Home તાજા સમાચાર gujrati દલિત વિદ્યાર્થીઓને આઇઆઇટી જેવી સંસ્થામાં પણ ‘જાતિગત ભેદભાવ’નો સામનો કરવો પડે છે?

દલિત વિદ્યાર્થીઓને આઇઆઇટી જેવી સંસ્થામાં પણ ‘જાતિગત ભેદભાવ’નો સામનો કરવો પડે છે?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

પ્રકાશિત

વાંચવાનો સમય: 10 મિનિટ

ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’માં અભિનેતા અલી ફઝલે એક એવા વિદ્યાર્થીનું પાત્ર ભજવ્યું હતું, જેઓ પોતાનો પ્રોજેક્ટ સમયસર પૂરો નહોતો કરી શક્યા. તેમને નાપાસ કરી દેવાય છે અને બાદમાં તેઓ આત્મહત્યા કરી લે છે.

વર્ષ 2009માં આવેલી આ ફિલ્મે એક સવાલને સામાન્ય વાતચીતનો એક ભાગ બનાવ્યો હતો, જ્યારે તેજસ્વી યુવાનો પર સફળ થવાનું દબાણ ખૂબ વધી જાય તો તેઓ તેની સામે કેવી રીતે ઝઝૂમે છે?

ફિલ્મ રિલીઝ થયાને 15 વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ વિદ્યાર્થીઓની આત્મહત્યાનો સવાલ આજે પણ જળવાયેલો છે.

આ વર્ષની શરૂઆતમાં ‘અમિતકુમાર અને અન્ય વિરુદ્ધ ભારત સરકાર’ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના મામલા એક દાયકામાં બમણા થઈને વર્ષ 2022માં લગભગ 13 હજાર સુધી પહોંચી ગયા હતા.

18 સપ્ટેમ્બરના રોજ આઇઆઇટી બૉમ્બેના ઊર્જા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વિભાગમાં બીજા વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવ્યો. એ બાદ કૅમ્પસમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું અને શિક્ષણવ્યવસ્થામાં પારદર્શિતા અને વિદ્યાર્થીઓની સુરક્ષાની માગ કરી.

વિદ્યાર્થીના પરિવારે આરોપ કર્યો કે દલિત હોવાને કારણે શિક્ષકોએ તેમની સાથે ભેદભાવ કર્યો અને તેમને આત્મહત્યા તરફ ધકેલવામાં આવ્યા.

સંસ્થાના પ્રશાસને ભેદભાવના આરોપ નકારી દીધા છે. પરીક્ષામાં કથિત ગેરરીતિ સાથે સંકળાયેલી વાતો પણ સામે આવી છે. આ મામલાની પોલીસ તપાસ ચાલી રહી છે, તેથી વિદ્યાર્થીના મૃત્યુનાં કારણો અંગે કોઈ નિષ્કર્ષ પર આવવું એ ઉતાવળ કહેવાશે.

પરંતુ આ ઘટનાથી એક મોટો સવાલ ફરી સામે આવ્યો છે. દેશની સૌથી પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય સાથે શું થઈ રહ્યું છે?

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવમાં હો તો ભારત સરકારની જીવન આસ્થા હેલ્પલાઇન 18002333330 પર મદદ લઈ શકો છો. તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરો.)

વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યાની રોક પર સુપ્રીમ કોર્ટ તરફથી બનાવાયેલા રાષ્ટ્રીય ટાસ્કફોર્સના વચગાળાના રિપોર્ટ અનુસાર આત્મહત્યા માત્ર માનસિક સ્વાસ્થ્યનો મામલો માનીને ન સમજી શકાય.

રિપોર્ટ પ્રમાણે, વિદ્યાર્થીઓની આસપાસનો માહોલ, સંસ્થાની વ્યવસ્થા અને તેના પર પડનારા સામાજિક કે આર્થિક દબાણને પણ જોવું પડે.

આ રિપોર્ટમાં સંશોધકો પ્રભાકર કૃષ્ણમૂર્તિના 2025ના એક અભ્યાસનો ઉલ્લેખ કરે છે.

કાર્યક્રમમાં મુકાયેલા એક સંશોધન પ્રમાણે, આઇઆઇટી દિલ્હી અને આઇઆઇટી ખડગપુરમાં એસસી અને એસટી વિદ્યાર્થીઓ દ્વારા ભણતર અધૂરું મૂકવાનો દર સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ કરતાં 318 ટકા વધુ હતો. અનામત વર્ગના વિદ્યાર્થીઓમાં આવું થવા પાછળના 47.6 ટકા મામલામાં આર્થિક પરેશાની એક કારણ હતું.

ટાસ્કફોર્સના રિપોર્ટમાં મદદની વ્યવસ્થા અંગે પણ સવાલ છે. કાર્યક્રમમાં જણાવાયેલા યુજીસીના આંકડા પ્રમાણે, ઉચ્છ શિક્ષણ સંસ્થાઓમાં 27,136 એવા લોકો નોંધાયેલા હતા જેઓ કાઉન્સેલિંગ માટે નિયુક્ત બતાવાયા હતા.

સરેરાશ દર 221 વિદ્યાર્થીઓ પર એક, પરંતુ ટાસ્કફોર્સે જે 50 લોકોની લાયકાતની તપાસ કરી, તેમાં 47 શિક્ષક, પ્લેસમેન્ટ સાથે સંકળાયેલા કર્મચારી કે ભણતરના સલાહકાર હતા. તેઓ પ્રશિક્ષિત માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ નહોતા.

રિપોર્ટ અનુસાર, 70 ટકા કરતાં વધુ સંસ્થામાં માનસિક સ્વાસ્થ્ય માટે કોઈ ફુલ ટાઇમ નિષ્ણાત નહોતા. ચાર ટકા કરતાં પણ ઓછી સંસ્થા પાસે આત્મહત્યાના જોખમનો સામનો કરવા માટે નક્કી પ્રક્રિયા હતી. 23 આઇઆઇટીમાં મા6 ચાર પાસે માનસિક સ્વાસ્થ્યની કટોકટીની સ્થિત માટે લેખિત પ્રક્રિયા હતી.

આ આંકડા અને વિદ્યાર્થીઓના અનુભવોને સમજવા માટે બીબીસીના ખાસ કાર્યક્રમ ‘ધ લેન્સ’માં કલેક્ટિવ ન્યૂઝરૂમના ડાયરેક્ટર ઑફ જર્નાલિઝ્મ મુકેશ શર્માએ ત્રણ લોકો સાથે વાત કરી.

તેમાં આઇઆઇટી મદ્રાસ, આઇઆઇટી કાનપુર અને આઇઆઇટી બૉમ્બેના પૂર્વ વિદ્યાર્થી ડૉક્ટર પ્રણવ જીવન; આઇઆઇટી ખડગપુર, આઇઆઇટી કાનપુર, બિટ્સ પિલાની અને જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર રહેલા રાજીવકુમાર, અને સાથે ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ ડૉક્ટર અરુણા બ્રૂટા સામેલ રહ્યાં.

આઇઆઇટીમાં જાતિગત ભેદભાવનું સ્વરૂપ કેવું હોઈ શકે છે?

બીબીસી ગુજરાતી

વિદ્યાર્થીઓ એક જ મુશ્કેલ પ્રવેશ પરીક્ષા પાસ કરીને આઇઆઇટી સુધી પહોંચે છે. તો પછી ત્યાં જાતિ ભેદભાવ કેવી રીતે સામે આવી શકે છે?

આ પ્રશ્ન અંગે ડૉ. પ્રણવ જીવને કહ્યું કે તેમના અનુભવમાં, ભેદભાવ ઘણી વાર એવી રીતે થાય છે કે બહારથી તેને તરત જ ઓળખવાનું કામ મુશ્કેલ હોઈ શકે છે. ખુલ્લા ભેદભાવની ઘટનાઓ પણ બને છે, પરંતુ તેમનું માનવું છે કે તે ઓછા છે.

ડૉ. પ્રણવે કહ્યું કે અનામત વર્ગના વિદ્યાર્થી માટે, ખાસ કરીને જો તે પોતાના પરિવારમાંથી આવી સંસ્થામાં ભણનાર પહેલી વ્યક્તિ હોય, તો આ નવું વાતાવરણ ડરામણું પુરવાર થઈ શકે છે.

તેમણે કહ્યું, “આવા સમયે, તેઓ સહારાની અપેક્ષા રાખે છે, પરંતુ જો તેમને તેમના વિભાગમાં એસસી, એસટી અથવા ઓબીસી સમુદાયના કોઈ શિક્ષક ન દેખાય, તો એકલા હોવાની લાગણી વધુ વધી શકે છે.”

તેમના મતે, કેટલાક વિદ્યાર્થીઓ પોતાના વર્ગમાં અથવા તેમની આસપાસ અનામત દ્વારા પ્રવેશ લેનારાઓ વિશે ટોણાં સાંભળે છે. જેમકે, તેઓ અભ્યાસમાં સારા નહીં હોય, તેઓ નાપાસ થશે અથવા તેમને સરળતાથી નોકરી મળશે.

ડૉ. પ્રણવે કહ્યું કે આ વાતો બીજાને રમૂજી લાગી શકે, પરંતુ જે વિદ્યાર્થીઓ વારંવાર આ વાતો સાંભળે છે તેમના પર તેની અસર પડે છે.

તેઓ શૈક્ષણિક નિષ્ફળતાને જોવાની રીતમાં રહેલા તફાવત તરફ પણ ધ્યાન દોરે છે. તેમના મતે, જો સામાન્ય વર્ગનો વિદ્યાર્થી નાપાસ થાય, તો તેને તેની પોતાની નિષ્ફળતા માનવામાં આવે છે, પરંતુ જો અનામત વર્ગનો વિદ્યાર્થી નાપાસ થાય છે, તો કેટલાક લોકો તેની આખી જાતિ કે સમુદાય વિશે અભિપ્રાય બાંધવાનું શરૂ કરી દે છે.

આનાથી વિદ્યાર્થીઓ પર ફક્ત પરીક્ષા પાસ કરવાનું દબાણ નથી રહેતું. તેઓ એવી પણ ચિંતા હોઈ શકે છે કે તેમની પોતાની નિષ્ફળતાને તેમના સમગ્ર સમુદાય સાથે જોડીને જોવામાં આવશે.

શું દરેક વિદ્યાર્થી એક જેવી તૈયારી અને સહારા સાથે પહોંચે છે?

બીબીસી ગુજરાતી

આઇઆઇટીમાં ‘મેરિટ’ એટલે કે યોગ્યતાની વાત હોય છે, પરંતુ શું ફક્ત પરીક્ષામાં મળેલા ગુણથી જ વિદ્યાર્થીની તૈયારીનું માપ મેળવી શકાય છે?

આ પ્રશ્નના જવાબમાં ડૉ. પ્રણવે કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ એવા પરિવારોમાંથી આવે છે જેમને પહેલાંથી ઉચ્ચ શિક્ષણનો અનુભવ હોય છે. તેઓ પરિવાર, કોચિંગ ક્લાસમાં હાજરી આપી ચૂકેલા પરિચિતો અથવા સંસ્થાના વરિષ્ઠ વિદ્યાર્થીઓ પાસેથી સલાહ મેળવે છે, જેમ કે, કયા વિષયોનો અભ્યાસ કરવો, ઍસાઇન્મેન્ટ કેવી રીતે કરવાં, અથવા કયા શિક્ષકો સાથે વાત કરવી.

તેમણે કહ્યું કે બધા વિદ્યાર્થીઓ પાસે આવું નેટવર્ક હોતું નથી. કેટલાક, આઇઆઇટીમાં પહોંચ્યા પછી, પહેલી વાર એવી બાબતોનો સામનો કરે છે જે અન્ય વિદ્યાર્થીઓ પહેલાંથી જ જાણે છે.

ડૉ. પ્રણવે 2023માં આઇઆઇટી બૉમ્બેના વિદ્યાર્થી દર્શન સોલંકીના મૃત્યુ પછી તેમના પરિવારે જે કહ્યું હતું તેનો ઉલ્લેખ કર્યો.

તેમના પ્રમાણે, પરિવારે કહ્યું હતું કે દર્શનને સંસ્થામાં જોડાતા પહેલાં કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનો કોઈ અનુભવ નહોતો અને અન્ય વિદ્યાર્થીઓ આ અંગે તેમની મજાક ઉડાવતા હતા.

ડૉ. પ્રણવે કહ્યું કે અગાઉની તકો અને માહિતીને ઘણી વાર વ્યક્તિની પોતાની યોગ્યતા માની લેવામાં આવે છે.

તેમણે શિક્ષક ભરતીનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમના મતે, જ્યારે એસસી, એસટી, અથવા ઓબીસી અરજદારોને “અયોગ્ય” માનવામાં આવતા હોવાથી તેમની પસંદગી કરવામાં આવતી નથી, ત્યારે પસંદગીપ્રક્રિયામાં વિવિધ સમુદાયોની ભાગીદારી અને તેની નિષ્પક્ષતાનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે તે વિશે પણ પ્રશ્ન પૂછવો જોઈએ. આ ભરતીપ્રક્રિયા પર તેમનો પ્રશ્ન છે અને અભિપ્રાય છે.

જો વિદ્યાર્થીને કોઈ સમસ્યા હોય તો તેણે કોની સાથે વાત કરવી જોઈએ?

બીબીસી ગુજરાતી

શું કોઈ વિદ્યાર્થી પોતાને નબળા કે અભ્યાસ માટે અયોગ્ય ન સમજી લેવાય તેવા ડર વિના મદદ માગી શકે છે?

ડૉ. પ્રણવે કહ્યું કે અનામત વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ પોતાના સમુદાય વિશે જણાવવાથી પણ ડરે છે.

તેઓ કહે છે કે જો તેઓ આ આધારે અન્ય વિદ્યાર્થીઓને મહેણાંનો ભોગ બનતા જુએ છે, તો તેઓ ખૂલીને વાત કરવામાં અથવા તેમના સાથીદારો પાસેથી મદદ લેવામાં ખચકાટ અનુભવી શકે છે. તેઓ કાઉન્સેલિંગ સિસ્ટમ સામે પણ પ્રશ્ન ઉઠાવે છે.

આઇઆઇટી બૉમ્બેના એક કાઉન્સેલરની સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, “જો કોઈ વિદ્યાર્થીને લાગે કે મદદ આપનાર વ્યક્તિ તેમના પ્રવેશ અથવા પાત્રતા પર શંકા કરે છે, તો તે તેમનો સંપર્ક કેવી રીતે કરી શકે?” કાર્યક્રમમાં આ દાવાની અલાયદી તપાસ રજૂ નથી કરાઈ.

ડૉ. પ્રણવે એસસી-એસટી વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળતી સંસ્થાકીય વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા.

તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક કિસ્સામાં ફરિયાદ કરનારા વિદ્યાર્થીઓને આ મામલાને આગળ ન વધારવા માટે કહેવામાં આવે છે.

આઇઆઇટી ખડગપુરના એક શિક્ષક સાથે 2021માં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે પૂછ્યું કે જો વિદ્યાર્થીઓની સામે આવેલા કોઈ પણ કિસ્સામાં કાર્યવાહી ન થાય તો અન્ય વિદ્યાર્થીઓ ફરિયાદ કરવાનો વિશ્વાસ કેવી રીતે મેળવશે.

આ ડૉ. પ્રણવના આરોપ અને અનુભવો છે. વાતચીતમાં તેમના જવાબમાં કોઈ સંબંધિત સંસ્થાનો પક્ષ સામેલ નહોતો.

ઍડમિશન બાદ ભણવાનું દબાણ કેમ બદલાઈ જાય છે?

બીબીસી ગુજરાતી

ભૂતપૂર્વ પ્રોફેસર રાજીવકુમારે જણાવ્યું હતું કે આઇઆઇટી પ્રવેશપરીક્ષાની તૈયારી અને ત્યાં પ્રવેશ પછીના અભ્યાસમાં મોટો તફાવત છે.

તેમણે સમજાવ્યું કે વિદ્યાર્થીઓ પ્રવેશપરીક્ષાની તૈયારી કરવા માટે સમસ્યાઓ ઝડપથી ઉકેલવાનો અભ્યાસ કરે છે. આઇઆઇટીમાં આવ્યા પછી, તેમને વર્ગો, ઍસાઇન્મેન્ટ્સ, પ્રોજેક્ટ્સ અને સતત મૂલ્યાંકનનો સામનો કરવો પડે છે. બીજા વર્ષથી વિદ્યાર્થીઓ જ્યારે તેમના પસંદગીના વિષયને ભણવામાં આગળ વધે છે, તો આ બદલાવ વધુ સ્પષ્ટ દેખાવા લાગે છે.

રાજીવકુમારના મતે, “નવા વાતાવરણમાં અનુકૂલન સાધવાની જવાબદારી ફક્ત વિદ્યાર્થીની નથી. પરિવાર અને શિક્ષકોની પણ આમાં ભૂમિકા છે. એટલા માટે આઇઆઇટી નવા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ હોય છે, જેથી તેઓ સંસ્થામાં અભ્યાસ કરવાની અને રહેવાની રીત સમજી શકે.”

જો કોઈ વિદ્યાર્થી વર્ગ ચૂકી જાય અથવા તેના પ્રદર્શનમાં અચાનક ઘટાડો દેખાય, તો શું શિક્ષકો ધ્યાન આપે છે?

આ પ્રશ્ન પર રાજીવકુમારે કહ્યું કે તેમના અનુભવમાં શિક્ષકો, ફેકલ્ટી સલાહકારો અને હૉસ્ટેલ વૉર્ડનની અલગ-અલગ જવાબદારીઓ હોય છે.

તેમણે કહ્યું કે તેઓ જો કોઈ વિદ્યાર્થી સતત ક્લાસમાંથી ગાયબ રહે કે કોઈને ભણવામાં પરેશાન જણાય તો તેઓ આવા વિદ્યાર્થી સાથે વાત કરવાનો પ્રયાસ કરતા. જરૂર જણાય ત્યારે વિદ્યાર્થીના સલાહકાર સાથે પણ સંપર્ક કરાતો હતો.

પરીક્ષામાં કૉપી કરવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે સંસ્થા તેને ગંભીરતાથી લે છે અને નિયમો વિદ્યાર્થીઓને અગાઉથી જણાવવામાં આવે છે.

આઇઆઇટી બૉમ્બેમાં એક વિદ્યાર્થીના મૃત્યુના કેસ અંગે તેમણે કહ્યું કે તેમને આ ઘટનાની માહિતી મીડિયા પાસેથી મળી હતી.

તેમણે કહ્યું કે એક પરીક્ષામાં નબળું પ્રદર્શન વિદ્યાર્થીના સમગ્ર શિક્ષણને નક્કી કરતું નથી, કારણ કે આઇઆઇટીમાં ગુણ ઘણી પરીક્ષાઓ, ઍસાઇન્ટમેન્ટ્સ અને પ્રોજેક્ટ્સથી મળીને બને છે.

‘જાતિ આધારિત ભેદભાવ’ અંગે નિષ્ણાતોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી

જાતિ આધારિત ભેદભાવ અંગે રાજીવકુમારનો અભિપ્રાય ડૉ. પ્રણવના અભિપ્રાયથી જુદો હતો.

રાજીવકુમારે કહ્યું કે આઇઆઇટીમાં વિદ્યાર્થી અને શિક્ષક તરીકેના તેમના અનુભવ પ્રમાણે, જાતિના આધારે કોઈ ભેદભાવ નહોતો.

જોકે, તેમણે સ્વીકાર્યું કે વિદ્યાર્થીઓ વચ્ચે અન્ય પ્રકારના ભેદભાવ પણ અસ્તિત્વમાં છે, જેમ કે, પ્રવેશપરીક્ષામાં તેમનો ક્રમ અને તેમને કમ્પ્યુટર સાયન્સ જેવો વિષય મળ્યો કે બીજો કોઈ વિષય.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રૅન્ક વડે વિદ્યાર્થીની સામાજિક પૃષ્ઠભૂમિનો અંદાજ કરી શકાય છે કે કેમ, ત્યારે તેમણે કહ્યું કે સંસ્થા વિદ્યાર્થીઓને એકબીજાનો રૅન્ક ન પૂછવાનું કહે છે.

જોકે, તેમણે એમ પણ કહ્યું કે તેમને ખબર નથી કે આ સલાહ કેટલી હદ સુધી માનવામાં આવે છે.

રાજીવકુમારના મતે, શિક્ષક તરીકે તેમને કોઈ પણ વિદ્યાર્થીની જાતિ વિશે માહિતી નહોતી.

બીજી બાજુ, ડૉ. પ્રણવે કહ્યું કે વિદ્યાર્થીઓ સાથીદારો, શિક્ષકો અને સ્ટાફ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓથી પણ ભેદભાવ અનુભવી શકે છે. આ જ બંનેના અનુભવો વચ્ચેનો મુખ્ય તફાવત છે.

એસસી અને એસટી શિક્ષકોની ઓછી સંખ્યા અંગે પણ બંનેનાં મંતવ્યો અલગ-અલગ હતાં.

રાજીવકુમારે ઓછા આંકડા સ્વીકાર્યા, પરંતુ આઇઆઇટીમાં ભરતીની અઘરી પ્રક્રિયા પર ભાર મૂક્યો. ડૉ. પ્રણવે સવાલ ઉઠાવ્યો કે યોગ્ય નક્કી કરવાની પ્રક્રિયાને પણ જોવી જોઈએ અને એ સમજવું જોઈએ કે અરજદારને ત્યાં સુધી પહોંચવા માટે કેવા પ્રકારનો સહારો મળ્યો છે.

ફરિયાદની વ્યવસ્થા અંગે રાજીવકુમારે કહ્યું કે વિદ્યાર્થીઓ શિક્ષક, કાઉન્સેલર અથવા વૉર્ડન સાથે વાત કરી શકે છે. તેઓ ઔપચારિક ફરિયાદના રસ્તાને ઉપયોગી માનતા નથી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું જો કોઈ વિદ્યાર્થીને ફક્ત સારા શિક્ષક મળવાથી જ મદદ મળે છે, તો એ વિદ્યાર્થીઓનું શું જેમને આવી વ્યક્તિ નથી મળતી. રાજીવકુમારે કહ્યું કે સંસ્થામાં વાત મૂકવાના ઘણા રસ્તા મોજૂદ છે.

‘આસપાસ બધે ટૉપર્સ જ છે’

બીબીસી ગુજરાતી

ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ ડૉક્ટર અરુણા બ્રૂટા પ્રમાણે, સૌથી આગળ રહેવાનું દબાણ કૉલેજમાં ઍડમિશનના ખૂબ પહેલાંથી શરૂ થઈ શકે છે.

તેમણે કહ્યું કે જ્યારે માતાપિતા બાળપણથી જ સારા પ્રદર્શનને ખૂબ વધુ મહત્ત્વ આપે છે અને ઓછા ગુણ આવતા બાળકને ટોણાં મારે છે, તો બાળક નાની ઉંમરમાં જ દબાણ અનુભવવા લાગે છે.

ડૉક્ટર બ્રૂટાએ એક વિદ્યાર્થિનીની વાતનું ઉદાહરણ આપ્યું. વિદ્યાર્થિની પોતાની સ્કૂલમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થતી. પ્રતિષ્ઠિત સંસ્થામાં પહોંચ્યા બાદ તે તેને લાગ્યું કે તેની આગળ, પાછળ અને આસપાસ બધે એવા વિદ્યાર્થીઓ છે જે પ્રથમ આવતા રહ્યા છે. તેને સમજ નહોતી પડી રહી કે હવે એ સૌથી આગળ કેવી રીતે રહેશે.

ડૉક્ટર બ્રૂટા પ્રમાણે, “આવા વિદ્યાર્થીઓ એવું પણ ભૂલી શકે છે કે હંમેશાં પ્રથમ આવવાની ઇચ્છા શરૂઆતમાં તેની પોતાની હતી કે તેના પર પરિવારની આશાઓની એટલી અસર થઈ કે એ તેને પોતાની ઇચ્છા સમજવા લાગ્યા.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભણતરમાં સંઘર્ષ કરી રહેલા વિદ્યાર્થી મદદ માગતા કેમ ખચકાય છે, તો ડૉક્ટર બ્રૂટાએ કહ્યું કે માતાપિતા અને શિક્ષકોએ પહેલાં એ સમજવું જોઈએ કે વિદ્યાર્થી કેવું અનુભવી રહ્યો છે અને એ શું કરી શકે છે.

એ પ્રમાણે, દરેક પરેશાની પરિવાર પોતાના સ્તરે નથી ઉકેલી શકતો. જરૂર પડ્યે મનોવૈજ્ઞાનિક કે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.

ભેદભાવની અસર અંગે તેમણે કહ્યું કે આનાથી વિદ્યાર્થીમાં અસુરક્ષા અને લઘુતાગ્રંથિની ભાવના પેદા થઈ શકે છે. તેમણે એવું પણ કહ્યું કે ભેદભાવને માત્ર છૂપી કે હળવી રીતો સુધી સીમિત માનવું એ ઠીક નથી, ઘણી વાર એ ખૂલીને સામે આવે છે.

ડૉક્ટર બ્રૂટાએ શિક્ષકો અને માતાપિતા માટે નિયમિત તાલીમનો અભિપ્રાય આપ્યો, જેથી તેઓ પોતાના વ્યવહારની વિદ્યાર્થીઓ પર પડતી અસરને અંગે સમજી શકે.

તેમના મતે વિદ્યાર્થીઓને પણ માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ સાથે નિયમિતફણે વાત કરવાની તક મળવી જોઈએ.

તેમણે એ વાત પર ભાર મૂક્યો કે કાઉન્સેલિંગ માટે માત્ર એક પદની રચના કરી દેવું પૂરતું નથી. તેમના પ્રમાણે, અમુક વિદ્યાર્થિની વાત સમજવા માટે અડધા કલાકથી એક કલાક સુધીની વાતચીત અને ઘણી વાર ફરી વાર મુલાકાતની જરૂર હોઈ શકે છે. તેથી સંસ્થાઓમાં પૂરતા તાલીમબદ્ધ લોકો હોય એ જરૂરી છે.

આખરે મદદની જવાબદારી કોની છે?

બીબીસી ગુજરાતી

‘ધ લેન્સ’માં વાતચીતમાં ત્રણેય મહેમાન એ વાત પર એકમત નહોતા કે આઇઆઇટી જેવી સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ કેટલો છે કે ફરિયાદ દાખલ કરાવવાનો રસ્તો કેટલો કારગત છે.

ડૉક્ટર પ્રણવે સવાલ ઉઠાવ્યા કે જો કોઈ વિદ્યાર્થીને પોતાના સહાધ્યાયીઓ, શિક્ષક કે કાઉન્સેલર પાસેથી જ વિશ્વાસ ન મળે, તો એ પોતાની પરેશાની કોની સામે મૂકશે.

તેમજ પ્રોફેસર રાજીવકુમારે કહ્યું કે સંસ્થાઓમાં શિક્ષક સલાહકાર, વૉર્ડન અને કાઉન્સેલિંગ સેવાઓ મોજૂદ છે અને વિદ્યાર્થીઓએ પણ વાત કરવા માટે આગળ આવવું જોઈએ.

તેમજ ડૉક્ટર બ્રૂટાએ ભાર આપ્યો કે વિદ્યાર્થીઓની વાત સાંભળવા માટે પૂરતી સંખ્યામાં તાલીમબદ્ધ નિષ્ણાત હોવા જોઈએ અને માતાપિતા તેમજ શિક્ષકોએ પણ પોતાના વ્યવહાર પર ધ્યાન આપવું જોઈએ.

આ અલગ-અલગ જવાબો વચ્ચે એક સવાલ જળવાયેલો રહે છે, જેનાથી વાતચીતની શરૂઆત થઈ હતી.

જ્યારે કોઈ વિદ્યાર્થી, ભણતર, આશા, આર્થિક મુશ્કેલી કે ભેદબાવના અનુભવ સામે ઝઝૂમી રહ્યો હો તો તેની પાસે એવો રસ્તો છે જ્યાં એ ભય વિના પોતાની વાત કહી શકે અને જ્યાં સંકટ વધે એ પહેલાં તેની વાત સાંભળવામાં આવે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS