Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
ફોનની ઘંટડી વાગે છે… સ્ક્રીન પર એક નામ દેખાય છે.. કેટલાક લોકોના મનમાં પહેલો વિચાર એવો આવે છે કે, “મારે આ ફોન અત્યારે ઉપાડવો કે નહીં?”
મૅસેજ, વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ ડીએમ અથવા વૉઇસ નોટ્સના યુગમાં ઉછરેલી નવી પેઢીના ઘણા લોકો માટે ફોન કૉલ એ સાધારણ સંદેશાવ્યવહાર નથી, પરંતુ એક તણાવપૂર્ણ અનુભવ છે.
કેટલાક લોકો કૉલ કરતા પહેલાં વાતચીતની સમીક્ષા કરી લે છે. જ્યારે કેટલાક લોકો ગમે તેટલા કૉલ આવે તો પણ તેને રિસિવ કરવાના બદલે વળતો મૅસેજ મોકલવાનું પસંદ કરે છે. મનોવૈજ્ઞાનિકો આ પ્રવૃત્તિને “ટેલિફોન ઍન્ક્ઝાયટી” કહે છે.
કેટલાક સમય અગાઉ સુધી સામસામે બેસીને વાતચીત કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. શક્ય હોય તો તમે ટપાલ લખી શકતા અથવા સીધા ઘરે જઈને દરવાજો ખટખટાવી શકતા હતા. ટેલિફોન અને મોબાઇલ ફોન આવવાથી કૉમ્યુનિકેશન સરળ થઈ ગયું છે. હવે ફોન પર પહેલેથી સમય નક્કી કરી શકાય છે. તેનાથી બધાને સગવડ રહે છે.
પરંતુ હવે એવું લાગે છે કે સંદેશાવ્યવહારની આ રીત આગળના તબક્કામાં પહોંચી ગઈ છે. હવે વાતચીત કરવા માટે ફોન કરવાની પણ જરૂર નથી. યુવાનો અને બધી પેઢીના લોકો સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે, તેમને ફોન પર વાત કરવામાં ખચકાટ થાય છે. તેમાં રૂબરૂ મળવામાં તેમની અસહજતા વધી જાય છે.
હવે આમાં પણ એક ડગલું આગળ વધ્યા છે. એટલે કે કૉલ કરતાં પહેલાં મૅસેજ કરવો. ફોન પર વાત કરવા માટે સમય છે કે નહીં તે પૂછવું એ પણ શિષ્ટાચારનો ભાગ છે. કેટલાક લોકો માટે અચાનક આવેલા ફોન કૉલ એક અવરોધ અથવા ખલેલ હોઈ શકે છે.
ઇમેજ સ્રોત, Getty Images
શબ્દ વગરના સંવાદની આ સફર રીલ્સ સુધી પહોંચી છે. એકબીજાને રીલ મોકલવી એ સંવાદનો ભાગ છે. તે એકબીજા સાથે સંપર્કમાં રહેવાની નવી રીત પણ છે.
ઘણા લોકો રીલના માધ્યમથી એકબીજા સાથે લાંબા સમય સુધી વાત કર્યા વગર સંપર્કમાં રહે છે. તેને મજાકમાં ‘રિલેશનશિપ’ પણ કહેવામાં આવે છે.
આ માત્ર શરમ કે ચારિત્ર્યની કમીનો મામલો નથી. ફોન પર વાત કરતી વખતે તમને સામેવાળાની પ્રતિક્રિયાની તરત ખબર પડી જાય છે, વિચારવાનો સમય નથી મળતો અને તમને કંઈક ખોટું બોલી જવાનો ડર સતાવે છે.
તેનાથી વિપરીત મૅસેજ મોકલો ત્યારે તમને શબ્દોની પસંદગી કરવાનો અને જવાબ આપવાનો સમય મળે છે, તેનાથી ટેક્સ્ટ આધારિત મૅસેજ ઘણા લોકો માટે વધુ સુરક્ષિત બની જાય છે.
પરંતુ શું આ ફેરફાર માત્ર ચિંતા છે કે પછી સંદેશાવ્યવહારની દુનિયામાં મોટું સામાજિક પરિવર્તન છે? ડિજિટલ મીડિયાએ આપણી અપેક્ષાઓ, ઉપલબ્ધતા અને સંચાર શૈલીને કેવી રીતે બદલી નાખી છે? શું ફોનથી દૂર રહેવા પાછળ કોઈ માનસિક આરોગ્યના પ્રશ્નો છે, કે પછી યુવા પેઢી નૅચરલ સંવાદમાં માને છે? આ લેખમાં આ સવાલોના જવાબ શોધવા પ્રયાસ કરાયો છે.
શું આ મામલો માત્ર જેન ઝી પૂરતો મર્યાદિત છે?
ઇમેજ સ્રોત, Getty Images
સાઇકૉલૉજી ટુડે વેબસાઇટ પર માનસિક આરોગ્ય અને વ્યવહાર સંબંધિત લેખિકા ડાયને એન. સોલોમને લખે છે કે “આજકાલ ઘણા લોકો ફોન ફોબિયાને માત્ર મિલેનિયલ્સ અથવા ‘જેન ઝી’ની સમસ્યા માને છે. વાસ્તવમાં ‘ટેલિફોન ફોબિયા’ એટલે કે ફોન પર વાત કરવાનો ડર એ કોઈ નવી વાત નથી.”
તેઓ લખે છે, “મોબાઇલ ફોન અને સ્માર્ટ ફોન સર્વવ્યાપક થયા તે અગાઉ પણ આ વિષય પર ચર્ચા થઈ રહી હતી. એવું લાગે છે કે આ વિષય પર 1990ના દાયકાની શરૂઆતમાં લેખન કરવામાં આવ્યું હતું.”
તેઓ આગળ લખે છે કે, “આ ભય માત્ર યુવાઓમાં નથી હોતો. બ્રિટનમાં થયેલા એક અભ્યાસમાં લગભગ 40 ટકા બેબી બૂમર્સ અને 70 ટકા મિલેનિયલ્સે ફોનની રિંગ વાગે ત્યારે ગભરાટ અથવા તણાવ અનુભવાતો હોવાની વાત કરી હતી. 2024માં 300થી વધુ વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જોવા મળ્યું કે લગભગ નવ ટકા વિદ્યાર્થીઓમાં મધ્યમથી ગંભીર ટેલિફોન ફોબિયા હતો, જ્યારે એક તૃતીયાંશ વિદ્યાર્થીઓમાં તેનાં હળવાં લક્ષણો હતાં.”
(1946થી 1964 વચ્ચે જન્મેલાં લોકોને ‘બેબી બૂમર્સ’ કહેવાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી વસતીમાં થયેલા તીવ્ર વધારા દરમિયાન આ પેઢી આવી. જ્યારે 1981થી 1996 વચ્ચે જન્મેલાં લોકોને ‘મિલેનિયલ્સ’ની શ્રેણીમાં મૂકવામાં આવે છે, જેઓ ઇન્ટરનેટ અને ડિજિટલ ટૅક્નૉલૉજીના ઉદય સાથે પુખ્ત બનેલી પેઢી છે.)
એટલે કે ફોન કૉલનો ડર માત્ર ડિજિટલ પેઢીમાં જોવા મળે છે એવું નથી. અલગ-અલગ વયના લોકોમાં આ મનોવૈજ્ઞાનિક અને સામાજિક પ્રવૃત્તિ હોય તેવું લાગે છે.
ઇમેજ સ્રોત, Getty Images
તેનાથી સવાલ પેદા થાય છે કે શું યુવાપેઢી ખરેખર વાસ્તવિક વાતચીતથી દૂર થતી જાય છે કે કેમ.
નિષ્ણાતોના કહેવા મુજબ આ સવાલનો જવાબ માત્ર હા કે નામાં આપી શકાય નહીં. કેટલીક વખત તે સામાજિક ચિંતાનો સંકેત હોઈ શકે. મૅસેજ મોકલવાથી તમને પોતાની પ્રતિક્રિયા પર નિયંત્રણ મળે છે, જ્યારે કૉલનો જવાબ તાત્કાલિક આપવો પડે છે. તેથી કેટલાક લોકો માટે આ સંદેશાવ્યવહારનો એકમાત્ર વિકલ્પ હોઈ શકે છે.
જોકે, સંદેશાવ્યવહારાના વધતા ડિજિટલકરણને લગતા કેટલાક સવાલો પણ ઊઠે છે. શબ્દોના માધ્યમથી વ્યક્ત ભાવ, ભાવનાઓ અને સુક્ષ્મ સંકેત ખોવાઈ શકાય છે, ગેરમાન્યતા વધવાની શક્યતા રહે છે. બીજી તરફ ફોન પર વાત કરવાથી ઘનિષ્ઠતા, વિશ્વાસ અને ભાવનાત્મક સંબંધ મજબૂત બની શકે છે.
તેથી ફોન કૉલથી બચવાની આદત એ માત્ર તકનીકી બદલાવ નથી, પરંતુ તેને આધુનિક તણાવ, સામાજિક અપેક્ષા અને બદલાતી માનવીય સંચાર સંસ્કૃતિના પ્રતિબિંધ તરીકે પણ જોઈ શકાય છે.
ઇમેજ સ્રોત, Getty Images
હવે વધુ એક અભ્યાસ પર નજર નાખીએ. અમેરિકન સાઇકૉલૉજી ઍસોસિયેશન (એપીએ)ના એક રિસર્ચ મુજબ ટેક્સ્ટિંગ લોકોને નજીક લાવી શકે અને દૂર પણ કરી શકે છે.
જે કપલને ટેક્સ્ટ મૅસેજ કરવાની એક સરખી આદત હોય છે, તેમના સંબંધો વધુ ખુશ અને સંતોષજનક હોય છે. બીજી તરફ કેટલાક લોકો માત્ર સંપર્કમાં રહેવા નહીં, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિથી છટકવા માટે ટેક્સ્ટનો ઉપયોગ કરે છે.
શોધકર્તાઓ મુજબ કેટલાક લોકો કંટાળો અને એકલાપણાના કારણે મૅસેજ કરવાનું પસેદ કરે છે. અથવા તેઓ ફોન કે રૂબરૂ વાત કરવા કરતા ટેક્સ્ટ પર પોતાની વાતને વધુ સારી રીતે વર્ણવી શકે છે. જોકે, જો ટેક્સ્ટ મૅસેજ એ વાતચીતનું મુખ્ય માધ્યમ બની જાય, તો તે સાર્થક માનવીય સંવાદમાં અવરોધ પણ બની શકે છે.
સંશોધકો મુજબ હંમેશાં ટેક્સ્ટ મૅસેજ પર આધાર રાખવાથી સામાજિક અલગાવ અને એકલવાયાપણાને વધારી શકે છે. કહેવાનો અર્થ એવો છે કે ટેક્સ્ટ મૅસેજ એ સુવિધાજનક અને ઉપયોગી માધ્યમ છે, પરંતુ તેનાથી વાતચીત મજબૂત બનશે કે નબળી તેનો આધાર તેના ઉદ્દેશ અને ઉપયોગની રીત પર રહેલો છે.
ઇમેજ સ્રોત, Getty Images
પ્યૂ રિસર્ચ સેન્ટરના એક અભ્યાસ મુજબ યુવાનોમાં ટેક્સ્ટિંગ એ સંવાદનું સૌથી લોકપ્રિય માધ્યમ છે, પરંતુ ફોન કૉલ પણ સાવ પાછળ નથી. મોટા ભાગના કિશોરો નવા દોસ્ત બનાવતી વખતે ટેક્સ્ટિંગ માટે પોતાના ફોન નંબર શૅર કરે છે. તેઓ તરત ફોન કૉલ માટે પોતાના નંબર આપવાની સંભાવના ઓછી રાખે છે. કેટલાક લોકોને એવા લોકો સાથે ફોન પર વાત કરવાનું વિચિત્ર લાગે છે જેને તેઓ તાજેતરમાં જ મળ્યા છે. કેટલાક સગીરોને એમ પણ લાગે છે કે પોતાના ફોન નંબર આપવા એ પોતાની ઘણી બધી વ્યક્તિગત માહિતી આપવા સમાન છે.
જોકે, મિત્રતા ગાઢ બનતી જાય તેમ તેમ ફોન કૉલનું મહત્ત્વ વધતું જાય છે.
આ અભ્યાસમાં કેટલાય ટીનેજરોએ કહ્યું કે ટેક્સ્ટ મૅસેજિંગ એ તેમના સૌથી સારા મિત્રો સાથે જોડાવાનો પ્રથમ નંબરનો વિકલ્પ હતો, પરંતુ ફોન કૉલ એ તેમનો બીજો પસંદગીનો રસ્તો હતો.
ગાઢ મિત્રો, ભાવનાત્મક રૂપથી મહત્ત્વના સંબંધો અથવા લાંબા સમય સુધી વાતચીત કરવા દરમિયાન ફોનનો ઉપયોગ વિશેષ રીતે થાય છે. એક વિદ્યાર્થીએ સંશોધનકારને જણાવ્યું કે “જો તમારા કોઈ નિકટના મિત્ર હોય તો તમે તેની સાથે ફોન પર વાત કરો છો, કારણ કે વાત કરવા માટે ઘણું બધું હોય છે. પરંતુ જો તે માત્ર એક પરિચિત હોય તો ઘણી વખત એક ટેક્સ્ટ મૅસેજ પૂરતો હોય છે.”
ફોન કૉલમાં ઘટાડો થયો છે છતાં નિકટના અને વ્યક્તિગત સંબંધોમાં તેમનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહેલું છે.
ફોન પર વાત કરતી વખતે ગભરાટનાં લક્ષણો શું છે?
ઇમેજ સ્રોત, Getty Images
તમને અહીં જણાવેલાં લક્ષણો અનુભવાતાં હોય, તો તમને કદાચ ફોન ઍન્ક્ઝાયટી અથવા પર વાત કરવાનો ગભરાટ છે…
- ફોન કૉલ કરવાનું અને બીજાના કૉલનો જવાબ આપવાનું ટાળો છો
- ફોન કૉલ કરવા અને બીજાના ફૉનનો જવાબ આપવા માટે સમય કાઢવો
- તમે બીજી વ્યક્તિને દુભાવશો તેવી બીક હોય
- તમે કંઈક કહી દેશો તેવો ભય
- ચક્કર આવવા, ધ્રૂજવું અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે.
ટેલિફોનને લગતા ગભરાટ વિશે વધુ જાણવા માટે અમે મુંબઈની જસલોક હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં સલાહકાર મનોવૈજ્ઞાનિક રિતિકા અગ્રવાલનો સંપર્ક કર્યો.
તેઓ દર્દીઓને ઍન્ક્ઝાયટી (ચિંતા), અવસાદ અને શરાબની આદત સહિતના અનેક મુદ્દા પર સલાહ આપે છે.
અમે તેમને પૂછ્યું કે શું ફોન પર વાત કરવામાં ગભરાવું એ કોઈ મનોવૈજ્ઞાનિક ધારણા છે? તેમણે જવાબ આપ્યો કે, “હા. ફોન કરતી વખતે અથવા ઉઠાવતી વખતે અત્યંત ચિંતા થતી હોય તેને ટેલિફોન ઍન્ક્ઝાયટી કહેવાય છે. વૈજ્ઞાનિકો આ સિદ્ધાંતને માને છે. જોકે, તેને અલગ માનસિક બીમારી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું નથી.”
“આ ઘણી વખત માનસિક ચિંતા, સામાન્યીકૃત ચિંતા, વિકાર અથવા કોઈ પણ વિશેષ કૉમ્યુનિકેશન સ્ટાઇલ સાથે સંકળાયેલી અસુવિધા હોઈ શકે છે.”
પરંતુ હજુ પણ સવાલ છે કે શું ફોન ઍન્ક્ઝાયટી અને સામાજિક ગભરાટ વચ્ચે કોઈ અંતર છે?
રિતિકા અગ્રવાલે જણાવ્યું કે, સામાજિક ચિંતાનો વિકાર એ એક વ્યાપક પ્રકારનો વિકાર છે. તે એવી બીક સાથે સંકળાયેલ છે કે બીજા લોકો તમારા વિશે શું વિચારશે, તેમાં અસ્વીકૃતિ કે અપમાનનો ડર હોય છે. આ ચિંતા ઘણી સ્થિતિમાં અનુભવાઈ શકે છે, જેમ કે આમનેસામને મુલાકાતો, જાહેરમાં ભાષણ આપવું, બીજા લોકોની સામે જમવું અથવા ઑનલાઇન વાતચીત કરવી.”
ઇમેજ સ્રોત, Getty Images
“જોકે, ફોન પર વાત કરવાનો ગભરાટ પરિસ્થિતિજન્ય હોય છે. કેટલાક લોકો પોતાના મિત્રોની સામે આસાનીથી વાત કરી શકે છે, પરંતુ તે જ મિત્રનો અચાનક ફોન આવી જાય તો તેઓ તણાવ અનુભવી શકે છે. જોકે, લોકો શું વિચારશે અથવા તેમનાથી કંઈક ખોટું બોલાઈ જશે એવા ભયના કારણે ડર પેદા થયો હોય, તો તે સામાજિક ચિંતાનું લક્ષણ હોઈ શકે છે.”
રિતિકા અગ્રવાલને પૂછવામાં આવ્યું કે ફોનથી દૂર રહેવાની આદત ક્યારે માનસિક આરોગ્યની સમસ્યા બની જાય છે, ત્યારે તેમણે કહ્યું કે, “ફોનથી દૂર રહેવાનું ચાલુ રહે તો તે માનસિક પરેશાનીનું કારણ બની શકે છે. અથવા વ્યક્તિગત, સામાજિક અને વ્યાવસાયિક જીવનને પ્રભાવિત કરવાનું શરૂ કરી દે, તો તેને ગંભીરતાથી લેવાની જરૂર પડે છે.”
ઉદાહરણ તરીકે મહત્ત્વના કૉલથી વારંવાર દૂર રહેવું, ફોન ઉઠાવવા પર અત્યંત ચિંતા અનુભવવી, અથવા ફોન પર વાત ન કરવી પડે તે માટે દૈનિક જીવનની યોજના બનાવવી એ ઍન્ક્ઝાયટીનાં લક્ષણો હોઈ શકે છે.
આ સંદર્ભમાં પોતાને એક મહત્ત્વનો પ્રશ્ન પૂછવો જોઈએ કે, “શું ફોનથી દૂર રહેવાના કારણે મારું જીવન સીમિત બની રહ્યું છે?”
અમે અગ્રવાલને પૂછ્યું કે ફોનથી દૂર રહેવાથી સંબંધો અને દૈનિક જીવન પર કેવી અસર થાય છે. તેના જવાબમાં તેમણે કહ્યું કે આનો મહત્ત્વપૂર્ણ પ્રભાવ પડી શકે છે.
આ ચિંતાના કારણે “કામના સ્થળે તક ન મળવી, નિર્ણય લેવામાં વિલંબ, ગેરમાન્યતામાં વધારો અને સંબંધિત વ્યક્તિ જવાબ નથી આપતી તેવી ધારણા પેદા કરી શકે. લાંબા સમય સુધી આવું રહે તો તે કારકિર્દીમાં પ્રગતિને રોકી શકે છે.”
ઇમેજ સ્રોત, Getty Images
સંબંધોમાં આ પ્રકારના વ્યહારને ઉદાસીનતા, અસ્વીકૃતિ અથવા ભાવનાત્મક અલગતાના રૂપમાં પણ સમજી શકાય છે, ભલે તેનું મુખ્ય કારણ ચિંતા હોય. આ ઉપરાંત ઍપૉઇન્ટમેન્ટ શિડ્યુલ કરવી, હેલ્થકેર પ્રોવાઇડરનો સંપર્ક કરવો અને આરોગ્ય વિશે વાત કરવી વગેરે રોજિંદા કામમાં મુશ્કેલી પડી શકે છે.
તેમણે કહેલી સૌથી મહત્ત્વની વાત એ હતી કે આપણે જેટલા વધારે કૉલ ટાળશું, આગામી કૉલ એટલા જ વધારે ડરામણા બની જાય છે.
ફોન કૉલ ટાળવામાં કેટલાક લોકોને એકલાપણું અનુભવાઈ શકે છે. જોકે, ફોન કૉલથી બચવું અને ડિજિટલ સંદેશાવ્યવહારને પ્રાથમિકતા આપવી એ બંને અલગ ચીજો છે. કોઈ વ્યક્તિ ટેક્સ્ટ મૅસેજ, વીડિયો કૉલ અથવા રૂબરૂ મુલાકાતના માધ્યમથી એક સમૃદ્ધ સામાજિક જીવન જીવી શકે છે અને પછી તેને ફોન પર વાત કરવાનું ન ગમે.
જોકે, ફોનથી દૂર રહેવું એ વ્યાપક સામાજિક અંતરનો સંકેત હોય, તો તેનાથી એકલતા વધી શકે છે. ઘણી વાર ચિંતાનું એક દુષ્ચક્ર શરૂ થાય છે. ફોનથી પરહેજ રાખવાથી કામચલાઉ રાહત મળે છે. પરંતુ ત્યાર પછી ચિંતા વધી જાય છે.
જો આ પૅટર્ન માત્ર ફોન સુધી જ સીમિત ન હોય, અને મિત્રતા, સામાજિક સંબંધો અથવા અન્ય સંબંધોમાં પણ જોવા મળે, તો એકલવાયાપણું અને સામાજિક અલગાવની સંભાવના વધી જાય છે.
શું યુવાપેઢી ફોન કૉલને વધારે ટાળે છે?
