Home તાજા સમાચાર gujrati જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર સમયે સામૂહિક ગોળીબાર, સાતનાં મોત – ન્યૂઝ અપડેટ

જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર સમયે સામૂહિક ગોળીબાર, સાતનાં મોત – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

જૉર્ડનના ઑર્થોડૉક્સ ચર્ચામાં પ્રાર્થના સમયે થયેલા હુમલામાં સાત લોકોનાં મોત થયાં છે

વાંચવાનો સમય: 3 મિનિટ

જૉર્ડનના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે એક ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન થયેલા હુમલામાં સાત લોકોનાં મોત થયાં છે.

શુક્રવારે કારાક પ્રાંતના હમૂદ વિસ્તારમાં આવેલા એક ચર્ચમાં હથિયારધારી હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 34 લોકો ઘાયલ થયા હતા.

અજાણ્યા હુમલાખોરો કારમાં આવ્યા હતા, ચર્ચમાં ઘૂસ્યા અને ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. હજુ સુધી કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી.

ગૃહમંત્રી માઝેન અલ-ફરાયાએ હુમલાખોરોને “ચરમપંથીઓનું એક જૂથ” ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે અધિકારી તેમને પકડવાના પ્રયાસો કરી રહ્યા છે.

જૉર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીયે કહ્યું હતું કે અધિકારીઓ “કારાકને નિશાન બનાવીને કરવામાં આવેલા આ આતંકવાદી કૃત્ય સામે સખત કાર્યવાહી કરશે.”

શરૂઆતના અહેવાલોમાં હુમલામાં સાત લોકોનાં મોત થયાંનું જણાવાયું હતું. જોકે, બાદમાં એક સરકારી પ્રવક્તાએ છ લોકોનાં મોતની માહિતી આપી હતી. ત્યાર બાદ સત્તાવાળાઓએ મૃત્યુઆંક સાત હોવાનું જણાવ્યું હતું.

બીબીસી દ્વારા ચકાસવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં ત્રણ બંદૂકધારીને રસ્તા પરથી ચર્ચ તરફ જતાં જોઈ શકાય છે.

વીડિયોમાં બે હુમલાખોર ચર્ચના પ્રવેશદ્વાર તરફ આગળ વધતા જોવા મળે છે. ત્યાર બાદ તેઓ થોડા સમય માટે પાછળ ખસી જાય છે અને પછી ત્રીજી વ્યક્તિ સાથે પાછી આવે છે.

ત્રણેય લોકો પાસે બંદૂકો જોવા મળે છે.

હુમલા બાદના અન્ય વીડિયોમાં અફરાતફરીનો માહોલ જોવા મળે છે. ઘટનાસ્થળે અનેક લોકો મૃત અથવા ઘાયલ હાલતમાં જમીન પર પડેલા દેખાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘અમેરિકા ફરી હુમલો કરી શકે’

અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે હાલમાં ઈરાનની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી નબળી અર્થવ્યવસ્થાઓમાંની એક છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતાં કહ્યું છે કે અમેરિકા ફરી એક વાર ‘ઍપિક ફ્યૂરી’ જેવા સૈન્ય અભિયાન ચલાવી શકે છે.

જોકે, તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી પણ થઈ શકે છે.

ફ્લોરિડામાં શુક્રવારે યોજાયેલી એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું, “અમે ફરી એક નાનું ‘ઍપિક ફ્યૂરી’ જેવું અભિયાન ચલાવી શકીએ છીએ અથવા તો તેઓ સમજૂતી કરી શકે છે.”

ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન સમજદારી દાખવે તો તેણે ગંભીર સ્તરની વાટાઘાટ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. જોકે, તેમણે એમ પણ કહ્યું કે ઈરાન આવું કરશે કે નહીં તે અંગે તેમને શંકા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે હાલમાં ઈરાનની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી નબળી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે કહ્યું કે અમેરિકાએ ઈરાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

શુક્રવારે અગાઉ પણ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત કરી શકે છે.

જોકે, તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે અમેરિકાએ યુદ્ધને ઝડપથી સમાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે પછી સંઘર્ષને ધીમે ધીમે શાંત થવા દેવો જોઈએ.

બિહાર : ઘરમાં ફટાકડા બનાવતી વખતે ભીષણ વિસ્ફોટ, પાંચ લોકોનાં મોત

ઘટના સમયે ઘરમાં સાતથી આઠ લોકો હાજર હતા. તેમાંથી પાંચ લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે

બિહારના સીવાન જિલ્લાના આલમપુર ગામમાં ફટાકડા બનાવતી વખતે એક ઘરમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.

સીવાનના એસપી ભારત સોનીના જણાવ્યા અનુસાર, મેડિકલ ટીમના મૂલ્યાંકન બાદ સિવિલ સર્જને ઘટનાસ્થળેથી પાંચ મૃતદેહો મળ્યાની પુષ્ટિ કરી છે.

માહિતી મુજબ, ઘટના સમયે ઘરમાં સાતથી આઠ લોકો હાજર હતા. તેમાંથી પાંચ લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે બેથી ત્રણ લોકો ઘટના સમયે ઘરની બહાર હોવાની માહિતી મળી છે. પોલીસ હાલ તેમની શોધખોળમાં લાગી છે.

સીવાનના એસપી ભારત સોનીએ જણાવ્યું હતું કે, “ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (એફએસએલ)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવી નખાઈ છે અને સમગ્ર ઘરની તપાસ ચાલુ છે. બૉમ્બ શોધી તેને નિષ્ક્રિય કરનારી ટીમ પણ સ્થળ પર હાજર છે. વિસ્તારની તપાસ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે એફઆઇઆર નોંધવાની કાર્યવાહી કરી રહ્યા છીએ અને તપાસ બાદ ઘટનાનું સાચું કારણ સામે આવશે.”

તેમણે વધુમાં કહ્યું કે, “સિવિલ સર્જનની ટીમને શંકા છે કે કાટમાળ નીચે વધુ એક મૃતદેહ પણ હોઈ શકે છે.”

ઘટનામાં બેદરકારી દાખવવાના આરોપસર જામો બજાર પોલીસ સ્ટેશનના પ્રભારી તથા સ્થાનિક ચોકીદાર ચંદ્રિકા માંઝીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે એફઆઇઆર પણ નોંધાવી છે.

ઘટનાનાં સાચાં કારણો જાણવા માટે વિશેષ પોલીસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS