Home તાજા સમાચાર gujrati લાલ કિલ્લા પર જ્યારે અલ્લાહનો કોપ ઊતર્યો અને બાદશાહની આંખમાં ગરમ સળિયા...

લાલ કિલ્લા પર જ્યારે અલ્લાહનો કોપ ઊતર્યો અને બાદશાહની આંખમાં ગરમ સળિયા પરોવી દેવાયા

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, લાલ કિલ્લો, દિલ્હી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

લાલ કિલ્લો હકીકતમાં આવો નહોતો; અને તેનું નામ પણ આ નહોતું.

પાંચમા મુગલ સમ્રાટ શાહજહાં કાશ્મીરથી દખ્ખણ સુધી અને ઉત્તર-પશ્ચિમ સીમાંત પ્રાંતોથી લઈને બંગાળ સુધી વિશાળ ક્ષેત્રોના શાસક હતા. તેમણે 10 વર્ષ સત્તામાં રહ્યા પછી 1638માં પોતાની રાજધાનીને આગરાથી દિલ્હીમાં સ્થળાંતરિત કરવાનો નિર્ણય કર્યો.

દિલ્હી શાસનનું કેન્દ્ર બન્યું એટલે તેને શાનદાર ઇમારતો સાથે બનાવવું પડ્યું. લાહોરના એક વાસ્તુકાર ઉસ્તાદ અહમદ લાહૌરીએ તાજમહલના નિર્માણમાં પોતાની આવડત બતાવી હતી, તેથી તેમને દિલ્હીમાં શાહી નિર્માણોની ડિઝાઇન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ઉસ્તાદ હમીદ તેમના સાથી હતા. યમુના નદીના કિનારે કિલ્લાનાં આ બાંધકામને કિલા મુબારક નામ આપવામાં આવ્યું.

શાહજહાંને લાલ અને સફેદ રંગ પ્રિય હતા. શાહજહાંના દાદા અકબર દ્વારા ફતેહપુર સીકરીમાં તેમની રાજધાની માટે લાલ બલુઆ પથ્થર પસંદ કરવામાં આવ્યા હતા અને આગરામાં મુગલ કિલ્લાના મહેલના નિર્માણમાં ઉપયોગ કરાયો હતો. જોકે, તાજમહલ સંગેમરમર (આરસપહાણ)થી બનાવવામાં આવતો હતો.

કિલ્લાની ઊંચી દીવાલો, જે ત્રણ સદીઓ સુધી દિલ્હીમાં શાહી પરિવારનું સત્તાવાર નિવાસ હતી તે પણ લાલ પથ્થરથી બની હતી, પરંતુ શાહી મહેલો માટે આરસનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો હતો.

દીવાલોના એક જ રંગના કારણે અંગ્રેજોએ તેને રેડ ફૉર્ટ કહ્યો હતો, તેથી સ્થાનિક લોકો તેનો અનુવાદ કરીને લાલ કિલા કહેવા લાગ્યા. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ અનુસાર, ઇમારતના કેટલાક ભાગ ચૂના પથ્થરથી બનેલા હતા. જ્યારે સફેદ પથ્થર પડવા લાગ્યા ત્યારે અંગ્રેજોએ ઇમારતને લાલ રંગથી રંગી નાખી.

ઇનાયત ખાનના પુસ્તક ‘શાહજહાંનામા’ અનુસાર, કિલ્લાનું નિર્માણકાર્ય શુક્રવાર 9 મુહર્રમ (13 મે 1638)એ શરૂ થયું હતું. તેને પૂરું કરવામાં 9 વર્ષ 2 મહિના અને થોડાક દિવસ લાગ્યા અને 60 લાખ રૂપિયા ખર્ચ થયો.

લાલ કિલ્લાનું નિર્માણકાર્ય કોણે કરાવ્યું હતું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, લાલ કિલ્લો, દિલ્હી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

નાસિર નઝીર ફિરાક દહેલવી શાહજહાંનાબાદ (હવે પુરાની દિલ્હી)ના નિર્માણની પ્રક્રિયા વિશે લખે છે:

લાલ કિલ્લો અને તેની અંદરની ઇમારતો, જામા મસ્જિદ અને નવા શહેરના નકશા તૈયાર કરવામાં આવ્યાં હતાં. સમ્રાટ પોતે માનચિત્રોમાં સુધારા કરતા હતા. મીર-એ-ઇમારતે (મુખ્ય એન્જિનિયર) પ્રત્યેક ઘર અને મહેલના ખર્ચનું અનુમાન કર્યું અને આરસ, લાલ પથ્થર, કાળો પથ્થર અને હજારો મસાલા તથા સામાન દેશ-વિદેશમાંથી આવવા લાગ્યા.

મુખ્ય ઇજનેરે ઠેકેદારને ઈંટનું માપ આપ્યું અને કહ્યું, ‘આવી ઈંટો તૈયાર કરો, પરંતુ ઈંટને કાચી ન રાખતા. લાખ જેવી લાલ રાખજો. આ શાહી કાર્ય છે, સાવચેતીપૂર્વક કરજો.’ ઠેકેદારે કહ્યું કે, ઍડ્વાન્સ પૈસા આપો. મુખ્ય ઇજનેરે એક લાખ રૂપિયાનો પત્ર લખ્યો.

તેમણે કહ્યું કે, કોષાગારમાંથી પૈસા લઈ લેવાયા અને કૉન્ટ્રેક્ટર કામે લાગી ગયા. થોડા સમય પછી ઠેકેદાર મુખ્ય એન્જિનિયર પાસે આવ્યા અને કહ્યું, હું બરબાદ થઈ ગયો છું. ભઠ્ઠીઓમાં આગ વધુ થઈ ગઈ અને ઈંટો બળી ગઈ.

મુખ્ય ઇજનેરે કલમ ઉપાડીને બાદશાહને એક અરજી લખી કે લાલ કિલ્લા અને નદીના કિનારે બનનારી શાહી ઇમારતોના પાયા પથ્થરોના બદલે ઈંટોનાં રોડાંથી ભરવામાં આવે. કેમ કે રોડાં પાણીને ખૂબ સારી રીતે શોષી લે છે અને પાયો મજબૂત પણ રહે છે. મજબૂત પાયો ઉપરની ઇમારતની મજબૂતી માટેની એક શરત છે. હું રોડાંનો નમૂનો જોવા માટે મોકલું છું. આનો ખર્ચ બે ગણો થશે. મંજૂરી આપવી જોઈએ.

તેમણે કહ્યું, જવાબ આવ્યો કે રોડાં બનાવવાં યોગ્ય છે. બે ગણો ખર્ચ મંજૂરીને પાત્ર છે. મુખ્ય ઇજનેરે કહ્યું, ઠેકેદાર! પહેલાં રોડાં માટે એક લાખ રૂપિયા લો અને હવે એક લાખને બદલે બે લાખ લઈ લો અને રોડાં પકવતા રહો. મુખ્ય ઇજનેરની આ કૃપા અને બાદશાહ તરફનો આશ્રય જોઈને કૉન્ટ્રેક્ટર ખુશ થઈ ગયા અને પૂરા દિલથી કામ કરવા લાગ્યા.

જ્યારે લાલ કિલ્લાનો નવો પાયો નાખવામાં આવ્યો ત્યારે લોખંડની મોટી દેગો અને તાંબાની નાંદોમાં ચરબી ઉકાળવામાં આવી અને તેમાં ઈંટો નાખવામાં આવી અને જ્યારે ઈંટોએ મોટા પ્રમાણમાં વસા (ચરબી) શોષી લીધી ત્યારે તેને બહાર કાઢીને ઠંડી કરવામાં આવી અને પ્લાસ્ટરની સાથે પાયામાં નાખવામાં આવી. મિશ્રણમાં સફેદી, નારનૌલ પથ્થરો, માશ કા આટા (દાળોનો લોટ), મૃત પથ્થર, ગોળ, અળસીનું તેલ અને લોટ ઉમેરવામાં આવ્યા, ત્યાર બાદ બીલગીરી (બિલા)નું પાણી ફિલ્ટર કરવામાં આવ્યું. આ એક હલકી કક્ષાનો મસાલો હતો અને ઉચ્ચ કક્ષાના મસાલાનું વર્ણન જરૂરી છે.

તેમણે કહ્યું, દીવાલ પર જે સફેદીની મહોર લાગી હતી તે ગુજરાતના અમદાવાદમાં એક પહાડી ખાણમાંથી આવી હતી. એ સફેદીની ખાસિયત એવી હતી કે જ્યારે તેને ઓગળી દેવામાં આવતી હતી ત્યારે તે કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ વગર દર્પણ જેવી ચમક આવી જતી હતી અને તેમાં આંખોનો ગ્રે રંગ દેખાતો હતો. તેને 200 વર્ષ સુધી પાણી પાવામાં આવ્યું.

તેમણે કહ્યું, લાલ કિલ્લો અને તેના અંદરનાં મકાનોને મહેલના વિશાળ દરવાજાના ભાગ તરીકે બનાવવામાં આવતાં હતાં. તખ્ત-એ-તાઉસ (મયૂર સિંહાસન) માટે રત્નો કોતરવામાં આવી રહ્યાં હતાં. જંગલમાં મંગલ હતું. હજારો મજૂર, કડિયા, કારીગરો તંબુઓમાં, ઝૂંપડીઓમાં પડ્યા હતા. દૂર-દૂરના પહાડોમાંથી ગાડાં પર લાદેલા પથ્થરો આવતા હતા. એક ગાડામાં પચાસ-પચાસ સો-સો બળદ જોતરવામાં આવતા હતા. શિલ્પકારની છીણી અને ટાંકણાની ધડાધડથી બીજા કોઈ અવાજ સંભળાતા નહોતા. દર સો ડગલે ખજાનાનો એક તંબુ હતો. એક હિન્દુ ખજાનચી અને ત્રણ કારકુન. દસ સૈનિકો રૂપિયાની સુરક્ષા માટે હાજર રહેતા હતા.

રૂપિયા, અઠ્ઠનિયાં, ચોનિયાં, દુનિયા, પૈસા અને કોરી રાખવામાં આવ્યા. કામ દૈનિક મજૂરીથી વધારે અને કૉન્ટ્રેક્ટ પર ઓછું થતું હતું. દરરોજ સાંજે 4 વાગ્યે ગરીબોને તેમના બાકી નીકળતા પૈસા મળી જતા હતા.

લાલ કિલ્લાના લાહૌરી દરવાજાથી લઈને શહેરના નકલી લાહોરી દરવાજા સુધી એક બજાર બનાવવામાં આવ્યું હતું, જ્યાં જવ, ઘઉં, જુવાર અને બાજરીના લોટથી લઈને કાબુલ અને કાશ્મીરની વિવિધ પ્રકારની વસ્તુઓ, કાપડ, શાકભાજી અને ફળો સુધી બધું જ ઉપલબ્ધ હતું, જેથી વિદેશી કારીગરો, જેઓ પોતાનું વતન છોડીને વિદેશી બન્યા હતા તેમને તકલીફ ન પડે અને તેઓને તેમના વતનનો સામાન અને ખોરાક સુલભ થઈ રહે.

શહેરનો નકશો બનાવવામાં આવ્યો અને તેને ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. શાહજહાંએ આ ભાગોને તેના વંશજોમાં વહેંચી દીધા હતા અને કહ્યું હતું કે તેનો ખર્ચ ખજાનામાંથી ઉઠાવવામાં આવશે. તમારા પોતપોતાના ભાગોમાં સુંદર ઘરો અને મહેલો બંધાવી લો, જેથી નવું શહેર સારી સારી ઇમારતોથી સુંદર બનીને વસ્તીનું સ્વરૂપ ધારણ કરી શકે.

આ પ્રમાણે, ઔરંગઝેબની વ્યવસ્થા હેઠળ દખ્ખણ ભાગને સુંદર બનાવવાનું શરૂ થયું. દારા શિકોહે કાશ્મીરી દરવાજાને એક ભવ્ય મહેલ અને મહેલના વિશાળ દરવાજારૂપે શણગાર્યો. ચાંદનીચોકના ભાગને જહાં આરા બેગમની ગુલામ, જે નાટોઆન ઉપનામથી જાણીતી હતી, દ્વારા બાગ-બગીચા અને સ્નાનગૃહોથી ઈર્ષા થાય એવું સ્વર્ગ બનાવી દેવાયો હતો. નટોં કા કોચા (ગલી) આ નાટોઆનનું સ્મારક છે.

લાલ કિલ્લો ક્યારે બન્યો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, લાલ કિલ્લો, દિલ્હી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે કહ્યું, જામા મસ્જિદનું નિર્માણકાર્ય નવાબ સાદુલ્લાહ ખાન વજીરને સોંપવામાં આવ્યું હતું અને તેના પાયા ભરવામાં આવ્યા હતા. જામા મસ્જિદનો નકશો જે એન્જિનિયર પાસે હતો, તે અચાનક નકશા સાથે ગાયબ થઈ ગયો અને મસ્જિદનું બાંધકામ અધૂરું રહી ગયું. ત્રણ વર્ષ પછી તે અચાનક શાહી દરબારમાં હાજર થયો. ઉમરાવે કહ્યું, ‘આ કેવું દુર્ભાગ્યપૂર્ણ કૃત્ય હતું?’

તેમણે હાથની અદબ વાળીને કહ્યું, જામા મસ્જિદનું બાંધકામ ખૂબ જ અઘરું હશે. આટલી ઊંચી ઇમારતને નવા પાયા પર લઈ જવી જોખમભર્યું હતું. વરસાદનું પાણી નવા પાયામાં ઘૂસી ગયું હોત અને તેની દીવાલો નીચે સરકી ગઈ હોત અને થાંભલા, કમાનો અને બારસાખો વાંકાં વળી ગયાં હોત. સરકારના લાખો રૂપિયા પાણીમાં ડૂબી ગયા હોત અને મારી પ્રતિષ્ઠાની સાથોસાથ મારો જીવ પણ ગુમાવ્યો હોત. નેક ઇરાદા અને સમજદારીથી કામ કરીને આ નમ્ર સેવક સંતાઈ ગયો હતો. ત્રણ ચોમાસાંનો સામનો કર્યા પછી પાયો હવે લોખંડ જેવો મજબૂત બની ગયો છે. તેના પર હવે જે કોઈ પણ ઇમારત બનશે, સદીઓ સુધી ટકી રહેશે. બાદશાહને આ સેવકને માફ કરવાનો કે સજા કરવાનો અધિકાર છે.

બાદશાહે તેની ભૂલને માફ કરી દીધી અને ખલત (લાંબો ઝભ્ભો)થી સન્માનિત કર્યા અને જામા મસ્જિદનું નિર્માણ થવા લાગ્યું.

આખરે, જામા મસ્જિદ, લાલ કિલ્લો અને શહેર બની ગયાં.

ઇનાયતખાં લખે છે કે જ્યોતિષીઓની સલાહ પ્રમાણે 24 રબીઉલ અવ્વલ (18 એપ્રિલ 1648)ને શહેનશાહના નવા કિલ્લામાં જવાના શુભ દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યો.

ડૉ. બનારસી પ્રસાદ શર્મા અનુસાર, 8 એપ્રિલ 1648એ શહેનશાહની તુલાદાન (સોના-ઝવેરાતથી વજન કરવું)ની ચંદ્ર તિથિ હતી અને આને ધ્યાનમાં રાખીને નવા મહેલનો ઉદ્ઘાટન સમારંભ પણ યોજવામાં આવ્યો.

રાણા સફવી જણાવે છે કે, સમારંભ એક ઉદાહરણ સાબિત થયો. મહેમાનો માટે સોના, ચાંદી અને રત્નોથી સજાવેલા તંબુ તૈયાર કરવામાં આવ્યા, જેમાં જરીવાળા પરદા, પશ્મીના, રેશમ અને કમખાબ (થોડું સોનું હોય તેવા) પરદા લગાડવામાં આવ્યા. ઈરાનથી ખાસ પ્રકારની જાજમ પણ મગાવવામાં આવી. શાહજહાં માટે તખ્ત તાઉસ (મયૂર સિંહાસન) બનાવવામાં આવ્યું, જેને દીવાન-એ-ખાસમાં જગ્યા મળી.

ફિરાક દહેલવીએ તેનું વર્ણન કંઈક આ રીતે કર્યું છે : “બાદશાહે દીવાન-એ-ખાસમાં તખ્ત તાઉસ પર બિરાજીને મહતાબીનો ઉત્સવ ઊજવ્યો અને એક આદેશ બહાર પાડ્યો. જેનો સાર એ હતો કે શાહજહાંનાબાદમાં શાકભાજી વેચનાર, માંસ વેચનાર, ફળ વેચનાર, કાપડ વેચનાર, કંસારા, ગાંધી, ત્રાંબાનાં વાસણ વેચનાર, મોચી, માટીનાં માટલાં, ટોપલીઓ, જગ વેચનાર, ઉપલા-ઈંધણ વેચનાર, સોના-ચાંદીના દાગીના બનાવનાર, સોના-ચાંદીના દાગીના વેચનાર, કંદોઈ, પરચૂરણ વસ્તુઓના ફેરિયા સૌ પોતપોતાનો સામાન લઈને ગલીએ-ગલીએ, શેરીએ-શેરીએ, મહોલ્લે-મહોલ્લે ફરે અને પોતપોતાની જણસના નામની બૂમો પાડે, જેથી ઘેરબેઠા જરૂરિયાતમંદોની જરૂરિયાતો પૂરી થઈ જાય. સિપાહીઓ લોકોની સાથે રહે અને શહેરમાં પેટ્રોલિંગ કરે જેથી ગ્રાહક અને વેચાણકારો આ પ્રકારના વ્યવહારોથી ટેવાય અને વેચાણકર્તાઓને લાભ થાય અને ખરીદનારે બજારમાં જવું ન પડે, અને દરેક પ્રકારની વસ્તુ ઘરના આંગણે જ લઈ લે.

મુહમ્મદ મુજીબની સાથે શહેરમાંથી લાલ કિલ્લા તરફ જઈએ. તેમનું કહેવું છે: લાલ કિલ્લાને જોઈને બિલકુલ વિશ્વાસ નથી થતો કે આ કિલ્લો છે. તેમાં કશુંયે ભયાનક અને ભદ્દું નથી. ઊંચી દીવાલો અને ખાઈ ખરેખર સંરક્ષણ કરી શકતી હતી, પરંતુ કિલ્લાનો દરવાજો જુઓ તો લાગે છે જાણે વફાદાર પ્રજાને નિમંત્રી રહ્યો હોય – આવો અને તમારા બાદશાહની સામે અદબ-આદાબનું પાલન કરો.

લોકો દરવાજામાં પ્રવેશીને ઓસરીમાં થઈને નોબતખાના તરફ જતા હતા. ત્યાં દિવસ કે રાતનો સમય જણાવવા માટે નોબત (નગારું) બગાડવામાં આવતી હતી. જો દરબાર-એ-આમ થઈ રહ્યો હોય તો તેમને સૈનિકોની હરોળની વચ્ચેથી પસાર થઈને દીવાન-એ-આમમાં લાવવામાં આવતા હતા.

પરિવારો જે બાદશાહને જોયા વિના નાસ્તો નહોતા કરતા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, લાલ કિલ્લો, દિલ્હી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

દીવાન-એ-આમ વિશાળ છે. તેમાં ઘણા બધા થાંભલા છે અને તેની છત સુંદર પહોળી મેહરાબો (કમાનો) પર ટકેલી છે, જેમાં અદ્ભુત જોડાણ છે. દીવાન-એ-આમમાં શહેનશાહ બાલ્કની (શાહનશીન)માં બેસતા હતા, જેમાં જવાનો રસ્તો મહેલની પાછળની બાજુથી હતો.

શાહનશીનની નીચે વજીર એટલી ઊંચી બેઠક પર ઊભા રહેતા કે પોતાનો હાથ લંબાવીને શહેનશાહ પાસેથી દસ્તાવેજો લઈ-આપી શકે. શાહનશીન નીચે, બંને બાજુ, પોતપોતાના હોદ્દા અનુસાર ઉમરાવો હાથની અદબ વાળીને ઊભા રહેતા હતા. દરબાર પૂરો થાય ત્યાં સુધી તેઓ શાંતિથી અને કોઈ પણ હરકત કર્યા વગર ઊભા રહેતા હતા.

આ, દિવસનો બીજો દરબાર હતો. પહેલો અથવા અનૌપચારિક દરબારસ જેને દીદાર (દર્શન) કહેતા હતા, તે સૂર્યોદય સમયે ભરાતો હતો. શહેનશાહ મહેલની પાછળની બાજુએ એક બાલ્કનીમાં જોવા મળતા હતા, જ્યાં નદી વહેતી હતી. જે કોઈ તેમને જોવા ઇચ્છતા હતા તે ત્યાં જઈને જોઈ શકતા હતા. દિલ્હીના કેટલાક પરિવાર એવા હતા જેઓ શહેનશાહને જોયા વિના નાસ્તો નહોતા કરતા.

જો કોઈને ફરિયાદ હોય કે વિનંતી કરવા માગતા હોય, તો તેઓ પણ તે સમયે હાજર રહી શકતા હતા અને સીધા પોતાના કાગળો રજૂ કરી શકતા હતા. જો શહેનશાહ કોઈ દિવસ દર્શન ન આપે, તો તે ખૂબ જ ડરામણું હતું, લોકો સામાન્ય રીતે ડરતા, શહેનશાહનાં સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે દુઆઓ માગતા હતા.

દરબાર-એ-આમ પછી, સામાન્ય રીતે બીજો જલસો થતો હતો. તે સૌથી મહત્ત્વપૂર્ણ હતો અને શહેનશાહની તાજગી પછી શાહી સ્નાનગૃહમાં યોજાતો હતો. શાહી સ્નાનગૃહની અંદર નહેર વહેતી હતી, નાના-નાના ફુવારા ફૂટતા હતા, જેમાંથી સુગંધિત પાણીનો ફુવારો થતો રહેતો હતો.

મહેલનો એ ભાગ જેનો ભવ્ય વૈભવ જોનારાને મંત્રમુગ્ધ કરી દેતો હતો તે દીવાન-એ-ખાસ હતો. ત્યાં સાંજના જલસા (મેળાવડા) થતા હતા, મીણબત્તીઓ પ્રગટાવવામાં આવતી હતી અને શહેનશાહ અને દરબારીઓ તેમના સંપૂર્ણ દરબારી પોશાકમાં હાજર રહેતા હતા. આ કક્ષ આરસપહાણથી બનેલો છે. તેની છતમાં સુંદર કોતરણી કરવામાં આવી છે અને તેમાં લખેલું છે: અગર ફિરદૌસ બર રૂ-એ-જમીં અસ્ત, હમીં અસ્ત-ઓ-હમીં અસ્ત-ઓ-હમીં અસ્ત. અર્થાત્, જો પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે, તો તે અહીં છે. આ હૉલમાં, મયૂર સિંહાસન રાખવામાં આવ્યું હતું, જે ઝવેરીઓની કારીગરીનો એક અદ્ભુત નમૂનો હતું. રાજનાં કામકાજ પૂરાં કર્યાં પછી શાહજહાં ખાસ મહેલમાં જતા રહેતા.

કિલ્લો શાહી નિવાસસ્થાન અને સરકારી મુખ્યાલય બંને તરીકે કામમાં આવતો હતો. તેમાં લગભગ 3,000 લોકો રહેતા હતા. આ કિલ્લો પર્શિયન, તૈમુરી અને હિંદુસ્તાની તત્ત્વોનું મિશ્રણ છે અને ઇસ્લામિક શૈલી પર આધારિત છે. દીવાલો બે કિલોમીટરથી વધુ ફેલાયેલી છે. તેમની ઊંચાઈ નદી તરફ 16 મીટરથી શહેરની બાજુ 36 મીટર સુધી છે.

ડૉ. બનારસી પ્રસાદ શર્મા લખે છે, બાહ્ય દેખાવ સંકેત આપતા હતા કે એક નવા યુગનો ઉદય થયો છે, પરંતુ હકીકત એ છે કે દિલ્હી ક્યારેય કોઈ સલ્તનતને ફળ્યું નહોતું. અંધશ્રદ્ધાળુઓના મતે, રાજધાનીનું સ્થળાંતર મુગલ સલ્તનતના પતનનું પ્રથમ પગલું હતું. આ કિલ્લામાં શાહજહાંને ઓછું રહેવા મળ્યું હતું.

સન 1739માં પર્શિયન યોદ્ધા નાદિરશાહ કોહિનૂર હીરા સમેત શહેરની મોટા ભાગની સંપત્તિ અને કીમતી ઝવેરાતથી શણગારેલું મયૂર સિંહાસન લઈ ગયા. પછીના સમયમાં, કિલ્લાને રુહેલા અફઘાનો, મરાઠાઓ, જાટો અને અંતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના કબજમાં લઈ લીધો હતો. મરાઠાઓએ અહમદશાહ દુર્રાનીની સેના પાસેથી દિલ્હીના સંરક્ષણ માટે ભંડોળ એકત્ર કરવા માટે દીવાન-એ-ખાસની ચાંદીની છત ઉતારીને પીગળાવી દીધી. જાટોએ મુગલોનું ગૌરવ કહેવાતા સિંહાસન અને લાલ કિલ્લાના દરવાજા સંભારણા તરીકે છીનવી લીધાં.

શાહિદ અહમદ દહેલવીની વાત તેની પુષ્ટિ કરે છે. તેઓ લખે છે: આમ તો ઔરંગઝેબ પછી મુગલ સામ્રાજ્યમાં પતનના સંકેતો પહેલાંથી જ દેખાઈ ચૂક્યાં હતાં, પરંતુ તેમના પછી એવી અરાજકતા ફેલાઈ ગઈ કે બાદશાહ ફક્ત નામના બાદશાહ જ રહી ગયા. મુહમ્મદશાહ રંગીલે ‘પ્રિય’ કહેવાયા.

લાલ કિલ્લાને બ્રિટિશ સૈનિકોએ કેમ લૂટ્યો હતો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, લાલ કિલ્લો, દિલ્હી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Hulton Archive

ભાટોએ બાદશાહને ખાતરી કરાવી દીધી હતી કે માણસ તીર-તલવારથી પણ મરી શકે છે અને તાન-તલવારથી પણ. તેથી, ગાયકોની સેના પણ તૈયાર કરી લેવામાં આવી હતી. આ રંગરેલીઓમાં તલવારો લોહીનો સ્વાદ ભૂલી ગઈ અને મ્યાનોમાં પડી પડી સૂઈ ગઈ.

નાદિરશાહે આ તકને ગનીમત સમજી અને ગુસ્સામાં આંધી બનીને દિલ્હી તરફ દોડ્યા. એવું કહેવામાં આવ્યું કે નાદિરશાહ દિલ્હીની નજીક પહોંચી ગયા છે. ગાયકોની સેનાને લડવા માટે મોકલવામાં આવી.

નાદિરશાહના જંગલી સૈનિકોની બગલમાં મોટા મોટા તંબૂરા જોઈને પહેલાં તો ડરી ગયા, ખુદા જાણે આ કેવા પ્રકારનું હથિયાર છે!, પરંતુ જ્યારે જાસૂસોએ ખુલાસો કર્યો કે તે શસ્ત્ર નહીં, એક સાજ (વાદ્ય) છે, ત્યારે તેઓએ આંખના પલકારામાં મુહમ્મદ શાહી ફોજને ખીરા-કાકડીની જેમ કાપી નાખી. નાદિરશાહ ઉતાવળે દિલ્હી પાછા ફર્યા.

નાદિરશાહ લૂંટનો ભાર લઈને ચાલ્યા ગયા, અને શાહજહાંનું તખ્ત તાઉસે પણ પોતાની સાથે લઈ ગયા. રુહેલાએ શાહ આલમ બીજાની આંખો કાઢી નાખી. તેના દરબારીઓએ તેમને ખાતરી આપી કે બાદશાહ બેઠા-બેઠા એક ક્ષણમાં અદૃશ્ય થઈ જાય છે. તેઓ જ્યારે ઇચ્છે ત્યારે દિલ્હીથી મક્કા મદીના પહોંચી જાય છે. બાદશાહ સલામત પણ સમજવા લાગ્યા કે સાચે જ આ ચમત્કાર મારામાં સમાઈ ગયો છે. પીર શિષ્યો બનાવવા લાગ્યા અને શિષ્યોના પગાર નક્કી થવા લાગ્યા. શાસન તબાહ અને ખજાના ઉજ્જડ થઈ ગયા. કહેવત પ્રખ્યાત થઈ કે ‘દિલ્હીથી પાલમ સુધી શાહ આલમનું રાજ્ય.’ એટલે કે, ફક્ત થોડા માઈલની બાદશાહી બાકી બચી હતી.

જાટોના હુમલાને કારણે અકબરશાહ બીજા એટલા લાચાર થઈ ગયા કે અંગ્રેજોનું સાલિયાણું મેળવતા થઈ ગયા. 62 વર્ષની ઉંમરે જ્યારે બહાદુરશાહ ગાદી પર બેઠા, ત્યારે મુગલોનું ગૌરવ ઓછું થઈ રહ્યું હતું. બહાદુરશાહ કહેવા પૂરતા બાદશાહ હતા, પરંતુ તેઓ સંપૂર્ણ લાચાર હતા. તેઓ બ્રિટિશ સરકારના આશ્રિત હતા. તેમને દર મહિને એક લાખ રૂપિયા એ શરતે આપવામાં આવતા હતા કે તેમના પછી દિલ્હીની શાહીનો અંત આવશે અને દિલ્હી પણ બ્રિટિશ શાસન હેઠળ આવશે. લાલ કિલ્લાની બહાર બાદશાહના હુકમ લાગુ પડતા નહોતા.

સૈયદ ઝમીર હસનનું કહેવું છે કે ઔરંગઝેબના ઉત્તરાધિકારીઓમાંથી એક પણ શાસનનાં સૂત્રો સંભાળવા માટે લાયક નહોતું. એક દિવસ મુહમ્મદ શાહ રંગીલે પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ કરી રહ્યા હતા. ઝરૂખાઓમાંથી જમુના વહેતી દેખાતી હતી, પરંતુ હવે તેનો પ્રવાહ ઘટી ગયો હતો અને પાણી કિલ્લાની દીવાલોથી દૂર ખસી ગયું હતું. બાદશાહે પૂછ્યું, આખરે આ જમુના કિલ્લાથી દૂર કેમ ખસી રહી છે? અલ્લાહના કોઈ બંદાએ કહ્યું કે, હુજૂર, કિલ્લામાં પાપ વધી ગયાં છે, તેથી જ પાણી દૂર ખસી રહ્યું છે. બાદશાહે હસીને જવાબ આપ્યો, સારું, તો હવે આપણે જમુનાની પેલી બાજુ જઈને પાપ કરીશું, જેથી જમુના ફરીથી કિલ્લા પાસે આવી જાય.

શાહી જમાનામાં દિલ્હી નજીક રુહેલાઓની એક વસાહત હતી. ત્યાં ગુલામ કાદિર નામનો એક કિશોર રહેતો હતો. તે શાહ આલમ બીજાનું શાસન હતું. આ કિશોર પર જ્યારે બાદશાહની નજર પડી ત્યારે તેઓ મોહિત થઈ ગયા. તેની નસ કપાવી નાખીને (તેને નપુંસક બનાવી દઈને) તેને પોતાના પ્રેમી તરીકે રાખી લીધો. ખુદાએ કંઈક એવું કર્યું કે એક દિવસ તે ત્યાંથી ભાગી ગયો અને પછી થોડા દિવસો પછી દિલ્હી પર અલ્લાહનો કોપ ઊતર્યો. તેણે શાહ આલમની આંખોમાં ગરમ સળિયા પરોવ્યા, તેમને આંધળા કરીને પોતાનું મન શાંત કર્યું અને તેમને નિર્વસ્ત્ર કરીને પોતાની સામે નાચવા માટે મજબૂર કર્યા.

ફિરાક દહેલવીનું કહેવું છે કે મુગલ સામ્રાજ્ય સંકોચાતું-સંકોચાતું લાલ કિલ્લાની ચાર દીવાલોની અંદર જ રહી ગયું.

મુઘલ સામ્રાજ્યની સીમાઓ ક્યારે સંકોચાઈ ગઈ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, લાલ કિલ્લો, દિલ્હી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, ENGUIN BOOKS

ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ હિંદુસ્તાન પર વિજય મેળવી લીધા પછી, 1837માં બહાદુરશાહ ઝફરના રાજ્યાભિષેક સમય સુધીમાં, મુગલ સામ્રાજ્ય તેની રાજધાની દિલ્હીની સીમાઓ સુધી સંકોચાઈ ગયું હતું.

શાહિદ દહેલવી અનુસાર, જ્યારે 1857માં વિદ્રોહ થયો, જે વાસ્તવમાં અંગ્રેજો સામે લડાયેલો પહેલો સ્વતંત્રતા સંગ્રામ હતો, ત્યારે ચારેબાજુથી દેશી સૈનિકો એકઠા થઈને દિલ્હી આવવા લાગ્યા અને બળજબરીથી બુઢ્ઢા બાદશાહને પોતાના શાસક બનાવીને અંગ્રેજો સામે લડવા લાગ્યા, પરંતુ અંદર તો સડો પેસી ગયો હતો.

જ્યારે અંગ્રેજોની સેનાએ દિલ્હી પર આક્રમણ કર્યું અને શહેર બચવાની કોઈ આશા ન રહી, ત્યારે બાદશાહ લાલ કિલ્લો છોડીને હુમાયુંના મકબરા પાસે જતા રહ્યા. દિલ્હીને અંગ્રેજોએ જીતી લીધું. પ્રજા તબાહ થઈ ગઈ. દિલ્હીનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો. બાદશાહને લાલ કિલ્લામાં કેદ કરી લેવામાં આવ્યા. એક પછી એક, શહજાદાને ગોળીના નિશાન બનાવવામાં આવ્યા. તેમના મૃતદેહો ખૂની દરવાજા પર લટકાવવામાં આવ્યા. બાદશાહની પુત્રીઓ દિલ્હીની ઉજ્જડ ગલીઓમાં ભટકતી રહી. કોઈ તેમને આશ્રય આપવા તૈયાર નહોતું.

ચાંદની ચોકના બજારમાં ફાંસીનો માચડો બનાવવામાં આવ્યો હતો અને અંગ્રેજો કહી દે કે આ ફાંસીને લાયક છે, તો તેને ફાંસી આપી દેવામાં આવતી હતી. દરરોજ સેંકડો માણસોને ફાંસીએ લટકાવી દેવાતા હતા. ગોળીઓથી ઉડાવી દેવાતા અને તલવારથી કાપી નાખવામાં આવતા હતા. આ રક્તપાતથી સર્વત્ર હાહાકાર ફેલાયો હતો.

બાદશાહ પર લાલ કિલ્લામાં કેસ ચલાવવામાં આવ્યો અને તેમને કેદ કરીને રંગૂન મોકલી દેવામાં આવ્યા. ચાર વર્ષની કેદમાં રહ્યા પછી, છેલ્લા મુગલ સમ્રાટનું પરદેશમાં અવસાન થયું. લાલ હવેલીની કોખ બળીને ખાખ થઈ ગઈ.

લાલ કિલ્લાને બ્રિટિશ સૈનિકોએ લૂંટી લીધો. સારા નેલ્સને લખ્યું છે: લાલ કિલ્લામાં રહેલાં મોટા ભાગનાં ઝવેરાત અને કલાકૃતિઓ નાદિરશાહના આક્રમણ દરમિયાન અને પછી 1857ના ભારતીય વિદ્રોહ પછી લૂંટાઈ ગયાં હતાં. આખરે તેને ખાનગી સંગ્રાહકોને અથવા બ્રિટિશ મ્યૂઝિયમ, બ્રિટિશ લાઇબ્રેરી અને વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યૂઝિયમને વેચી દેવામાં આવ્યાં. ઉદાહરણ તરીકે, શાહજહાંનો જેડ વાઇન કપ અને બહાદુરશાહ દ્વિતીયનો તાજ હાલમાં લંડનમાં છે. તેને પરત કરવા માટેની અત્યાર સુધીની વિવિધ વિનંતીઓને બ્રિટિશ સરકાર દ્વારા નકારી કાઢવામાં આવી છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, લાલ કિલ્લો, દિલ્હી, ઇતિહાસ

લશ્કરી બૅરેક્સ માટે રસ્તા બનાવવા માટે તેનાં ઘણાં આંતરિક ઍપાર્ટમેન્ટ્સ તોડી પાડવામાં આવ્યાં હતાં. બ્રિટિશ કબજા દરમિયાન, મહેલની અંદરનાં લગભગ બે તૃતીયાંશ બાંધકામ અદૃશ્ય થઈ ગયાં.

મુહમ્મદ મુજીબ લખે છે: તેને લશ્કરી છાવણીમાં રૂપાંતરિત કરવો જરૂરી માનવામાં આવ્યું હતું. ઇમારતો તોડી પાડવામાં આવી, બાગ-બગીચા નષ્ટ કરી દેવામાં આવ્યા, જેથી તે સ્થળ વાસ્તવિક લશ્કરી છાવણી લાગે.

શક્ય હતું કે આખું માળખું તોડી પાડવામાં આવ્યું હોત, પરંતુ રાણા સફવી લખે છે કે લૉર્ડ કૅનિંગે એવું ન કરવાનો આદેશ આપ્યો. આમ, લાહોરી દરવાજો, છત્તા બાજાર, નક્કાર ખાના, દીવાન-એ-આમ અને દીવાન-એ-ખાસ તથા રંગમહેલ સહિત ચાર-પાંચ મહેલો અંગ્રેજોના વિનાશથી બચી ગયા. લાલ કિલ્લામાં એક શાહ બુર્જ પણ છે, જ્યાંથી નહેર-એ-બેહશત નીકળે છે અને તે નહેર હમામ (સ્નાનાગાર) સુધી જાય છે. સ્નાનાગાર બંધ છે.

વર્ષ 1911માં રાજા જ્યૉર્જ પંચમ અને રાણીની દિલ્હી દરબારની મુલાકાતની તૈયારીમાં કેટલીક ઇમારતોને પુનઃસ્થાપિત કરવામાં આવી. આ વર્ષની શરૂઆતમાં, ભારતની એક અદાલતે લાલ કિલ્લાની માલિકી માટેની એક મહિલાની અરજીને ‘સમયનો બગાડ’ ગણાવીને ફગાવી દીધી હતી.

મુગલ વંશના વારસદાર હોવાનો દાવો કરતાં એક નિરાધાર મહિલા સુલતાના બેગમ કોલકાતાની એક ઝૂંપડપટ્ટીમાં બે રૂમના એક નાના કાચા મકાનમાં રહે છે. તેમની થોડી સંપત્તિમાં ભારતના છેલ્લા મુગલ શાસક બહાદુરશાહ ઝફરના પ્રપૌત્ર કહેવાતા મિર્ઝા મુહમ્મદ બિદર બખ્ત સાથેની તેમની શાદીનો રેકૉર્ડ પણ સામેલ છે. વર્ષ 1980માં મૃત્યુ પામેલા મિર્ઝા જ્યોતિષી તરીકે ખૂબ ઓછી કમાણી કરતા હતા અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવામાં અસમર્થ હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS