ્યમ વર્ગના અનેક લોકો પોતાનું નસીબ અજમાવવા માટે આ વિસ્તારોમાં હીરાની શોધ કરે છે.
તેમના કહેવા પ્રમાણે, ચોમાસાની શરૂઆતના દિવસોમાં અહીં હીરા મળવાની શક્યતા વધુ હોય છે.
કર્નૂલ જિલ્લાના જોન્નાગિરિ, અનંતપુર જિલ્લાના વજ્રકરુર, કૃષ્ણા જિલ્લાના પરિતાલા અને ગુંટુર જિલ્લાના કોલ્લુરમાં મે મહિનાના અંતથી જુલાઈના અંત સુધી હીરાની શોધમાં આવતા બંને તેલુગુ રાજ્યોના લોકો જોવા મળે છે.
કેટલાક લોકો ચોખા, મીઠું, તેલ અને મરચાં જેવી જીવનજરૂરી ચીજો સાથે લઈને આવે છે. ત્યાં માછલીઓ પકડે છે અથવા સપ્તાહના અંતે ભરાતા બજારમાંથી શાકભાજી ખરીદે છે. પછી ત્યાં જ રોકાઈને હીરાની શોધ કરે છે.
કેટલાક લોકો પોતાનાં પરિવાર સાથે આવે છે, તો કેટલાક પરિવારને ઘરે મૂકીને એકલા આવે છે. કેટલાક મિત્રો અને સગાંસંબંધીઓનાં સમૂહમાં આવે છે. બીજા કેટલાક લોકો અઠવાડિયાના બાકીના દિવસોમાં કામ કરે છે અને રજાના દિવસોમાં હીરા શોધવા આવે છે.

બીબીસીએ ત્યાં હીરાની શોધ કરતા અનેક લોકો સાથે વાત કરી હતી. પોતાને હીરો મળ્યો હોવાનું કોઈએ કહ્યું નહીં. પરંતુ અમુકને કોઈ ચોક્કસ જગ્યાએથી હીરો મળ્યો હતો, તે ખૂબ મોંઘો હતો અને તેણે એ હીરો બીજા કોઈને વેચી દીધો હતો, એવી વાતો તેઓ કરતા હતા. આવી અનેક વાતો સાંભળવા મળે છે. તેમાંથી કેટલી સાચી છે અને કેટલી કાલ્પનિક, તે નક્કી કરવું મુશ્કેલ છે.
પિડુગુર્લાનાં વિજયમ્માને મરચાં અને કપાસની ખેતીમાં નુકસાન થયું હતું. દેવું ચૂકવવા માટે હીરા મળી આવે એવી આશાએ તેઓ એક મહિના સુધી કોલ્લુરમાં શોધખોળ કરતાં રહ્યાં.
તેમણે કહ્યું, “જેને હીરા મળવાના હશે, તેને મળી જશે. કોઈ એ વિશે કોઈને કહેતું નથી. મને ડર લાગે છે કે કોઈને ખબર પડે તો તે હીરા શોધનારનું શું કરશે. અમે તો અથાણાં સાથે ખાઈને ચલાવી લઈએ છીએ.”
એર્રાગોંડાપલમ વિસ્તારની નરસમ્મા પણ સાત મહિના સુધી કોલ્લુરમાં રહી હતી. દર મહિને પેન્શન લેવા તે પોતાના વતન જતી અને બાકીનો સમય પતિ સાથે હીરાની શોધમાં વિતાવતી.
તેણે કહ્યું, “દેવું ચૂકવવા માટે અમે આ મહેનત કરીએ છીએ.”
અહીંના ઘણા સ્થાનિક લોકો હીરાના દલાલ બની ગયા છે. તેમની પાસે હીરાની ગુણવત્તા તપાસવાનાં મશીનો પણ છે.
કોઈ વ્યક્તિને હીરો હોવાની શંકા ધરાવતો પથ્થર મળે, તો તે દલાલ પાસે લઈ જાય છે. દલાલ તેની ગુણવત્તા તપાસે છે, હીરાના વેપારીઓ સાથે ભાવની વાટાઘાટ કરે છે અને પછી તેનું વેચાણ કરાવે છે. જોકે, આ બધી પ્રવૃત્તિ કાયદાકીય માળખાની અંદર જ થાય છે એવું કહી શકાય તેમ નથી.
હીરા વિશે શું લખાયું છે?
ઇમેજ સ્રોત, Getty Image
પ્રાચીન ભારતીય સાહિત્યમાં મહાભારતથી લઈને કૌટિલ્યના અર્થશાસ્ત્ર સુધીના અનેક ગ્રંથોમાં હીરાનો ઉલ્લેખ મળે છે. જોકે, હીરા કાઢવામાં આવતા ખાણવિસ્તારોનું વિગતવાર વર્ણન બહુ ઓછું જોવા મળે છે.
આ ખાણો વિશેની મોટા ભાગની માહિતી વિદેશી પ્રવાસીઓ, વેપારીઓ અને યુરોપના વસાહતી વહીવટકર્તાઓનાં લખાણોમાંથી મળે છે.
તેરમી સદીમાં આજના પ્રકાશમ જિલ્લામાં આવેલા મોટુપલ્લી બંદર વિસ્તારની મુલાકાત લેનારા માર્કો પોલોએ આ હીરાની ખાણો વિશે લખ્યું હતું.
તેણે કૃષ્ણા નદીની ખીણમાં આવેલી હીરાની ખાણોની મુલાકાત લીધી હોવાનું કહેવાય છે. મોટુપલ્લીની નજીક આવેલી કૃષ્ણા ખીણ એટલે કોલ્લુર હોવાની શક્યતા ઘણા અભ્યાસીઓ વ્યક્ત કરે છે.
માર્કો પોલોએ લખ્યું હતું, “આ રાજ્ય સિવાય દુનિયામાં બીજે ક્યાંય હીરા મળતા નથી. અહીં તમને ઘણા સારા હીરા મળી આવશે.”
આ તમામ પ્રવાસીઓમાં સૌથી વિગતવાર વર્ણન ફ્રેન્ચ પ્રવાસી જિન બૅપ્ટિસ્ટ ટેવર્નિયરે કર્યું હતું. પોતે હીરાનો વેપારી હોવાથી તેણે હીરાની ખાણો, ઉત્પાદન, ઉદ્યોગ, વેપાર, હીરાને પહેલ પાડવાની પ્રક્રિયા, તેમનાં વજન અને ગુણવત્તા વિશે લખ્યું હતું.
યુરોપના લેખકોએ અહીંની ખાણોના પ્રકારો અને ત્યાંથી મળતા હીરા વિશે નોંધ્યું હતું. આ પૈકી કોલ્લુરની ખાણની સૌથી વધુ મુલાકાતો લેવાઈ હતી અને તેના વિશે સૌથી વધુ વિગતવાર નોંધો લખાઈ હતી.
આ ઉપરાંત મલ્લવરમ, કોડવતિકાલ અને પરિતાલા પણ મોટી ખાણો હોવાનું તેમણે લખ્યું હતું.
1814માં હીની નામના એક લેખકે લખ્યું હતું કે બળદગાડામાં ભરીને લઈ જઈ શકાય એટલા બધા હીરા કોડવતિકાલમાં મળી આવ્યા હતા.
તેણે પેન્ના, કુંડેરુ અને હિન્દ્રી નદીના કાંઠા સહિત રાયલસીમાનાં અનેક સ્થળો વિશે પણ લખ્યું હતું.
કોલ્લુર ભલે આજે ઇતિહાસનાં પાનાંમાં જ રહી ગયું હોય અને સમયના પ્રવાહમાં ભૌતિક રીતે ખોવાઈ ગયું હોય, પણ અનેક લોકો માટે તે આજે પણ નસીબ અજમાવવાની આશાનું એવું સ્થળ છે, કે જ્યાંથી મળેલો એક હીરો તેમનું જીવન બદલી શકે છે.”.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




