Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
ગુજરાતમાં દિવસે ગરમી અને રાત્રે હળવા પવનને કારણે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. જોકે વરસાદની ઘડીઓ ગણાઈ રહી છે, પણ ચોમાસું હજુ મુંબઈ પહોંચ્યું નથી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હવામાન મોટા ભાગે સૂકું રહ્યું છે.
હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિનમાં આ વખતે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઠંડક અનુભવાઈ રહી છે.
ચોમાસાની પ્રગતિ તરફ નજર કરીએ તો, ભારતમાં ચોમાસું 8 જૂનથી એક જ સ્થળે અટકી ગયું છે અને આગળ વધી રહ્યું નથી.
જોકે હવામાન વિભાગ અનુસાર, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધી શકે છે.
આ દરમિયાન હવામાન વિભાગે, ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
આગામી દિવસોમાં ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ?
ઇમેજ સ્રોત, IMD
ગુજરાતમાં ખેડૂતો સહિત અનેક લોકો હાલમાં વરસાદની રાહ જોઈ રહ્યા છે.
આજની સ્થિતિએ હવામાન વિભાગે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા, જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
બીજી તરફ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે 18 જૂન અંગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓમાં અને દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.
તે સિવાય આ દિવસે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે.
19 જૂને ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
20 જૂનની વાત કરીએ તો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
21 અને 22 જૂને પણ આ જ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હાલમાં ચોમાસાની શું સ્થિતિ છે?
ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધી શકે છે.
હાલ ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો હવામાન વિભાગ અનુસાર, ચોમાસાની ઉત્તરીય સીમા હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, ફુલબાની, રાંચી, જમુઈ, મુઝફ્ફરપુર પર છે.
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી ચારથી પાંચ દિવસમાં ચોમાસું તેલંગણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં તેમજ છત્તીસગઢના કેટલાક ભાગોમાં આગળ વધી શકે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસું દર વર્ષે 10 જૂને મુંબઈ પહોંચે છે, જે હજુ સુધી પહોંચ્યું નથી.
જ્યારે બીજી તરફ, આવતી કાલ 18 જૂનથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે, જેને લીધે ત્યારે નીચલા સ્તરે પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.
ગુજરાતના તાપમાનમાં કોઈ ફેરફાર થશે?
ઇમેજ સ્રોત, Getty Images
આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, તેવું હવામાન વિભાગના બુલેટિનમાં જણાવ્યું છે.
આજથી છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં હવામાન સૂકું રહ્યું છે.
ગુજરાતના મહત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો.
ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ હતું ત્યારે બાકીના વિસ્તારમાં તાપમાન સામાન્ય રહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







