Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Nachiket Mehta
વાંચવાનો સમય: 10 મિનિટ
બીબીસી ગુજરાતીના સહયોગી નચિકેતા મહેતાએ આપેલી માહિતી અનુસાર પાછલાં લગભગ બે વર્ષથી ‘વિદેશમાં ફસાયેલી’ આણંદના બોરસદની બે યુવતીઓનું ‘સફળ રેસ્ક્યૂ’ કરવામાં આવ્યું છે.
આ મામલા અંગે પ્રાપ્ત થયેલી હકીકતો અનુસાર, બોરસદના મકવાણા પરિવારની બે યુવતીઓને એજન્ટ થાઇલૅન્ડમાં નોકરી કરવાના બહાને લઈ ગયા હતા, જે બાદ તેમને ત્યાંથી પહેલાં મ્યાનમાર અને બાદમાં કંબોડિયા તેમજ લાઓસ લઈ જવામાં આવી હતી.
મામલા અંગે આણંદના સાંસદ મીતેશ પટેલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટમાં જણાવાયું છે કે લાઓસ ખાતેના ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય દ્વારા આ ‘રેસ્ક્યૂ’ કરાવવામાં આવ્યું હતું.
આરોપ છે કે યુવતીઓ વિદેશી ધરતી પર પહોંચતાં જ તેમની પાસેથી તેમના પાસપૉર્ટ સહિતના દસ્તાવેજો લઈ લેવામાં આવ્યા હતા.
યુવતીઓને તેમની સંમતિ વિરુદ્ધ અન્ય દેશમાં લઈ જવાનો અને ગોંધી રખાયાના આરોપો પણ પરિવાજનોએ કર્યા છે.
પ્રાપ્ત થઈ રહેલી માહિતી મુજબ પરિવારજનોએ યુવતીઓ બચાવવા માટેના ઘણા પ્રયાસો કર્યા બાદ આણંદના સાંસદ મીતેશ પટેલની મદદ લીધી હતી, જેમણે સમગ્ર મામલાની રજૂઆત વિદેશ મંત્રાલયમાં કરતાં આ યુવતીઓને લાઓસના વિયેન્ટિન ખાતેથી રેસ્ક્યૂ કરાઈ હતી.
સાંસદ મીતેશ પટેલે આ અંગે કહ્યું, “મારા મતવિસ્તારની દીકરીઓ મુશ્કેલીમાં હોવાનું ધ્યાને આવતાં મેં તુરંત વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરી હતી. વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસે યુદ્ધના ધોરણે કામગીરી કરીને દીકરીઓને સુરક્ષિતપણે મુક્ત કરાવી છે.”
રાજ્યસભાની ગુજરાત માટેની ચાર ખાલી થનારી બેઠકો માટે ભાજપે ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી
ઇમેજ સ્રોત, GUJARATASSEMBLY.GOV.IN
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિભિન્ન પ્રદેશોમાં થનારી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનાં નામો જાહેર કર્યાં છે.
ભાજપની પ્રેસ રિલીઝમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાંથી ચાર નામોની જાહેરાત થઈ છે. તે પ્રમાણે રાજુભાઈ શુક્લ, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાનાં નામો માટે ભાજપે સ્વીકૃતિ આપી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના ચાર સભ્યોની મુદત આગામી 21-06-2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. આ ખાલી બેઠકો ભરવા માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
જે સભ્યોની મુદત પૂર્ણ થઈ રહી છે તેમાં રામભાઈ હરજીભાઈ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબહેન બારાનો સમાવેશ થાય છે.
ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 1-06-26, ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 8-06-26, ઉમેદવારી પત્રકો ચકાસવાની તારીખ 9-06-26, ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 11-06-26, મતદાનની તારીખ 18-06-26 રહેશે.
મતદાનનો સમય સવારે 9થી સાંજે 4 કલાક સુધી રહેશે. મતગણતરી 18-06-26ના રોજ સાંજે પાંચ વાગ્યે હાથ ધરાશે અને સમગ્ર ચૂંટણી પૂર્ણ કરવાની આખરી તારીખ 22-06-26 રહેશે.
ખાન સર કોચિંગ સેન્ટર ફાયરિંગ મામલે પોલીસે કોચિંગના જ બે બૉડીગાર્ડની અટકાયત કરી
ઇમેજ સ્રોત, ANI
પટનામાં મંગળવારે રાત્રે શિક્ષક અને યૂટ્યૂબર ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર કથિત રીતે ફાયરિંગ થયું હતું.
ગુરુવારે પોલીસે આ મામલે કોચિંગ (ખાન ગ્લોબલ સ્ટડીઝ)ના જ બે બૉડીગાર્ડની અટકાયત કરી છે.
પટના ટાઉન ડીસીપી (મધ્ય) કાર્યાલય દ્વારા જારી પ્રેસ રિલીઝ પ્રમાણે, “ઘટના સંદર્ભે મળેલા એક વીડિયોમાં ખાન ગ્લોબલ સ્ટડીઝ સાથે જોડાયેલા બે બૉડીગાર્ડ હવાઈ ફાયરિંગ કરતા દેખાતા હતા. આ બંનેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાં ઉપયોગમાં લેનાર હથિયારોને જપ્ત કરીને તેની એફએસએલ તપાસ માટે મોકલવામાં આવી રહ્યાં છે.”
આ પહેલા સમાચાર એજન્સી એએઆઈના જણાવ્યા પ્રમાણે, “હુમલામાં એક સુરક્ષા ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયો છે. ખાન સરનો દાવો છે કે કોચિંગની બહાર ફાયરિંગ પણ થયું છે. જોકે પોલીસે ફાયરિંગની પુષ્ટિ નથી કરી.”
સવારે ખાન સરના કોચિંગ સેન્ટર બહાર વિદ્યાર્થીઓનાં ટોળાં ભેગાં થઈ ગયાં. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ તહેનાત કરવામાં આવી છે.
પટના એસપી સિટીએ કહ્યું હતું કે આ ઘટના સંદર્ભમાં સામેલ 10-12 સંદિગ્ઘોની ઓળખ કરી લેવામાં આવી છે.
પટના પોલીસે મોડી રાતે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ખાન ગ્લોબલ સ્ટડીઝ કોચિંગ સંસ્થાન પર કેટલાક લોકોએ ઈઁટ અને પથ્થર વડે હુમલો અને તોડફોડ કરવાના મામલાની જાણકારી મળી હતી.
નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે “ઘટનાસ્થળની આસપાસના લોકોની પૂછપરછ કરતા અને સીસીટીવી કૅમેરાનાં ફૂટેજથી ખબર પડે છે કે જ્ઞાન બિંદુ કોચિંગ સંસ્થાન, પટના સાથે જોડાયેલા 15-20 લોકો દ્વારા પથ્થરમારો અને તોડફોટ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજથી ફાયરિંગની પુષ્ટિ નથી થઈ.”
ઈરાનના સર્વોચ્ચ નેતા બોલ્યા, ‘દુશ્મન હારી ચૂક્યો છે’
ઇમેજ સ્રોત, IRNA
ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનના સંસ્થાપક રુહોલ્લાહ ખુમૈનીની પુણ્યતિથિ પર છેલ્લાં છ વર્ષોથી ઈરાનના તત્કાલીન સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ ભાષણ આપતા હતા. પરંતુ આ વર્ષે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈનો લિખિત સંદેશ વાંચી સંભળાવવામાં આવ્યો.
આ સંદેશ તહેરાનના અસ્થાયી ઇમામ-એ-જુમા મોહમ્મદ જવાદ હાજ-અલી-અકબરીએ વાંચ્યો.
બીબીસી ફારસીના જણાવ્યા પ્રમાણે, સંદેશમાં જણાવવામાં આવ્યું કે, “અમારાં સશસ્ત્ર દળોના બહાદુર જવાનોની સામે દુશ્મનોએ હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને સૈન્ય લડાઈ અને મેદાનો તથા સડકો પર મળેલા કરારા જવાબને કારણે દુશ્મનને ઊંડી અને અપમાનજનક હાર સહન કરવી પડી છે.”
સંદેશમાં આગળ કહેવામાં આવ્યું, “દુશ્મન પોતાની સંયુક્ત રણનીતિને બે વાતો પર કેન્દ્રીત કરે છે. પહેલી, જનતાની ધીરજ અને સહનશક્તિને કમજોર કરવી અને બીજી એ કે દેશના અધિકારીઓના વિચાર અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભૂલો પેદા કરવી.”
મોજતબા ખામેનેઈના હવાલેથી કહેવામાં આવ્યું કે દુશ્મનનું સૌથી મોટું ષડયંત્ર લોકો વચ્ચે શંકા, અવિશ્વાસ અને મતભેદ પેદા કરવાનું છે.
મોજતબાએ અમેરિકાની યોજનાઓને નાકામ કરવા માટે લોકોને એક રહેવાની અપીલ કરી છે.
તેમણે જારી કરેલા સંદેશમાં વધુમાં જણાવ્યું કે “આ વાતોને મજબૂત કરવામાં સરકારી અધિકારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. એવું કોઈ પણ કામ, જેને લોકોમાં નિરાશા, અવિશ્વાસ કે હતાશા પેદા થાય, દેશ તથા તેમના લોકોના દુશ્મનોની મદદ કરવા બરાબર માનવામાં આવશે.”
રિપોર્ટ પ્રમાણે, “અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદથી ઈરાનના સર્વોચ્ચ નેતા સાર્વજનિક રીતે દેખાયા નથી. તેમના તરફથી માત્ર લેખિત સંદેશ જ જારી કરવામાં આવ્યો છે. જેને બીજા લોકો સાર્વજનિક રીતે વાંચી સંભળાવે છે.”
ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન સાથે આ સપ્તાહના અંત સુધીમાં ડીલ થઈ શકે છે’
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સપ્તાહના અંત સુધીમાં ઈરાન સાથે સમજૂતી થવાની સંભાવના વ્યક્ત કરી છે.
બીબીસી ઉર્દૂના જણાવ્યા પ્રમાણે, તેઓ વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કુવૈતમાં અમેરિકાનાં ઠેકાણો પર ઈરાનના હુમલા બાદ પણ યુદ્ધવિરામ લાગુ છે?
તેના જવાબમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “તમામ બાબતો કોઈને કોઈ કારણોને લઈને થાય છે.”
ટ્રમ્પે કહ્યું કે કુવૈતમાં ઈરાની હુમલાની એક રાત પહેલાં અમેરિકાની સેનાએ ઈરાન પર ‘જોરદાર પ્રહાર’ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે કાલે ઈરાન અને અમેરિકા વચ્ચે નવો તણાવ જોવા મળ્યો. બંને પક્ષોએ એકબીજા પર ‘હુમલો કરવાનો અને તેમને આત્મરક્ષાની કાર્યવાહી’ ગણાવી.
ઈરાને કહ્યું કે તેણે મિસાઇલો અને ડ્રૉનથી અમેરિકાના સહયોગી દેશોમાં આવેલાં અમેરિકાનાં ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે.
વ્હાઇટ હાઉસમાં એક પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું, “અમે ઈરાનીઓ પર સખત હુમલાઓ કરી રહ્યા છે, તેથી કેટલીક બાબતો તેને કારણે થાય છે.”
જોકે, ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે અમેરિકા પાસે ‘દુનિયાની સૌથી શ્રેષ્ઠ સેના’ છે. જેની મદદથી ઈરાનની કાર્યવાહીઓને ‘નિયંત્રિત’ કરવામાં આવી હતી. તેથી હાલનો હુમલો એ ‘નવી’ બાબત નથી.
‘નરેન્દ્ર મોદી એક વર્ષ પછી વડા પ્રધાન નહીં રહે’- રાહુલ ગાંધીની આ ટિપ્પણી સામે ભાજપે શું કહ્યું
ઇમેજ સ્રોત, Getty Images
ભાજપે ગુરુવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એ દાવા પર પલટવાર કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષ પછી પદ પર નહીં રહે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર ભાજપે રાહુલ ગાંધી પર દુષ્પ્રચાર કરવાનો આક્ષેપ કર્યો છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર ભાજપે રાહુલ ગાંધી પર દુષ્પ્રચારનો આક્ષેપ લગાવ્યો છે.
ભાજપનો આરોપ છે કે દેશમાં એકમાત્ર કટોકટી પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની સરકારે લાગુ કરી હતી.
લોકસભામાં વિપક્ષના નેતા ગાંધીએ બુધવારે દાવો કર્યો હતો કે મોદી એક વર્ષ પછી વડા પ્રધાન નહીં રહે કારણ કે ”જે વ્યવસ્થા ક્યારેક તેમના નિયંત્રણમાં હતી તે હવે હલી ગઈ છે અને અંદર જ અંદર ધ્વસ્ત થઈ રહી છે.”
ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું કે, “રાહુલ ગાંધી એ જાણી ગયા છે કે તેઓ લોકતાંત્રિક રીતે દેશની જનતાનો ભરોસો નહીં જીતી શકે, તો તેઓ હવે લોકશાહી, ભારતની સ્થિરતા અને સુરક્ષાનો જ વિરોધ કરવા લાગ્યા છે.”
બદ્રીનાથ-કેદારનાથ યાત્રા: વધતી ભીડને જોતાં શ્રદ્ધાળુઓને અધિકારીઓએ કરી આ અપીલ
ઇમેજ સ્રોત, Frank Bienewald/LightRocket via Getty Images
બદ્રીનાથ -કેદારનાથ મંદિર સમિતિના સીઈઓ સોહનસિંહે બંને તીર્થસ્થળોની યાત્રાને લઈને શ્રદ્ધાળુઓને અપીલ કરી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ”હવે ધીરે-ધીરે વરસાદની સિઝન આવવાની છે. અહીં ભીડ બહુ વધારે છે અને જોશીમઠને વન-વે બનાવાયું છે. જે લોકો અહીં આવી રહ્યા છે તેઓ પોતાનું રજિસ્ટ્રેશન જરૂર કરાવે. આનાથી અમારી પાસે એક આંકડો રહે છે.”
તેમણે કહ્યું કે જે લોકો બદ્રીનાથ-કેદારનાથ યાત્રા પર આવી રહ્યા છે તેઓ પોતાના રહેવાની વ્યવસ્થા પહેલાંથી કરીને આવે, જેથી પછી થનારી તકલીફથી બચી શકાય.
તેમણે કહ્યું કે, ”યાત્રીઓને થોડી મુશ્કેલી જરૂર થશે કારણ કે ભીડ વધારે છે અને લાઇનો લાંબી છે. દર્શન કરવામાં થોડો સમય જરૂર લાગશે એટલે ધીરજ રાખવી.”
બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે. બંને જ તીર્થસ્થળોમાં શ્રદ્ધાળુઓની લાંબી લાઇનો છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર અત્યાર સુધી દસ લાખથી વધારે શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામની મુલાકાત, જ્યારે સવા આઠ લાખથી વધારે શ્રદ્ધાળુએ બદ્રીનાથ ધામનાં દર્શન કર્યાં છે.
ગુજરાતમાં ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત કથિત રીતે ‘ગેરકાયદેસર 362 બાંગ્લાદેશી’ની અટકાયત
ઇમેજ સ્રોત, Gujarat Information
ગુજરાતમાં ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત કથિત રીતે ગેરકાયદેસર 362 બાંગ્લાદેશીની અટકાયત કરાઈ છે. જેમાં 103 પુરુષો, 188 મહિલાઓ અને 71 બાળકોનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, હજુ પણ 782થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ ચાલુ છે.
આ ઑપરેશન અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ 155 બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદ શહેરમાંથી પકડાયા છે.
ઉપરાંત સુરત શહેરમાંથી 84, અમદાવાદ ગ્રામ્યમાંથી 34, પૂર્વ કચ્છ-ગાંધીધામથી 13 અને ભરૂચમાંથી 12 સહિત વિવિધ વિસ્તારોમાંથી ‘અવૈધ’ રહેતા બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે.
પ્રેસ રિલીઝ અનુસાર, ટેકનૉલૉજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સે આ વ્યક્તિઓની સાથે ‘ખોટા દસ્તાવેજો પૂરા પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સ’ અંગે પણ તપાસ ચાલુ કરી છે.
સરકારના દાવા પ્રમાણે ‘ગુજરાતની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે’ ગુજરાત પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ શરૂ કરાઈ છે.
આ ઑપરેશન અંગે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત રાજ્યની સરહદો ઓળંગી ગેરકાયદેસર આશરો લઈ રહેલા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.”
“રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા દરેક ઘૂસણખોરને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી કાઢી, તેમના પર કાયદાનો સકંજો કસી તેમને બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
ગુજરાત રાજ્યના પોલીસ વડા ડૉ. કેએલએન રાવે જણાવ્યું હતું કે, “આ ઝુંબેશ સંપૂર્ણપણે ટેકનિકલ ડેટા અને ફિલ્ડ વેરિફિકેશન પર આધારિત છે. ‘સાયબર સેન્ટર ઑફ ઍક્સેલન્સ’ દ્વારા મળેલા ટેકનિકલ તેમજ લોકલ ઇનપુટ્સના આધારે ગુજરાતમાં વ્યાપક ટેલિકૉમ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.”
“તેના આધારે બાંગ્લાદેશના નંબરો સાથે વાસ્તવિક વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઇલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરાયો છે.”
તેમણે કહ્યું કે આ પદ્ધતિથી 6200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓનો ડેટાબેઝ એકત્ર કરી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બિહારમાં એક હૉસ્પિટલના આઇસીયુમાં આગ, અનેક લોકોનાં મોત
ઇમેજ સ્રોત, @DM_Muzaffarpur
બિહારના મુઝફ્ફરપુરની એક ખાનગી હૉસ્પિટલમાં આગ લાગતાં અનેક લોકોનાં મોત થયાં છે.
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, આ ઘટના જિલ્લાની પ્રસાદ હૉસ્પિટલમાં ઘટી છે.
સ્થાનિક જિલ્લા અધિકારીએ જણાવ્યું કે હૉસ્પિટલના આઇસીયુમાં આગ લાગવાથી કમસે કમ ત્રણ લોકોનાં મોત થયાં છે.
આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી આશંકા છે અને અનેક અહેવાલોમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા અંદાજે 10 ગણાવાઈ રહી છે, જ્યારે અનેક લોકો દાઝ્યા પણ છે.
માનવમાં આવી રહ્યું છે કે મૃતકો અને ઈજાગ્રસ્તો મોટા ભાગે હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ જ છે.
આ ઘટના ગુરુવારે વહેલી સવારે અંદાજે ત્રણ વાગ્યાની છે.
જિલ્લા અધિકારી અનુસાર, પ્રથમ દૃષ્ટિએ આ ઘટના શૉર્ટ સર્કિટને કારણે થઈ હોવી જોઈએ. જોકે આ મામલે પૂરી તપાસ બાદ માહિતી મળી શકશે.
અનેક લોકોએ સોશિયલ મીડિયામાં આ ઘટનાની તસવીરો શૅર કરી છે, જેમાં હૉસ્પિટલમાંથી દર્દીઓને બહાર કાઢતા જોઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતની રાજધાની દિલ્હીના માલવીયનગરમાં એક હોટલમાં આગ લાગી હતી અને 21 લોકોનાં મોત થયાં હતાં.
ઈરાન યુદ્ધ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકન સંસદે કેવો ઝટકો આપ્યો?
ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનમાં સૈન્ય કાર્યવાહીને આગળ વધારતા રોકવા માટે અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેન્ઝેન્ટેટિવ્સે એક પ્રસ્તાવ પાસ કર્યો છે.
આ પ્રસ્તાવ 208 સામે 215 મતથી પાસ થયો છે. ચાર રિપબ્લિકન સાંસદોએ ડેમૉક્રેટિક પાર્ટીને સાથ આપતા આ શક્ય બની શક્યું છે.
અમેરિકન સંસદમાં યુદ્ધ મામલે અસહમતિનું સાર્વજનિક પ્રદર્શન ભાગ્યે જ જોવા મળે છે.
ઈરાન સામે અમેરિકાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ કર્યું હતું. આ ચોથી વાર હાઉસે ટ્રમ્પની યુદ્ધ સંબંધિત શક્તિઓ પર લગામ કસવાનો પ્રયત્ન કર્યો છે.
ટીકાકારોનું કહેવું છે કે ટ્રમ્પે આ શક્તિઓ વાપરતા પહેલાં સંસદની મજૂરી નહોતી લીધી.
હાઉસના આ પ્રસ્તાવને હજુ રિપબ્લિકન પાર્ટીના નિયંત્રણવાળી અમેરિકન સૅનેટની મંજૂરી મળવાની બાકી છે.
ભલે આ પ્રસ્તાવ સૅનેટમાં પાસ થઈ જાય, પરંતુ એની શક્યતા બહુ ઓછી છે કે આ ઈરાન સામે સૈન્ય કાર્યવાહીને સંપૂર્ણ રોકી શકે.
ટ્રમ્પ આ પ્રસ્તાવ સામે વીટો વાપરી શકે છે. જો આવું થાય તો તેને રદ કરવા માટે બંને સદનમાં બે તૃતીયાંશ બહુમતની જરૂર પડશે.
સૅનેટેમાં મે મહિનામાં પણ આ રીતે એક પ્રસ્તાવ આગળ વધારવામાં આવ્યો હતો. સાત નિષ્ફળ પ્રયત્નો બાદ આ પ્રસ્તાવ આગળ વધ્યો હતો, પરંતુ હજુ સુધી આખા સદનમાં મતદાન થયું નથી.
કૉક્રોચ જનતા પાર્ટીએ ફંડ સંબંધિત સવાલ પર શું કહ્યું?
ઇમેજ સ્રોત, ANI
ક્રૉકોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે પાર્ટીને મળતા ફંડ સંબંધિત સવાલનો જવાબ આપ્યો છે.
સીજેપીના પ્રવક્તાઓએ બુધવારે પાર્ટીની પ્રથમ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ કૉન્ફરન્સ છ જૂને પ્રસ્તાવિત વિરોધપ્રદર્શન સંબંધિત હતી.
આ પત્રકારપરિષદમાં સૌરવ દાસને પાર્ટીને મળતા ફંડ સંબંધિત સવાલ કરાયો, તો તેમણે કહ્યું કે “ફન્ડિંગ શેના માટે જોઈએ?”
તેમણે પોતાની પાછળ લાગેલા એક પોસ્ટર તરફ ઇશારો કરીને કહ્યું કે “આ પોસ્ટર 200 રૂપિયાનું છે. અહીં આટલા બધા લોકો ભેગા થઈ ગયા, બધા લોકો એક-એક રૂપિયો આપે તો 200 રૂપિયાનું એક પોસ્ટર ન બની જાય?”
તેમણે કહ્યું કે “જો યુવાઓએ રોડ પર આવવું હશે, જંતરમંતર પર પહોંચવું હશે તો શું રિક્ષા લઈને 100 રૂપિયા આપીને ન પહોંચી શકે? અમે લોકો પહોંચી જઈશું. આના માટે શું ફન્ડિંગ જોઈએ?”
તેમણે વધુમાં કહ્યું કે “આ એક નૅરેટિવ ચલાવાય છે. કોઈ પણ આંદોલન હોય, ઇતિહાસ સાક્ષી પૂરશે કે કોઈ પણ આંદોલન થયું છે, ત્યારે તેની સામે એક કાઉન્ટર નૅરેટિવ ચલાવાય છે. કૉન્સ્પીરસી થિયરી ચલાવાય છે. ફન્ડિંગ લાવવામાં આવે છે, વિદેશી હાથ લાવવામાં આવે છે, અનેક કહાણીઓ ઘડવામાં આવે છે, કેમ કે આ આંદોલન એક યોગ્ય રસ્તે છે.”
તેમણે કહ્યું કે, “અમને એ ખાતરી મળી છે કે આ આંદોલન યોગ્ય રસ્તે છે, માટે આવી કહાણીઓ ઘડવામાં આવી રહી છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







