Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
વાંચવાનો સમય: 2 મિનિટ
દક્ષિણ દિલ્હીના કાલકાજી મંદિર પાસે આસ્થાકુંજ પાર્કમાં 17 વર્ષની એક સગીર છોકરી પર ગૅંગરેપનો મામલો બહાર આવ્યો છે.
પોલીસે મુખ્ય આરોપીને એક ઍન્કાઉન્ટર બાદ પકડ્યો છે. પોલીસ અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. પકડાયેલા આરોપીનું નામ આસિફ હોવાનું જાણવા મળ્યું છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ પોલીસે જણાવ્યું કે અમર કૉલોની થાણા ક્ષેત્રના ડીએમ ઑફિસ રોડ પાસે પોલીસ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે તેના પર ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
ગોળીબાર દરમિયાન એક ગોળી હેડ કૉન્સ્ટેબલ રાજેશના બૂલેટપ્રૂફ જૅકેટ પર લાગી હતી. ત્યાર પછી હેડ કૉન્સ્ટેબલે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયર કર્યા હતા, તેમાંથી એક ગોળી આરોપી આસિફના જમણા પગે લાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે એઇમ્સના ટ્રૉમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે.
આખો કેસ શું છે?
ઇમેજ સ્રોત, Getty Images
પોલીસને મળેલી માહિતી પ્રમાણે સોમવારે સાંજે 17 વર્ષની એક છોકરી પોતાના 17 વર્ષીય મિત્ર સાથે કાલકાજી મંદિરે દર્શન માટે આવી હતી.
રેપ કેસ વિશે જૉઇન્ટ પોલીસ કમિશનર, સધર્ન રેન્જ, વિજય કુમારે જણાવ્યું કે “છોકરો અને છોકરી પહેલાં મંદિરે ગયાં અને પછી આસ્થાકુંજ પાર્કમાં ગયાં હતાં. ત્રણ લોકો તેમની પાસે ગયા અને પોતાની ઓળખ પોલીસ કર્મચારી તરીકે આપી.”
“તેમણે પોલીસ અને વકીલો જેવી ભાષામાં વાત કરતા કહ્યું કે તમે બંને સગીર છો, તમે ખોટું કરો છો અને તમારી સામે કેસ દાખલ થઈ શકે છે. ત્યાર પછી તેમણે છોકરાને પકડી લીધો અને છોકરી પર રેપ કર્યો.”
જૉઇન્ટ સીપી મુજબ છોકરી તરફથી ફરિયાદ મળી છે અને તેનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં પોલીસની કાર્યવાહી
ઇમેજ સ્રોત, ANI Video grab
અમર કૉલોની પોલીસ સ્ટેશનમાં આ અંગે બીએનએસ અને પૉક્સો એક્ટની કલમો હેઠળ એફઆઈઆર દાખલ થઈ છે.
પોલીસે આરોપીને શોધવા ઘણી ટીમો રચી હતી. આ દરમિયાન આસિફની ગતિવિધિ અંગે ગુપ્ત માહિતી મળતા તેને પકડવા માટે અમર કૉલોનીમાં છટકું તૈયાર કરાયું.
જોકે, આરોપીને પકડતી વખતે ઍન્કાઉન્ટર થયું અને સ્થળ પર ક્રાઇમ અને એફએસએલની ટીમો બોલાવવામાં આવી છે.
હાલમાં પોલીસ બે ફરાર આરોપીઓની શોધમાં લાગેલી છે.
જૉઇન્ટ સીપી, સધર્ન રેન્જ, વિજય કુમારે જણાવ્યું કે “પોલીસ ઍન્કાઉન્ટર પછી સવારે આરોપી આસિફને પકડી લેવાયો હતો. બાકીના આરોપીઓને ટૂંક સમયમાં પકડવામાં આવશે અને તેમની સામે આગળની કાર્યવાહી થશે.”
દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ
ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
મહિલાઓ પર અપરાધોની બાબતમાં દેશનાં 19 મહાનગરોમાં દિલ્હી ટોચ પર છે.
રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024 રિપોર્ટ મુજબ દિલ્હીમાં રેપ, અપહરણ અને દહેજ માટે હત્યાના આંકડા સૌથી વધારે નોંધાયા છે.
રિપોર્ટ પ્રમાણે વર્ષ 2024માં મહિલાઓ વિરુદ્ધ અપરાધના 13,396 કેસ નોંધાયા હતા. તેમાંથી રેપના કુલ 1058 મામલા બહાર આવ્યા હતા, જે બાકીનાં મેટ્રો શહેરો કરતા સૌથી વધુ છે.
એનસીઆરબીનો 2025નો રિપોર્ટ હજુ બહાર પડ્યો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




