Home તાજા સમાચાર gujrati લાલ કિલ્લા પરથી પીએમ નરેન્દ્ર મોદીએ ‘માનસિક નક્સલીઓ’ વિશે શું કહ્યું? તેમના...

લાલ કિલ્લા પરથી પીએમ નરેન્દ્ર મોદીએ ‘માનસિક નક્સલીઓ’ વિશે શું કહ્યું? તેમના ભાષણની પાંચ મહત્ત્વની વાતો

3
0

Source : BBC NEWS

ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2026ના રોજ દેશને સંબોધન કર્યું

ઇમેજ સ્રોત, Narendra modi/youtube

પ્રકાશિત

વાંચવાનો સમય: 8 મિનિટ

ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ, 2026ના રોજ દેશને સંબોધન કર્યું. આ તેમનું સતત 13મું સંબોધન છે.

પોતાના ભાષણમાં તેમણે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં સરદાર પટેલ, શ્યામાપ્રસાદ મુખરજીની સાથે પંડિત નહેરનું નામ પણ લીધું હતું.

ભાષણના અંતમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ, ડૉ. ભીમરાવ આંબેડકર, પંડિત નહેરુ, સરદાર પટેલ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી, ભગવાન બિરસા મુંડા અને જ્યોતિબા ફુલેએ જે સપનું જોયું હતું, તે બધા પાસેથી પ્રેરણા લઈને આપણે આગળ વધીએ.

સંબોધન પહેલાં મોદીએ ત્રણેય સેનાઓ અને દિલ્હી પોલીસના જવાનોની બનેલી ગાર્ડ ઑફ ઑનરની સલામી લીધી હતી. ત્યાર બાદ તેમણે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. ધ્વજારોહણ દરમિયાન સ્વદેશી 105 એમએમ લાઇટ ફીલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી.

તે પહેલાં વડા પ્રધાન મોદીએ રાજઘાટ પહોંચી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

લાલ કિલ્લા પરથી આપેલા પોતાના ભાષણમાં વડા પ્રધાને છેલ્લાં 12 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવી અને 2047 સુધી ભારતમાં વિકસિત દેશ બનવાના લક્ષ્ય માટે પોતાની સરકારનું વિઝન રજૂ કર્યું.

આ પ્રસંગે પીએમ મોદીએ વંદે માતરમનો ઉલ્લેખ કરતાં કહ્યું, “સ્વતંત્રતા પછીનો આ એવો સમય છે જ્યારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ‘વંદે માતરમ’ની ગૂંજ સંભળાઈ છે. આજે આપણે સૌ 80મો સ્વતંત્રતા દિવસ ઊજવી રહ્યા છીએ. જ્યારે ભારતના લોકો ‘વંદે માતરમ’નાં 150 વર્ષ ઉજવી રહ્યા છે, ત્યારે આથી વધુ સારો પ્રસંગ બીજો શું હોઈ શકે?”

તેમણે પોતાના ભાષણમાં ભારતના મૅન્યુફૅક્ચરિંગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, સંરક્ષણ, રેલવે, કનેક્ટિવિટી, ફાર્મા ઉદ્યોગથી લઈને સ્ટાર્ટઅપ સુધીની ઉપલબ્ધિઓ ગણાવી.

સાથે જ તેમણે કોરોના કાળની કટોકટી અને તાજેતરનાં યુદ્ધો દરમિયાન ઊભા થયેલા ઊર્જા સંકટનો પણ ઉલ્લેખ કરતાં પોતાની સરકારની નીતિઓની પ્રશંસા કરી.

તેમણે વિધાનસભા અને લોકસભામાં 33 ટકા મહિલા અનામત લાગુ કરવા માટે તમામ રાજકીય પક્ષોને આહ્વાન કર્યું.

તેમણે ભારતને વિકસિત બનાવવા માટે ‘શક્તિની સપ્તધારા’નું વિઝન પણ રજૂ કર્યું.

ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2026ના રોજ દેશને સંબોધન કર્યું

નક્સલવાદનો અંત, પરંતુ માનસિક નક્સલવાદ પડકાર

વડા પ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લાં 12 વર્ષોમાં દેશના કરોડો નાગરિકોએ એક સંકલ્પ સાથે દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડવા માટે પ્રયાસ કર્યો છે

ઇમેજ સ્રોત, Narendra modi/youtube

નક્સલવાદ અને માઓવાદે લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું અને દરેક માતા-પિતાનાં સપનાં તોડી નાખ્યા.

નક્સલવાદે ચાર દાયકાઓ સુધી ભારતના વિશાળ વિસ્તારો અને મોટી વસ્તીને બંદૂકના જોરે દબાવી રાખી અને બંધારણનો ધજાગરો ઊડાવ્યો હતો. સાડા ત્રણ હજારથી વધુ આપણા પોલીસ અને સુરક્ષા દળોના જવાનો શહીદ થયા. યુદ્ધ દરમિયાન જેટલા લોકો મૃત્યુ પામે છે એટલી જ કુરબાની પોલીસ જવાનોએ પણ આપવી પડી.

આ નક્સલવાદે ધરતીને લોહીલુહાણ કરી દીધી હતી. 2014માં જ અમે દેશને નક્સલવાદથી મુક્ત કરવાના સંકલ્પ સાથે કામ શરૂ કર્યું હતું. આજે નક્સલ અને માઓવાદી હિંસા પોતાના છેલ્લા શ્વાસ ગણી રહી છે. જ્યાં ક્યારેક નક્સલવાદીઓની ગોળીઓ ચાલતી હતી, જ્યાં ધરતી લોહીથી રંગાઈ જતી હતી, ત્યાં હવે વિકાસ, વિશ્વાસ અને પ્રયાસનો તિરંગો લહેરાઈ રહ્યો છે.

પરંતુ આ પડકારને ઓછો આંકી શકાય નહીં. આપણે વધુ સાવચેત રહેવું પડશે. વર્ષો સુધી દેશની સત્તામાં માઓવાદી વિચારસરણીના લોકો સત્તાના ગલિયારાઓમાં સ્થાન બનાવીને બેઠા હતા. સરકારી સલાહકાર સમિતિઓમાં પણ આ વિચારસરણીનો નીતિઓ પર પ્રભાવ હતો.

જંગલોમાં હથિયારબંદ નક્સલવાદીઓનો અંત લાવવામાં અમને સફળતા મળી છે. હથિયારબંદ નક્સલવાદીઓ તો ગયા, પરંતુ આ માનસિક નક્સલવાદીઓ તકની શોધમાં છે. તેઓ હિંસા અને અરાજકતાના માર્ગ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમાજને ખોટા માર્ગે દોરવા માટે વિવિધ પ્રકારની યુક્તિઓ અજમાવી રહ્યા છે.

આ માનસિક નક્સલવાદીઓને ઓળખવા પડશે અને તેમને અલગ પાડવા પડશે.

ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2026ના રોજ દેશને સંબોધન કર્યું

સરકારની 12 વર્ષની ઉપલબ્ધિઓ

છેલ્લાં 12 વર્ષોમાં દેશના કરોડો નાગરિકોએ એક સંકલ્પ સાથે દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડવા માટે પ્રયાસ કર્યો છે.

તેનું પરિણામ એ છે કે ઓછા સમયમાં 25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી બહાર આવ્યા છે.

આ જ દેશવાસીઓના પ્રયાસના પરિણામે આજે આપણે એક મોટી અને ઝડપી ગતિએ વિકસતી અર્થવ્યવસ્થા બન્યા છીએ.

દેશ સ્વતંત્ર તો થયો, પરંતુ આપણે ગતિ પકડી શક્યા નહોતાં. 2014 સુધી આવતાં દુનિયાએ અમને ‘ફ્રેજાઇલ ફાઇવ’માં સામેલ કરી દીધા હતા. પરંતુ 12 વર્ષમાં ભારતે નવી ગતિ પકડી છે.

છેલ્લાં 12 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્ર ચાર ગણું, ખાદી ગ્રામોદ્યોગ પાંચ ગણો, મોબાઇલ ફોન ઉત્પાદન 33 ગણું વધ્યું છે. ડિજિટલ ઇનોવેશનમાં પણ ભારતે પોતાની ઓળખ બનાવી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન 100 ગણાં વધ્યાં છે અને પેટન્ટ મંજૂર થવાની સંખ્યા ચાર ગણાં વધી છે.

દર વર્ષે ગરીબો માટે શૌચાલય અને ઘરોના નિર્માણનું કામ ચાર ગણી ઝડપે કરવામાં આવ્યું છે. અમે મેટ્રો નેટવર્કનો વિસ્તાર કર્યો છે. આટલા મોટા સ્તરે અને આવી ઝડપે થયેલું કામ સ્વતંત્રતા પછી પ્રથમ વખત છેલ્લા એક દાયકામાં જોવા મળ્યું છે.

આને ધ્યાનમાં રાખતાં 2047 સુધી વિકસિત ભારત બનવાનો સંકલ્પ અધૂરો રહી શકે નહીં.

ભારતે હવે અન્ય દેશો પર નિર્ભર રહીને જીવવાનું નથી, પરંતુ આત્મનિર્ભર બનવાનું છે. દુનિયામાં ઘણી વસ્તુઓ સસ્તી અને ઝડપથી મળે છે, પરંતુ તેનાથી આપણી ક્ષમતા વધતી નથી.

આપણા હિત માટે આત્મનિર્ભર બનવું પડશે. ‘મેક ઇન ઇન્ડિયા’, ‘લોકલ ફૉર વોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના માર્ગે આગળ વધવું પડશે.

ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2026ના રોજ દેશને સંબોધન કર્યું

ટૅક્નૉલૉજી અને ઊર્જા સુરક્ષા

વડા પ્રધાને કહ્યું કે આપણા હિત માટે આત્મનિર્ભર બનવું પડશે. 'મેક ઇન ઇન્ડિયા', 'લોકલ ફૉર વોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ના માર્ગે આગળ વધવું પડશે

ઇમેજ સ્રોત, Narendra modi/youtube

ભારત ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરી ચૂક્યું છે અને તેમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આગામી સાત-આઠ વર્ષમાં પાંચથી આઠ વધુ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ જશે.

ક્રિટિકલ મિનરલ્સ ક્ષેત્રમાં પણ દુનિયા ભારત તરફ જોઈ રહી છે.

ચિપ્સ, એઆઈ અને ડેટા સેન્ટરો માટે ઊર્જાની જરૂર છે. ઊર્જા સુરક્ષા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેના માટે અમે પરમાણુ ઊર્જા માટે ‘શાંતિ બિલ’ પસાર કર્યા છે. પરમાણુ ઊર્જામાં આત્મનિર્ભર બનવા દિશામાં અમે પગલું ભર્યું છે.

આજે દેશને ક્રૂડઑઇલ પર નિર્ભર રહેવું પડે છે. આ અમારી ખોટી વિચારસરણીનું પરિણામ હતું.

દેશના દરિયાકાંઠાના 99 ટકા વિસ્તારને ‘નો ગો એરિયા’ જાહેર કરવામાં આવ્યો હતો. આ વિચારસરણીની ગરીબી હતી. અમે આ ‘નો ગો એરિયા’ને ‘ગો અહેડ એરિયા’માં ફેરવી દીધો છે. અમે આ વિસ્તારોમાં નવા ભંડારો શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે.

તે માટે અમે 85,000 કરોડ રૂપિયાના ખર્ચે ‘સમુદ્ર મંથન’ની જાહેરાત કરીને આગળ વધ્યા છીએ.

ઊર્જા સુરક્ષાના ક્ષેત્રમાં પણ ભારતે મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે.

2014 પહેલાં દેશમાં માત્ર 70 શહેરોમાં પાઇપ દ્વારા ગૅસ પહોંચાડવામાં આવતો હતો. 12 વર્ષમાં આ સુવિધા 700 શહેરો સુધી વિસ્તારી છે. આ છે ગતિ.

2014 પહેલાં 20-22 લાખ ઘરો સુધી ગૅસ પહોંચતો હતો, જ્યારે આજે પોણા બે કરોડ ઘરોમાં પાઇપ દ્વારા ગૅસ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે.

2014માં દેશમાં માત્ર બે ગીગાવૉટ સોલર ઊર્જા હતી, જે આજે 160 ગીગાવૉટ સુધી પહોંચી ગઈ છે.

રેલવેનું વીજળીકરણ 1925માં શરૂ થયું હતું, પરંતુ 90 વર્ષમાં માત્ર 30 ટકા રેલવે નેટવર્કનું જ વીજળીકરણ થયું હતું.

અમારી ગતિ જુઓ કે અમે એક દાયકાની અંદર 70 ટકા કામ પૂર્ણ કરી દીધું છે.

તેના કારણે ડીઝલની બચત થઈ છે અને વીજળીના ઉપયોગથી પર્યાવરણને લાભ થયો છે.

દેશે હાઇડ્રોજનથી ચાલતી પ્રથમ ટ્રેન શરૂ કરી છે. આ સૌથી લાંબી અને સૌથી શક્તિશાળી ટ્રેન છે.

ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2026ના રોજ દેશને સંબોધન કર્યું

પશ્ચિમ એશિયા સંકટ અને ખેડૂત

છેલ્લાં 12 વર્ષોમાં અનેક સંકટોનો સામનો કરવો પડ્યો છે. કોરોના મહામારીને કારણે સમગ્ર દુનિયાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. તેમાંથી બહાર નીકળ્યા પછી યુદ્ધોની પરિસ્થિતિ ઊભી થઈ. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ અને બીજી તરફ પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ.

પરંતુ કેટલાક લોકો દેશને ડરાવતા હતા, ચિંતિત કરતા હતા અને કહેતા હતા કે વૅક્સિન નહીં મળે, લોકો નહીં બચી શકે અને કંઈ શક્ય નહીં બને.

પશ્ચિમ એશિયાનું સંકટ આવ્યું ત્યારે પણ કહેવામાં આવ્યું કે પેટ્રોલ નહીં મળે, ખાતર નહીં મળે અને ગૅસ નહીં મળે. કેટલાક લોકોને આવી ચિંતાઓ ફેલાવવામાં આનંદ આવતો હતો. પરંતુ અમે ‘નાગરિક દેવો ભવ’ના વિચાર સાથે આ તમામ સંકટોમાંથી બહાર નીકળ્યા.

આજે દેશમાં ગૅસ પણ છે, પેટ્રોલ પણ છે અને યુરિયા પણ ઉપલબ્ધ છે. દેશનું બધું કામ ચાલી રહ્યું છે.

વૈશ્વિક બજારમાં યુરિયાના ભાવ 3,000 રૂપિયા પ્રતિ બોરી સુધી પહોંચ્યા છે, જ્યારે આજે અમે આપણા ખેડૂતોને તે 300 રૂપિયામાં આપી શકીએ છીએ.

વિશ્વ બજારમાં ડીએપીનો ભાવ 5,000 રૂપિયા સુધી પહોંચ્યો છે, પરંતુ અમે તેને ખેડૂતોને ઓછા ભાવે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.

ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2026ના રોજ દેશને સંબોધન કર્યું

રિફૉર્મ ઍક્સપ્રેસ

દિલ્હીના લાલ કિલ્લાનું એક દૃશ્ય

ઇમેજ સ્રોત, ANI

2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય મજબૂત પાયા પર ઊભું છે. સદીનો એક ચોથો ભાગ પૂર્ણ થઈ ચૂક્યો છે, જ્યારે આગામી એક ચોથો ભાગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. હવે આપણે રોકાઈ શકતા નથી. અમારી દિશા નક્કી થઈ ગઈ છે.

હવે આપણે કાર્યસંસ્કૃતિ બદલવી પડશે અને કામ કરવાની ગતિ પણ બદલવી પડશે. જે કામ પાંચ દાયકામાં ન થયા હોય, તે હવે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવા પડશે.

આપણે સુધારાઓ કરવા પડશે. અમે હવે ‘રિફૉર્મ ઍક્સપ્રેસ’ તરફ આગળ વધી રહ્યા છીએ. આવનારા સમયમાં પણ સુધારાઓની દિશામાં આગળ વધતા રહીશું. દરેક ક્ષેત્રમાં સુધારાની જરૂર છે.

વિકસિત ભારત માટે નવી ધારા જોઈએ. હું ‘શક્તિની સપ્તધારા’નું આહ્વાન કરું છું.

આ દેશને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે. ભારતની યુવા શક્તિની ક્ષમતાને દેશના વિકાસ સાથે જોડવામાં આવશે.

મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રને ઘણું આગળ વધારવું પડશે. ઉત્પાદન વધારવાની સાથે નાના-નાના ઘટકો અને મોટી મશીનરીનું પણ ઉત્પાદન કરવું પડશે.

ડિઝાઇનથી લઈને મૅન્યુફૅક્ચરિંગ સુધી, સમગ્ર વૅલ્યૂ ચેઇનમાં ભારતે વિશ્વનો વિશ્વાસ જીતવો પડશે.

ખર્ચ, ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતાનાં વૈશ્વિક ધોરણો પર ખરા ઉતરવું પડશે.

‘ઝીરો ડિફેક્ટ’ અમારી ઓળખ બનવી જોઈએ. હું દરેક ઉત્પાદકને કહેવા માંગું છું કે વૈશ્વિક બજારમાં આપણો મંત્ર હોવો જોઈએ કે ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં.

ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં પણ આગળ વધવું પડશે. હવે વિશ્વના બજારો ખુલ્યાં છે. આપણને ખેતરથી લઈને બજાર સુધી પહોંચવું પડશે.

ખેડૂતો રાસાયણિકમુક્ત ખેતીને પ્રોત્સાહન આપશે.

આ જ માર્ગે આપણે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકીશું. આપણે સતત સુધારાઓ કરતા રહેવું પડશે. અમે સુધારાઓ મજબૂરીમાં નહીં, પરંતુ વિશ્વાસ સાથે કરી રહ્યા છીએ.

વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની મોટી ભૂમિકા છે અને તેનો સૌથી મોટો લાભ પણ યુવાનોને જ મળશે. વિકસિત ભારતના લક્ષ્યને યુવાનો સાથે જોડવાનું છે.

અઢી લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે. તેના માટે એક લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે યુવાનોનાં સપનાંને પાંખ આપશે.

આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ કરતા કહ્યું કે હું તમામ રાજકીય પક્ષોને લાલ કિલ્લાથી તિરંગા ધ્વજની નીચેથી પ્રાર્થના કરું છું કે તે મહિલાઓના સન્માનમાં આગળ આવો અને વિધાનસભાઓ તથા સંસદમાં મહિલાઓને 33 ટકા પ્રતિનિધિત્વ આપવામાં તમારું યોગદાન આપો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS