Home તાજા સમાચાર gujrati ‘પાણી ના મળે, ખાવા ના મળે’, સુરેન્દ્રનગરનાં કેટલાંય ગામોમાંથી હિજરત કરી ગયેલા...

‘પાણી ના મળે, ખાવા ના મળે’, સુરેન્દ્રનગરનાં કેટલાંય ગામોમાંથી હિજરત કરી ગયેલા લોકોની કહાણી

2
0

Source : BBC NEWS

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના અનેક ગામોમાં પાણીની અછતથી માલધારીઓની હિજરત

વાંચવાનો સમય: 3 મિનિટ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં પાણીની વિકટ સમસ્યાને પગલે ગ્રામ્ય વિસ્તારોમાંથી માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે.

જસાપર, મોરસલ, નાનીયાણી, સુરઈ, મોટા હરણિયા, નાનું કાધાસર, સાગાણી, રાજાવાડ અને હબિયાસર સહિતનાં ગામોમાં પાણીની અછતના કારણે લોકો પોતાના પશુધન સાથે ગુજરાતના અન્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં કેટલાંક ગામોમાં પાણીની વિકટ સમસ્યાના કારણે ઘણાં બધાં ઘરોમાં તાળાં વાગ્યાં છે.

સ્થિતિ એટલી ગંભીર બની છે કે, અંદાજે 80 ટકા જેટલાં ગામોમાં મકાનો બંધ જોવા મળી રહ્યાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, પાણીની આ સમસ્યા આજકાલની નહીં, પણ વર્ષોથી છે.

અહીં બાકી રહી ગયેલા લોકો પણ હવે કહે છે કે, તેઓ પણ હિજરત કરશે. હિજરત પાછળનાં કારણો જણાવતાં સ્થાનિકો કહે છે કે, પાણીની અછતના કારણે તેઓ પોતાના પશુધન સાથે ગુજરાતના અન્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.

પાણીના અભાવે ગામડાંઓ ખાલી થઈ રહ્યાં હોવાની આ સ્થિતિ તંત્ર અને સરકાર માટે ચિંતાજનક બની છે, ત્યારે સવાલ એ છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે?

શું છે આખો મામલો?

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના અનેક ગામોમાં પાણીની અછતથી માલધારીઓની હિજરત

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં પાણીની વિકટ સમસ્યાને પગલે ગ્રામ્ય વિસ્તારોમાંથી માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે.

જસાપર, મોરસલ, નાનીયાણી, સુરઈ, મોટા હરણિયા, નાનું કાધાસર, સાગાણી, રાજાવાડ અને હબિયાસર સહિતનાં ગામોમાં પાણીની અછતના કારણે લોકો પોતાના પશુધન સાથે ગુજરાતના અન્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.

સ્થાનિક લોકો પાણીના અભાવે પોતાનાં પશુઓ લઈને અહીંથી જઈ રહ્યા છે; તેમનું કહેવું છે કે, અહીં ઘાસચારો પણ પૂરતો નથી.

ગામ લોકો શું કહી રહ્યા છે?

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના અનેક ગામોમાં પાણીની અછતથી માલધારીઓની હિજરત

ગામનાં રહેવાસી કુંવરબહેન બીબીસીને જણાવે છે કે, “આખું ગામ ખાલી થઈ ગયું છે, બિચારા અહીંના લોકો આ સૂકા વિસ્તારમાં શું કરવા રહે? અહીં પીવા પાણી ન મળે, ખાવા ન મળે, કૂવા ન મળે; અહીં રોકાઈએ તો શું ખાવાનું? આ મકાનો બંધ છે.”

ગામના સ્થાનિક મશરૂભાઈ જણાવે છે કે, “પશુઓને અમારે શું ખવડાવવાનું? પાણી નથી, પશુઓના ચારા માટે પણ કશું નથી. અત્યારે બપોરના સાડા 4 વાગી રહ્યા છે, ત્યારે અમારાં પશુઓએ સવારથી અત્યારે પાણી પીધું છે.”

સ્થાનિક માલીબહેન જણાવે છે કે, “ધાબાવાળાં મકાનો મૂકીને લોકો અહીંથી જતા રહ્યા છે. લોકો દિવાળી કરવા પણ નથી રહ્યા.”

જસાપર ગામના સ્થાનિક મંગાભાઈ બીબીસીને કહે છે કે, “આખા ગામમાં ફક્ત 2 ગાડી જેટલો પશુચારો છે, ત્યારે અહીં રહીને શું કરવાનું? ધીમે-ધીમે આખું ગામ ખાલી થઈ જવાનું અને સરકારને જો આ વાત ખોટી લાગતી હોય, તો અહીં જાતે આવીને જોઈ જાય કે હાલ ગામમાં કેટલાં મકાનોમાં લોકો બાકી રહ્યા છે.”

“ખાટારા ભરી ભરીને અહીંયાથી જઈ રહ્યા છે.”

સ્થાનિક આગેવાન દેવકણભાઈ જોગરાણા બીબીસી સાથે વાત કરતાં કહે છે કે આવાં અનેક ગામડાં છે.

“રોજ દસ પંદર ગામ રોજ તમે જુઓ ખાટારા ભરી ભરીને અહીંથી જઈ રહ્યા છે.”

“એક ખાલી પંખીનો માળો મૂકીને, મજબૂત ચણતર કરેલ મકાન મૂકીને અને માલઢોર લઈ માણસો જઈ રહ્યા છે અને ખાસ દુઃખની વાત તો એ છે કે દિવાળી જેવો તહેવાર હોય એટલે લોકો પોતાના ગામડે જતા હોય છે અને અમારે અહીં ઊંધું છે”

સ્થાનિક માતળાભાઈ બીબીસીને કહે છે કે જિંદગી પૂરી થઈ ગઈ પણ અહીં પીવા પાણી નથી.

“ખારા પાણી પીને લોકો અહીં જીવે છે.”

“લોકોએ બોર કર્યો હોય સાતસોથી આઠસો ફૂટ એમાં સાવ ખારું પાણી હોય એવું પાણી પીને આ લોકો અહીં દિવસો કાઢે છે.”

પશુપાલક મિત્ર રમેશભાઈ મેર કહે છે અહીંથી સુરેન્દ્રનગર એક મોટું પમ્પિંગ સ્ટેશન છે.

તેમણે કહ્યું, તેનું પાણી તેમણે જ નથી પીધું

તેમણે પોતાની વેદના પ્રગટ કરતાં કહ્યું, “અમારા ઓલેથી મલક આખો પાણી પીવે અને અમે જ પડ્યા છે તરસ્યા. ભાઈ વિશ્વમાં દુષ્કાળગ્રસ્ત અને ન પાણીનો વિસ્તાર હોય તો આ.”

દેવકણભાઈ જોગરાણા કહે છે કે સોળ વર્ષથી બનીને ત્રીસ વર્ષ થવા આવ્યાં.

“સોળ વર્ષથી ભાજપ સરકારના મંત્રીઓ ઉદ્ઘાટન કરે છે, હજી એ ડૅમમાં અમને જોઈતું પાણી આવ્યું નથી. અહીં બાકી રહી ગયેલા લોકો પણ કહે છે કે હવે તેઓ પણ હિજરત કરશે. બધું અહીંયા અહીંયા થોડાક દિવસ છીએ.”

સ્થાનિક જીવીબહેન કહે છે કે જીવનમાં પાણી વગર શું કરવું?

“કૂવા ખાડા કર્યા એમાં પાણી કાંઈ આવતું નથી.”

આ આખા મામલે બીબીસી ગુજરાતીના સહયોગી સચિન પીઠવાએ ચોટીલાના મામલતદાર અને પ્રાંત અધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. જોકે, ચાર દિવસ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.

તંત્રનો સંપર્ક થતાં આ લેખ અપડેટ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS