Source : BBC NEWS
ઇમેજ સ્રોત, AFP via Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
શેરબજારોમાં રોકાણ કરવામાં રસ ધરાવનારા ઘણી વાર આ પ્રશ્ન પૂછતા હોય છે. તેનો જવાબ સીધો ‘હા’ કે ‘ના’માં હોઈ શકે છે, પરંતુ તેના માટે આપણે કેટલીક પાયાની અને કાનૂની વાતો સમજવી જરૂરી છે.
તો, ભારતમાંથી વિદેશમાં રોકાણ કરવાની કાયદેસર પદ્ધતિ શી છે?
ભારતીય રિઝર્વ બૅન્ક એટલે કે આરબીઆઇ ભારતીયોને વૈશ્વિક સ્તરે રોકાણ કરવાની મંજૂરી આપે છે. ભારતીયો દ્વારા વિદેશમાં કરાતા રોકાણને વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (ફૉરેન એક્સ્ચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ – ફેમા) અને ઉદાર રેમિટન્સ યોજના (લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ – એલઆરએસ) હેઠળ નિયંત્રિત કરવામાં આવે છે.
એલઆરએસ હેઠળ કોઈ પણ ભારતીય નિવાસી દર નાણાકીય વર્ષમાં 2,50,000 ડૉલર સુધીની રકમ વિદેશ મોકલી શકે છે, જેમાં વિદેશી શૅરોમાં રોકાણ પણ સામેલ છે. જોકે, આ રકમ આરબીઆઇના નિયમ-કાયદા હેઠળ જ મોકલવી જોઈએ.
વિદેશમાં રોકાણ માટેના નિયમ
ઇમેજ સ્રોત, Getty Images
આરબીઆઇએ વિદેશમાં રોકાણ માટે નિયમ બનાવ્યા છે અને તેમને મુખ્યત્વે બે શ્રેણીમાં વહેંચ્યા છે :
ઓવરસીઝ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (ઓડીઆઇ) : આમાં સામાન્ય રીતે અનલિસ્ટેડ વિદેશી કંપનીઓમાં ઇક્વિટી ખરીદવાનું કહેવાય છે. આમાં એવા મામલા પણ સામેલ છે જેમાં કોઈ રોકાણકાર કોઈ લિસ્ટેડ વિદેશી કંપનીમાં 10 ટકા કરતાં વધારે હિસ્સો રાખતા હોય.
ઓવરસીઝ પૉર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ : આમાં એવાં ઇક્વિટી રોકાણનો સમાવેશ થાય છે, જે ઓડીઆઇની શ્રેણીમાં નથી આવતાં. ઉદાહરણ તરીકે લિસ્ટેડ વિદેશી કંપનીઓમાં 10 ટકા કરતાં ઓછો હિસ્સો ખરીદવો કે નિયમન ધરાવતાં આંતરરાષ્ટ્રીય ફંડ્સ (રેગ્યુલેટેડ ઇન્ટરનેશનલ ફંડ્સ)માં રોકાણ કરવું.
અમેરિકન કંપનીઓના શૅર ખરીદી શકો છો?
ઇમેજ સ્રોત, Getty Images
તો શું તમે સીધા ટેસ્લા કે ઍપલ જેવી અમેરિકન કંપનીઓના શૅર ખરીદી શકો છો?
ઓવરસીઝ પૉર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ નિયમો હેઠળ તમે વિદેશી ટ્રેડિંગ એકાઉન્ટ ખોલીને ટેસ્લા, ઍપલ કે માઇક્રોસૉફ્ટ જેવી કંપનીઓના શૅરમાં સીધું રોકાણ કરી શકો છો, પરંતુ કેટલીક શરતો સાથે :
કોઈ વિદેશી કંપનીમાં તમારી ભાગીદારી સામાન્ય રીતે 10 ટકાથી ઓછી હોવી જોઈએ (રિટેલ રોકાણકાર સામાન્ય રીતે આનાથી ઘણો ઓછો હિસ્સો રાખે છે). બીજા રોકાણકાર કંપની પર નિયંત્રણ નથી રાખી શકતા. સાથે જ રોકાણ માટે એલઆરએસ હેઠળ માન્ય બૅન્કિંગ ચૅનલ્સનો ઉપયોગ કરવો આવશ્યક છે.
ભારતમાંથી વિદેશી શૅરોમાં રોકાણ કરવાની અલગ-અલગ રીતો છે.
વિદેશી શૅરોમાં રોકાણ કરવા માટે કોઈ એક જ રસ્તો નથી. તમે તમારી સગવડ, રોકાણની રકમ અને અનુભવના આધારે વિકલ્પ પસંદ કરી શકો છો.
આંતરરાષ્ટ્રીય બ્રોકર દ્વારા રોકાણ
ઇમેજ સ્રોત, Getty Images
આ આજના સમયમાં સૌથી લોકપ્રિય રીત છે. તેના માટે તમે આ પગલાં ભરી શકો છો :
એવા પ્લૅટફૉર્મ પર એકાઉન્ટ ખોલો જે અમેરિકન શૅરોમાં રોકાણની સગવડ આપતું હોય, એલઆરએસ હેઠળ વિદેશમાં પૈસા ટ્રાન્સફર કરો અને રૂપિયાને ડૉલરમાં બદલો.
ઘણાં ભારતીય ફિનટેક પ્લૅટફૉર્મ વિદેશી બ્રોકરો સાથે ભાગીદારી કરીને વૈશ્વિક રોકાણને સરળ બનાવે છે. જે એકાઉન્ટ ખોલવા, ફંડ ટ્રાન્સફર અને કમ્પ્લાયન્સ પ્રોસેસ (પાલન પ્રક્રિયા)ને આસાન કરે છે. આ એવા શરૂઆતના રોકાણકારો માટે ઉપયોગી છે જે જટિલ પ્રક્રિયાઓથી બચવા માગે છે.
ભારતીય વિદેશી કંપનીઓના ઍમ્પ્લોયી સ્ટૉક્સ ઑપ્શન પ્લાન એટલે કે ઈસૉપ્સમાં રોકાણ કરી શકે છે, જો તેઓ એ કંપનીની ભારતીય શાખા કે એવા ભારતીય એકમમાં કામ કરતા હોય જેમાં વિદેશી કંપનીની ભાગીદારી હોય.
ઈસૉપ્સને જુદી રીતે જોવામાં આવે છે. તેને આરબીઆઇનાં પ્રતિબંધિત સેક્ટર્સમાં પણ મંજૂરી મળી શકે છે અને તે 10 ટકાની સીમામાં બંધાયેલા નથી હોતા.
વિદેશમાં રોકાણ કરતાં પહેલાં ટૅક્સની અસરને સમજવી પણ જરૂરી છે. ઇક્વિટીથી થનારા લાભ કૅપિટલ ગેન ટૅક્સ હેઠળ આવે છે, જ્યારે ડિવિડન્ડ અને વ્યાજ ‘અન્ય સ્રોતોની આવક’ હેઠળ ટૅક્સપાત્ર હોય છે. બધી વિદેશી સંપત્તિઓની માહિતી આવકવેરા રિટર્નમાં આપવી જરૂરી છે. નિયમોનું પાલન ન થાય તો દંડ થઈ શકે છે.
પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તમારે વૈશ્વિક શૅરોમાં રોકાણ કરવું જોઈએ?
વૈશ્વિક શેરોમાં રોકાણ કરવાનો નિર્ણય તમારાં નાણાકીય લક્ષ્યો પર આધાર રાખે છે. જોકે, કોઈ પણ રોકાણ નિર્ણય કરતાં પહેલાં નાણાકીય નિષ્ણાતની સલાહ લેવી હંમેશાં ઉચિત માનવામાં આવે છે. રોકાણ સાથે સંકળાયેલાં જોખમોને સારી રીતે સમજવાં જરૂરી છે, જેથી તમે તમારા રોકાણમાં વિવિધતા લાવીને વધુ સારો લાભ મેળવી શકો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







