Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty
મ્યુઝિક આર્ટિસ્ટ ચૅઝ ગૅલિયા પોતાનો ગુસ્સો દાબી રાખતાં હતાં, કારણ કે લોકો તેમને “વધુ પડતાં લાગણીશીલ” અથવા “જેમની સાથે કામ કરવું મુશ્કેલ હોય તેવાં મહિલા” ગણાવશે તેવો ડર હતો.
ઘર ચલાવવાની દરેક વાત અને સંભાળવાના “માનસિક બોજા”થી માંડીને કાર્યસ્થળ પર મહિલાઓ સામે ભેદભાવ અને તેનાથી પણ વધુ ગંભીર, મહિલાઓ સામે હિંસા સુધી, ગૅલિયા કહે છે, “આપણને એ વાતની ખબર જ નથી હોતી કે આપણે કેટલું સહન કરીએ છીએ અને કેટલી વાર ચૂપ રહીએ છીએ.”
પણ હવે તેઓ ખુલ્લેઆમ પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે.
તેઓ કહે છે, “જો કોઈ મારા પર રસ્તા પર ખરાબ ટિપ્પણી કરે છે, તો હું મારો ગુસ્સો ખુલ્લેઆમ વ્યક્ત કરું છું. મને કોઈ વાંધો નથી.”
34 વર્ષીય ગૅલિયા બ્રિટનની એવી મહિલાઓ પૈકીનાં એક છે, જેઓ કહે છે કે, તેઓ હવે પહેલાં કરતાં વધુ ગુસ્સે થાય છે અને આવાં મહિલાઓની સંખ્યા વધી રહી છે.
દર પાંચમાંથી એક મહિલા પહેલાં કરતાં વધુ ગુસ્સો કરે છે
ઇમેજ સ્રોત, Getty
2024માં, યુકેની પાંચમાંથી એક મહિલાએ કહ્યું કે, તેઓ બધાં અગાઉના દિવસના મોટા ભાગના સમય માટે ગુસ્સે થયાં હતાં. 2020માં, દસમાંથી એક મહિલાએ પણ આવું જ કહેલું.
લગભગ બે દાયકાથી, સમગ્ર વિશ્વમાં પુરુષો કરતાં વધુ સ્ત્રીઓએ દરરોજ ગુસ્સો અનુભવવાની ફરિયાદ કરી છે, આ અંતર સતત વધી રહ્યું છે.
તો શું સ્ત્રીઓ ખરેખર પહેલાં કરતાં વધુ ગુસ્સે થઈ રહી છે? આ પરિવર્તનનું કારણ શું છે? કે પછી તેઓ હવે તેમના ગુસ્સા વિશે વધુ ખુલ્લેઆમ વાત કરી રહી છે?
“વિમૅન આર મેડ” પોડકાસ્ટનાં લેખિકા અને હોસ્ટ મનોચિકિત્સક જૅનિફર કૉક્સના મતે, બંને બાબતો અમુક હદ સુધી સાચી છે.
જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે, તેમનાં મહિલા દર્દીઓની ગુસ્સાને દબાવવાની આદત તેમની કેટલીક શારીરિક સમસ્યાઓનું કારણ હોઈ શકે છે, ત્યારે તેમણે ગુસ્સા પર સંશોધન કરવાનું શરૂ કર્યું.
તેઓ કહે છે, “મારી પાસે આવતી સ્ત્રીઓમાં મેં એકસમાન પૅટર્ન જોઈ. કેટલીકને માઇગ્રેન હતું, કેટલીકને પેટની સમસ્યા હતી, અને કેટલીકને તેમના સ્નાયુઓ, હાડકાં અથવા શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં સમસ્યા હતી. આખરે, તેને અવગણવું મુશ્કેલ બન્યું.”
“તેઓ પોતાનાં બાળકોની સંભાળ રાખવા, તેમના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને કોઈક રીતે પોતાનું કામ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યાં હતાં.”
કૉક્સે પાછળથી મહિલાઓ સાથે જૂથ સત્રો યોજ્યાં, જ્યાં તેમાંથી ઘણીએ ખુલ્લેઆમ પોતાનો લાંબા સમયથી દબાયેલો ગુસ્સો વ્યક્ત કર્યો.
ઇમેજ સ્રોત, Suzi Mifsud
તેઓ કહે છે, “આપણમાં બાળપણથી જ ‘સારી છોકરી’ બનવાની આ તર્કહીન વાત શીખવવામાં આવી છે. અમારી અંદર આ વિચાર બેસાડી દેવાયો છે કે આપણે સારા, નમ્ર, દયાળુ, સમજદાર અને અન્યોની સંભાળ રાખનારા બનવું જોઈએ.”
“પાછલી પેઢીઓની સરખામણીમાં સૌથી મોટો ફેરફાર એ છે કે હવે આપણી પાસેથી બધું જ કરવાની અપેક્ષા રખાય છે.”
યુકે ઑફિસ ફૉર નૅશનલ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, કામ કરતી મહિલાઓની સંખ્યા લગભગ પુરુષો જેટલી જ છે. છતાં, સ્ત્રીઓ ઘરકામ અને સંભાળ જેવા પગાર વગરના કામમાં પુરુષો કરતાં દરરોજ લગભગ એક કલાક વધુ સમય આપે છે.
ઘર ચલાવવાનો “માનસિક બોજો” પણ છે. આ એક અદૃશ્ય કાર્ય છે, પરંતુ ઘરના સુચારુ સંચાલન માટે તે જરૂરી છે. સ્ત્રીઓ ઘણી વાર આ જવાબદારી ઉઠાવે છે.
વિચારસરણી કેવી રીતે બદલાઈ રહી છે?
ઇમેજ સ્રોત, Amelie King
મીડિયામાં ગુસ્સે ભરાયેલી મહિલાને હવે વધુ હકારાત્મક રીતે રજૂ કરવામાં આવે છે.
અગાઉ, ગ્લૅન ક્લૉઝ દ્વારા ભજવાયેલ “ફૅટલ ઍટ્રેક્શન”માં ઍલેક્સ ફૉરેસ્ટ જેવાં પાત્રોને ઘણી વાર માનસિક રીતે અસ્થિર અને ખતરનાક બતાવવામાં આવતાં હતાં. તેવી જ રીતે, સ્ટીફન કિંગની પ્રખ્યાત હૉરર વાર્તા “કૅરી”માં સિસી સ્પેસૅકના પાત્રને પણ આ રીતે દર્શાવવામાં આવ્યું હતું.
પરંતુ હવે મહિલાઓના ગુસ્સાને એક એવી લાગણી તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે જેને સમજી શકાય છે અને તેમને સ્વતંત્રતાની ભાવના પણ આપી શકે છે.
આનો એક દાખલો લીલી ઍલનનું 2025નું આલ્બમ “વેસ્ટ ઍન્ડ ગર્લ” છે, જેમાં તેમણે અભિનેતા ડૅવિડ હાર્બર સાથેનાં પોતાનાં લગ્ન તૂટવા અંગે નિખાલસતાથી વાત કરી હતી.
ચાર્લી ઍક્સસીઍક્સ, ઑલિવિયા રૉડ્રિગો અને ચૅપલ રૉન જેવા કલાકારોએ પણ એવાં ગીતો રજૂ કર્યાં છે, જેમાં હિંસા અને ગુસ્સાવાળી ચીસો સુધ્ધાં સામેલ છે.
સ્ક્રીન પર, 2023ની બ્લૉકબસ્ટર “બાર્બી”માં એક પ્રતિષ્ઠિત ઢીંગલીને તેના વિશ્વ પ્રત્યે નિરાશા વ્યક્ત કરતી બતાવવામાં આવી છે, તેનું આ વિશ્વ બહારથી સંપૂર્ણ દેખાય છે.
કૉક્સ કહે છે કે, સ્ત્રીઓના ગુસ્સાને આ રીતે દર્શાવવું મદદરૂપ અને સ્વસ્થ છે.
પરંતુ વાસ્તવિક જીવનમાં, જ્યારે મહિલાઓ તેમના ગુસ્સાને કારણે કોઈ પગલું ભરે છે, ત્યારે તેમને સમાજમાં તેની કિંમત ચૂકવવી પડી શકે છે.
2020ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કામ પર ગુસ્સો વ્યક્ત કરનારી સ્ત્રીઓને ઉચ્ચ હોદ્દા અને વધુ પ્રભાવ માટે ઓછી લાયક માનવામાં આવી, જ્યારે ગુસ્સો વ્યક્ત કરનાર પુરુષોને નહીં.
તો શું સ્ત્રીઓ કાર્યસ્થળે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યા પછી પણ આગળ વધી શકે?
લાઇફ કોચ યાન ડેંગ કહે છે કે તે શક્ય છે. તે એવાં ક્ષેત્રોમાં મહિલાઓને ઉચ્ચ હોદ્દા પર તાલીમ આપે છે જ્યાં પુરુષો બહુમતી ધરાવે છે.
તેઓ કહે છે કે જે મહિલાઓ હંમેશાં બીજાને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે અને પોતાનો ગુસ્સો બહાર કાઢતાં નથી, તેઓ તેમની કારકિર્દીમાં એક ચોક્કસ સ્તર સુધી આગળ વધી શકે છે. પરંતુ ઉચ્ચતમ પદ સુધી પહોંચવા માટે, તેમણે સ્થાપિત ધોરણોને પડકારવા પડશે.
તેઓ કહે છે, “જ્યારે આપણને નિયમો ખબર હોય છે ત્યારે સ્ત્રીઓ તે શીખવામાં ખૂબ જ સારી હોય છે. પરંતુ કૉર્પોરેટ જગતમાં નિયમો સંપૂર્ણપણે અલગ છે.”
તેમના પ્રમાણે, એ સમજવું જરૂરી છે કે પોતાના ગુસ્સાનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે કે એ બનાવટી ન લાગે.
‘મને લાગે છે કે અમે ઘણા સમયથી ગુસ્સામાં છીએ’
ઇમેજ સ્રોત, Yann Dang
ડેંગ મહિલાઓને સ્પષ્ટ અને સીધી ભાષાનો ઉપયોગ કરવાની સલાહ આપે છે, જેમકે, “મારો જવાબ સ્પષ્ટ ના છે, મને આ ગમતું નથી, અને હું પણ નિરાશ છું.”
તેઓ મહિલાઓને પોતાના માટે ઊભા રહેવાની આદત પાડવા માટે પણ પ્રોત્સાહિત કરે છે, ભલે તેમની પાસે તે સમયે સંપૂર્ણપણે વિચારેલો જવાબ તૈયાર ન હોય.
રોજિંદા લૈંગિક ભેદભાવની સાથોશાથ પીછો થવો, પરેશાન થવું અને ઘરેલુ હિંસા જેવા સતત તોળાતા ખતરા પણ મહિલાઓને ગુસ્સા અને વિરોધમાં એક સાથે લાવવાનું મોટું કારણ છે.
ઇંગ્લૅન્ડ અને વૅલ્સમાં નોંધાયેલા કુલ ગુનાઓમાં મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસાનો હિસ્સો આશરે 20% છે, છતાં આમાંના ઘણા ગુના નોંધાતા નથી.
ગૅલિયાના પ્રમાણે, સંગીતની દુનિયામાં મહિલાઓ પ્રત્યે નફરત અંગેના પોતાના અનુભવ અને પોતાની સાથે થયેલા યૌન હુમલા અંગે બીજી મહિલાઓ સાથે ખૂલીને વાત કર્યા બાદ તેઓ પોતાની નિરાશાને વધુ સ્પષ્ટપણે સમજી શક્યાં છે.
તેઓ કહે છે, “મને લાગે છે કે આપણે ઘણા સમયથી ગુસ્સામાં છીએ. પરંતુ હવે, સોશિયલ મીડિયાના કારણે, આપણે અન્ય મહિલાઓ સુધી પહોંચી શકીએ છીએ.”
ગુસ્સાનો યોગ્ય ઉપયોગ
ઇમેજ સ્રોત, Getty
મનોવૈજ્ઞાનિક ડૉક્ટર તારા બ્રૅક પણ માને છે કે ગુસ્સાનું પોતાનું કારણ છે.
તેઓ કહે છે કે, “સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે આપણને ગુસ્સો આવે છે, તો તેની પાછળ કોઈ એવી વાત હોય છે, જેની આપણને પરવા હોય છે. ગુસ્સો આપણને કંઈક જણાવે છે. તે આપણને આપણું રક્ષણ કરવા, અન્યાય વિરુદ્ધ ઊભા થવા, પોતાની સીમાઓ નક્કી કરવા અને બદલાવ લાવવાની તાકત આપે છે.”
“પરંતુ જ્યારે ગુસ્સો આપણા પર હાવી થઈ જાય છે કે આપણે તેના કારણે કોઈને નુકસાન પહોંચાડવાનું કામ કરીએ છીએ, તો એ આપણા માટે ઠીક નથી હોતું.”
ગુસ્સાનો યોગ્ય ઉપયોગ કરવા માટે બ્રૅક પોતાના મન અને ભાવના પર ધ્યાન આપવાની સલાહ આપે છે.
તેઓ ખાસ કરીને ‘રેન’ રીત અપનાવવાની વાત કરે છે. તેમાં પોતાની ભાવનાઓને ઓળખવાનું, જાતને તેનો અનુભવ કરવા દેવાનું, તેની પાછળનું કારણ સમજવાનું અને તેની અંદર સમજનો ભાવ વધારવાનું સામેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




