Source : BBC NEWS
ઇમેજ સ્રોત, HARDIK
વાંચવાનો સમય: 3 મિનિટ
વડોદરાના કોટંબી સ્ટેડિયમ નજીક આજે (17 જૂન) વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.
વડોદરા હાઈવે પર ઊભેલી એક ટ્રક પાછળ બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અથડાતાં આ દુર્ઘટના ઘટી હતી.
સયાજી હૉસ્પિટલના મેડિકો લીગલ ઑફિસર જાગૃતિબહેન ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું, આ ગંભીર અકસ્માતમાં કુલ 6 લોકોનાં મોત નીપજ્યાં છે.
જ્યારે 28 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી 2ની સ્થિતિ હાલ ગંભીર છે.
વડોદરાનાં મેયર ગીતાબહેન મકવાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બીબીસી સહયોગી હાર્દિક અનુસાર, આ લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત જઈ રહી હતી. તે દરમિયાન વડોદરા નજીક તેને અકસ્માત નડ્યો હતો.
અકસ્માત થતા એસડીઆરએફ, એનડીઆરએફ અને વડોદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આ તમામ ટીમોએ સંયુક્ત રીતે મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત સાથે રેસ્ક્યૂ ઑપરેશન ચલાવ્યું હતું અને ઘાયલોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું, ‘જો ઈરાન અમારી વાત માનશે તો તેને ઘણો ફાયદો થશે’
ઇમેજ સ્રોત, Rochlin/Getty Images
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાન સાથેની પ્રારંભિક સમજૂતીની જોગવાઈઓ વિશે કહ્યું છે કે જો ઈરાન તેની જવાબદારીઓ પૂર્ણ કરે તો અમેરિકા વૈશ્વિક અર્થતંત્રમાં તેને પાછા ફરવાનો માર્ગ ખોલવા માટે તૈયાર છે.
ફોક્સ ન્યૂઝના એક કાર્યક્રમમાં જેડી વેન્સે ટ્રમ્પ વહીવટીતંત્રના ઈરાન સાથેના કરારની તુલના બરાક ઓબામાના શાસન દરમિયાન થયેલા કરાર સાથે કરી હતી.
તેમણે કહ્યું, ” ઓબામાના કાર્યકાળ દરમિયાન ઈરાન સાથેની સમજૂતી ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી અને આ સમજૂતી તે સમજૂતીથી બિલકુલ વિપરીત છે.”
જેડી વેન્સે કહ્યું, “ઓબામાવાળી ડીલ અને આ ડીલ વચ્ચેનો તફાવત એ છે કે આ ડીલ હેઠળ ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી શકશે નહીં, તેઓ યુરેનિયમને બિલકુલ એનરિચ કરી શકશે નહીં અને તેનો સંગ્રહ પણ કરી શકશે નહીં.”
તેમણે કહ્યું , “આ કરાર હેઠળ, ઈરાન પરમાણુ શસ્ત્રો રાખી શકશે નહીં, હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી રહેશે અને જો ઈરાન યોગ્ય રીતે વર્તે છે, તો તેને ઘણા ફાયદા થઈ શકે છે. જો તેઓ નહીં કરે, તો તેમને કંઈ મળશે નહીં.”
જેડી વેન્સ શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરશે.
બીબીસી ફારસીના અહેવાલ મુજબ, મંગળવારે સિરિયસ એક્સએમ રેડિયો નેટવર્ક સાથેની મુલાકાતમાં વેન્સે વારંવાર તે વાત પર ભાર મૂક્યો હતો કે ઈરાનને જે આર્થિક લાભ મળશે તેની ભરપાઈ અમેરિકાના સંસાધનો અને સંપત્તિઓ દ્વારા કરવામાં આવશે નહીં.
તેમણે કહ્યું, “જો ઈરાન સહયોગ કરે છે અને કરારની બધી જોગવાઈઓનું પાલન કરે છે, તો અમેરિકા પ્રતિબંધો હઠાવશે અને ઈરાનમાં રોકાણની તકો પૂરી પાડશે.”
વેન્સે એમ પણ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવાર સુધીમાં કે કદાચ તેનાથી પણ વહેલા કરારની સંપૂર્ણ શરતો જાહેર કરવાનું વચન આપ્યું છે.
જી-7: PM મોદી ફ્રાન્સમાં અનેક નેતાઓને મળ્યા
ઇમેજ સ્રોત, @narendramodi
ફ્રાન્સના એવિયનમાં જી-7 સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ નેતાઓ સાથેની તેમની મુલાકાતોના ફોટા પણ પોસ્ટ કર્યા હતા.
આ સમયગાળા દરમિયાન, પીએમ મોદી બ્રિટન, કૅનેડા, કેન્યા, ઇજિપ્ત, જાપાન અને યુએઇ સહિત ઘણા દેશોના નેતાઓને મળ્યા.
સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથેની તેમની મુલાકાતનો ફોટો પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું, “મેં મારા ભાઈ, હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરી તે ખૂબ જ ફળદાયી રહી. અમે વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુએઇ સંબંધો અને અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી.”
પીએમ મોદીએ આગળ લખ્યું, “મેં સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા ભારતીય સમુદાયોનું ધ્યાન અને સંભાળ રાખવા બદલ ત્યાંની સરકાર અને રાષ્ટ્રપતિનો આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી.”
ઇમેજ સ્રોત, @narendramodi
પીએમ મોદીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં બ્રિટિશ વડા પ્રધાન કીએર સ્ટાર્મર સાથેની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે લખ્યું, “એવિયનમાં વડા પ્રધાન કીએર સ્ટારમર સાથે મારી ખૂબ સારી મુલાકાત રહી. ભારત-યુકે સંબંધો માટે પાછલું વર્ષ શાનદાર રહ્યું છે. ટ્રેડ ડીલથી આર્થિક સહયોગ માટે ઘણા રસ્તા ખુલ્યા છે. આજની વાતચીત ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત કેવી રીતે બનાવવા તેના પર કેન્દ્રિત હતી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







