Source : BBC NEWS

અફઘાનિસ્તાનમાં મોટા પરિવારો અને ઘણાં સંતાનો ધરાવતાં યુગલો સામાન્ય ગણાય છે, પરંતુ ઉરુઝગાન પ્રાંતના રહેવાસી મોહમ્મદ સાદિકનો પરિવાર કદાચ દેશના સૌથી મોટા પરિવારોમાંનો એક છે.
મોહમ્મદ સાદિકને ચાર પત્નીથી કુલ 58 સંતાનો છે. તેમનું સૌથી નાનું સંતાન થોડાં અઠવાડિયાં પહેલાં જ જન્મ્યું છે. આટલા મોટા પરિવારનું ભરણપોષણ કરવું તેમના માટે મોટો પડકાર બની રહ્યો છે.
તેઓ કહે છે કે બાળકોને રોજેરોજ ખાવા-પીવાનું પૂરું પાડવામાં જ પોતાનો સમય ખર્ચાઈ જાય છે. આર્થિક મુશ્કેલીઓને કારણે પરિવારનાં નાનાં બાળકો પણ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે.
આ પરિવારની ચારેય મહિલાઓએ પણ વર્ષોથી ગર્ભધારણ, પ્રસૂતિ અને બાળકોના ઉછેરની જવાબદારી નિભાવી છે. મોહમ્મદ સાદિકના જણાવ્યા અનુસાર, તેમની ચારેય પત્નીનાં લગ્ન નાની ઉંમરે થયાં હતાં. લગ્ન સમયે તેમની ઉંમર 13થી 16 વર્ષની વચ્ચે હતી.
મોહમ્મદ સાદિક હસતાં હસતાં કહે છે કે કેટલીક વાર તેમને પોતાનાં બધાં સંતાનોનાં નામ પણ યાદ રહેતાં નથી. તેઓ કહે છે કે રાત્રે સૂતાં પહેલાં પોતે દરરોજ બધાં બાળકોની ગણતરી કરે છે, જેથી ખાતરી કરી શકે કે બધાં ઘરે હાજર છે.

મોહમ્મદ સાદિક કહે છે કે નાનાં બાળકો પોતાના પિતાની આસપાસ એકઠાં થાય, ત્યારે લગ્નપ્રસંગ જેવાં ઘોંઘાટ, હાસ્ય અને ધમાલથી ઘર ગાજી ઊઠે છે.
પરંતુ આ પરિવારના જીવનમાં ખુશીઓની સાથે ગંભીર આર્થિક મુશ્કેલીઓ પણ છે. ગરીબી ક્યારેક એટલી વધી જાય છે કે કેટલાંક બાળકોને રાત્રે ભૂખ્યા પેટે સૂવું પડે છે. પરિવારમાં દિવસમાં માત્ર બે જ વાર, સવારે અને સાંજે જ ભોજન તૈયાર કરવામાં આવે છે. ઘરની બે મહિલાઓ રસોઈની જવાબદારી સંભાળે છે.
57 વર્ષના મોહમ્મદ સાદિક કારના શોરૂમમાં કામ કરે છે. તેઓ કહે છે કે વધુ સંતાનો ઇચ્છવા પાછળનો તેમનો એક માત્ર હેતુ “મુસ્લિમોની વસ્તી વધારવાનો” હતો.
તેઓ પોતાની એક દીકરીનાં લગ્નની રસપ્રદ વાત જણાવતાં કહે છે, “લગ્ન કરાવનારા મૌલવીસાહેબે મને મારી દીકરીનું નામ પૂછ્યું, ત્યારે હું થોડી વાર વિચારતો રહ્યો અને ભૂલથી બીજી દીકરીનું નામ કહી દીધું. મૌલવીસાહેબ હસ્યા અને કહ્યું, ‘ઘરે જઈને ફરી તપાસ કરી આવો. કદાચ તમે ખોટું નામ કહી દીધું છે.'”
તેઓ કહે છે કે આટલાં બધાં સંતાનો હોવાને કારણે ઘણી વાર બધાનાં નામ યાદ રાખવાં મુશ્કેલ બની જાય છે. તેથી તેઓ મોટા ભાગે પોતાનાં સંતાનોને ‘દીકરા’ કહીને જ બોલાવે છે.
વીડિયો જુઓ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એક પ્રસંગ યાદ કરતાં મોહમ્મદ સાદિક કહે છે, “એક રાત્રે અમે બધાં જમવાના ટેબલની આસપાસ બેઠાં હતાં. મેં બાળકોની ગણતરી શરૂ કરી, ત્યારે એક બાળક ગાયબ હતું. મને એ પણ ખબર નહોતી કે ગેરહાજર બાળક છોકરો હતો કે છોકરી. પછી મેં તેમની માતાઓને પૂછ્યું. તેમાંથી એકે કહ્યું કે એ તેનું બાળક હતું અને એ બાળકને તેણે નાનીના ઘરે મોકલ્યું હતું અને તે રાત ત્યાં જ રોકાવાનું હતું.”
મોહમ્મદ સાદિકનું પ્રથમ લગ્ન 20 વર્ષની ઉંમરે થયું હતું. નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરવા પાછળનું કારણ પૂછતાં તેમણે બીબીસીને જણાવ્યું કે દરેક લગ્ન માટે તેમણે કન્યાના પરિવારને આપવામાં આવતી ‘તોયાના’ (વળતરરૂપે અપાતી રકમ) એકઠી કરવા માટે કેટલાંક વર્ષો સુધી મહેનત કરવી પડતી હતી.
આટલા મોટા પરિવાર અને બાળકોના ભરણપોષણની જવાબદારી અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે તેમની પત્નીઓએ ખૂબ નાની ઉંમરે દાંપત્યજીવનમાં પ્રવેશ કર્યો હતો. બાળપણ અને કિશોરાવસ્થામાં જ તેમણે લગ્ન, ગર્ભધારણ, માતૃત્વ અને બાળકોના ઉછેર જેવી ભારે જવાબદારીઓ સંભાળી હતી. આ જવાબદારીઓ તેમના જીવનનો કાયમી હિસ્સો બની ગઈ હતી.
મોહમ્મદ સાદિક અને તેમનાં પત્નીઓએ જીવનમાં બીજી એક મોટી કસોટીનો પણ સામનો કર્યો છે. વીતેલાં વર્ષો દરમિયાન તેમનાં 14 સંતાનો મૃત્યુ પામ્યાં છે. કોઈ પણ માતાપિતા માટે આ એક અત્યંત આઘાતજનક અનુભવ હોય છે.

નિષ્ણાતોનું કહેવું છે કે નાની ઉંમરે લગ્ન અને ગર્ભધારણને કારણે માતા અને નવજાત શિશુ બંનેના સ્વાસ્થ્ય માટેનાં જોખમો વધી શકે છે. વારંવાર ગર્ભધારણ થવાથી માતાને બીજી તબીબી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.
અફઘાનિસ્તાન એવા દેશોમાંનો એક છે, જ્યાં માતાઓનો મૃત્યુદર હજુ પણ પ્રમાણમાં ઊંચો છે. ખાસ કરીને ગ્રામીણ અને દૂરનાં વિસ્તારોમાં, જ્યાં સારી ગુણવત્તાની આરોગ્યસેવાઓ મેળવવાની સુવિધા મર્યાદિત છે.
બીજી તરફ, ગરીબીની પણ આ પરિવારના જીવન પર ઊંડી અસર પડી રહી છે. શિયાળામાં પરિવારના સભ્યો ઓરડાઓમાં અને ઉનાળામાં આંગણામાં સાથે બેસીને ભોજન કરે છે, પરંતુ તેમની પાસે જીવનની પાયાની સુવિધાઓ પણ બહુ ઓછી છે. તેઓ સ્નાન કરે છે, એ જ જગ્યાનો ઉપયોગ કપડાં અને વાસણો ધોવા માટે પણ થાય છે અને એ જ જગ્યા શૌચાલય તરીકે પણ વપરાય છે.
પરિવારના વધતા જતા ખર્ચને પહોંચી વળવા માટે માત્ર મોહમ્મદ સાદિક જ નહીં, પરંતુ તેમનાં કેટલાંક સંતાનો પણ કામ કરે છે. કેટલાંક બાળકો કાગળ, પ્લાસ્ટિક અને બીજી એવી વસ્તુઓ ભેગી કરે છે, જેને બળતણ તરીકે બાળી શકાય અથવા વેચીને ઘરના ખર્ચમાં મદદ મેળવી શકાય.
તમામ મુશ્કેલીઓ છતાં આ પરિવાર રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. ખોરાક, રહેવાની વ્યવસ્થા અને બાળકોનો ઉછેર-આ બધી બાબતો તેમની સામે રોજેરોજ નવા પડકારો ઊભા કરે છે.
ઠંડીની રાતોમાં ક્યારેક છ-સાત વ્યક્તિએ એક જ પાતળો ધાબળો ઓઢીને સૂવું પડે છે. સામાન્ય ગાદલાં સિવાય પરિવાર પાસે સૂવા માટેની કોઈ ખાસ વ્યવસ્થા નથી. ઘરના ઓરડાઓમાં બારીઓ કે નિયમિત બારણાં પણ નથી. પ્રવેશદ્વાર પર માત્ર પાતળા પડદા લગાવવામાં આવ્યા છે.
ઘરમાં ચૂલો સળગાવવા માટે પરિવાર મુખ્યત્વે કાગળ અને બળતણ તરીકે ઉપલબ્ધ બીજી વસ્તુઓને બાળે છે. મોહમ્મદ સાદિક પોતે ભણી શક્યા નથી, પરંતુ તેમનાં બાળકો શાળાએ જાય એ માટે તેમણે બનતા બધા પ્રયત્નો કર્યા છે. જોકે, મર્યાદિત આવકને કારણે બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો તેમના માટે મુશ્કેલ છે.
મોહમ્મદ સાદિક કારના શોરૂમમાં કામ કરે છે. તેઓ કહે છે કે કાર વેચાય તો જ તેમને 1,000 અફઘાનીનું કમિશન મળે છે.
જોકે, આટલા મોટા પરિવારની જરૂરિયાતો તેમની સંયુક્ત આવક કરતાં ઘણી વધારે છે. આથી મોહમ્મદ સાદિક સરકાર, સહાયકારી સંસ્થાઓ અને ધનવાન લોકોને મદદ માટે અપીલ કરે છે, જેથી તેઓ પોતાનાં સંતાનોની પાયાની જરૂરિયાતોને પૂરી કરી શકે.
પોતાની આકાંક્ષાઓ વિશે વાત કરતાં મોહમ્મદ સાદિક કહે છે કે જીવનમાં તેમની માત્ર બે મહત્ત્વાકાંક્ષા છે:
“મારી પહેલી ઇચ્છા છે કે મારાં બાળકો શિક્ષણ મેળવે, ધાર્મિક તેમજ શિક્ષણ મળે. અને બીજી ઇચ્છા એ છે કે તેમણે ક્યારેય ભૂખ્યા પેટે સૂવું ન પડે અને તેમનું પેટ ભરેલું રહે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
શૉર્ટ વીડિયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
-

સ્પેનમાં પૂરમાં ફસાયેલા લોકોનું હેલિકૉપ્ટરથી રૅસ્ક્યૂ કરાયું
-

સુરત : 55 ફૂટના રાવણના પૂતળાને બનાવવા કેટલો ખર્ચ થયો?
-

Gujaratમાં ગાય, ભેંસ અને બકરીના ગળે બાંધવામાં આવતી ઘંટડીનો અવાજ કેમ અલગ-અલગ આવે છે?
-

શું ઑક્ટોબરના અંતમાં ગુજરાતમાં વરસાદ પડશે?
-

આ પંજાબી યુવક ગરબા ટ્રેનર કેવી રીતે બન્યો ?
-

‘Chalray Chalray Wal’ વાઇરલ ગીતનો વિવાદ શું છે?
-

‘હું ગાંધીજીના વિચારોને અનુસરું છું’ – ધ્રુવ રાઠી
-

આંગળી પર પાટા બાંધી જ્ઞાનેશકુમાર સામે વિરોધપ્રદર્શન
-

અમદાવાદમાં અહીં નવરાત્રિ દરમિયાન આ પુરુષો સાડી કેમ પહેરે છે?
-

મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફ ઉપર ફાયરિંગ, શું બહાર આવ્યું?
શૉર્ટ વીડિયોનો અંત
SOURCE : BBC NEWS