ઇમેજ સ્રોત, Getty Images
સંદેશાવ્યવહારની આદતમાં પણ પેઢીગત ફેરફાર આવી રહ્યા છે. ખાસ કરીને જેઓ ઇન્સ્ટન્ટ મૅસેજ, સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયાના માહોલમાં ઉછર્યા હોય તેવા યુવાનો માટે. પરંતુ આખી યુવાપેઢી ફોન કૉલથી ડરે છે એવો નિષ્કર્ષ કાઢી શકાય નહીં.
ઘણા યુવાનો માટે ટેક્સ્ટ મૅસેજ મોકલવા એ સંવાદ કરવાની સ્વભાવિક રીત છે. તેથી ફોન કૉલ થોડું ઔપચારિક અને હસ્તક્ષેપ જેવું લાગી શકે છે.
સાથે સાથે ડિજિટલ સંવાદના નિરંતર પ્રચલનના કારણે સહજ મૌખિક સંવાદની આદતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જોકે, તેનો અર્થ એવો નથી કે યુવાનો ઓછા સામાજિક બની ગયા છે. તેમનું સામાજિક જીવન પહેલા જેવું જ છે, માત્ર સંદેશાવ્યવહારનાં સાધનો બદલાઈ ગયાં છે.
રિતિકા અગ્રવાલ કહે છે કે, “સોશિયલ મીડિયા અને મૅસેજિંગ ઍપ્સના કારણે કૉમ્યુનિકેશન માટે આપણી અપેક્ષા બદલાઈ ગઈ છે. હવે દરેક વખતે તરત જવાબ આપવાની જરૂર નથી. લોકો જ્યારે પોતાને સુવિધાજનક હોય ત્યારે જવાબ આપે છે.”
“આ માધ્યમ તમને પોતાની વાત કરવાની રીત પર વધુ નિયંત્રણ રાખવાની સુવિધા આપે છે. તમારી પાસે શબ્દો પસંદ કરવાનો, તેની ઢબ નક્કી કરવાનો અને જરૂર પડે ત્યારે ઇમોજીનો ઉપયોગ કરવાનો સમય હોય છે. ફોન કૉલમાં આ સગવડ નથી હોતી. ઉદાહરણ તરીકે તમે કોઈથી નારાજ હોવ તો ટેક્સ્ટ મૅસેજમાં વિનમ્રતાથી વાત કરવી સરળ હોય છે. પરંતુ ફોન પર વાત કરતી વખતે પોતાની લાગણી પર અંકુશ રાખવાનું મુશ્કેલ બની જાય છે.”
ઇમેજ સ્રોત, Getty Images
માહિમસ્થિત પી. ડી. હિંદુજા હૉસ્પિટલ ઍન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરના સાઇકૉલૉજિસ્ટ અને કાઉન્સેલર શીના સુદ કહે છે કે, “ટેક્સ્ટ મૅસેજિંગના પોતાના ફાયદા અને નુકસાન છે. તેનો એક મુખ્ય ફાયદો એ છે કે આ સંદેશાવ્યવહાર ઝડપથી અને લેખિત રીતે કરી શકાય છે. તેથી વાતચીતના કોઈ પણ પૉઇન્ટને ભૂલી જવાની શક્યતા ઓછી રહે છે, કારણ કે તે આપણી સાથે રહે છે.”
ઉદાહરણ તરીકે કરિયાણાની યાદી તમને ટેક્સ્ટ મૅસેજ દ્વારા મોકલી શકાય છે, જેથી કંઈ પણ ભૂલાવાની શક્યતા ઘટી જાય છે. ફોન પર થયેલી બધી વાતચીત રેકૉર્ડ નથી થતી, તેથી કેટલીક વાતો ચૂકી જવાય છે.
“આ ઉપરાંત મૅસેજિંગનો ઉપયોગ એક જ સમયમાં અન્ય કાર્યો માટે પણ કરી શકાય છે. મૅસેજિંગમાં ફોન કૉલની તુલનામાં ઓછા સમય અને માનસિક એકાગ્રતાની જરૂર રહે છે.”
તે યુવાપેઢીની કૉમ્યુનિકેશનની બદલાતી આદતોના એક પાસાને પ્રસ્તુત કરે છે.
બીબીસી મરાઠી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “યુવાપેઢી ઝડપથી અને વધુ પ્રભાવી રીતે સંવાદ કરવાની કળા શીખી રહી છે. તેમનામાં કોઈ સ્થિતિના સંદર્ભને ઓછા શબ્દોમાં સમજાવવા માટે સંક્ષિપ્ત રૂપનો ઉપયોગ કરવાનું કૌશલ્ય પણ છે.”
“તેથી ઓછામાં ઓછા શબ્દોથી પ્રભાવી રીતે સંવાદ કરવો એ તેમના સામાજિક કૌશલ્ય પૈકી એક ગણી શકાય છે. જોકે, જે સામાજિક કૌશલ્યની તેમનામાં અછત છે, તે છે ખુલ્લા મન સાથે ભાવનાત્મક સંવાદ. કારણ કે તેઓ ફોન કૉલના માધ્યમથી સંવાદ કરવા માટે ટેવાયેલા નથી.”
શું ફોન કૉલ્સનો ડર પૅનિક ઍટેકનું કારણ બની શકે?
કેટલાક લોકો ફોન આવે ત્યારે તરત જ જવાબ આપવાનું દબાણ અનુભવી શકે છે. આનાથી ચિંતા અને ગભરાટ વધી શકે છે. કેટલાક લોકોને એવો પણ ભય હોય છે કે બીજી વ્યક્તિ તેમના વિશે શું વિચારશે, અથવા તેઓ કંઈક ખોટું કહેશે તો. જેમ આપણે જોયું તેમ, આ ડર ઘણી વાર સામાજિક ચિંતા સાથે સંબંધિત હોઈ શકે છે.
જ્યારે તમને ફોન ઉપાડવાનું મન થાય ત્યારે પણ તમારે પોતાને રોકવા માટે માનસિક પ્રયાસ કરવો પડે છે. આ સંઘર્ષ તણાવ વધારી શકે છે. ક્યારેક, વ્યક્તિ મૂંઝવણ અનુભવી શકે છે, હૃદયના ધબકારામાં વધારો, બેચેની અનુભવી શકે છે અથવા કંઈક ખરાબ થવાનો ડર અનુભવી શકે છે.
શું ફોનનો આ ડર બીજી વ્યક્તિ કેમ ફોન કરી રહી છે તે ન જાણવાને કારણે છે? અમે મુલુંડ અને વાશીમાં ફોર્ટિસ હીરાનંદાની હૉસ્પિટલના કન્સલ્ટન્ટ મનોચિકિત્સક ડૉ. કેદાર તિલ્વેને પૂછ્યું.
ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે, “વ્યક્તિ શા માટે ફોન કરી રહી છે? આ અનિશ્ચિતતા માટે કેટલાંક કારણો છે. પરંતુ આ એકમાત્ર કારણ નથી. એવો ડર પણ હોઈ શકે છે કે તમને સામેની વ્યક્તિ પાસેથી ખરાબ કે અણધાર્યા સમાચાર મળી શકે છે, અને તમે તેના માટે તૈયાર નથી. કેટલાક લોકોને એવો પણ ડર હોય છે કે અન્ય લોકો ઊતરતા ગણશે અથવા નકારાત્મક મૂલ્યાંકન કરશે.”
ડૉ. તિલ્વે કહે છે, ફોન કૉલ્સનો ડર ક્યારેક પૅનિક ઍટેકનું કારણ બની શકે છે. લક્ષણોમાં ધબકતું હૃદય, તોળાઈ રહેલા વિનાશની લાગણી, પરસેવો, અથવા શરીરમાં ઝણઝણાટીનો સમાવેશ થાય છે. તમને ઊબકાં અથવા સતત, ન સમજાય તેવા ભયનો અનુભવ પણ થઈ શકે છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઘણા લોકો ઇચ્છે છે કે બધું બરાબર એવું જ બને જેવું તેઓ ઇચ્છે છે, બરાબર એવું જ જેવી તેમણે કલ્પના કરી હતી. તેઓ ઇચ્છે છે કે બધું ‘પરફેક્ટ’ હોય. તેઓ તેના માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ તેમને કેટલાક ગેરલાભ પણ વેઠવા પડે છે.
અમે ડૉ. કેદાર તિલ્વેને પૂછ્યું કે શું આવા પરફેક્શનિસ્ટ્સને અચાનક ફોન પર વાતચીત કરવામાં મુશ્કેલી પડી શકે છે.
તેમણે કહ્યું, “આવા લોકો એવો અપરાધભાવ અનુભવી શકે છે કે તેઓ વાતચીતમાં વધુ સારી રીતે બોલી શક્યા હોત અથવા તેઓ કંઈક મહત્ત્વપૂર્ણ કહેવાનું ચૂકી ગયા હતા. ઉપરાંત, જે લોકો બેચેન અને વસ્તુઓને ટાળનારા હોય છે તેમને પણ અચાનક આવેલા ફોન કૉલ્સ ઉઠાવવામાં મુશ્કેલી થઈ શકે છે.”
ડૉ. ટિલ્વે સૂચવે છે, ફોનની ચિંતાનો મુદ્દો આપણા રોજિંદા જીવનમાં ટૅક્નૉલૉજીના વધતા મહત્ત્વને પ્રતિબિંબિત કરે છે. તે આપણને અહેસાસ કરાવે છે કે આપણે સરળ કાર્યો માટે પણ ટૅક્નૉલૉજી પર કેટલા નિર્ભર બની ગયા છીએ. તેથી, નિયમિતપણે ‘ડિજિટલ ડિટોક્સ’ કરવું અને થોડા સમય માટે સ્ક્રીનથી દૂર રહેવું વધુ મહત્ત્વપૂર્ણ છે.
ઇમેજ સ્રોત, Getty Images
દરેક વ્યક્તિ ફોન પર ખૂલીને અને ફટાફટ વાતો કરતી હોય એવું જરૂરી નથી. અમુક વ્યક્તિ ટેક્સ્ટ કરવાનું પસંદ કરે છે, તેમાં કંઈ ખોટું નથી અને તે તેમના જીવન પર નકારાત્મક અસર કરતું નથી.
પરંતુ જે લોકો ખરેખર ફોન કૉલ્સથી ડરતા હોય છે, તેમના માટે પરિસ્થિતિનો સામનો કરવા માટે તબક્કા વાર અભિગમ મદદરૂપ થઈ શકે છે. તમે જેના પર વિશ્વાસ કરો છો તેની સાથે ટૂંકા, ઓછા તણાવપૂર્ણ ફોન કૉલ્સ કરીને શરૂઆત કરી શકો છો, અને પછી ધીમે ધીમે વધુ પડકારજનક વાતચીતો તરફ આગળ વધી શકો છો.
વધુમાં, નીચેનાં પગલાં મદદ કરી શકે છે:
- આખી વાતચીત વાંચવાને બદલે, પહેલાં કેટલાક મુખ્ય મુદ્દા નક્કી કરો
- કૉલ કરતાં પહેલાં થોડા ઊંડા, ધીમી ગતિએ શ્વાસ લો
- યાદ રાખો કે દરેક ક્રિયાપ્રતિક્રિયા સંપૂર્ણ હોવી જરૂરી નથી
- શરૂઆતમાં પરિચિત અને અપેક્ષિત વાતચીતથી શરૂઆત કરો
- વધુ પડતી તૈયારી અને ટાળવાની આદત ધીમે ધીમે ઓછી કરો
- “હું મૂર્ખ દેખાઈશ” જેવા વિચારો વાસ્તવિક છે કે કેમ તેના પર ધ્યાન ન આપો
ઇમેજ સ્રોત, Getty Images
વાતચીત માટે અગાઉથી સમય ગોઠવવાથી આશ્ચર્યનું તત્ત્વ ઓછું થાય છે. તે વ્યક્તિને અગાઉથી પોતે શું કહેવા માગે છે તે વિશે વિચારવાની તક આપે છે. આવી માનસિક તૈયારી આત્મવિશ્વાસ વધારી શકે છે અને તણાવ ઘટાડી શકે છે.
જો ચિંતા ગંભીર, લાંબા સમય સુધી ચાલતી હોય અથવા રોજિંદા જીવનને અસર કરતી હોય, તો માનસિક સ્વાસ્થ્ય પ્રોફેશનલ્સની મદદ લેવી મદદરૂપ થઈ શકે છે. જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર (સીબીટી) જેવી સારવાર આવી સમસ્યાઓ માટે અસરકારક છે.
જો તમે તમારી જીવનશૈલીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવા માગતા હો, તમારા આહારમાં ફેરફાર કરવા માગતા હો, દવા લેવા માંગતા હો અથવા શારીરિક કસરત શરૂ કરવા માગતા હો, તો ડૉક્ટર અને લાયકાત પ્રાપ્ત ટ્રેનરની મદદ લેવી મહત્ત્વપૂર્ણ છે.
ડૉક્ટર દ્વારા તમારા શરીર અને લક્ષણોની યોગ્ય રીતે તપાસ કરાવવી અને તેમની સલાહ લઈને જ જીવનશૈલીમાં ફેરફાર કરવો શ્રેષ્ઠ છે. ડૉક્ટરની સલાહ લીધા વિના જાતે સારવાર કરવું ખતરનાક સાબિત થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




