Source : BBC NEWS
ANI/facebook/Devendra Fadnavis/getty
વાંચવાનો સમય: 6 મિનિટ
ગુજરાતમાં 26 ઑક્ટોબરે ખૂબ ઓછા વરસાદ પછી 4 જિલ્લાઓમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુષ્કાળની જાહેરાત કરી હતી. જોકે, તે પહેલાં મહારાષ્ટ્રે પણ દુષ્કાળની જાહેરાત કરી દીધી હતી.
ગુજરાતે 4 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરમાં દુષ્કાળની જાહેરાત કરી છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે રાજ્યના 265 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો છે.
ગુજરાતમાં આ વર્ષે કુલ 89.19 ટકા વરસાદ પડ્યો છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ છે.
દેવભૂમિ દ્વારકામાં આ વર્ષે માત્ર 16.45 ટકા, પોરબંદરમાં માત્ર 30.85 ટકા, જામનગરમાં માત્ર 43.25 ટકા અને કચ્છ જિલ્લામાં માત્ર 57.6 ટકા વરસાદ પડ્યો છે.
બીજી તરફ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ પણ દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યા છે.
તેવામાં ગત અઠવાડિયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિતુ વાઘાણીએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી, જેમાં 4 જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ અને સામાજિક સંગઠનો સરકાર પાસે દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, “ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા, 2016 અનુસાર જરૂરી ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે 4 જિલ્લાઓમાં દુષ્કાળની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે.”
તેમણે ઉમેર્યું હતું કે, આ જાહેરાત અમલમાં આવ્યા તારીખથી 6 મહિના સુધી અમલમાં રહેશે.
બીજી તરફ, ઓછા વરસાદની સ્થિતિને લઈને મહારાષ્ટ્ર સરકારે રાજ્યના 265 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો છે અને 7 મોટી છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.
ત્યારે આ 7 છૂટછાટ કઈ છે તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રની દુષ્કાળની જાહેરાતોમાં શું અંતર છે, તે જાણીશું આ અહેવાલમાં.
ત્યારે આ 7 છૂટછાટ કઈ છે તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રની દુષ્કાળની જાહેરાતોમાં શું અંતર છે, તે જાણીશું આ અહેવાલમાં.
મહારાષ્ટ્રમાં દુષ્કાળને કઈ છૂટછાટો અને પગલાં જાહેર કરાયાં?
Facebook/Devendra.Fadnavis
- જમીન મહેસૂલમાંથી મુક્તિ
- પાક લોનનું પુનર્ગઠન
- કૃષિ સંબંધિત લોનની વસૂલાત પર સ્ટે/રોક
- ખેતીના વીજપંપના ચાલુ વીજ બિલમાં માફી (7.5 હૉર્સપાવર સુધીના વીજપંપનું વીજ બિલ પહેલાંથી જ માફ છે, હવે તેનાથી વધુ ક્ષમતા ધરાવતા પંપોને પણ છૂટ આપવામાં આવી છે)
- શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ
- રોજગાર ગૅરંટી યોજના હેઠળ નિયમોમાં છૂટછાટ આપીને વધુમાં વધુ કામો શરૂ કરાશે
- જરૂરિયાત હોય ત્યાં પીવાના પાણીના ટેન્કર પૂરા પાડવામાં આવશે
આ સિવાય તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે દિવાળી પહેલાં દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને 5,000 રૂપિયાની આગોતરી સહાય કરવાની પણ જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં દિવાળી પહેલાં દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને 7,500 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી
mahasamvad
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટ અનુસાર, મહારાષ્ટ્ર રાજ્યના દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં ખરીફ સિઝન દરમિયાન જેમને 33 ટકાથી વધુ પાકનું નુકસાન થયું હતું, તેવા પાત્ર ખેડૂતોના બૅન્ક ખાતામાં પ્રત્યેકને 5,000 રૂપિયાની આગોતરી સહાય સીધી જમા કરવામાં આવશે.
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે લગભગ દોઢ કરોડ ખેડૂતો માટે 7,500 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે.
પ્રેસનોટ અનુસાર, અગાઉ આગોતરી સહાયની લઘુત્તમ રકમ 1,000 રૂપિયા હતી. હવે તે વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે.
આ સહાય માટે ‘કુટુંબ’ પરિબળને બદલે ‘નોંધાયેલા ખેડૂત’નો માપદંડ લાગુ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે શું સહાયની જાહેરાત કરી છે?
Getty Images
ગુજરાત સરકારે ગત અઠવાડિયે જ 4 જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કર્યો હતો.
તેમાં સરકારે 4 જિલ્લાઓમાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, 2 હૅક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવાની વાત કરી હતી.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, “ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા, 2016 અનુસાર જરૂરી ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે 4 જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કર્યો છે.”
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં રાહત દરે કલેક્ટરો મારફતે લોકોને 1.21 કરોડ કિલો ઘાસ આપી દીધું છે અને 3 કરોડ કિલો ઘાસ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે વધારાના ઘાસચારા માટે પણ આગોતરું આયોજન કર્યું છે.
ગુજરાત સરકારે કહ્યું છે કે, દુષ્કાળ જાહેર થવાથી આ 4 જિલ્લાઓમાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, 2 હૅક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
સરકારે જાહેરાત કરી છે કે, પશુદીઠ રોજના 80 રૂપિયા આપવામાં આવશે અને તે 2 મહિના સુધી ચૂકવવામાં આવશે. ત્યાર બાદ પણ જો ક્યાંય પશુઓ રહેશે, તો રાજ્ય સરકાર તેનો ખર્ચ ઉપાડશે.
દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં ગ્રામીણ લોકોને રોજગારી મળી રહે તે માટે 150 માનવદિન રોજગારી ‘વી.બી. જીરામજી’ યોજના હેઠળ આપવામાં આવશે. તેનો અમલ 1 નવેમ્બરથી કરવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, “દુષ્કાળ જાહેર થયાથી 6 મહિના સુધી આ જાહેરાત અમલમાં રહે છે અને પશુપાલકો તથા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવે છે. અમે સંપૂર્ણ સંવેદનશીલતાથી તેમની પડખે ઊભા છીએ.”
ગુજરાતમાં વરસાદની ઘટ
ગુજરાતમાં આ વર્ષે કુલ 89.19 ટકા વરસાદ પડ્યો છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ છે.
દેવભૂમિ દ્વારકામાં આ વર્ષે માત્ર 16.45 ટકા, પોરબંદરમાં માત્ર 30.85 ટકા, જામનગરમાં માત્ર 43.25 ટકા અને કચ્છ જિલ્લામાં માત્ર 57.6 ટકા વરસાદ પડ્યો છે.
ગુજરાતના માત્ર 9 જિલ્લાઓમાં જ 100 ટકા કે તેનાથી વધુ વરસાદ પડ્યો છે.
જે જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો, તે સિવાયના જિલ્લાઓમાં પણ ઘણો ઓછો વરસાદ વરસ્યો છે.
અરવલ્લીમાં 62.89 ટકા, સાબરકાંઠામાં 61.12 ટકા, બનાસકાંઠામાં 63.83 ટકા, રાજકોટમાં 61.85 ટકા તથા દાહોદમાં 63.95 ટકા, ગીર-સોમનાથમાં 63.1 ટકા અને જૂનાગઢમાં 67.94 ટકા જ વરસાદ વરસ્યો છે.
વિશ્લેષકો શું કહી રહ્યા છે?
Getty Images
ખેડૂતોના પ્રશ્નોને લઈને કામ કરતા કર્મશીલ સાગર રબારી બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, મહારાષ્ટ્રમાં સરકારે દુષ્કાળને ‘દુષ્કાળ’ તરીકે જાહેર કર્યો છે.
“જ્યારે ગુજરાત સરકારે દુષ્કાળની જવાબદારીઓમાંથી છટકવા માટે SDRFની યોજનાનો ઉપયોગ કર્યો છે.”
તેઓ કહે છે, “દુષ્કાળ અને SDRF — આ બંને બિલકુલ અલગ બાબતો છે. SDRF એ તો સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ છે. તે વાવાઝોડું, પૂર, આગ અને મોટા અકસ્માતો વખતે કામ આવે છે.”
“તે આવી પડેલી આફત (ડિઝાસ્ટર) માટેની સરકારની ફંડ યોજના છે. તેથી તેમાં સરકારને જેટલા વિસ્તાર પૂરતું જાહેર કરવું હોય, તેટલા વિસ્તાર પૂરતું જ જાહેર કરવાનો અધિકાર છે. સામાન્ય ભાષામાં તે એક મર્યાદિત વિસ્તારની આકસ્મિક આવી પડેલી કુદરતી હોનારત માટેનું રાજ્યનું ફંડ છે.”
“જ્યારે દુષ્કાળ એ મેન્યુઅલ મુજબની પ્રક્રિયા છે, જે સરકારે વરસાદને આધારે જાહેર કરવાનો હોય છે અને એમાં ખેડૂતોને રાહત આપવાથી લઈને પશુઓ માટે ઢોરવાડા ચાલુ કરવા, ઘાસ-વિતરણકેન્દ્રો ચાલુ કરવા જેવી બાબતો સામેલ હોય છે.”
“દુષ્કાળમાં માણસોની રોજગારી માટે સરકાર તળાવો ઊંડાં કરે, ચૅકડેમ બનાવે, તો એનો મુખ્ય હેતુ દુષ્કાળનાં વર્ષમાં રોજગારી આપવાનો, પશુઓને ઘાસચારો આપવાનો અને ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો હોય છે.”
“આમ, ગુજરાત સરકાર જો વરસાદના પ્રમાણ મુજબ વિસ્તાર આવરી લેવા જાય, તો ગુજરાતના ઘણા બધા તાલુકાઓ એમાં આવી જાય. તેથી આ મોટી જવાબદારીમાંથી છટકવા માટે ગુજરાત સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે.”
“આ છેતરપિંડીમાં પણ તેમણે ચાલાકી કરી છે. અત્યારે તેમણે એવું કહ્યું છે કે પશુઓને 2 મહિના ઘાસચારો આપીશું. અત્યારે તો ચોમાસું અને શિયાળાના આ 2 મહિના હશે. તો આ 2 મહિના પછી ઉનાળામાં પશુઓ શું ખાશે?”
“જ્યારે તમે જાહેરાત કરો છો, ત્યારે આવતા ચોમાસા સુધીની કરવી જોઈએ. સરકારે અત્યારથી જ લોકોને આશ્વાસન આપવું જોઈએ કે, આવતા વર્ષે વરસાદ આવે ત્યાં સુધી અમે ખેડૂતો અને પશુઓ માટે આ પ્રમાણેનું યોગ્ય આયોજન કરીશું.”
બીજી તરફ, તેમણે પશુદીઠ 80 રૂપિયા કહ્યા છે. ગયા વર્ષે જુવારના પોળાનો ભાવ 25થી 40 રૂપિયા હતો. જોકે, ગયું વર્ષ દુષ્કાળનું વર્ષ નહોતું; આ દુષ્કાળનું વર્ષ છે.
“એટલે સ્વાભાવિક રીતે જ્યાં ક્યાંક જુવાર પાકી હશે, ત્યાં અછતને કારણે ભાવ ઊંચો જવાનો છે. હવે 40 રૂપિયા ગયા વર્ષનો પણ ભાવ માનીએ, તો 80 રૂપિયાના 2 પોળા આવે. એમાં ગાય કે ભેંસ કેવી રીતે ટકે? એનું પેટ ભરાય નહીં.”
અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, ગુજરાતમાં માત્ર 4 જિલ્લા નહીં, પણ 17 જિલ્લાઓ એવા છે જ્યાં દુષ્કાળ જેવી અથવા દુષ્કાળની જ પરિસ્થિતિ છે.
“એટલે સરકારે ખરેખર ગંભીર થવું જોઈએ. દુષ્કાળ જાહેર કરવામાં પણ તેમણે બહુ મોડું કર્યું છે અને બાકીના જિલ્લાઓ કે તાલુકાઓમાં તો એ જાહેર થયો જ નથી, જ્યાં દુષ્કાળ જેવી જ પરિસ્થિતિ છે.”
“એ પ્રકારના સંજોગોમાં બહુ સ્પષ્ટ દેખાય છે કે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને સામાન્ય નાગરિકોની કાળજી લેવાની જે બંધારણીય જવાબદારી છે, સરકાર એ જવાબદારી અદા કરવા તૈયાર નથી.”
“એટલે કે, 4 લાખ 21 હજાર કરોડ રૂપિયાનું ગુજરાત સરકારનું બજેટ છે. એમાંથી જો સરકાર 2થી 5 હજાર કરોડ રૂપિયા પણ આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના લોકોને રાહત આપવા માટે ન ખર્ચી શકે, તો એ ખોટું છે.”
ભારતીય કિસાન સંઘે શું કહ્યું?
ભારતીય કિસાન સંઘનમાં પ્રમુખ જગમલ આર્યએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે, ગુજરાતના કેટલાક તાલુકાઓમાં ચાર ઇંચથી ઓછો વરસાદ થયો છે.
“અમીરગઢમાં ચાર ઇંચથી ઓછો, ધાનેરામાં ચાર ઇંચથી ઓછો, તો એવા લોકોને પશુપાલન, ઘાસચારો અને પાણી આપવું પડે.”
અમે સરકાર સમક્ષ ભૌગોલિક સ્થતિ પ્રમાણે સહાય નક્કી કરવાની માંગણી પણ કરી છે.”
તેઓ કહે છે કે “વરસાદની પેટર્ન હવે બદલાઈ છે. તેમજ વૈદિક પરંપરા ભૂલી છીએ વડ, પીપળો વરસાદ લાવનારાં વૃક્ષ હતાં એ લુપ્ત થઈ ગયાં અને તેનું સ્થાન હવે ગાંડા બાવળે લઈ લીધું છે.
“પણ આ દુષ્કાળને લઈને અમે કાલે એક બેઠક કરી હતી, અમે સરકાર સમક્ષ આ વિષય મૂક્યો છે પણ હવે તહેવારો હોવાથી સરકારમાં લાભપાંચમ પછી 12 નવેમ્બરે અમારી સાથે બેસીને ચર્ચા કરશે”
આ અંગે બીબીસી ગુજરાતીએ સરકારનો પક્ષ જાણવા પ્રયાસ કર્યો હતો. જોકે, સંપર્ક થઈ શક્યો નહોતો. સંપર્ક થતાં અહીં ઉમેરો કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




