Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ
વૈજ્ઞાનિકોએ આપેલી ચેતવણી અનુસાર, વિશ્વનું હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે અને તેની અસર વિશ્વના અનેક ભાગો પર પણ પડી રહી છે.
ગુજરાત સહિત ભારતમાં પણ ચોમાસામાં આવેલા પરિવર્તન પાછળ એક કારણ અલ નીનોની સ્થિતિને પણ માનવામાં આવે છે.
એક નવા આંકડામાં માહિતી સામે આવી છે કે માનવસર્જિત આબોહવા પરિવર્તન અને વધુ મજબૂત બની રહેલી અલ નીનોની સ્થિતિ અને હવામાન ગતિવિધિને કારણે વિશ્વના મહાસાગરોનું તાપમાન અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.
યુરોપિયન કૉપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના આંકડા અનુસાર, ધ્રુવીય વિસ્તારો સિવાયના વિશ્વના સમુદ્રોની સપાટીનું સરેરાશ તાપમાન શનિવારે 21.1 ડિગ્રી સેલ્સિયસ (70°F) સુધી પહોંચી ગયું હતું.
આ આંકડા એટલા વધારે છે કે એણે માર્ચ 2024માં નોંધાયેલા 21.09 ડિગ્રી સેલ્સિયસના અગાઉના રેકૉર્ડને પાછળ છોડી દીધા છે અને વર્ષના આ સમયગાળા માટેના સરેરાશ કરતાં ઘણા વધારે છે.
મહાસાગરોનું વધતું તાપમાન વ્યાપક અસર પેદા કરી શકે છે, જેમાં આત્યંતિક હવામાનને વધુ તીવ્ર બનાવવું, સમુદ્ર સપાટીનું સ્તર વધારવું અને દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડવાનો સમાવેશ થાય છે.
કૉપરનિકસનાં ઉપનિદેશક ડૉ. સમંથા બર્ગેસે કહે છે કે “આ રેકૉર્ડ વધતા દબાણ હેઠળના મહાસાગરોનો વધુ એક સ્પષ્ટ સંકેત છે.”
તેમણે વધુમાં ઉમેર્યું, “અલ નીનો આ પ્રણાલીમાં વધુ ગરમી ઉમેરી રહી છે, એટલું જ નહીં તે દાયકાઓથી ચાલી રહેલા માનવસર્જિત તાપમાન વધારામાં ઉમેરણ પણ કરી રહી છે.”
આ આંકડા સમુદ્રની સપાટીથી 10 મીટર નીચેના પાણીના તાપમાન પર આધારિત છે. તેમાં બૉય (દરિયાઈ ટ્રાફિકને દર્શાવતાં સંકેત), જહાજો અને ઉપગ્રહો દ્વારા મેળવાયેલા માપનો ઉપયોગ કરીને વૈશ્વિક અંદાજ બાંધીને તૈયાર કરવામાં આવ્યા છે.
અલ નીનોની સ્થિતિ પહેલાં તાપમાન વધવા લાગ્યું

જોકે રેકૉર્ડ તૂટવાનો તફાવત હાલમાં ખૂબ નાનો છે અને આવા વૈશ્વિક અંદાજોમાં કેટલીક અનિશ્ચિતતા પણ હોય છે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેનો સમય પણ ખાસ નોંધપાત્ર છે.
સામાન્ય રીતે વૈશ્વિક સ્તરે સમુદ્રના તાપમાનની વાર્ષિક ટોચ માર્ચ અથવા એપ્રિલમાં જોવા મળે છે, જે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળાની ઋતુના અંત સાથે સંબંધિત હોય છે, એટલે કે ઑગસ્ટમાં નહીં.
દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વીના મહાસાગરોનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધ કરતાં વધુ હોવાથી વૈશ્વિક સમુદ્રી તાપમાન પર તેની અસર પણ વધુ હોય છે.
વૈજ્ઞાનિકોને ખાસ ચિંતા એ બાબતની છે કે અલ નીનોની સ્થિતિ તેની અપેક્ષિત ટોચ સુધી પહોંચી પણ નથી અને તે પહેલાં જ મહાસાગરોનું તાપમાન આટલું ઊંચું પહોંચી ગયું છે.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ખરેખર તો અલ નીનોની સ્થિતિ દરમિયાન પૂર્વીય અને મધ્ય ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં અસામાન્ય રીતે ગરમ પાણી સપાટી પર આવે છે. આટલા મોટા વિસ્તારમાં ગરમ પાણી હોવાના કારણે વૈશ્વિક સરેરાશ તાપમાનમાં પણ વધારો થાય છે.
અલ નીનો ક્રિસમસ સુધી વધુ મજબૂત બનવાની શક્યતા છે અને વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે તે સદીઓમાં સૌથી શક્તિશાળી અલ નીનોમાંની એક બની શકે છે.
આ પરિસ્થિતિ મહાસાગરોના તાપમાનમાં વધુ વધારો કરી શકે છે.
સાઉથહેમ્પ્ટનસ્થિત નૅશનલ ઑશનોગ્રાફી સેન્ટરના વરિષ્ઠ સંશોધક ડૉ. જેરેમી ગ્રિસ્ટે જણાવ્યું, “આપણે પહેલેથી જ નવા રેકૉર્ડ બનાવી રહ્યા છીએ, તે બતાવે છે કે અલ નીનોની સ્થિતિ કેટલી શક્તિશાળી બની રહી છે.”
તેમણે ઉમેર્યું, “જો બધી પરિસ્થિતિઓ સરખી રહે તો માર્ચ અથવા એપ્રિલ 2027માં સમુદ્રી તાપમાનનો રેકૉર્ડ ફરી તૂટી શકે છે.”
દરિયાની વધતી સપાટી માનવજાત માટે કેટલી જોખમી?
ઇમેજ સ્રોત, Getty Images
અલ નીનોના કેન્દ્રથી દૂર આવેલા વિસ્તારોમાં પણ પાણી અસામાન્ય રીતે ગરમ છે, જેમાં બ્રિટન અને યુરોપની આસપાસના સમુદ્રોનો પણ સમાવેશ થાય છે.
પ્રોફેસર ટિમ સ્મિથ પ્લાયમથ મરીન લૅબોરેટરીના વિજ્ઞાન નિયામક છે, તેમના જણાવ્યા મુજબ પશ્ચિમ ઇંગ્લિશ ચૅનલમાં ત્રણ વર્ષથી વધુ સમયથી સતત દરિયાઈ ગરમીની લહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને જુલાઈમાં તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું.
તેમણે કહ્યું કે “આ અભૂતપૂર્વ છે.”
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિશ્વભરના મહાસાગરોમાં જોવા મળતી આ વ્યાપક ગરમી એ સ્પષ્ટ સંકેત છે કે માનવસર્જિત આબોહવા પરિવર્તનની અસર વધતી જઈ રહી છે.
મહાસાગરો માનવજાત દ્વારા ઉત્સર્જિત ગ્રીનહાઉસ વાયુઓના કારણે અટવાયેલી વધારાની ગરમીમાંથી 90 ટકાથી વધુ ગરમી શોષી લે છે, જે મુખ્યત્વે અશ્મિ ઈંધણના ઉપયોગથી ઉત્પન્ન થાય છે.
પ્રોફેસર સ્મિથે જણાવ્યું કે “કૉપરનિકસના તાજેતરના આંકડાઓ મહાસાગર તાપમાનમાં સતત વધતી જતી ચિંતાજનક પ્રવૃત્તિને વધુ મજબૂત બનાવે છે.”
ગરમ સમુદ્રો વધુ આત્યંતિક હવામાનને વેગ આપે છે. તે વાવાઝોડાંને વધારાનાં ભેજ અને ઊર્જા પૂરી પાડે છે અને કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રી પવનોની ઠંડી અસર ઘટાડીને જમીન પર ગરમીની લહેરોને વધુ તીવ્ર બનાવી શકે છે.
ગરમ પાણી વધુ જગ્યા રોકે છે, જેના કારણે સમુદ્ર સપાટીમાં વધારો થાય છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ વધે છે. સાથે જ મહાસાગરોમાં વધતી ગરમી કોરલ રીફ્સ જેવા દરિયાઈ આવાસો માટે વિનાશક સાબિત થઈ શકે છે.
ડૉ. બર્ગેસના જણાવ્યા મુજબ, દરિયાઈ ગરમીની લહેરોની વધતી ગતિવિધિઓ પહેલેથી જ દરિયાઈ પર્યાવરણ અને તેના પર આધાર રાખતા સમુદાયો પર દબાણ ઊભું કરી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
શૉર્ટ વીડિયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
-

વીડિયો, સુરત: જ્યારે એક બહેને મૃત ભાઈના ‘ધબકારા’ને રાખડી બાંધી, અવધિ 1,41
-

વીડિયો, પળવારમાં બધું જ વેરવિખેર : નેપાળમાં પૂરની ભયાનક ક્ષણ, અવધિ 1,00
-

વીડિયો, સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે, વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?, અવધિ 1,12
-

વીડિયો, સુરતની લાજપોર જેલમાં રાખડી બંધાવી કેદીઓ ભાવુક થયા, અવધિ 1,18
-

વીડિયો, નેપાળમાં પૂર બાદ તબાહી, સ્વજનોને શોધતાં લોકો શું બોલ્યા?, અવધિ 2,33
-

વીડિયો, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?, અવધિ 1,17
-

વીડિયો, યુક્રેનમાં 10 વર્ષીય દીકરી અચાનક સૈનિક પિતાને જોઈ ભાવુક થઈ, અવધિ 0,34
-

વીડિયો, સુરત : મચ્છી માર્કેટને નરેન્દ્ર મોદીનું નામ અપાતાં વિવાદ કેમ થયો?, અવધિ 1,52
-

વીડિયો, દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં દુષ્કાળનો ડર, ખેડૂતોએ શું માગ કરી?, અવધિ 2,48
-

વીડિયો, ખાંડ મોંઘી, હવે ચા પણ મોંઘી, રાજકોટવાસીઓએ શું કહ્યું?, અવધિ 1,42
શૉર્ટ વીડિયોનો અંત
SOURCE : BBC NEWS














