Source : BBC NEWS
Getty Images
આ લેખ પહેલી વાર 5 ઑગસ્ટ, 2020ના રોજ બીબીસી પર પ્રકાશિત થયો હતો. આગા હસન આબિદીની પુણ્યતિથિ નિમિત્તે વાચકો માટે તેને ફરી પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.
લખનઉ યુનિવર્સિટીમાં આગા હસન આબિદીના સૌથી નિકટના મિત્ર ઇબાદતયાર ખાન હતા. સાહિત્યજગતમાં તેઓ ઇબાદત બરેલવીના નામે જાણીતા હતા. તેમણે પોતાના પુસ્તક ‘ગઝલાન-એ-રાના’માં આગા હસન આબિદીનું ખૂબ સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે.
આગા હસન આબિદી લખનઉ યુનિવર્સિટીમાં એકસાથે અંગ્રેજી વિષયમાં એમ.એ. અને એલએલ.બી.નો અભ્યાસ કરી રહ્યા હતા.
એક દિવસ આગા હસન આબિદીએ ઇબાદત બરેલવીને કહ્યું, “હું ન તો લેક્ચરર બની શકું કે ન વકીલ. આ બંને વ્યવસાયો મારા સ્વભાવને અનુકૂળ નથી. મને લાગે છે કે મારે મહમૂદાબાદ એસ્ટેટમાં કોઈ નાની-મોટી નોકરી કરી લેવી જોઈએ. ત્યાં મારા પિતા નોકરી કરે છે.”
ઇબાદત બરેલવીએ તેમને કહ્યું, “આટલું ભણ્યા પછી મહમૂદાબાદ રિયાસતમાં મળનારી નોકરી તમારા માટે યોગ્ય નહીં હોય. મારા મનમાં એક વાત આવે છે. હબીબ બૅન્ક હમણાં જ શરૂ થઈ છે. તે મુસ્લિમોની બૅન્ક છે. જો રાજાસાહેબ મહમૂદાબાદ હબીબ સેઠને ભલામણપત્ર લખી આપે, તો તમને આ બૅન્કમાં અધિકારીની નોકરી મળી શકે છે. પણ એક વાત વિચારી લેજો કે, એના માટે તમારે મુંબઈ જવું પડશે અને લખનઉની બહાર રહેવું પડશે.”
આગા હસન આબિદીએ કહ્યું, “દોસ્ત! તું આ શું વાત કરે છે? હું બૅન્કમાં નોકરી કરું! તું મારા સ્વભાવને સારી રીતે જાણે છે. આ નોકરી મારા સ્વભાવને અનુકૂળ નથી.”
ઇબાદત બરેલવીએ કહ્યું, “મિયાં શાહજાદા! પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. મુસ્લિમો માટે નોકરીના દરવાજા બંધ છે. મને લાગે છે કે આ એક જ દરવાજો ખુલ્લો છે. રાજાસાહેબને કહો કે તેઓ હબીબ સેઠને પત્ર લખી આપે અને તમે ચૂપચાપ મુંબઈ જતાં રહો. આ નોકરીમાં ભવિષ્યમાં આગળ વધવાની ઘણી શક્યતાઓ છે.”
ઇબાદત બરેલવીનું સૂચન આગા હસન આબિદીને ગમ્યું તો નહોતું, પણ તેઓ તેના વિશે વિચારતા રહ્યા. ઇબાદત બરેલવી લખે છે, “આખરે તેમણે મારી સલાહ માની લીધી. તેઓ રાજાસાહેબ પાસે ગયા અને હબીબ સેઠને પત્ર લખી આપવા વિનંતી કરી. રાજાસાહેબ ખૂબ સજ્જન માણસ હતા. તેમણે આગા હસન આબિદી માટે પત્ર લખી આપ્યો અને કહ્યું, ‘આ પત્ર લઈને મુંબઈ જતાં રહો. ઈશ્વરની ઈચ્છા હશે તો કામ થઈ જશે.'”
બીજા દિવસે આગા હસન આબિદી એ પત્ર લઈને ઇબાદત બરેલવીના ઘરે આવ્યા અને કહ્યું, “દોસ્ત! રાજાસાહેબે તો ભલામણપત્ર લખી આપ્યો છે. પણ હું મૂંઝવણમાં છું. મારે શું કરવું જોઈએ? તારો અભિપ્રાય આપ!”
ઇબાદત સાહેબે કહ્યું, “આ પત્ર લઈને તરત મુંબઈ જતાં રહો. હબીબ સેઠને મળો, તેમને આ પત્ર આપો અને હબીબ બૅન્કમાં અધિકારીની નોકરી મેળવી લો.”
Abedi Family Archive
આગા હસન આબિદીને ઇબાદત બરેલવી પર વિશ્વાસ હતો, એટલે તેમની વિનંતીથી તેઓ મુંબઈ જવા તૈયાર થયા અને હવામાનની પ્રતિકૂળતા હોવા છતાં એક અઠવાડિયા પછી મુંબઈ જવા રવાના થયા.
3-4 દિવસ પછી ઇબાદત બરેલવીને મુંબઈથી લખાયેલો આગા હસન આબિદીનો પત્ર મળ્યો. તેમાં લખ્યું હતું, “રાજાસાહેબના પત્રથી ઘણું કામ થઈ ગયું. મને નોકરી મળી ગઈ છે. અહીંનું વાતાવરણ સારું છે. મુંબઈ શહેર ખૂબ સુંદર છે. અહીં મારું મન લાગી ગયું છે. અત્યારે તાલીમ ચાલી રહી છે. 3-4 મહિનામાં તાલીમ પૂરી થઈ જશે અને મને હબીબ બૅન્કની વિવિધ શાખાઓનું સંગઠન કરવાનું કામ સોંપવામાં આવશે. આ માટે મારે ભારતનાં જુદાં-જુદાં શહેરોમાં જવું પડશે.”
ઇબાદત બરેલવી કહે છે કે, આ પત્ર વાંચીને તેઓ ખૂબ ખુશ થયા હતા.
આગા હસન આબિદી બૅન્કના કામકાજ માટે અવારનવાર દિલ્હી આવતા-જતા રહેતા હતા. એ પછી પાકિસ્તાન બન્યું. ઇબાદત બરેલવી ઓરિએન્ટલ કૉલેજ, લાહોરમાં જોડાયા. આગા હસન આબિદી પાકિસ્તાન ગયા અને હબીબ બૅન્કમાં ક્રમશઃ આગળ વધતા રહ્યા.
સેહગલ પરિવાર સાથેના સંબંધો અને યુનાઇટેડ બૅન્કની સ્થાપના
BBC/Wikimedia Commons
હબીબ બૅન્કમાં કામ કરતી વખતે આગા હસન આબિદીએ પાકિસ્તાનના ઉદ્યોગપતિઓ સાથે સંબંધો વિકસાવવાનું શરૂ કર્યું. તેમાં સૌથી મહત્ત્વનો સંબંધ સેહગલ પરિવાર સાથે બંધાયો. 1959માં એક વ્યાપારી સોદામાં સેહગલ પરિવારને બૅન્ક ગેરંટી આપવા બાબતે હબીબ પરિવાર આનાકાની કરી રહ્યો હતો. જોકે, એ જ સોદામાં તેને પોતાને પણ રસ હતો.
આગા હસન આબિદીએ હબીબ પરિવારને આમ કરતાં રોકવાનો પ્રયાસ કર્યો, પણ એ પ્રયાસનું અણધાર્યું પરિણામ એ આવ્યું કે તેમણે હબીબ બૅન્ક છોડવી પડી.
સેહગલ પરિવારે આગા હસન આબિદીની કુશળતાનો ઉપયોગ કરીને નવી બૅન્ક સ્થાપવાનું નક્કી કર્યું. એના પરિણામે 7 નવેમ્બર, 1959ના રોજ યુનાઇટેડ બૅન્કની સ્થાપના થઈ. આ બૅન્ક માટે મૂડી સેહગલ પરિવારે પૂરી પાડી હતી, જ્યારે તેની સ્થાપના પાછળનું ભેજું આગા હસન આબિદીનું હતું.
યુનાઇટેડ બૅન્કનો 10-12 વર્ષનો આ સમયગાળો પાકિસ્તાનના બૅન્કિંગ ક્ષેત્રમાં સુવર્ણકાળ હતો. તેની શાખાઓ કરાચી, લાહોર, રાવલપિંડી, પેશાવર અને ક્વેટા ઉપરાંત નાનાં શહેરોમાં પણ ખૂલવા લાગી હતી. પશ્ચિમ પાકિસ્તાનની સાથે-સાથે પૂર્વ પાકિસ્તાનમાં પણ યુનાઇટેડ બૅન્ક પોતાની પ્રતિષ્ઠા ઊભી કરી રહી હતી. સેહગલ ગ્રૂપના ટેકાને કારણે પાકિસ્તાનનાં અન્ય વેપારી વર્તુળોનો પણ યુનાઇટેડ બૅન્ક પર વિશ્વાસ વધ્યો હતો.
1970 સુધીમાં યુનાઇટેડ બૅન્કે દેશભરમાં 912 શાખાઓ ખોલી દીધી હતી. તેમાંથી 224 શાખાઓ પૂર્વ પાકિસ્તાનમાં હતી. આ ઉપરાંત, વિદેશમાં પણ તેની 24 શાખાઓ સ્થપાઈ હતી.
પૂર્વ પાકિસ્તાનમાં આગા હસન આબિદીને સાલેહ નકવીનો સાથ મળ્યો હતો. તેમની બદલી પશ્ચિમ પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાનમાં થઈ હતી, પરંતુ પોતાની આવડતથી તેમણે પૂર્વ પાકિસ્તાનના વેપારી ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું.
વૈશ્વિક બૅન્ક સ્થાપવાનું સપનું
Amazon
1971માં ઢાકાના પતન પછી યુનાઇટેડ બૅન્કે પૂર્વ પાકિસ્તાનમાંથી પોતાનો કારોબાર સમેટી લેવો પડ્યો. ઢાકાના પતનના ઘણા સમય પહેલાં જ સાલેહ નકવી પશ્ચિમ પાકિસ્તાન આવી ગયા હતા. હવે આગા હસન આબિદી વૈશ્વિક બૅન્ક સ્થાપવાનું સપનું જોવા લાગ્યા હતા. 1 જાન્યુઆરી, 1974ના રોજ પાકિસ્તાન સરકારે દેશની તમામ બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું, ત્યારે આગા હસન આબિદી આ નવી બૅન્ક સ્થાપવાની તૈયારીઓ પૂરી કરી ચૂક્યા હતા.
તેમણે સંયુક્ત આરબ અમીરાતના વડા શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનનો વિશ્વાસ સંપાદિત કર્યો અને તેમના નાણાકીય સહયોગથી બૅન્ક ઑફ ક્રેડિટ ઍન્ડ કૉમર્સ ઇન્ટરનેશનલ (બીસીસીઆઇ) નામની આંતરરાષ્ટ્રીય બૅન્ક સ્થાપવાનું કામ શરૂ કર્યું. આ બૅન્કની નોંધણી લક્ઝમબર્ગમાં કરવામાં આવી હતી.
આગા હસન આબિદીનું સપનું વિશ્વ બૅન્કની માફક મુસ્લિમ રોકાણકારોની મદદથી એક વૈશ્વિક ઇસ્લામિક બૅન્ક સ્થાપવાનું હતું. તેઓ ઈચ્છતા હતા કે આ બૅન્ક ખૂબ ઓછા વ્યાજ દરે ધિરાણ આપીને નબળા મુસ્લિમ દેશોને આર્થિક રીતે સક્ષમ બનાવે, જેથી ત્રીજા વિશ્વના ગરીબ, પછાત અને સુવિધાઓથી વંચિત દેશો પણ વિકસિત દેશોની સાથે આગળ વધી શકે.
શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનના સહયોગથી આગા હસન આબિદીએ પોતાની બૅન્કનો વિકાસ ચાલુ રાખ્યો. થોડા જ સમયમાં બૅન્ક ઑફ ક્રેડિટ ઍન્ડ કૉમર્સ ઇન્ટરનેશનલ (બીસીસીઆઇ)ની 72 દેશોમાં 400થી વધુ શાખાઓ થઈ ગઈ. તેના કર્મચારીઓની સંખ્યા 16,000 સુધી પહોંચી ગઈ અને તે દુનિયાની 7મા ક્રમની સૌથી મોટી બૅન્ક બની ગઈ.
બીસીસીઆઇ માત્ર એક બૅન્ક નહોતી, પરંતુ તેનાં લક્ષ્યો ઘણાં ઊંચાં હતાં. વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા દેશોના કલ્યાણ માટે તેણે વિવિધ યોજનાઓ પર કામ શરૂ કર્યું.
આગા હસન આબિદીએ સૌપ્રથમ શિક્ષણના પ્રસાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને કરાચીથી સ્વાબી સુધી અનેક સંસ્થાઓ સ્થાપી. તેમાં કોરંગી ઍકેડેમી, ફાસ્ટ યુનિવર્સિટી અને ગુલામ ઇશાક ખાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ ટેક્નોલૉજીનો સમાવેશ થાય છે.
બેઘર લોકો માટે ‘ઓરંગી પાઇલટ પ્રોજેક્ટ’ અને જરૂરિયાતમંદ કલાકારોના કલ્યાણ માટે ‘ઇન્ફાક ફાઉન્ડેશન’ જેવી સંસ્થાઓની સ્થાપનાએ દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું હતું. બીસીસીઆઇએ જાહેર આરોગ્ય ક્ષેત્રે પણ ખર્ચ કરવાનું શરૂ કર્યું અને કરાચીની એસ.આઇ.યુ.ટી. તથા લેડી ડફરિન હૉસ્પિટલને પણ નોંધપાત્ર દાન આપ્યું.
કુદરતુલ્લાહ શહાબના મતે બીસીસીઆઇની પ્રગતિનું રહસ્ય
આગા હસન આબિદીની સિદ્ધિઓ અને કામગીરી દંતકથા સમાન બની રહી હતી, પરંતુ પશ્ચિમી જગત તેમની સિદ્ધિઓને પ્રશંસા કરવા કરતાં ઈર્ષ્યાની નજરે વધુ જોઈ રહ્યું હતું.
કુદરતુલ્લાહ શહાબ ‘શહાબનામા’માં લખે છે, “ઑક્ટોબર, 1981માં લંડનના જાણીતા સામયિક ‘ન્યૂ સ્ટેટ્સમૅન’નો એક અંક મારી નજરે ચડ્યો. તેના મુખપૃષ્ઠ પર આગા હસન આબિદીનો મોટા કદનો રંગીન ફોટો હતો. તેની નીચે લખ્યું હતું: ‘સરકારો ખરીદનારા હાઇ સ્ટ્રીટ બૅન્કર.’
આ સામયિકમાં બી.સી.સી.આઇ.ના સંદર્ભે આગા હસન આબિદી વિશે 4 પાનાંનો લેખ પણ હતો. લેખનું દરેક વાક્ય ઈર્ષ્યા, હરીફાઈ, ભય અને નફરતથી ભરેલું હતું. કદાચ તેનું કારણ એ હતું કે, લેખકના મતે બી.સી.સી.આઇ. એવી બૅન્ક હતી, જે ચિંતાજનક ઝડપે દુનિયાના ખૂણે-ખૂણે વિસ્તરી રહી હતી.”
કુદરતુલ્લાહ શહાબ લખે છે, “બી.સી.સી.આઇ.ની પ્રગતિ અને વિસ્તરણની ઝડપી ગતિ ઇંગ્લૅન્ડની ધીમી ગતિએ કામ કરતી, નિષ્ક્રિય, સંવેદનહીન અને જટિલ વહીવટી પ્રક્રિયાઓમાં અટવાયેલી બૅન્કો માટે ખતરાની ઘંટડી સમાન બની ગઈ હતી.” તેઓ આગળ લખે છે, “આ લેખ વાંચ્યા પછી મને આગા સાહેબને મળવાની અને તેમની પ્રગતિનું ખરું રહસ્ય જાણવાની ઈચ્છા થઈ.”
‘શહાબનામા’માં તેમણે આગા હસન આબિદી સાથેની પોતાની મુલાકાતનું વિગતવાર વર્ણન કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, સંસ્થાના વહીવટીતંત્ર અને કર્મચારીઓ વચ્ચેના સંબંધો એવા હતા કે, દરેક વ્યક્તિ પોતાને સંસ્થાની સક્રિય સભ્ય માનતી હતી.
સંસ્થાના સંચાલન હેઠળ અનેક કલ્યાણકારી સંસ્થાઓ કાર્યરત હતી એટલું જ નહીં, સંસ્થાના દરેક કર્મચારીને દર વર્ષે તેના વાર્ષિક વેતનના 2.5થી 3.5 ટકા જેટલી વધારાની રકમ પણ આપવામાં આવતી હતી. શરત માત્ર એટલી હતી કે, આ રકમ તેમણે પોતાના માટે ખર્ચવાની નહોતી, પરંતુ બીજાના કલ્યાણ માટે વાપરવાની હતી.
જોકે, કોઈ કર્મચારી આ શરતનું કેટલું પાલન કરે છે, તેની કોઈ પૂછપરછ કરવામાં આવતી નહોતી. આ બાબત દરેક વ્યક્તિના પોતાના અંતરાત્મા અને વિશ્વાસ પર છોડી દેવામાં આવી હતી.
સંસ્થાનો વિકાસ રાતોરાત 4 ગણો થઈ રહ્યો હતો, પરંતુ પછી તેની પ્રગતિ અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની નજરે ખટકવા લાગી.
‘દુનિયાનો સૌથી વધુ વોન્ટેડ માણસ’
Getty Images
1988માં બીમારીને કારણે આગા હસન આબિદીએ પોતાની ઈચ્છાથી બી.સી.સી.આઇ.માંથી નિવૃત્તિ લઈ લીધી. ત્યારબાદ સમય એવો આવ્યો કે, તેમની બૅન્ક પર પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ અને પેલેસ્ટાઇનના સ્વાતંત્ર્યસેનાનીઓને નાણાં પૂરાં પાડવાના, વિવિધ દેશોના ભૂતપૂર્વ વડાઓ અને ગુનેગારોનાં કાળાં નાણાં ધોળાં કરવા સહિતના અનેક આરોપો લાગ્યા અને આગા હસન આબિદી દુનિયાના સૌથી વધુ વૉન્ટેડ માણસ બની ગયા.
5 જુલાઈ, 1991ના રોજ ઇંગ્લૅન્ડ, લક્ઝમબર્ગ, કેમેન ટાપુઓ, અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને સ્વિટ્ઝર્લૅન્ડમાં બી.સી.સી.આઇ.ની સંપત્તિ અને લાખો ખાતાં સ્થગિત કરી દેવામાં આવ્યાં હતાં.
અમેરિકાએ આગા હસન આબિદીને પૂછપરછ માટે સોંપવાનું પાકિસ્તાન પર દબાણ કર્યું, પરંતુ પાકિસ્તાને તેમને અમેરિકા મોકલવાનો ઈનકાર કર્યો.
આગા હસન આબિદીની નિવૃત્તિ પછી બી.સી.સી.આઇ.નું નેતૃત્વ સાલેહ નકવીએ સંભાળ્યું હતું. તેમની અબુધાબીમાં ધરપકડ કરવામાં આવી અને તેમને અમેરિકા મોકલી દેવામાં આવ્યા. ત્યાં 1994માં તેમને 8 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
જેલમાંથી છૂટ્યા પછી તેઓ પાકિસ્તાન આવ્યા, જ્યાં તેમણે બી.સી.સી.આઇ.નાં પરોપકારી કાર્યોની જવાબદારી સંભાળી. તેમણે બી.સી.સી.આઇ.ના ઉદય અને પતન વિશે એક પુસ્તક પણ લખ્યું, પરંતુ એ પુસ્તક હજી સુધી પ્રકાશિત થયું નથી.
7 સપ્ટેમ્બર, 2019ના રોજ સાલેહ નકવીનું પણ અવસાન થયું અને આમ બી.સી.સી.આઇ.ની કહાણીનો અંત આવ્યો.
પાકિસ્તાન માટે આગા હસન આબિદીએ કરેલાં સેવાકાર્યોનો વ્યાપ એટલો વિશાળ હતો કે, તેમને આધુનિક પાકિસ્તાનના ઘડવૈયાઓમાં સ્થાન આપી શકાય.
તેમણે પોતાના જીવનના અંતિમ દિવસો કરાચીમાં વિતાવ્યા હતા. તેમને લકવો થઈ ગયો હતો અને બોલવામાં પણ ભારે મુશ્કેલી પડતી હતી. 5 ઑગસ્ટ, 1995ના રોજ કરાચીમાં તેમનું અવસાન થયું હતું અને અલીબાગ કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




