Home તાજા સમાચાર gujrati ભારતના વિદેશી હૂંડિયામણનો ભંડાર સતત ઓછો કેવી રીતે થઈ રહ્યો છે, જાણો...

ભારતના વિદેશી હૂંડિયામણનો ભંડાર સતત ઓછો કેવી રીતે થઈ રહ્યો છે, જાણો કારણ

1
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમેરિકા, અમેરિકન ડૉલર, અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

12મી જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું સીધું વિદેશી હૂંડિયામણ ભંડોળ (ફૉરેન ઍક્સચેન્જ રિઝર્વ) 9.985 અબજ ડૉલર ગગડીને 671.625 અબજ ડૉલરે પહોંચ્યું હતું. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ સોનાના ભંડોળમાં થયેલો તીવ્ર ઘટાડો હતો.

આરબીઆઈએ શુક્રવારે આ માહિતી પૂરી પાડી હતી.

ગત સપ્તાહની શરૂઆતમાં કુલ વિદેશી હૂંડિયામણનું ભંડોળ 711 મિલિયન ડૉલર ઘટી જઈને 681.610 અબજ ડૉલરના સ્તરે પહોંચ્યું હતું.

કુલ ભંડોળમાં જેનો સૌથી મોટો હિસ્સો છે, તે ફૉરેન કરન્સી ઍસેટ્સ (એફસીએ – વિદેશી ચલણ અસ્કયામતો) 12મી જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 846 મિલિયન ડૉલર વધીને 544.290 અબજ ડૉલર થઈ હતી.

જોકે, સોનાનો જથ્થો 10.754 અબજ ડૉલર ઘટીને 103.821 અબજ ડૉલર નોંધાયો હતો.

આરબીઆઈના મત અનુસાર, સ્પેશ્યલ ડ્રૉઇંગ રાઇટ્સ (આરડીઆઇ) 66 મિલિયન ડૉલર ઘટીને 18.699 અબજ ડૉલર થયા છે.

આ ઉપરાંત, આઇએમએફ પાસે રહેલી ભારતની અનામત સ્થિતિ (રિઝર્વ પોઝિશન) પણ 11 મિલિયન ડૉલર ઓછી થઈને 4.815 અબજ ડૉલર થઈ છે.

વિદેશી હૂંડિયામણના ભંડાર પરનું દબાણ હળવું કરવા માટે ગયા મહિને મોદી સરકારે સોના અને ચાંદીની આયાતો પરની ડ્યૂટી વધારી દીધી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તે પછી એવી ચેતવણી આપી હતી કે, મધ્ય પૂર્વની કટોકટી ભારતના વિદેશી હૂંડિયામણના સંગ્રહ પર દબાણ ઊભું કરી રહી છે.

ભારતનો વિદેશી હૂંડિયામણનો સંગ્રહ કેટલો મોટો હોવો જોઈએ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમેરિકા, અમેરિકન ડૉલર, અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી છ ટકાથી વધારીને 15 ટકા કરી દીધી હતી તેમજ પ્લેટિનમ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 6.4 ટકાથી વધારીને 15.4 ટકા કરી દીધી હતી.

આ પગલાં પાછળનો આશય વિદેશી હૂંડિયામણને બચાવવાનો તેમજ ખાસ કરીને વૈશ્વિક ઊર્જા બજારો તથા આંતરરાષ્ટ્રીય જળ માર્ગો અત્યારે જ્યારે અત્યંત અનિશ્ચિત સ્થિતિનો સામનો કરી રહ્યા છે, તેવા સમયે ક્રૂડ ઑઇલ, ખાતર અને મહત્ત્વની ટેકનૉલૉજી જેવી અગત્યની આયાતને પ્રાથમિકતા આપવાનો છે.

ક્રૂડ ઑઇલના મહત્ત્વના આયાતકર્તા હોવાને કારણે ભારતને ઑઇલ અને ગૅસની કિંમતોને કારણે મોટો ફટકો પડી રહ્યો છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર માઇકલ દેવવ્રત પાત્રાએ કહ્યું હતું કે, ભારતે મજબૂત સ્થાન ઊભું કરવા માટે તેનું વિદેશી હૂંડિયામણ ભંડોળ વધારીને ઓછામાં ઓછું એક ટ્રિલિયન ડૉલર સુધી લઈ જવાની જરૂર છે.

વર્તમાન સમયમાં ભારત 690 અબજ ડૉલરનું વિદેશી હૂંડિયામણ ભંડોળ ધરાવે છે, જેનો અર્થ એ કે, ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ હાલમાં એક ટ્રિલિયન ડૉલરના સ્તરે પહોંચવાથી 310 અબજ ડૉલર જેટલું દૂર છે.

ભારતની પાંચ મોટી આયાતો કઈ છે?

ભારત તેના વિદેશી હૂંડિયામણના સંગ્રહનો ત્રીજો ભાગ સોનાની આયાત પાછળ ખર્ચ કરે છે.

આ વર્ષે 16મી માર્ચના રોજ ‘બેસિસ પૉઇન્ટ’ના એક લેખમાં પાત્રાએ કહ્યું હતું, “વિદેશી હૂંડિયામણના જથ્થાનું સ્તર બજારની સંવેદનશીલતાની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. એક ટ્રિલિયન ડૉલરનો લક્ષ્યાંક બે મહત્ત્વનાં સુરક્ષા કવચ પર આધારિત છે.”

“તે પૈકી એક વર્ષમાં ચૂકવવાનું રહેતું તમામ વિદેશી દેવું આવરી લેવા માટે લગભગ 350 અબજ ડૉલરની જરૂર છે.”

“જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સંભવિત મોટાપાયે વેચવાલીના સામે રક્ષણ મેળવવા માટે બાકીના 650 અબજ ડૉલરની જરૂર છે.”

પાત્રાએ આગળ લખ્યું હતું, “આ પાછળનું કારણ એ છે કે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) વ્યાપક સ્તરે વેચવાલી કરી શકે છે અને આ પ્રક્રિયા કેટલાંક વર્ષો સુધી ચાલુ રહી શકે છે.”

“ભારત પહેલાં પણ 2022-23 પછી આ પડકારનો સામનો કરી ચૂક્યું છે.”

“પ્રારંભના અંદાજો સૂચવે છે કે, આવા રક્ષણ પેટે અંદાજે 600 અબજ ડૉલરથી 650 અબજ ડૉલર જેટલા ભંડોળની જરૂર પડી શકે છે.”

“તે આધારે, ભારતે ઓછામાં ઓછું એક ટ્રિલિયન ડૉલર વિદેશી હૂંડિયામણનું ભંડોળ એકઠું કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ.”

“તેના કરતાં ઓછું નહીં, કારણ કે, તેમાં એવા મૂલ્યાંકનની પણ જરૂર પડે છે કે, મુશ્કેલ સ્થિતિમાં દરમિયાનગીરી કરવા માટે તેમાંથી કેટલી રકમ લિક્વિડ સ્વરૂપે ઉપલબ્ધ હશે.”

વિદેશી હૂંડિયામણના ભંડોળની તાકાત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમેરિકા, અમેરિકન ડૉલર, અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ભારત, ચીન કે જાપાન જેવા દેશો ચીજવસ્તુઓની નિકાસ કરીને વિદેશી હૂંડિયામણ રળે છે અને તે પછી તેમનો વિદેશી હૂંડિયામણનો ભંડાર વધારે છે.

અમેરિકન ડૉલર સમગ્ર વિશ્વમાં સ્વીકૃત હોવાથી અમેરિકાએ અન્ય દેશોની માફક આ રીતે વિદેશી હૂંડિયામણનું વિશાળ ભંડોળ ઊભું કરવાની જરૂર રહેતી નથી.

વિદેશી ચલણ ધરાવવાને બદલે અમેરિકા તેના મુખ્ય વ્યૂહાત્મક રક્ષા કવચ તરીકે વિશ્વમાં સોનાનો સૌથી મોટો અનામત જથ્થો જાળવી રાખે છે.

અમેરિકાનું ઋણ તેના પોતાના ચલણ ડૉલરમાં જ વસૂલવામાં આવે છે, આથી પરંપરાગત રીતે તે ક્યારેય નાદાર થઈ શકે નહીં, પરંતુ વિદેશી ઋણ ચૂકવવા માટે ડૉલરના સંગ્રહની જરૂર ધરાવનારા દેશો સામે નાદારીની આવી સમસ્યા ઉદ્ભવી શકે છે.

જ્યારે અન્ય દેશો ઍક્સચેન્જ રેટની વધ-ઘટ સામે રક્ષણ મેળવવા માટે તેમના વિદેશી હૂંડિયામણના ભંડાર પર નજર રાખે છે, ત્યારે બીજી તરફ અમેરિકન ડૉલર સ્વયં એક સ્ટાન્ડર્ડ ચલણ છે, જેની સામે તે ભંડારનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

દેશની આર્થિક શક્તિનો એક માપદંડ તેની કેન્દ્રીય બૅન્ક પાસે રહેલા વિદેશી હૂંડિયામણના ભંડારનો જથ્થો હોય છે.

વિશ્વભરના વિદેશી હૂંડિયામણના ભંડારમાં અમેરિકન ડૉલર, ઈયુનું ચલણ યૂરો તથા ચાઇનીઝ ચલણ યુઆનનો સમાવેશ થાય છે.

વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય વેપાર ઉપરોક્ત ચલણોમાં હાથ ધરાય છે.

તેનો અર્થ એ કે, જ્યારે ભારત ખાડીના દેશોમાંથી ઑઇલની ખરીદી કરે છે, ત્યારે તેણે તેના પોતાના ચલણ એવા રૂપિયામાં નહીં, બલ્કે ડૉલરમાં ચૂકવણી કરવાની રહે છે.

ઘણા દેશો યૂરો અને યુઆન પણ સ્વીકારે છે.

વિદેશી હૂંડિયામણનું ભંડોળ કેવી રીતે મજબૂત બને છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમેરિકા, અમેરિકન ડૉલર, અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

તો, સવાલ એ ઉદ્ભવે છે કે, આ વિદેશી હૂંડિયામણનો ભંડાર ક્યાંથી આવે છે?

જ્યારે ભારત ચીજવસ્તુઓ ખરીદે છે, ત્યારે તે ડૉલરમાં ચૂકવણી કરે છે અને જ્યારે તે વેચાણ કરે છે, ત્યારે પણ ફક્ત ડૉલર જ લે છે.

તેનો અર્થ એ કે, જો તમે વધુ વેચાણ કરશો, તો વધુ ડૉલર મેળવશો અને જો તમે વધુ ખરીદી કરશો, તો તમારે વધુ ડૉલર ખર્ચવા પડશે.

આ સ્થિતિમાં જો કોઈ દેશ વધુ નિકાસ કરે છે, તો તેનું વિદેશી હૂંડિયામણનું ભંડોળ સમૃદ્ધ રહેશે અને જો તે આયાત વધારે પ્રમાણમાં કરશે, તો તેના વિદેશી હૂંડિયામણના ભંડાર ઉપર દબાણ ઊભું થશે.

2025-26ના નાણાંકીય વર્ષમાં ભારતની વેપાર ખાધ 333.2 અબજ ડૉલર નોંધાઈ હતી.

તેનો અર્થ એ કે, ભારતે જેટલી નિકાસ કરી, તેના કરતાં આયાત વધુ કરી હતી.

ભારત તેની ઑઇલની 90 ટકા આવશ્યકતા આયાત થકી સંતોષે છે, જેના કારણે તે ડૉલરનો ખર્ચ કરતો સૌથી મોટો દેશ છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ડેટા પ્રમાણે, જાન્યુઆરી માસમાં નિકાસ અને આયાત વચ્ચેનું અંતર વધીને 34.68 અબજ ડૉલર થઈ ગયું હતું, તેના એક મહિના પહેલાં તે 25.05 અબજ ડૉલર હતું.

જાન્યુઆરીમાં આયાત વાર્ષિક સ્તર પર 19.2 ટકા વધીને 71.24 અબજ ડૉલર નોંધાઈ હતી, તેની સામે નિકાસ ફક્ત 0.6 ટકા વધીને 36.56 અબજ ડૉલર થઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS