Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Rupesh Sonwane
સુરતમાં 9 સપ્ટેમ્બરે રાતે એક ટેક્સ્ટાઇલ માર્કેટમાં આગ લાગી હતી જેને ઠારવામાં ફાયર બ્રિગેડને લગભગ 14 કલાકનો સમય લાગ્યો હતો. આ આગમાં લગભગ 24 કરોડ રૂપિયાના માલસામાનને નુકસાન થયું હતું.
શરૂઆતમાં આ એક અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ પછી તપાસ કરવામાં આવતા સ્પષ્ટ થયું કે આ આગ કુદરતી ન હતી, પરંતુ માનવ સર્જિત હતી.
પોલીસના કહેવા પ્રમાણે વિનોદ સાવલે નામની એક વ્યક્તિને તેના શેઠ સાથે બાકી નીકળતા પગાર મામલે વાંધો પડતા તેણે શ્યામ સંગીની ટેક્સ્ટાઇલ માર્કેટમાં આ આગ ચાંપી હતી.
આગ ચાંપ્યા પછી આરોપી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો, પરંતુ અંતે પોલીસે તેની ધરપકડ કરી છે.
શું છે આખો મામલો?
ઇમેજ સ્રોત, PTI
સુરતમાં આઠમી સપ્ટેમ્બરની મધરાત પછી (9 સપ્ટેમ્બરની પરોઢ) કુંભારિયા ત્રણ રસ્તા પાસે આવેલી શ્યામ સંગીની ટેક્સ્ટાઇલ માર્કેટના છઠ્ઠા માળે આગ ફાટી નીકળી હતી.
સુરતની કાપડ બજારોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, કારણ કે માર્કેટમાં તરત સળગી ઊઠે તેવો કાપડનો જથ્થો મોટા પ્રમાણમાં હોય છે, આ ઉપરાંત ઘણી જગ્યાએ વીજળીના વાયરો પણ જોખમી રીતે લટકતા હોય છે.
શ્યામ સંગીની ટેક્સ્ટાઇલ માર્કેટની આગ પણ આવાં કુદરતી કારણોથી લાગી હશે એવું શરૂઆતમાં માનવામાં આવતું હતું. પરંતુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે એક વ્યક્તિએ કાપડના પાર્સલ પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને તેને આગ ચાંપી હતી. ત્યાર પછી તે ત્યાંથી ભાગી ગયો હતો.
સીટીવીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી અને વિનોદ પંડિત સાવલે નામના આરોપીને પકડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી આ માર્કેટની દુકાન નંબર 639, જગદંબા ટેક્સ્ટાઇલના વેપારી હનુમાન પ્રસાદને ત્યાં માસિક 30 હજાર રૂપિયાના પગારે ઍકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. નોકરી છોડ્યા પછી તેને વેપારી સાથે ઝગડો થયો હતો જેમાં વેપારીએ બાકી નીકળતા 10 હજાર રૂપિયા આપવામાં આનાકાની કરી હતી. આ કારણથી વેપારીને પાઠ ભણાવવા તેણે આગ ચાંપી હોવાનું પોલીસ માને છે.
દુકાન બંધ થવાની રાહ જોઈ અને રાત્રે 12 વાગ્યે આગ ચાંપી
ઇમેજ સ્રોત, CCTV
સુરતના ઍડિશનલ ડીસીપી (ક્રાઈમ) કરણરાજ વાઘેલાએ મીડિયાને જણાવ્યું કે “વિનોદ પંડિત સાવલે નામના આરોપીએ નોકરી છોડ્યા પછી બાકી નીકળતા 10 હજાર રૂપિયાના મામલે શેઠને પાઠ ભણાવવા માટે આગ લગાવી હતી.”
તેમણે કહ્યું કે “આરોપીએ ડિંડોલીમાં એક પેટ્રોલ પંપ પરથી 150 રૂપિયાનું પેટ્રોલ ખરીદ્યું હતું અને દુકાન બહાર રાખેલા કાપડના પાર્સલ પર પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી હતી. ત્યાર પછી આરોપી ખાટુશ્યામ મંદિર રાજસ્થાન અને અયોધ્યા નાસી ગયો હતો. અંતે આરોપી સુરત પાછો ફરતો હતો ત્યારે ડિંડોલી ફ્લાવર ગાર્ડન પાસેથી પકડાઈ ગયો હતો.”
તેમણે એમ પણ કહ્યું કે, “ઘટનાના દિવસે આરોપી નવ વાગ્યે ટેક્સ્ટાઇલ માર્કેટમાં ગયો હતો અને દુકાન બંધ થાય તેની રાહ જોતા પાંચમા માળે બેસી રહ્યો હતો.”
“જ્યારે શેઠ દુકાન બંધ કરીને નીકળ્યા ત્યારે રાતે 12 વાગ્યા પછી તેણે આગ ચાંપી હતી. બીજા દિવસે આરોપીનું નામ ખૂલ્યું ત્યારે તે પોતાનો મોબાઇલ ફોન બંધ કરીને ભાગી ગયો હતો.”
ઇમેજ સ્રોત, Rupesh Sonwane
આગ લાગી તેના બીજા દિવસે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડૅપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રીએ મીડિયાને જણાવ્યું હતું કે “રાતે 12.50 વાગ્યે ફાયર ડિપાર્ટમેન્ટને આ આગ વિશે કૉલ આવ્યો હતો. આગ ટોચના માળ પર લાગી હતી.”
“તમામ ફાયર સ્ટેશન પરથી વાહનો બોલાવવામાં આવ્યાં હતાં.”
આગને ઠારવામાં લગભગ 14 કલાક કરતા વધુ સમય લાગ્યો હતો જેમાં તે માળની તમામ દુકાનો બળી ગઈ હતી. આ ઉપરાંત નીચેના પાંચમાં માળે પણ કેટલીક દુકાનોનો માલ સળગી ગયો હતો.
આ ઘટનાની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે મોઢે રૂમાલ બાંધીને એક વ્યક્તિ કાપડના પાર્સલ પર કંઈક છાંટે છે અને પછી આગ લગાવે છે. આના આધારે પોલીસે અજાણી વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ કરી હતી અને પછી સાવલેની ઓળખ થઈ હતી.
શેઠ વારંવાર ઠપકો આપતા નારાજગી હતી
ઇમેજ સ્રોત, ANI Video Grab
પોલીસના કહેવા મુજબ વિનોદ સાવલે જે વેપારી પાસે કામ કરતા હતા તેઓ તેની દરેક વાતમાં ભૂલ કાઢીને ઠપકો આપતા હતા. તેથી એક મહિના અગાઉ તેણે નોકરી છોડી હતી. પરંતુ 10 હજાર રૂપિયા પગાર બાકી રહી ગયો હતો. તેણે વેપારી પાસેથી રૂપિયા મેળવવા વારંવાર ફોન કર્યા અને રુબરુ મુલાકાત કરી, પરંતુ વેપારીએ તેને ધક્કા ખવડાવ્યા હતા. તેથી તેણે દુકાનની બહાર રાખેલા કાપડના પાર્સલ સળગાવીને વેપારીને પાઠ ભણાવવા આ પગલું ભર્યું હતું.
ઍડિશનલ ડીસીપી (ક્રાઈમ) કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, “માલને આગ લગાડ્યા પછી વિનોદ સાવલે ત્યાંથી નીકળી ગયો અને પોતાની મોટરસાઇકલ પર ફરાર થઈ ગયો.”
“તે પોતાના વતન જવાના બદલે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ગયો હતો અને રવિવારે રાતે સુરત પાછો ફર્યો હતો. તે વખતે પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે તેને ડિંડોલી એરિયામાંથી પકડવામાં આવ્યો હતો.”
આ મામલે આરોપી વિનોદ પંડિત સાવલે કે તેના પરિવારજનોનો સંપર્ક થઈ શક્યો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




