Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ
30 મે, 2026… જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ
વર્લ્ડ મિટીયોરોલોજીકલ ઑર્ગેનાઇઝેશનના અહેવાલમાં કરવામાં આવેલી આગાહી અનુસાર, વિશ્વનું તાપમાન વર્તમાન દરે સતત ઊંચું જઈ શકે છે અને આવતાં પાંચ વર્ષોમાં તે વિક્રમી ઊંચાઈ પર પહોંચી શકે છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, 2026-2030 વચ્ચેના ગાળામાં તાપમાન 1.3 ડિગ્રી સેલ્સિયસથી 1.6 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.
ઓન રેકોર્ડ અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષ તરીકેનો 2024નો વિક્રમ આગામી પાંચ વર્ષોમાં તૂટી જવાની સંભાવના છે. બુધવારે જારી કરવામાં આવેલા અહેવાલમાં યુનાઇટેડ નેશન્સ મિટીયોરોલોજીકલ એજન્સી અને બ્રિટિશ મિટીયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે, આર્કટિકમાં શિયાળાનું તાપમાન વધવાનું પ્રમાણ વૈશ્વિક સરેરાશ કરતાં ત્રણ ગણું ઊંચું હોઈ શકે છે.
ઈતિહાસમાં જરા પાછળ જઈને જોઈએ તો…
11 ડિસેમ્બર, 1997… ક્યોટો પ્રોટોકોલ
યુરોપિયન યુનિયને 37 વિકસિત દેશો સાથે મળીને કાર્બન ઉત્સર્જન 1990ના દાયકાના સ્તરથી પાંચ ટકા સુધી ઘટાડવાનો સંકલ્પ કર્યો છે.
12 ડિસેમ્બર, 2015… પેરિસ સંધિ
આ સમજૂતીનો આશય વૈશ્વિક તાપમાન વૃદ્ધિને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવાનો અને તેને ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વેના સ્તરથી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાના પ્રયાસો કરવાનો છે.
એટલું જ નહીં, તાજેતરનો અહેવાલ એમ પણ કહે છે કે પર્યાવરણીય રક્ષણ માટે યોજવામાં આવેલાં અગાઉનાં સંમેલનો તેમના લક્ષ્યાંકો હાંસલ કરવામાં ઊણાં ઊતર્યાં છે.
વર્લ્ડ મિટીયોરોલોજીકલ ઑર્ગેનાઇઝેશન માટે અહેવાલ તૈયાર કરનારા હર્મેનસને કહ્યું હતું, “2026ના ઉત્તરાર્ધમાં અલ નીનો સર્જાવાની શક્યતા છે. તેના કારણે 2027માં તાપમાન ઊંચું જઈ શકે છે.”
અહેવાલમાં શું ચેતવણીઓ આપી છે?
ઇમેજ સ્રોત, Getty Images
અહેવાલમાં શું ચેતવણીઓ આપવામાં આવી છે?
- 2026-2030 વચ્ચે સરેરાશ વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધશે.
- અત્યાર સુધીના નોંધાયેલા સૌથી ગરમ વર્ષ તરીકેનો 2024નો વિક્રમ આગામી પાંચ વર્ષમાં ગમે ત્યારે તૂટી જવાની 86 ટકા શક્યતા છે.
- ઉપરાંત, આવનારાં પાંચ વર્ષોમાં કોઈપણ સમયે તાપમાન 1.5 ડિગ્રીની સીમાને પાર કરી જવાની સંભાવના 91 ટકા રહેલી છે.
યુનાઇટેડ નેશન્સે અંદાજ આંક્યો છે કે, જો વૈશ્વિક સપાટીનું તાપમાન 1.5 ડિગ્રી સુધી વધશે, તો મૃત્યુ, કુદરતી હોનારતો અને પ્રજાતિઓ લુપ્ત થવાનું મોટું જોખમ તોળાશે. 1.5 ડિગ્રી તાપમાન ભલે ઘણું નીચું લાગતું હોય, પણ પરવાળાં અને ગ્લેશિયર્સ જેવી અમુક ઇકૉસિસ્ટમ્સ તાપમાનમાં થતા વધારા સામે ઝીંક ઝીલી શકતી નથી.
વર્લ્ડ મિટીયોરોલોજીકલ ઑર્ગેનાઇઝેશનના ડેપ્યુટી સેક્રેટરી-જનરલ કો બેરેટે જણાવ્યું હતું, “આપણે પહેલાં જ ઓન રેકોર્ડ સૌથી ગરમ દસ વર્ષ જોઈ ચૂક્યાં છીએ. વર્લ્ડ મિટીયોરોલોજીકલ ઑર્ગેનાઇઝેશનનો અહેવાલ જણાવે છે કે આવતાં પાંચ વર્ષોમાં સ્થિતિ હજુ વધુ ગંભીર થશે. આપણાં અર્થતંત્રો, રોજિંદા જીવન, પારિસ્થિતિક તંત્ર અને પૃથ્વી પર તેની નકારાત્મક અસરો પડતી રહેશે.”
વધતા તાપમાનને કારણે તીવ્ર હીટ વેવ, અતિવૃષ્ટિ અને ભીષણ દુકાળ પડશે; ગ્લેશિયરો પીગળશે અને દરિયાની સપાટી વધશે.
ઇમેજ સ્રોત, Getty Images
જો તાપમાન વધશે, તો ગ્લેશિયરો ઓગળશે અને દરિયાની સપાટી વધશે
લંડનની ઇમ્પિરિયલ કૉલેજના ક્લાઇમેટ વિજ્ઞાની ફ્રેડરિક ઓટ્ટોએ કહ્યું હતું, “એક વર્ષ કે તેથી વધુ સમય સુધી તાપમાન 1.5 ડિગ્રી કરતાં વધુ ઊંચું જવાને કારણે ઘણાં મોત નીપજશે. ખાદ્ય ચીજોની કિંમતોમાં ઉછાળો આવશે અને જંગલો બળીને ખાખ થઈ જશે.”
અહેવાલ પ્રમાણે, ટૂંક સમયમાં જ એક શક્તિશાળી અલ નીનો સર્જાશે, જે વિશ્વભરની આબોહવા પલટી નાખશે અને મધ્ય પેસિફિકના અમુક વિસ્તારોમાં કુદરતી ગરમીને લીધે વૈશ્વિક તાપમાનમાં તીવ્ર વધારો થશે. પૂર્વીય પેસિફિક મહાસાગરમાં દરિયાઈ સપાટીનું તાપમાન વધે ત્યારે અલ નીનો સર્જાય છે. તે સામાન્યપણે 9થી 12 મહિના સુધી ચાલે છે.
જુદા-જુદા દેશોનાં 13 અલગ-અલગ ક્લાઇમેટ મૉડલ્સનો ઉપયોગ કરીને અંદાજે 200 કમ્પ્યુટર રેકૉર્ડ્સની સરેરાશના આધારે આ આગાહી કરવામાં આવી હતી.
સીબ્રૂકે જણાવ્યું હતું કે, બાકીના વિશ્વની તુલનામાં આર્કટિકનું તાપમાન 3.5 ગણું ઝડપથી વધી રહ્યું છે, કારણ કે ત્યાં સૌર કિરણોત્સર્ગને અવકાશમાં પરાવર્તિત કરવા માટે ઓછો બરફ બચ્યો છે. “તાપમાન વધવા સાથે સમુદ્રનો બરફ વધુ ઓગળશે અને પરિસ્થિતિ વધુ વણસશે,” એમ તેમણે કહ્યું હતું.
વિશ્વભરમાં વરસાદની પેટર્ન બદલાશે
ઇમેજ સ્રોત, Getty Images
આર્કટિક પ્રદેશ વિક્રમી ગતિએ ગરમ થઈ રહ્યો છે. અહેવાલમાં જણાવ્યું હતું કે, આર્કટિકમાં શિયાળાનું તાપમાન આગામી પાંચ વર્ષોમાં સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધુ ગરમ હશે. માર્ચ, 2026થી 2035 સુધી આર્કટિક સમુદ્રના બરફ માટેની આગાહી અનુસાર, બેરેન્ટ્સ સમુદ્ર તથા બેરિંગ સમુદ્રમાં બરફની ઘનતા હજુ વધુ ઘટશે.
વરસાદ અને હિમવર્ષાની પેટર્ન પણ બદલાઈ જશે. અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે અમુક પ્રદેશોમાં ભારે વરસાદ પડશે, જ્યારે અન્ય વિસ્તારોમાં ગરમ અને સૂકી સ્થિતિ પ્રવર્તશે.
અહેવાલમાં પ્રગટ થયું હતું કે, મે-સપ્ટેમ્બર, 2026-2030 વચ્ચેના ગાળામાં આફ્રિકાના સાહેલ પ્રદેશ, ઉત્તરીય યુરોપ, અલાસ્કા અને સાઇબેરિયામાં પુષ્કળ વરસાદ પડશે, જ્યારે ઍમઝોનનો પ્રદેશ સૂકો રહેવાની શક્યતા છે. વર્લ્ડ મિટીયોરોલોજીકલ ઑર્ગેનાઇઝેશને આગાહી કરી છે કે ઍમઝોનનાં વર્ષાજંગલોની ગરમ અને શુષ્ક સ્થિતિ વનમાં વ્યાપક સ્તર પર આગનું કારણ બની શકે છે. અહેવાલ મુજબ, ઍમઝોન પ્રદેશમાં ઊંચું જઈ રહેલું તાપમાન માત્ર સ્થાનિક પ્રજાતિઓ માટે જ નહીં, બલ્કે સમગ્ર ગ્રહ માટે વિનાશક બની રહેશે.
યુનાઇટેડ નેશન્સની મિટીયોરોલોજીકલ ઍન્ડ ક્લાઇમેટ એજન્સીએ કહ્યું હતું કે, રૅકોર્ડ પર નોંધાયેલાં સૌથી વધુ ગરમી ધરાવનારાં તમામ 11 વર્ષો 2015 પછી શરૂ થયાં છે અને આ પ્રવાહ ચાલુ રહેવાની શક્યતા છે, જેમાં 2031 પહેલાં વધુ એક સૌથી ગરમ વર્ષ આવવાની સંભાવના જણાઈ રહી છે.
સીબ્રૂકે કહ્યું હતું કે, “લોકો પાણી માટે ઍમઝોન પર નભે છે અને ગરમ તેમજ શુષ્ક સ્થિતિ વનમાં આગનું જોખમ વધારે છે. હાલમાં વાતાવરણમાંથી ઉષ્મા અવરોધક કાર્બન ડાયોક્સાઇડ શોષી લેતાં આ જંગલો સમસ્યાને વધુ વણસાવી દેનારો પ્રદેશ બની જાય તેવું જોખમ છે.”
યુએનની ક્લાઇમેટ એજન્સીના વડા સાઇમન સ્ટીલે કહ્યું હતું, “ગ્લોબલ વોર્મિંગને ઘટાડવાના પ્રયાસોમાં પ્રગતિ જરૂર થઈ છે, પણ તાજેતરનો અહેવાલ એ સ્પષ્ટ કરે છે કે આ પ્રગતિ પૂરતી નથી. યુરોપિયન યુનિયન અને ભારત સહિતના અન્ય પ્રદેશોમાં વધી રહેલું તાપમાન તેનું ઉદાહરણ છે.”
ઍમઝોનનાં જંગલો શા માટે આટલાં મહત્ત્વનાં છે?
ઇમેજ સ્રોત, Reuters
ઍમઝોનનાં વર્ષાવનોનો 60 ટકા હિસ્સો બ્રાઝિલમાં છે. આ જંગલો ભૂમધ્ય રેખાની નજીક આવેલાં છે. ત્યાં ઊંચાં, ગીચ અને લીલાંછમ વૃક્ષો આવેલાં છે. આ જંગલોમાં ભારે વરસાદ પડે છે અને ત્યાં ભેજનું પ્રમાણ ઊંચું છે.
ઍમઝોન એ નદી-તટ વિસ્તારો, તળાવો અને સવાના નામે ઓળખાતા ઘાસનાં મેદાનોનો બનેલો પ્રદેશ છે. તે દક્ષિણ અમેરિકાના 67 લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. તેનું કદ ભારતથી બમણા કરતાં પણ વધારે છે. ઍમઝોનનાં વર્ષાજંગલો પૃથ્વી પરના સૌથી વધુ જૈવિક વિવિધતા ધરાવતા પ્રદેશોમાં સ્થાન ધરાવે છે.
ઍમઝોન નદી વિશ્વની સૌથી લાંબી નદી છે. તે 1100 કરતાં વધુ ઉપ-નદીઓ ધરાવે છે. તે દુનિયાની સૌથી વિશાળ મીઠા પાણીની નદી છે. આ નદીનું પાણી ઍટલાન્ટિક મહાસાગરમાં જઈ ભળે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે આબોહવાની વ્યવસ્થા પર અસર ઉપજાવતા દરિયાઈ પ્રવાહોનું નિયમન કરવામાં તે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
અ વનો કાર્બન ડાયોક્સાઇડ શોષે છે, પણ અમુક વિસ્તારો હવે જેટલો કાર્બન ડાયોક્સાઇડ શોષે છે, તેનાથી વધુ તેનું ઉત્સર્જન કરે છે. પર્યાવરણીય સંગઠનો જણાવે છે કે 20 ટકા જંગલ નષ્ટ થઈ ચૂક્યું છે અને એટલા જ પ્રમાણના જંગલને નુકસાન પહોંચ્યું છે.
સામાન્યતઃ ભેજયુક્ત રહેતાં આ વર્ષાજંગલો હવે સૂકાં થઈ રહ્યાં છે અને ત્યાં આગ લાગવાની શક્યતા વધી ગઈ છે. ઉદાહરણ તરીકે, સપ્ટેમ્બર, 2024માં ત્યાં આગના 41,463 બનાવો બન્યા હતા. બ્રાઝિલિયન સ્પેસ એજન્સી (આઇએનપીઇ) જણાવે છે કે 2010 પછી તે મહિનામાં નોંધાયેલો આ સૌથી ઊંચો આંક હતો.
આ જંગલો હજુયે ઊંચી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ શોષે છે. વિજ્ઞાનીઓ કહે છે કે ઍમઝોનનો વિનાશ ક્લાઇમેટ કટોકટી સામેનો જંગ હારવા સમાન છે.
બ્રાઝિલના વનનિષ્ણાત ટેસો અઝેવેડોએ જણાવ્યું હતું, “ઍમઝોનનાં જંગલો તાપમાનનું નિયમન કરવાની અને પૃથ્વીને ઠંડી રાખવાની ક્ષમતા ધરાવે છે. આથી જ આપણે ઍમઝોનને મહાકાય ઍર કન્ડિશનર કહીએ છીએ, જે સમગ્ર વિશ્વને ઠંડક બક્ષે છે.”
સાયમન સ્ટીલના જણાવ્યા મુજબ, “દરેક દેશ વૈશ્વિક ક્લાઇમેટ કટોકટીની આકરી કિંમત ચૂકવી રહ્યો છે, ચાહે તે આકરી ગરમીના સ્વરૂપમાં હોય, શક્તિશાળી તોફાનો, પૂર, વનોમાં આગ લાગવાના સ્વરૂપમાં હોય કે પછી ખાદ્ય પુરવઠો અને ભાવને પ્રભાવિત કરતા દુકાળોના સ્વરૂપમાં હોય.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







