Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
“ઘી ખાવાથી વજન વધશે.”
“ખાલી પેટ ઘી ખાવાથી ચરબી ઘટે.”
“ઘી પેટનાં ચાંદાંને ઠીક કરે છે.”
“ઘી ખાવાથી હૃદયરોગનો હુમલો આવી શકે છે.”
ઘી વિશે આપણે ઘણી વાર આવી ઘણી વિરોધાભાસી વાતો સાંભળીએ છીએ. આપણે ન માત્ર આ વાતો સાંભળીએ છીએ, પરંતુ કેટલાક સંજોગોમાં લોકો તેના પર હકીકતમાં અમલ પણ કરતા હોય છે.
ઘીમાં 60થી 65 ટકા સેચુરેટેડ ફૅટ, 20થી 25 ટકા મોનોસેચુરેટેડ ફૅટ, ત્રણથી ચાર ટકા પૉલીઅનસેચુરેટેડ ફૅટ અને કેટલાંક વિટામિન્સ હોય છે.
તેમાં શરીર માટે જરૂરી સારી ફૅટની સાથે એવી સેચુરેટેડ ફૅટ પણ હોય છે, જે શરીરમાં કૉલેસ્ટ્રૉલ, ખાસ કરીને નુકસાન કરનારા બૅડ કૉલેસ્ટ્રૉલના સ્તરને પણ વધારી શકે છે.
ઘી ખાવાના નુકસાન અંગે તો ઘણી વાર ચર્ચા થઈ ચૂકી છે, પરંતુ હવે તેના ફાયદા અંગે પણ ખૂબ વાતો થઈ રહી છે.
શું ઘી ખાવાથી વજન વધી શકે?
ઘણા ડૉક્ટરોનું કહેવું છે કે માત્ર ઘી ખાવાથી વજન નથી વધતું.
બીબીસી સાથે વાત કરતાં હૃદયરોગ નિષ્ણાત ડૉ. રિફાઈ શોકત અલીએ કહ્યું, “કોઈ પણ ભોજન અમૃત કે ઝેર નથી હોતું. આ બધું એ વાત પર આધારિત છે કે તેે કેટલા પ્રમાણમાં ખાવામાં આવી રહ્યું છે.”
તેમણે કહ્યું, “જો ઘી ખાવાથી વજન વધે છે કે નહીં એવો સવાલ પૂછવામાં આવે તો, તો તેનો સીધો જવાબ છે – ‘ના’. પરંતુ વધુ પ્રમાણમાં ઘી ખાવાથી શરીરમાં કૉલેસ્ટ્રૉલ વધવાની આશંકા રહે છે.”
શું ઘી ખાવાથી રક્તવાહિની બંધ થઈ જાય છે?
ડૉ. રિફાઈનું કહેવું છે કે ઘીનું સેવનથી વધનારી શરીરની ચરબી હૃદયના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
ડૉ. રિફાઈ જણાવે છે, “ઘી સીધું જઈને રક્તવાહિનીઓમાં નથી જામી જતું. એ સીધેસીધું હૃદયરોગ નથી પેદા કરતું. આપણે જે કંઈ ભોજન લઈએ છીએ, એ આવી રીતે રક્તવાહિનીઓમાં સીધેસીધું નથી પહોંચતું. પરંતુ જો ઘીનું સેવન વધુ પ્રમાણમાં કરવામાં આવે તો શરીરમાં ચરબી વધી શકે છે. એ વાત સાબિત થઈ ચૂકી છે કે શરીરમાં ચરબી વધવાથી હૃદય સંબંધી સમસ્યાઓ અને હૃદયને નુકસાન પહોંચવાનો ખતરો વધી જાય છે.”
એક વ્યક્તિ એક દિવસમાં કેટલું ઘી ખાઈ શકે?
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સાથે વાત કરતાં ન્યૂટ્રિશનિસ્ટ મીનાક્ષી બજાજે જણાવ્યું કે, “આઇસીએમઆર 20224ની ગાઇડલાઇન્સ પ્રમાણે એક સ્વસ્થ પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં કુલ 27થી 30 ગ્રામ સુધી ફૅટ કે ઑઇલનું સેવન કરી શકે છે.”
અમેરિકન હાર્ટ ઍસોસિયેશનની ભલામણ અનુસાર, સેચુરેટેડ ફૅટથી મળતી કૅલરી, શરીરની કુલ દૈનિક કૅલરીના છ ટકાથી ઓછી હોવી જોઈએ.
ઘી, માખણ, પનીર, લાલ માંસ અને અન્ય પશુ આધારિત ખાદ્ય પદાર્થોમાં સેચુરેટેડ ફૅટનું પ્રમાણ વધુ હોય છે.
પાછલા ઘણા દાયકામાં થયેલા વૈજ્ઞાનિક અભ્યાસોથી સાબિત થયું છે કે સેચુરેટેડ ફૅટ શરીરમાં એલડીએલ કૉલેસ્ટ્રૉલનું સ્તર વધારી શકે છે.
એલડીએલ સામાન્યપણે બૅડ કૉલેસ્ટ્રૉલ મનાય છે. તેનું સ્તર વધવાથી હૃદયરોગનો ખતરો પણ વધી શકે છે.
તેઓ ઉદાહરણ આપતાં જણાવે છે કે જો કોઈ વ્યક્તિને એક દિવસમાં 2,000 કૅલરીની જરૂર હોય તો તેમાંથી 120 કૅલરી કરતાં વધુ સેચુરેટેડ ફૅટમાંથી ન આવવી જોઈએ.
તેમણે કહ્યું કે ઘીમાં લગભગ 60થી 65 ટકા સુધી સેચુરેટેડ ફૅટ હોય છે, તેથી ઘીનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં બૅડ કૉલેસ્ટ્રૉલનું સ્તર વધી શકે છે.
શું ઘી પેટનાં ચાંદા મટાડે છે?
એક સરકારી હૉસ્પિટલમાં કામ કરતા જનરલ ફિઝિશિયન અને પ્રોફેસર ચંદ્રશેખરનું કહેવું છે કે ઘીમાં રહેલી મોનોસેચુરેટેડ અને પૉલીઅનસેચુરેટેડ ફૅટ શરીર માટે જરૂરી હોય છે.
તેઓ કહે છે કે, “ઘીમાં લિનોલિક ઍસિડ, બ્યૂટ્રિક ઍસિડ અને અન્ય કેટલાંક ફાયદાકારક ઍસિડ મળી આવે છે. એ પાચનમાં મદદ કરી શકે છે.”
જોકે, હૃદયરોગનાં નિષ્ણાત ડૉ. રિફાઈ શોકત અલી ચેતવતાં કહે છે કે ઘીને દવાની માફક ન લેવું જોઈએ.
તેઓ કહે છે કે, “આપણે એ ન ભૂલવું જોઈએ કે ઘીમાં સેચુરેટેડ ફૅટનું પ્રમાણ વધુ હોય છે. તેથી ભલે તેમાં કેટલાંક લાભદાયક ઍસિડ રહેલા હોય. તેમ છતાં ઘીનું સેવન અડધી ચમચી કરતાં વધુ ન કરવું જોઈએ.”
એવો પણ દાવો કરાય છે કે ઘી પેટનાં ચાંદા મટાડે છે, જોકે, આ વાતને સાબિત કરવા માટેના પૂરતા મેડિકલ કે વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી.
શું ખાલી પેટ ઘી ખાવાથી શરીરની ચરબી ઘટે છે?
ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. રિફાઈનું કહેવું છે કે આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે.
તેઓ કહે છે કે, “ઘી ખાવાથી શરીરની ચરબી નથી ઘટતી. ઘીમાં 60થી 65 ટકા સુધી સેચુરેટેડ ફૅટ હોય છે, જે શરીરમાં બૅડ કૉલેસ્ટ્રૉલ વધારી શકે છે.”
ડૉ. રિફાઈ કહે છે કે આવી સ્થિતિમાં એવું માનવા માટે કોઈ આધાર નથી કે ઘી ખાવાથી શરીરની ચરબી ઘટે છે.
શું બાળકોને ઘી આપવું ઠીક છે?
ડૉક્ટરોનું માનવું છે કે બાળકોને ઘી આપવું એ તેમના વિકાસમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
ડૉ. ચંદ્રશેખર કહે છે કે, “ઘી બાળકોને ચેતાતંત્રના વિકાસ, ત્વચાના સ્વાસ્થ્ય અને પાચન માટે ફાયદાકારક હોઈ શકે છે.”
ડૉ. રિફાઈ અનુસાર, “બાળકોનું મેટાબૉલિઝમ મોટેરાં કરતાં અલગ હોય છે. ઘીમાં રહેલા કેટલાંક લાભકારક ઍસિડ બાળકોના પેટના સ્વાસ્થ્ય માટે મદદરૂપ હોઈ શકે છે.”
તેઓ કહે છે કે, “ઘીમાં ફૅટ ભળી જતાં વિટામિન, જેમ કે, વિટામિન ઈ, વિટામિન કે મળી આવે છે. એ પણ બાળકોની વૃદ્ધિ અને વિકાસમાં સહાયરૂપ હોય છે.”
શું ઘી તેલ કરતાં બહેતર છે?
ઇમેજ સ્રોત, Nasir Kachroo/NurPhoto via Getty Images
ડૉ. રિફાઈનું કહેવું છે કે ઘીને તેલથી બહેતર ન કહી શકાય.
તેઓ કહે છે કે, “તેલના સ્થાને ઘી ભોજન રાંધીને નિયમિતપણે ખાવું એ સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક હોઈ શકે છે. ઘીવાળો ઢોસો કે ઘી સાથે ઇડલી જેવી વસ્તુઓ પણ ક્યારેક જ સ્વાદ માટે ખાઈ શકાય. પરંતુ આવું બધું વારંવાર ખાવું એ શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.”
તેમણે કહ્યું, “એવો કોઈ નક્કર પુરાવો નથી જેનાથી એ સાબિત થઈ શકે કે ઘી, તેલ કરતાં એક બહેતર વિકલ્પ છે. જેમ ઘીનું સેવન સીમિત રાખવું જરૂરી છે. એવી જ રીતે ઑઇલનો ઉપયોગ પણ નિયંત્રિત પ્રમાણમાં જ કરવો જોઈએ.”
ડાયાબિટીસના દર્દીઓ શું ઘી ખાઈ શકે?
ડૉ. રિફાઈનું કહેવું છે કે ડાયાબિટીસના દર્દી, શરીરમાં વધુ ચરબીવાળા લોકો અને હાઇ-બ્લડપ્રેશરથી પીડિત લોકોએ ઘી ખાવાથી બચવું જોઈએ.
તેઓ કહે છે, “આવા લોકો માટે ઘીને સંપૂર્ણપણે છોડી દેવું જ શ્રેષ્ઠ છે. ઘીમાં કેટલાક લાભદાચક ઍસિડ જરૂર હોય છે, પરંતુ કોઈ પણ ભોજનનું મૂલ્યાંકન તેનાં ફાયદા અને જોખમ બંનેને જોઈને કરવું જોઈએ.”
તેમણે કહ્યું, “જો આ આધારે જોવામાં આવે, તો ડાયાબિટીસના દર્દી અને હાઇ-બ્લડપ્રેશરના દર્દીઓએ ઘીનું સેવન ન કરવું જોઈએ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




