Home તાજા સમાચાર gujrati જે.પી. નડ્ડાએ કઈ બાબતે કહ્યું – ‘ખડગેજી, જૂઠ બોલવાનું બંધ કરો’ –...

જે.પી. નડ્ડાએ કઈ બાબતે કહ્યું – ‘ખડગેજી, જૂઠ બોલવાનું બંધ કરો’ – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

જે.પી. નડ્ડાએ કહ્યું કે ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લાં 31 વર્ષથી એક પણ ચૂંટણી જીતી શકી નથી

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા જે.પી. નડ્ડાએ કહ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહે તે 13.39 કરોડ ભારતીયોને “ઘૂસણખોર” કહ્યા નથી, જેમનાં નામ ડ્રાફ્ટ રોલમાં નહોતાં.

હકીકતમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી દ્વારા એસઆઇઆર પ્રક્રિયામાં બહાર રહેલા 13.3 કરોડ ભારતીયોને “ઘૂસણખોર” ઘોષિત કરવા એ ભારતીયતાનું અપમાન છે.

બીજી તરફ, જે.પી. નડ્ડાએ દાવો કર્યો છે કે 13.39 કરોડ નામો અંતિમ કાપ નથી, પરંતુ ડ્રાફ્ટ રોલમાં તેમને ‘ગેરહાજર/સ્થળાંતરિત/મૃત/નકલી’ શ્રેણીમાં ચિહ્નિત કરવામાં આવ્યાં છે.

જે.પી. નડ્ડાએ બુધવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “ખડગેજી, જૂઠ બોલવાનું બંધ કરો! ગૃહમંત્રી અમિત શાહજીએ ક્યારેય 13.39 કરોડ ભારતીયોને ‘ઘૂસણખોર’ કહ્યા નથી.”

તેમણે વધુમાં લખ્યું, “ચૂંટણીપંચે સ્પષ્ટ જણાવ્યું છે કે આ 13.39 કરોડ નામો અંતિમ કાપ નથી, પરંતુ ડ્રાફ્ટ મતદારયાદીમાં ગેરહાજર, સ્થળાંતરિત, મૃત અથવા નકલી તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. તેમાં 2.80 કરોડ મૃત, 6.30 કરોડ કાયમી રીતે સ્થળાંતરિત, 3.01 કરોડ ગેરહાજર અને 1.02 કરોડ નકલી નામો સામેલ છે.”

તેમણે લખ્યું, “ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાનની લોકપ્રિયતાને એસઆઇઆરનું પરિણામ કહીને નકારી કાઢવું એ કૉંગ્રેસની નિરાશા દર્શાવે છે. એસઆઇઆરની પ્રક્રિયા તો 2024 બાદ શરૂ થઈ હતી, જ્યારે ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લાં 31 વર્ષથી એક પણ ચૂંટણી જીતી શકી નથી. ત્રિપુરામાં છેલ્લાં 33 વર્ષથી કૉંગ્રેસનો કોઈ મુખ્ય મંત્રી બન્યો નથી અને પશ્ચિમ બંગાળમાં કૉંગ્રેસને છેલ્લાં 54 વર્ષથી કોઈ જીત મળી નથી.”

“જનતાનો વિશ્વાસ મોદીજી, ભાજપ અને એનડીએ સાથે છે. 2029માં એનડીએ ફરી પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે અને કૉંગ્રેસને સતત ચોથી હારનો સામનો કરવો પડશે.”

જે.પી. નડ્ડાએ કહ્યું કે જનાદેશની હકીકતને આક્ષેપોથી બદલી શકાતી નથી.

દિલ્હી પ્રદર્શન : સંયુક્ત રાષ્ટ્રની ટિપ્પણી પર ભારતે કહ્યું – ‘આ અમારો આંતરિક મામલો છે’

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિલ્હીમાં હજારો પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવાયા હોવા અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલયની ચિંતાને “અસ્વીકાર્ય” ગણાવી છે.

રણધીર જયસ્વાલે બુધવારે યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે આ ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ સમાન છે.

રણધીર જયસ્વાલે કહ્યું, “અમે અમારા પ્રેસ નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ પાયાવિહોણી છે અને સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે તે ભારતના આંતરિક મામલામાં દખલગીરી સમાન છે.”

“એવું લાગે છે કે તેમનો અભિગમ ખૂબ જ સિલેક્ટિવ છે, કારણ કે તેમણે વિશ્વના અન્ય ભાગોમાં ચાલી રહેલાં પ્રદર્શનો અથવા કાયદાકીય એજન્સીઓની કાર્યવાહી અંગે ન તો કોઈ પ્રતિક્રિયા આપી છે, ન તો જાહેરમાં કોઈ નિવેદન કર્યું છે.”

તેમણે વધુમાં કહ્યું, “જો તેઓ આ જ માર્ગ પર આગળ વધતા રહેશે, તો સ્વાભાવિક છે કે તેનાથી વિવિધ દેશો વચ્ચે મળીને કામ કરવાની વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટશે. સાથે જ એક સંસ્થા તરીકે તેમની વિશ્વસનીયતા પણ નબળી પડશે.”

ઉલ્લેખનીય છે કે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા મોટા પાયે કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સંગઠને ચિંતા વ્યક્ત કરી હતી.

યુએન હ્યુમન રાઇટ્સે અટકાયતમાં લીધેલા લોકોને તાત્કાલિક અને બિનશરતી રીતે મુક્ત કરવાની માગ કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS