Home તાજા સમાચાર gujrati રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે જ્ઞાનેશકુમાર અને ચૂંટણી પંચને નોટિસ આપી,...

રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે જ્ઞાનેશકુમાર અને ચૂંટણી પંચને નોટિસ આપી, અને બીજું શું કહ્યું?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નોટિસ જારી કરી છે.

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને નોટિસ જારી કરી છે.

અદાલતે ચૂંટણી પંચ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને ચૂંટણી કમિશનરો સુખબીરસિંહ સંધૂ તથા વિવેક જોશીને પણ નોટિસ ફટકારી છે.

જોકે, નોટિસ જારી કરતી વખતે બેન્ચે એક અરજદારના વર્તન અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

લાઇવ લૉ મુજબ, બેન્ચે કહ્યું કે આગામી સુનાવણી દરમિયાન તે અરજદારોમાંથી એક વ્યક્તિ પાસે તેમના વર્તન અંગે સ્પષ્ટીકરણ માગશે. જોકે, અદાલતે સ્પષ્ટ કર્યું નહોતું કે તેની આ ટિપ્પણી કયા અરજદારને લગતી હતી.

અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું કે, નોટિસ જારી કરવાનો અર્થ એવો નથી કે તે કોઈ મુદ્દે નિંદા અથવા ટિપ્પણી કરી રહી છે.

રાહુલ ગાંધી અને વિપક્ષની અરજીમાં શું માંગ કરવામાં આવી છે?

બીબીસી ગુજરાતી રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને ચૂંટણીપંચ વિરુદ્ધ અરજી કરી છે.

રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓએ 12 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. અરજીમાં એસઆઈઆર દરમિયાન મોટા પાયે મતદારોનાં નામ દૂર કરાયા હોવાનો અને ચૂંટણી પંચની પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

પીટીઆઈ મુજબ, અરજીમાં એસઆઈઆર દરમિયાન મતદાર યાદીમાંથી દૂર કરાયેલાં અથવા તેમાં ફેરફાર કરાયેલાં નામોનું સ્વતંત્ર ઑડિટ કરાવવાની માંગ કરવામાં આવી છે.

તે માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ટેકનિકલ નિષ્ણાતો અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સ્વતંત્ર સમિતિ રચવાની માંગ પણ કરવામાં આવી છે.

અરજીમાં ચૂંટણી આયોગને એસઆઈઆર સંબંધિત આંતરિક રેકૉર્ડ, ફાઇલો, બેઠકોની કાર્યવાહી, નોંધાયેલી વાંધા અરજીઓ અને સંબંધિત ડિજિટલ રેકૉર્ડ અદાલત સમક્ષ રજૂ કરવાનો આદેશ આપવા પણ માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત અરજદારોએ માંગ કરી છે કે, મતદાર યાદીમાંથી દૂર કરાયેલા લોકોનાં નામ બૂથવાર જાહેર કરવામાં આવે અને તેમનું નામ કયા કારણસર દૂર કરવામાં આવ્યું તેની માહિતી પણ આપવામાં આવે.

દૂર કરાયેલા મતદારોની વય અને લિંગ આધારિત વિગતો જાહેર કરવાની તથા પાત્ર મતદારોનાં નામ ફરીથી ઉમેરવા માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની માંગ પણ કરવામાં આવી છે.

અરજીમાં એ પણ સુનિશ્ચિત કરવાની માંગ છે કે, કોઈપણ મતદારનું નામ તેને નોટિસ આપ્યા વગર અને પોતાની વાત રજૂ કરવાની યોગ્ય તક આપ્યા વગર મતદાર યાદીમાંથી દૂર ન કરવામાં આવે.

આ સાથે જ કેસનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી રાજ્યોમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા પર વચગાળાનો મનાઇહુકમ મેળવવાની માંગ પણ કરવામાં આવી છે.

જ્ઞાનેશકુમારના નિર્ણયો પર શું સવાલો છે?

બીબીસી ગુજરાતી રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને ચૂંટણીપંચ વિરુદ્ધ અરજી કરી છે.

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ચૂંટણી પંચની અંદર નિર્ણયો લેવાની પ્રક્રિયા પણ છે.

આ આરોપો ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ની એક તપાસાત્મક રિપોર્ટ પછી વધુ તેજ બન્યા હતા.

અખબારે દસ્તાવેજોના આધારે દાવો કર્યો હતો કે, ચૂંટણી આયુક્તો સુખબીરસિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત ચૂંટણી પંચના નામે લેવામાં આવેલા કેટલાક નિર્ણયો અને જારી થયેલા આદેશો સામે ઔપચારિક વાંધા નોંધાવ્યા હતા.

બંને કમિશનરોના વાંધા નવા મતદારોની નોંધણી, મતદારોનાં નામ દૂર કરવા અને ફરીથી ઉમેરવા તેમજ મતદાર ડેટાબેઝની સુરક્ષા જેવા મુદ્દાઓ સાથે સંબંધિત હતા.

રિપોર્ટ મુજબ, કેટલાક કેસોમાં બંને ચૂંટણી કમિશનરોએ કહ્યું હતું કે નિર્ણયો તેમની જાણ બહાર લેવાયા હતા. એક કેસમાં સંધૂએ ચૂંટણી પંચના એક પગલાને કથિત રીતે “બિનઅધિકૃત અને ગેરકાયદેસર” પણ ગણાવ્યું હતું.

જોકે, ચૂંટણી પંચે આ વિવાદ સાથે જોડાયેલા કેટલાક દાવાઓ પર સ્પષ્ટતા પણ આપી હતી.

આયોગનું કહેવું હતું કે, સંધૂ અને જોશી દ્વારા કૅબિનેટ સચિવને મોકલાયેલા પત્રો ડૅપ્યુટેશન પર નિયુક્ત એક અધિકારી સાથે સંબંધિત હતા અને તેમનો પંચની નીતિ અથવા આઈટી વિભાગના મુદ્દાઓ સાથે કોઈ સંબંધ નહોતો.

ચૂંટણી પંચ અને ભાજપ અગાઉ પણ રાહુલ ગાંધી અને કૉંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા ચૂંટણીમાં ગરબડ તથા “વોટ ચોરી”ના આરોપોને ફગાવી ચૂક્યા છે.

અરજદારોમાં કોણ-કોણ સામેલ છે?

બીબીસી ગુજરાતી રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને ચૂંટણીપંચ વિરુદ્ધ અરજી કરી છે.

  • કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
  • તૃણમૂલ કૉંગ્રેસના સૌગત રોય
  • સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ
  • આરજેડીના તેજસ્વી યાદવ
  • શિવસેના (યુબીટી)ના સંજય રાઉત
  • સીપીઆઈ (એમ)ના એમ. એ. બૅબી
  • સીપીઆઈના ડી. રાજા સામેલ છે.

આ ઉપરાંત:

  • ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)નાં મહુઆ માજી
  • એનસીપી (શરદચંદ્ર પવાર)નાં સુપ્રિયા સુલે
  • ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ઈ. ટી. મોહમ્મદ બશીર પણ અરજદારોમાં સામેલ છે.

લાઇવ લૉ મુજબ, આ કેસનું નામ રાહુલ ગાંધી વિરુદ્ધ ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા છે અને તેની સુનાવણી એસઆઈઆર સંબંધિત અન્ય બાકી અરજીઓ સાથે કરવામાં આવશે.

ગુરુવારે મહારાષ્ટ્રમાં એસઆઈઆરને પડકારતી બીજી એક અરજીને પણ રાહુલ ગાંધીની અરજી સાથે સાંભળવાની માંગ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેનો ઇન્કાર કરતાં મૌખિક રીતે કહ્યું કે, તે એસઆઈઆર સંબંધિત મુદ્દાઓને રાજ્યવાર જોવા માંગે છે, બધાં રાજ્યો માટે એક જ સામાન્ય કેસ તરીકે નહીં.

12 ઑક્ટોબરની માર્ચ પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

રાહુલ ગાંધી અને અનેક વિપક્ષી નેતાઓએ 12 ઑક્ટોબરે એસઆઈઆર અને ચૂંટણી આયોગના કામકાજ વિરુદ્ધ એક માર્ચ યોજી હતી. ત્યારબાદ આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

આ માર્ચને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અલગ અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેમાં અદાલતોની આસપાસ રાજકીય પ્રદર્શનોને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા ઘડવાની અને કેટલાક નેતાઓના વર્તનની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

ગુરુવારે આ અલગ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી અને રાજકીય પ્રદર્શન દ્વારા ન્યાયતંત્ર પર દબાણ લાવવાના પ્રયાસોને લઈને કડક ટિપ્પણી કરી.

લાઇવ લૉ મુજબ, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, અદાલત પર કોઈ દબાણ લાવી શકતું નથી અને અદાલત જાણે છે કે નેતાઓ બહાર શું કહે છે અને અદાલતમાં શું કહે છે?

આ સુનાવણી રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓની એસઆઈઆરને પડકારતી મૂળ અરજીથી અલગ છે.

દિલ્હીમાં પ્રદર્શનો વચ્ચે અદાલત સુધી પહોંચેલો મામલો

એસઆઈઆર અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં સતત વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટે 11 ઑક્ટોબરે વિશેષ સુનાવણી દરમિયાન પોલીસને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ, વકીલો અને પત્રકારોને ગેરકાયદેસર રીતે અટકાયતમાં ન લેવા સૂચના આપી હતી.

અદાલતે દિલ્હીમાં મેટ્રો સ્ટેશનો બંધ કરવાના મુદ્દે પણ સત્તાવાળાઓ પાસેથી જવાબ માગ્યો હતો.

હાલમાં રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓની એસઆઈઆર સંબંધિત અરજીમાં સુપ્રીમ કોર્ટે આરોપો અંગે કોઈ અંતિમ નિર્ણય આપ્યો નથી. અદાલતે ચૂંટણી આયોગ અને તેના અધિકારીઓ પાસેથી જવાબ માગ્યો છે અને કેસને એસઆઈઆર સંબંધિત અન્ય બાકી અરજીઓ સાથે જોડ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS