Home તાજા સમાચાર gujrati ગુજરાત સહિત ભારતની હજ્જારો ‘પેપર પાર્ટી’ઓ જેમને મળે છે રાષ્ટ્રીય પાર્ટીઓ કરતાં...

ગુજરાત સહિત ભારતની હજ્જારો ‘પેપર પાર્ટી’ઓ જેમને મળે છે રાષ્ટ્રીય પાર્ટીઓ કરતાં પણ વધુ રાજકીય દાન

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

15મી જૂનની બળબળતી બપોરે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની એક ટુકડી, રાજ્ય પોલીસના અધિકારીઓ અને જિજ્ઞાસુ પત્રકારો પશ્ચિમ બંગાળના હાવડાના હાતગાચા ગામની એક બે માળની ઇમારત પાસે એકઠા થયા હતા.

કોલકાતાથી આશરે એકાદ કલાકના અંતરે આવેલું આ અંતરિયાળ સ્થળ રાતોરાત રાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્ર બની ગયું હતું.

આ ઇમારત નૅશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (એનસીપીઆઇ)નું હેડક્વાર્ટર છે.

હજુ એક દિવસ પહેલાં સુધી આ પક્ષનો રાજકીય ઇતિહાસ 2023ની ત્રિપુરાની વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો પરથી ચૂંટણી લડવા પૂરતો જ સીમિત હતો.

જોકે, 14મી જૂનના રોજ તૃણમૂલ કૉંગ્રેસના 20 જેટલા સાંસદોએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર પાઠવીને સાવ અજાણ્યા પક્ષ એવા એનસીપીઆઈ સાથે જોડાણ કરવાના તેમના નિર્ણયની જાહેરાત કરી હતી.

પક્ષની ઑફિસનાં હોદ્દેદારો – પ્રમુખ શિઉલી કુંડુ, જેઓ કલકત્તા હાઇકોર્ટનાં વકીલ છે અને ઉપ-પ્રમુખ ઉત્તિયા કુંડુ – જેઓ ગણિતના શિક્ષક, સ્વ-ઘોષિત ‘મોટિવેશનલ સ્પીકર’ તેમજ એક સ્થાનિક અખબારના તંત્રી સોમવારે કાર્યાલયના સંકુલમાંથી ગેરહાજર હતાં.

જોકે, તેમનાં નામ, લાયકાત અને વ્યાવસાયિક કાર્યો ઑફિસના મુખ્ય દરવાજા પર મોટા અક્ષરે લખેલાં હતાં.

ચૂંટણીપંચના સત્તાવાર દસ્તાવેજોમાં એનસીપીઆઈનો ઉલ્લેખ રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પૉલિટિકલ પાર્ટી (આરયુપીપી – નોંધણીકૃત બિન-માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષ) તરીકે થયેલો જોવા મળે છે.

રિપ્રેઝન્ટેશન ઑફ ધ પિપલ ઍક્ટ, 1951ની કલમ 29-એ હેઠળ ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયામાં નોંધણી ધરાવતા તમામ રાજકીય પક્ષો ત્યાં સુધી આરયુપીપી ગણાય છે, જ્યાં સુધી તેઓ રાજ્ય સ્તરના પક્ષ તરીકે માન્યતા મેળવવા માટે સિમ્બોલ્સ ઑર્ડર (1968) હેઠળના માપદંડો ન સંતોષે – જેમકે, અન્ય યોગ્યતાઓની સાથે-સાથે રાજ્યમાં વિધાનસભાની બે બેઠકો જીતવી અને ઓછામાં ઓછા છ ટકા માન્ય મતો કબ્જે કરવા અથવા તો, રાજ્યમાં કુલ પૈકીના આઠ ટકા માન્ય મતો મેળવવા.

બીબીસીના વિશ્લેષણમાં માલૂમ પડ્યું હતું કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં આરયુપીપીની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે.

રાજકીય નિરીક્ષકો આ પ્રવાહને લઈને શંકાશીલ છે અને ઇન્કમ ટૅક્સ ઍક્ટ (1961)ની કલમ 13 (એ) હેઠળ રાજકીય પક્ષોને કર ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી છે, તે જોતાં નિરીક્ષકો આ પક્ષોનો મની લૉન્ડરિંગ માટેના માધ્યમ તરીકે ઉપયોગ થવાની સંભવિતતા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

સંશોધન એ પણ દર્શાવે છે કે, આ પૈકીના મોટાભાગના આરયુપીપી કદીયે ચૂંટણી લડતા નથી.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Rubaiyat Biswas/BBC

પેરિસની એક જાહેર સંશોધન યુનિવર્સિટી સાયન્સ પ્રોના સંશોધક ગિલ્સ વર્નિયર્સે જણાવ્યું હતું, “આપણે એ સ્વીકારવું પડશે કે, ભારતમાં આરયુપીપી એ રાજકીય પ્રતિનિધિત્વનું એક સ્વરૂપ છે. પણ તેમાંના ઘણા આરયુપીપી મની લૉન્ડરિંગ માટેનાં શંકાસ્પદ સાધનો છે.”

ભારતમાં ચૂંટણીના રાજકારણ પર સંશોધન કરનારા વર્નિયર્સે આગળ કહ્યું હતું, “રાજકીય પક્ષો એક વખત ચૂંટણીપંચમાં નોંધણી કરાવી લે, તે પછી તેમને કરવેરા ચૂકવવામાંથી મુક્તિ મળી જાય છે.”

“આમ, આ પણ એક લાભ છે, જેના કારણે આટલા બધા પક્ષો ઊભા થયા છે.”

ભારતમાં આરયુપીપીની સંખ્યામાં થયેલો વધારો

બીબીસી ગુજરાતી, આરયુપીપી, ગુજરાત

ઇમેજ સ્રોત, ANI

ઑગસ્ટ, 2025ના તાજેતરના ડેટા મુજબ, ચૂંટણીપંચ 2,520 આરયુપીપી, છ રાષ્ટ્રીય પક્ષો અને 67 રાજ્ય સ્તરના પક્ષોને માન્યતા આપે છે.

આરયુપીપીને ચૂંટણી માટેનું ખાસ નિશાન (ચૂંટણીનું ચિહ્ન) અને પક્ષનાં કાર્યાલયો માટે સબસિડીવાળી જમીન જેવા રાજ્ય કે રાષ્ટ્રીય પક્ષને અપાતા લાભ મળતા નથી.

ચૂંટણીની કામગીરી પર નજર રાખતી સંસ્થા ઍસોસિએશન ફૉર ડેમોક્રેટિક રાઇટ્સ (એડીઆર) દ્વારા કરવામાં આવેલા એક વિશ્લેષણ અનુસાર, 2022-23 સુધી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સંખ્યામાં આરયુપીપી હતા અને તે પછીના ક્રમે દિલ્હી તેમજ બિહાર આવે છે.

નોંધનીય છે કે, ભારતમાં આરયુપીપીની સંખ્યા 2010માં 1,112 હતી, તે છેલ્લા એક દાયકામાં બેવડાઈને 2019માં 2,301 અને 2021માં 2,858 થઈ ગઈ હતી.

એ જ રીતે રજિસ્ટર્ડ પક્ષોની સંખ્યામાં પણ લોકસભાની ચૂંટણીઓનાં વર્ષોમાં ધરખમ વધારો નોંધાયો હતો, એમ એડીઆરે ભારતમાં રાજકીય ભંડોળ પરના એક રિસર્ચ પેપરમાં નોંધ્યું હતું. માર્ચ, 2026માં પ્રકાશિત થયેલા તે પેપરની નકલ બીબીસી પાસે મોજૂદ છે.

પેપરમાં નોંધ્યા પ્રમાણે, “નવા પક્ષોનો ફૂટી નીકળેલો આ રાફડો શંકાની સોય ચોક્કસપણે સરકારના વિવાદાસ્પદ ઇલેક્ટોરલ બૉન્ડ્ઝ અને કંપનીઓ પાસેથી મળતા અજ્ઞાત અને અમર્યાદિત દાન તરફ ચીંધે છે.”

શું આવા પક્ષો મની લૉન્ડરિંગના અડ્ડા છે?

બીબીસી ગુજરાતી, આરયુપીપી, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

આ સાવ ઓછા જાણીતા પક્ષો દ્વારા હજ્જારો કરોડ રૂપિયાનું રાજકીય ભંડોળ વહાવવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત એડીઆરને એ પણ જાણવા મળ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2022-23 માટે, માત્ર 739 આરયુપીપી દ્વારા જ ચૂંટણીપંચને ઑડિટ કે દાનના અહેવાલો સુપરત કરવામાં આવ્યા હતા, જે ટકાવારી આવા નોંધાયેલા કુલ રાજકીય પક્ષોના માત્ર 26.74 ટકા જ થાય છે.

આ પ્રકારના 2,000 કરતાં વધુ પક્ષોના ઑડિટ અને દાનના અહેવાલો પબ્લિક ડોમેઇન પર ઉપલબ્ધ નહોતા.

આ સ્થિતિ ચેતવણીરૂપ છે, કારણ કે, ચૂંટણીપંચની માર્ગદર્શિકા પ્રમાણે, તમામ અમાન્ય રાજકીય પક્ષો માટે પક્ષને મળેલા ફંડના અહેવાલો રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને સુપરત કરવા ફરજિયાત છે.

તે સિવાય, ભારતીય ચૂંટણીપંચ (ઇસીઆઇ) નિયમિત સમયના અંતરે આવા આરયુપીપીને દૂર કરવાનું સફાઈ કામ પણ હાથ ધરે છે.

2025ના વર્ષમાં તેણે નિયમોનું પાલન ન કરવા બદલ 334 આરયુપીપીને યાદીમાંથી હટાવી દીધા હતા.

એડીઆરનું વિશ્લેષણ દર્શાવે છે કે, 2022 અને 2023ની વચ્ચેના ગાળામાં ટોચના દસ સૌથી સંપત્તિવાન આરયુપીપી પૈકીના પાંચ આરયુપીપી ગુજરાતના હતા.

બીબીસીએ આ અહેવાલનાં એક લેખિકા શેલી મહાજનને એવો સવાલ કર્યો હતો કે, દેશના સૌથી ધનાઢ્ય આરયુપીપીની આટલી ઊંચી સંખ્યા ગુજરાતમાં જ શા માટે છે? પણ શેલીએ જવાબ આપ્યો હતો કે, ડેટાના આધારે તે ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.

રસપ્રદ બાબત એ છે કે, 2024ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી, ત્યાં સુધી આરયુપીપી માટેના ભંડોળમાં તીવ્ર વધારો નોંધાયો હતો.

લોકસભાની ચૂંટણીઓના વર્ષના બરાબર આગલા નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન, આ ટોચના 10 પક્ષોની આવકમાં અગાઉના ગાળાઓના મુકાબલે ઉછાળો નોંધાયો હતો.

અમુક કિસ્સાઓમાં તો આવા પક્ષોને મળતા દાનની રકમ અમુક લાખ રૂપિયા જ હતી, તે લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ ઉછળીને સેંકડો કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

વળી, રસપ્રદ રીતે, મોટાભાગના આરયુપીપીએ એક જ વર્ષની અંદર મળેલી લગભગ તમામ આવક ખર્ચી નાખી હતી.

એડીઆરમાં પ્રોગ્રામ ઍન્ડ રિસર્ચ મૅનેજર તરીકે કામ કરતાં શેલી મહાજને કહ્યું હતું, “જો તમે અમારા અહેવાલમાં જણાવેલા ટોચના દસ પક્ષો પર નજર કરશો તોઃ ટોચના 10 આરયુપીપીએ નાણાંકીય વર્ષ 2022-23 માટે તેમનો કુલ ખર્ચ 1,564.817 કરોડ જાહેર રૂપિયા કર્યો હતો, જે લગભગ તેમની કુલ આવકના બરાબર છે.”

સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે, કેટલાક સંપત્તિવાન આરયુપીપીએ નોંધાવેલી આવક પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષોની આવકને પણ વટાવી ગઈ હતી.

2022-23ના નાણાંકીય વર્ષમાં સૌથી ધનાઢ્ય આરયુપીપી – ગુજરાત સ્થિત ભારતીય નૅશનલ જનતા દળની જાહેર કરાયેલી આવક ભારતના બીજા સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષ એવા ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ કરતાં પણ વધારે હતી.

શેલી મહાજને ઉમેર્યું હતું, “આ વિશ્લેષણ રાજકીય પક્ષો દ્વારા જાહેર કરવામાં આવેલી આવક પર આધારિત છે, જોકે, જાહેર કરાયેલી આવકમાં અમુક અંશે અસ્પષ્ટતા પ્રવર્તતી હોવાની શક્યતા છે.”

લગભગ આ તમામ પક્ષોને મળેલું ફંડ તેમની કમાણી કરતાં વધારે છે.

એડીઆરના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય પક્ષોએ અગ્રણી દાતાઓ (20,000 રૂપિયા કરતાં વધુનું દાન કરનારા દાતા) પાસેથી માત્ર 33 ટકા દાન જ મેળવ્યું હતું, ત્યારે ટોચના 10 અમાન્ય પક્ષોને અગ્રણી દાતાઓ પાસેથી 93 ટકા જેટલું જંગી દાન મળ્યું હતું.

એનસીપીઆઈ પાર્ટીને કેટલું ફંડિંગ મળ્યું

હવે, આ પૃષ્ઠભૂમિ સામે, એનસીપીઆઈ કયું સ્થાન ધરાવે છે? આ પક્ષે મેળવેલા ફંડિંગનું અહીં વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

2022-23ના નાણાંકીય વર્ષ માટે એનસીપીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલો ઑડિટ રિપોર્ટ દર્શાવે છે કે, પક્ષે તે નાણાંકીય વર્ષમાં 1.13 લાખ રૂપિયાનું દાન મેળવ્યું હતું.

પક્ષે ત્રિપુરાની ચૂંટણી પર આશરે 49,400 રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને પ્રોફેશનલ ફી, જાહેરાતોની ફી તથા રજિસ્ટ્રેશનને લગતા અન્ય ખર્ચ પાછળ 52,000 રૂપિયા વાપર્યા હતા. તમામ ખર્ચનો હિસાબ કર્યા પછી નાણાંકીય વર્ષના અંતમાં પક્ષ પાસે 75 રૂપિયા બચ્યા હતા.

કાળા નાણાંના તમામ આરોપો છતાં વર્નિયર્સે એમ પણ કહ્યું હતું કે, આરયુપીપી ખરાબ જ હોય, એવું નથી.

તેમણે કહ્યું હતું, “આપણે નોંધવું જોઈએ કે, આરયુપીપીનો ઉદ્ભવ મુખ્યત્વે ચૂંટણીમાં ભાગ લેવાના નાગરિકોના અધિકારમાંથી થયો છે, પણ કેટલાક પક્ષોના ગેરવર્તનને કારણે એવા સેંકડો પક્ષોનું દમન ન થવું જોઈએ, જેઓ ભારતના લોકશાહી જીવનમાં યોગદાન આપી રહ્યા છે.”

આ દરમિયાન, તેનું રજિસ્ટ્રેશન થયું, ત્યારથી નૅશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (એનસીપીઆઇ) સંસદમાં કે રાજ્યની વિધાનસભામાં એક પણ સભ્ય ધરાવતી નથી. ત્રિપુરામાં તેની શરૂઆત સાવ નિસ્તેજ રહી હતી, તેમ છતાં તે લોકસભામાં વાઇલ્ડ કાર્ડ ઍન્ટ્રી મેળવીને ભારતીય રાજકારણમાં ઝંપલાવી શકે છે.

વ્યંગાત્મક રીતે, 2023ના આ પક્ષના ચૂંટણીના પોસ્ટરની ઉપરનું લખાણ કંઈક આવું છે: “નિજેર અધિકાર રખા કોર્તે દોલબોદલુદેર સાથ છારુન”, જેનો અર્થ થાય છે – તમારા અધિકારોનું રક્ષણ કરવા માટે પક્ષપલટુઓથી દૂર રહો!

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS