Home તાજા સમાચાર gujrati નેહા બોરા: ભાજપ સમર્થક પરિવારમાંથી આવતાં આ યુવતી દેશમાં આંદોલનોનો ચહેરો કેવી...

નેહા બોરા: ભાજપ સમર્થક પરિવારમાંથી આવતાં આ યુવતી દેશમાં આંદોલનોનો ચહેરો કેવી રીતે બની ગયાં?

3
0

Source : BBC NEWS

નેહા બોરા દેશમાં હાલમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોનો પ્રમુખ ચહેરો બની ગયાં છે

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

જુલાઈ 2026માં નીટ પેપરલીક કેસમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે ભૂખ હડતાળ પર ઊતરેલા અભિજિત દીપકે અને સોનમ વાંગચુક સાથે બીજા એક ચહેરાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું.

એ નેહા બોરા હતાં જે કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના આ વિરોધપ્રદર્શનના સમર્થનમાં તેમના કેટલાક સાથીદારો સાથે ભૂખ હડતાળ પર હતાં.

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સામે વિદ્યાર્થીઓનાં વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યાં ત્યારે તેઓ ફરી ચર્ચામાં આવ્યાં હતાં.

સીપીઆઈએમએલ (લિબરેશન)ની વિદ્યાર્થી પાંખ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિયેશન (AISA)નાં તેઓ રાષ્ટ્રીય પ્રમુખ છે.

એ વિરોધપ્રદર્શન દરમિયાન તેમના ચહેરા પર શાહી ફેંકવામાં આવી હતી.

પરંતુ નેહાએ કહ્યું, “મને મારા પર શાહી ફેંકાય તેનાથી ડર નથી. દિલ્હીના વિરોધપ્રદર્શન દરમિયાન મેં પૅલેટ ગન અને લાઠીચાર્જનો પણ સામનો કર્યો છે.”

તેમણે વિરોધ કરનારા લોકોને પૂછ્યું હતું કે, “શું તેઓ માને છે કે દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનોના ગુસ્સાને આ શાહી ફેંકવાથી દબાવી શકાશે?”

ત્યાર બાદ તેમણે વિરોધપ્રદર્શન દરમિયાન ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓની મુક્તિની માગ કરવા માટે બિહારનો પ્રવાસ કર્યો હતો.

છેલ્લાં કેટલાંક વર્ષોથી વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય નેહા હવે દેશભરમાં ચાલી રહેલા યુવાનો અને વિદ્યાર્થીઓનાં આંદોલનોમાં એક અગ્રણી ચહેરા તરીકે ઊભરી આવ્યાં છે.

નેહા બોરા હાલમાં તેમનાં વલણ, સ્પષ્ટવક્તા તરીકે ભાષણો અને લડાયક અભિગમ માટે સમાચારોમાં છવાયેલાં છે. તેમનાં ભાષણોની ઘણી રીલ્સ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.

હવે નેહા ફરી એકવાર દિલ્હીમાં પોતાના સમર્થકો સાથે વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે.

આ વખતે તેઓ અને તેમના સમર્થકો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરવા માટે એક થયા છે.

ઘણા વિપક્ષી દળોનો આરોપ છે કે દેશમાં ચાલી રહેલી એસઆઈઆરની પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ માટે જ્ઞાનેશકુમાર જવાબદાર છે, જેના કારણે કરોડો લોકોનો મતદાનનો અધિકાર છીનવાઈ ગયો છે.

તાજેતરમાં, અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસે તેના એક ઇન્વેસ્ટિગેટિવ અહેવાલમાં કહ્યું હતું કે એસઆઇઆર પ્રક્રિયા અંગે મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદો હતા.

નેહાની સફર: યુનિવર્સિટીથી યુવાનોનાં આંદોલનના ચહેરા સુધી

નેહા બોરા

નેહા મૂળ ઉત્તરાખંડનાં છે. તેઓ પહેલાં દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં અને પછી દિલ્હીની આંબેડકર યુનિવર્સિટીમાંથી એમએ કર્યું. હાલમાં તેઓ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માંથી પીએચ.ડી. કરી રહ્યાં છે.

નેહા દિલ્હી અને જેએનયુમાં ડાબેરી વિદ્યાર્થી ચળવળનો ચહેરો છે. સીપીઆઈએમએલ (લિબરેશન)ની વિદ્યાર્થી પાંખ આઇસાનું તેઓ નેતૃત્વ કરે છે યુનિવર્સિટીમાં તેઓ સક્રિય છે.

હાલમાં તેઓ દેશમાં આંદોલનો અને ડાબેરી ચળવળોના એક મુખર પ્રવક્તા તરીકે ઊભરી રહ્યાં છે.

નેહાને આંદોલનોએ શું શીખવ્યું?

નેહા બોરા

ગત મહિને ફ્રન્ટલાઇન સાથેની એક મુલાકાતમાં નેહાએ કહ્યું હતું કે, “જંતર-મંતર પર મોટી સંખ્યામાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જેમાં લખ્યું હતું કે, ‘તમે ગોડસેમાં માનો છો અને અમે ભગતસિંહમાં માનીએ છીએ. આ તમારા અને મારા વચ્ચે મૂળભૂત તફાવત છે, અને તેથી જ તમારે (સત્તામાંથી) જવું જોઈએ. લોકો સતત કહેતા હતા કે જે લોકો ગોડસેમાં માને છે તેઓ આ દેશ પર શાસન નહીં કરે.”

તેમણે કહ્યું, “તેમાં આરએસએસના વારસાની ચર્ચા કરવામાં આવી હતી, તેમના પર લોકો સાથે દગો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ગોડસેના પક્ષમાં છે અને અમે ભગતસિંહના પક્ષમાં છીએ. તેમાં ચર્ચા કરવામાં આવી હતી કે કેવી રીતે તેમની વિભાજનકારી રાજનીતિ દેશને એવી પરિસ્થિતિમાં લઈ ગઈ જ્યાં પેપરલીક હવે મોટી વાત રહી નથી. પરંતુ હિન્દુ-મુસ્લિમ કહાણીઓ અચાનક બધાનું ધ્યાન ખેંચી લે છે. લોકો સતત આવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હતા.”

નેહાએ કહ્યું હતું કે, “મને લાગે છે કે આ વિરોધપ્રદર્શનોએ દર્શાવ્યું છે કે આ દેશના યુવાનો હવે વર્તમાન શાસન પાસેથી શું નથી ઇચ્છતા. મને લાગે છે કે આ આંદોલને આપણને ઘણા પાઠ શીખવ્યા છે. ફાસીવાદીઓ પાસે પણ જવાબદારી માગી શકાય છે તેના કરતાં ઘણું વધારે શીખવ્યું છે. તેથી જ જ્યારે હું ભૂખ હડતાળ પરથી પાછી ફરી અને માઇક્રોફૉન પર બોલી રહી હતી ત્યારે મેં કહ્યું કે યુવાનોએ આ ભાવનાને યાદ રાખવી જોઈએ. એકબીજા માટે લડવાની ભાવના, એકબીજા સામે નહીં.”

વિચારધારા અંગે પરિવાર સાથે મતભેદ

નેહા બોરાનું કહેવું છે કે તેમના પરિવારના લોકો જ ભાજપના સમર્થકો છે

નેહા એક એવા પરિવારમાંથી આવે છે જે ભાજપ સમર્થક રહ્યો છે.

નેહાએ તેમના આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “મારો પોતાનો પરિવાર ભાજપનો કટ્ટર સમર્થક છે, અને અમારા ઘરમાં મોટા મતભેદો રહ્યા છે. મારા પરિવારમાં આ મતભેદ ઘણા સમયથી છે. જ્યારથી હું દિલ્હી આવી અને રાજકીય રીતે સક્રિય થઈ, ત્યારથી મારા પરિવારમાં આ મતભેદ રહ્યા છે.”

“ક્યારેક પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની જાય છે. મને લાગે છે કે મને મારા પોતાના નિર્ણયો લેવામાં ઘણી સ્વતંત્રતા મળી છે, નાણાકીય રીતે અને મારા જીવનમાં બંને રીતે. મને આ સ્વતંત્રતા ગ્રેજ્યુએશનના બીજા કે ત્રીજા વર્ષમાં જ મળી ગઈ, કારણ કે તે મારા માટે એક નિર્ણાયક વળાંક હતો.”

‘યુવા રાજકારણમાં હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે’

નેહા બોરા

નેહાના મતે, સીજેપી આંદોલનનું મહત્ત્વ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઘણું વધારે છે.

તેમનું માનવું છે કે યુવાનોએ શીખી લીધું છે કે એકબીજા સામે લડવાને બદલે એકબીજા માટે લડવાથી પરિવર્તન શક્ય છે.

તેઓ ઇચ્છે છે કે જંતર-મંતર આંદોલન દ્વારા ઉત્પન્ન થયેલી ઊર્જા એસઆઇઆર, ડિલિમિટેશન, કામદારોના અધિકારો અને મહિલા અનામત જેવા અન્ય મુદ્દાઓ સાથે સંબંધિત આંદોલનો સુધી પહોંચે.

તેમના માટે આ આંદોલન લોકશાહી અને સમાજવાદી તથા ધર્મનિરપેક્ષ માળખા માટેના મોટા સંઘર્ષનો એક ભાગ છે.

‘લોકો એકબીજાનો હાથ પકડવાનું શીખી ગયા છે’

નેહા બોરા

બીબીસી સાથેની મુલાકાતમાં જંતર-મંતર પરના આંદોલન વિશે વાત કરતાં નેહાએ કહ્યું હતું કે આ આંદોલને દર્શાવ્યું છે કે તેને કોઈ કૅટેગરીમાં રાખી શકાતું નથી. એ આ આંદોલનની તાકાત છે અને તે આ રીતે જ રહેવી જોઈએ.

તેમણે કહ્યું, “જંતર-મંતર પર વિરોધપ્રદર્શન દરમિયાન ઘણા લોકોએ કહ્યું હતું કે તેમની માતાઓએ તેમને આંદોલનમાં જવા કહ્યું હતું. ઘણા લોકોએ કહ્યું કે તેઓ શાળા છોડીને આવ્યા છે કારણ કે તેઓ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માગતા હતા. આ એક સંકેત છે કે નફરતથી પ્રશિક્ષિત થયેલા દેશમાં લોકો એકબીજાનો હાથ પકડવાનું શીખી ગયા છે.”

નેહાએ આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વિરોધપ્રદર્શન દરમિયાન ભાજપ સમર્થક માતાપિતા અને વડીલો પણ તેમની પાસે આવ્યા હતા, કેટલાક રડ્યા હતા અને વિદ્યાર્થીઓની હાલત માટે માફી માગી હતી.

ફ્રન્ટલાઈન સાથેની એક મુલાકાતમાં, તેમણે પોતાના પરિવારનું ઉદાહરણ આપતા કહ્યું કે, પોલીસ કાર્યવાહીને પ્રત્યક્ષ જોયા પછી તેમનાં ભાજપ સમર્થક માતાએ વિરોધ કરનારા યુવાનોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. નેહાના મતે આ પ્રકારના પરિવર્તનથી આંદોલનને વ્યાપક સામાજિક અસર મળી છે.

અભિજિત દીપકે સાથે સરખામણી

સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ દીપકે અને નેહાની સરખામણી કરી હતી

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક રસપ્રદ ચર્ચા થઈ. લોકોએ નેહા બોરાની સરખામણી સીજેપીના સ્થાપક અભિજિત દીપકે સાથે કરી હતી અને ચર્ચા કરી હતી કે કોણ વધુ પરિપક્વ છે.

અમોક નામના એક ઍક્સ યૂઝરે નેહા બોરાનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, “પરિપક્વતા ત્યારે છે જ્યારે તમને ખ્યાલ આવે છે કે નેહા બોરા અભિજિત દીપકે કરતાં વધુ પ્રતિભાશાળી છે. તેઓ ખરેખર એક જેન ઝી આઇકોન છે અને તેમાં અદ્ભુત સ્વેગ છે.”

આ પોસ્ટને રિપોસ્ટ કરતાં અભિજિતે લખ્યું હતું કે – “હું આ વાત સાથે સહમત છું.”

અભિજિતની આ પોસ્ટ પછી થોડા સમય બાદ નેહાએ ઍક્સ પર લખ્યું, “સરખામણી નહીં, પણ એકતા. આપણે આમની સામે સાથે મળીને લડીએ છીએ.”

તેના જવાબમાં અભિજિતે લખ્યું, “ઇન્કલાબ ઝિંદાબાદ.”

જંતર-મંતર ખાતે સીજેપીના વિરોધપ્રદર્શન દરમિયાન નેહાએ પોતે કહ્યું હતું કે, દીપકે વિનમ્ર છે, સૂચનો લેવા માટે તૈયાર છે અને તેમણે પ્રદર્શન કરનારા લોકોને એવું દેખાડ્યું છે કે તેઓ એ સૌની જેમ વિદ્યાર્થી છે અને આ સંઘર્ષમાં ભાગીદાર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS