Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Yogesh Patel/FB
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ
વડોદરાની માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલનું આજે નિધન થયું છે. તેઓ આઠ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા.
વડોદરાથી બીબીસી સહયોગી હાર્દિકના જણાવ્યા અનુસાર, બે દિવસ અગાઉ તેમને હાર્ટ ઍટેક આવ્યો હતો અને તેઓ ત્યારથી હૉસ્પિટલમાં દાખલ હતા.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.
ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, “માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું. રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્યજનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.”
યોગેશ પટેલની ઉંમર 79 વર્ષની હતી અને તેઓ વડોદરા ભાજપના અતિ અનુભવી નેતાઓ પૈકીના એક નેતા હતા.
તેમને કોઈ ‘નૉ રિપીટ થિયરી’ લાગુ ન પડી
ઇમેજ સ્રોત, Yogesh Patel/FB
2022ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે તમામ ઉમેદવારો જાહેર કરી દીધા હતા, પરંતુ માંજલપુર બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નહોતા.
તેનું કારણ હતું યોગેશ પટેલ, કે જેમની ઉંમર એ સમયે 76 વર્ષની હતી. ભાજપે 75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનો નિયમ બનાવેલો હતો. તેમ છતાં યોગેશ પટેલને સતત આઠમી વાર ટિકિટ આપવામાં આવી હતી.
વર્ષ 2012માં નવા સીમાંકન બાદ વડોદરાની ત્રણ બેઠકોનું વિભાજન થઈને પાંચ બેઠકો થઈ હતી. તે સમયે માંજલપુર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક અસ્તિત્વમાં આવી તે પહેલાં તેનો મોટાભાગનો વિસ્તાર રાવપુરા બેઠકમાં આવતો હતો.
2012 સુધીમાં સતત પાંચ વખત ભાજપમાંથી રાવપુરા બેઠક પરથી ચૂંટણી જીતીને આવેલાં યોગેશ પટેલને માંજલપુર બેઠક પરથી ઊભા રાખવામાં આવ્યા અને તેઓ 51,785 મતોની લીડથી જીત્યા પણ ખરા. ત્યાર બાદ 2017માં તેમની લીડ વધીને 56,362 થઈ.
2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે એક લાખ કરતાં વધુના માર્જિનથી જીત મળી હતી અને અંદાજે 75 ટકા કરતાં વધુ મત મળ્યા હતા.
સરકારમાં રહીને સરકાર સામે પણ પડ્યા
ઇમેજ સ્રોત, Hardik
વડોદરાના વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખે અગાઉ બીબીસી ગુજરાતીને તેમના વિશે માહિતી આપી હતી. તેમનું માનવું છે કે યોગેશ પટેલ એ ગુજરાતના રાજકારણમાં અપવાદરૂપ કિસ્સાઓમાં ગણાય.
તેઓ કહે છે, “ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદથી તેઓ સતત તેમના મતવિસ્તાર અને લોકો અને વડોદરા શહેરને નામના મળે તે માટે સતત કામ કરતા આવ્યા છે. તેમણે સૂરસાગર તળાવની વચ્ચે શિવજીની પ્રતિમા બનાવડાવી હતી. શહેરની ફરતે આવેલા નવનાથ મહાદેવના મંદિરો પૈકી જાગનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જેના કારણે વડોદરામાં નવું નજરાણું ઊભું થયું અને તેઓ લોકોમાં વધુ પ્રચલિત થયા.”
વર્ષ 2018માં તેમણે મંત્રીઓ ધારાસભ્યોને મળતા ન હોવાથી પ્રજાનાં કામો અટકી પડ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત તે જ વર્ષે તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીની હાજરીમાં તેમણે અધિકારીઓને કૉંગ્રેસના ઇશારે કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
કોરોનાકાળ દરમિયાન ખાનગી હૉસ્પિટલો દ્વારા 1880 કરોડ ખંખેરવામાં આવ્યા હોવાની અને ડૉક્ટરો મનફાવે તેવા પૈસા વસૂલતા હોવાની ફરિયાદ તેમણે રાજ્ય સરકાર સુધી કરી હતી.
જેને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
વિશ્વજીત પારેખના મત પ્રમાણે, યોગેશ પટેલ આ પ્રકારની કામગીરીના કારણે જ લોકોમાં પ્રચલિત હતા, આથી તેમને જે-તે સમયે અવગણી શકાયા નહોતા.
દૂધના આંદોલનમાં દાઝ્યા અને પ્રખ્યાત થઈ ગયા
ઇમેજ સ્રોત, Yogesh Patel/FB
યોગેશ પટેલ વર્ષ 1990માં પ્રથમ વખત જનતા દળમાંથી રાવપુરા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને કૉંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ઠાકોર સામે 20,388 મતોથી જીત્યા હતા.
તે સમયે ભાજપના ઉમેદવાર મધુભાઈ શાહ 16,546 મતો સાથે ત્રીજા નંબરે હતા. જોકે, વર્ષ 1995ની ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ત્યારથી સતત સાત ટર્મ સુધી તેઓ ભાજપમાંથી જીતતા આવ્યા છે.
યોગેશ પટેલ સાત પૈકી શરૂઆતની પાંચ ટર્મ (1990-2007) રાવપુરા બેઠક પરથી લડ્યા હતા. જોકે, 2012માં માંજલપુર બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદથી તેઓ છેલ્લી બે ટર્મ ત્યાંથી લડતા આવ્યા છે.
જોકે, તેમની રાજકીય કારકિર્દી વિદ્યાર્થીકાળથી શરૂ થઈ હતી. જોકે, 1978માં યોગેશ પટેલની આગેવાનીમાં દૂધના ભાવવધારાને લઈને વડોદરામાં થયેલાં એક આંદોલનના કારણે તેઓ રાજ્યભરમાં પ્રચલિત થયા હતા.
એ આંદોલનને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર અજય દવે જણાવે છે, “એ આંદોલનમાં વડોદરામાં 200 દૂધના પાર્લર સળગાવવામાં આવ્યા હતા. રાવપુરામાં જ્યુબીલીબાગ પાસે એક દૂધની ડેરી સળગાવતી વખતે યોગેશ પટેલ ગંભીર રીતે દાઝી ગયા હતા. જોકે, તે સમયે તેમને જીવનદાન મળ્યું હતું અને બચી ગયા હતા.”
અન્ય એક આંદોલન વિશે અજય દવે જણાવે છે, “સ્કૂલો દ્વારા એડમિશન માટે ડોનેશન વસૂલવામાં આવતું હતું. આ ડોનેશનને લઈને યોગેશ પટેલે ‘હિતરક્ષક સમિતિ’ અંતર્ગત આંદોલન કર્યું હતું. જે સફળ રહ્યું હતું અને શાળા સંચાલકોએ મની ઑર્ડર મારફતે ડોનેશનના પૈસા પાછા આપવા પડ્યા હતા.”
આ આંદોલનો બાદ યોગેશ પટેલ મુખ્યધારાની રાજનીતિ તરફ એક ડગલું આગળ વધ્યા હતા. બાદમાં ત્રણ વખત કૉર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા. જોકે, ત્રણેય વખત હાર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું, ‘યોગેશભાઈ, તૈયાર છો ને?’
ઇમેજ સ્રોત, Yogesh Patel/FB
યોગેશ પટેલ જાહેર કાર્યક્રમોમાં હંમેશાં સફેદ ઝભ્ભો અને તેના પર સાવલીવાળા મહારાજે આપેલી એક કાળી કોટી પહેરીને જોવા મળતા હતા.
2022ની ચૂંટણીમાં જ્યારે તેમના નામની આઠમી વાર જાહેરાત થઈ ત્યારે તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મને સારી રીતે જાણે છે. PM મોદી છેલ્લે જ્યારે વડોદરા આવ્યા ત્યારે કહ્યું પણ હતું કે ‘યોગેશભાઈ, તૈયાર છો ને?'”
આ સિવાય યોગેશ પટેલને ભાજપ નેતા અને લોકસભાનાં સંસદ સભ્ય મેનકા ગાંધી ભાઈ ગણતા હતા અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે મેનકા ગાંધી યોગેશ પટેલ માટે રાખડી પણ મોકલતાં હતાં.
નોંધ: યોગેશ પટેલ વિશેનો મૂળ લેખ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમાં જરૂરી ફેરફાર સાથે તેને આજે ફરી પ્રકાશિત કરવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







