Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Cortesía Ministerio Público de Panama
હોસે એન્ટોનિયો ગોન્ઝાલેઝને લાગતું હતું કે 19 જુલાઈ, 1994ની સાંજે ફ્લાઇટ 901થી શરૂ થયેલી તેમની હવાઈ મુસાફરી પછી હજી તેમને ઘણી વાર વિમાનમાં મુસાફરી કરવાની હતી.
તેમનાં માતા માર્તા માર્કેઝ કહે છે, “એ વર્ષે મે મહિનામાં જ તે 19 વર્ષનો થયો હતો. થોડા દિવસ પહેલાં જ તેણે અમેરિકામાં પાઇલટની તાલીમ પૂરી કરી હતી. તે પોતાના પિતાની જેમ પાઇલટ બનવા માગતો હતો. તેણે ફ્લાઇટ સુપરવાઇઝર બનવાની તાલીમ પણ શરૂ કરી હતી અને તેને કારણે તે ખૂબ ઉત્સાહિત હતો.”
બીજી તરફ, 35 વર્ષના વેપારી સાઉલ શ્વાર્ટ્ઝ માટે આ રોજના જેવી જ સામાન્ય મુસાફરી હતી. તેઓ પનામાના બીજા સૌથી મોટા શહેર કોલોનના ફ્રી ઝોનમાં વેપાર કરતા હતા.
આ નાનકડી હવાઈ મુસાફરી તેમને કોલોનથી પનામા સિટીમાં આવેલા તેમના ઘરે લઈ જતી હતી. વિમાનમાં બેઠેલા 18 મુસાફરોમાંથી મોટા ભાગના લોકો પણ આ જ માર્ગે આવ-જા કરતા હતા.
ઉડાનના 10 મિનિટમાં જ વિમાનમાં થયો વિસ્ફોટ
કોલોન દુનિયાનો બીજા ક્રમનો સૌથી મોટો ફ્રી ટ્રેડ ઝોન છે. લેટિન અમેરિકામાં માલસામાનના પુરવઠાનું પણ તે એક મોટું કેન્દ્ર છે.
પરંતુ ફ્રાન્સ ફિલ્ડ ઍરપૉર્ટ પરથી ઉડાનના માત્ર 10 મિનિટ બાદ વિમાન હવામાં ફાટ્યું. તેનો કાટમાળ સાન્તા રીટા પર્વતની ઢોળાવો પર વિખેરાઈ ગયો. કોઈ જીવતું બચ્યું નહીં.
આ ઘટનાને ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો છે. આટલાં વર્ષો સુધી આ મામલો રહસ્યમય જ રહ્યો અને અનેક સવાલોના જવાબ મળ્યા નહીં. પરંતુ હવે તેની હકીકત બહાર આવવાની આશા પહેલાં કરતાં વધુ જણાઈ રહી છે.
તાજેતરમાં વેનેઝુએલાએ આ કેસના એક આરોપીને પનામાના હવાલે કર્યો છે. ઇઝરાયેલનું માનવું છે કે તેનો સંબંધ હિઝ્બુલ્લાહ સાથે છે.
પનામાના સરકારી વકીલો હવે એ આશંકાની તપાસ કરી રહ્યા છે કે આ એક આતંકવાદી હુમલો હોઈ શકે છે.
આ વાત સાબિત થશે, તો પનામાના ઇતિહાસમાં આ પ્રકારનો સૌથી ઘાતક હુમલો હશે.
આ કેસનાં સરકારી વકીલ જિયોમારા ગ્વેરાએ બીબીસી મુન્ડોને કહ્યું, “અમને કેટલાક નવા પુરાવા મળ્યા છે. સત્ય બહાર લાવવા માટે આ પુરાવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એમ અમારું માનવું છે. અમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ.”
આરંભિક તપાસમાં કોઈ મોટી સફળતા મળી નહીં
એ કમનસીબ દિવસે પોતાનાં સગાંને શોધવા સાન્તા રીટાની ટેકરીઓ પર સૌથી પહેલાં પહોંચનારા લોકોમાં એબ્નેર બેનેઇમ પણ હતા. તેઓ પનામાના ફિલ્મ નિર્માતા અને સાઉલ શ્વાર્ટ્ઝના ભાણેજ છે.
તેમણે બીબીસી મુન્ડોને કહ્યું, “વરસાદ પડી રહ્યો હતો અને ચારે તરફ કાદવ હતો. હું ઘણે દૂર સુધી પગપાળા ચાલ્યો હતો. આજે પણ મને ખબર નથી કે કેટલું ચાલ્યો હતો. કેટલાક લોકો કહે છે કે અમે એક નદી પણ પાર કરી હતી. છેવટે અમે એ ખેતર સુધી પહોંચ્યા, જ્યાં વિમાન તૂટી પડ્યું હતું.”
પોલીસ ઘટનાસ્થળે પહેલાં જ પહોંચી ગઈ હતી. એક પોલીસ અધિકારીએ એબ્નેરને અંદર જતા રોક્યા.
એબ્નેર યાદ કરતાં કહે છે, “મેં તેમને કહ્યું કે હું એક મુસાફરનો સગો છું અને મદદ કરવા માગું છું. તેમણે કહ્યું, ‘ના, ના… બધાં મૃત્યુ પામ્યાં છે.'”
એ જ સમયે એબ્નેરના મનમાં એક ડૉક્યુમેન્ટરી બનાવવાનો વિચાર આવ્યો. ઘણાં વર્ષો પછી આ ડૉક્યુમેન્ટરી તૈયાર થઈ.
આ તેમના માટે અતિશય અંગત કહાણી છે. સાથે સાથે, આ ઘટના સાથે જોડાયેલા એવા સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ પણ છે, જેના જવાબ અત્યાર સુધી મળ્યા નથી.
આ જ વર્ષે રિલીઝ થયેલી તેમની ડૉક્યુમેન્ટરી ‘ટ્રોપિકલ પેરેડાઇઝ’ના એક દૃશ્યમાં એબ્નેર પોતાના મનોવિજ્ઞાનીને કહે છે, “1994માં મારા મામા સાથે અચાનક શું બન્યું હતું, એ મારી જિંદગીનો સૌથી મોટો સવાલ બની ગયો. એમ લાગ્યું જાણે કે વિમાન મારી ઉપર જ તૂટ્યું હોય.”
હકીકતમાં શું થયું હતું? તેની પાછળ કોણ હતું? તેમાં કોણે મદદ કરી? નિશાન કોણ હતું? અને આ ઘટના પનામામાં જ કેમ બની?
ઇમેજ સ્રોત, Cortesía Ministerio Público de Panama
સમય જતાં કેટલાક સવાલોના જવાબ મળ્યા, પરંતુ અનેક સવાલો આજે પણ રહસ્ય જ છે. આ રહસ્ય એટલું જ ગાઢ છે, જેટલું વરસાદની ઋતુમાં કૅરેબિયન કાંઠાની ટેકરીઓને ઢાંકી દેતું ધુમ્મસ.
આ દુર્ઘટનાના થોડા સમય પછી જ ખબર પડી ગઈ હતી કે મૃત્યુ પામેલાં 21 લોકોમાં વિમાનના ક્રૂના સભ્યો પણ સામેલ હતા. માર્યા ગયેલામાંથી 12 પનામાના યહૂદી સમુદાયના હતા. સાઉલ શ્વાર્ટ્ઝ પણ તેમાં સામેલ હતા. મૃતકોમાં ત્રણ અમેરિકન નાગરિકો પણ હતા.
થોડા દિવસ પછી એક સિવાયના બાકીના તમામ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા.
એ મૃતદેહ પર ગંભીર ઈજાઓનાં નિશાન હતાં. અન્ય પુરાવાઓની તપાસ કર્યા પછી ફોરેન્સિક તપાસકર્તાઓએ માન્યું કે આ મૃતદેહ કદાચ એ વ્યક્તિનો હતો, જે વિમાનમાં વિસ્ફોટક લઈને આવ્યો હતો.
એમ મનાય છે કે આ વિસ્ફોટકને કારણે વિમાન હવામાં ફાટ્યું હતું.
પછી આ વ્યક્તિની ઓળખ ‘લિયા જમાલ’ અથવા ‘અલી હવા જમાલ’ તરીકે કરવામાં આવી હતી. તે સીટ નંબર છ પર બેઠો હતો. કહેવાય છે કે તેણે વાયરલેસ ઉપકરણમાં છુપાવેલા બૉમ્બથી વિસ્ફોટ કર્યો હતો.
આ ઘટના બ્યુનોસ આયર્સમાં આવેલા આર્જેન્ટિનાના યહૂદી સહાયતા કેન્દ્ર ‘આમિયા’ પર થયેલા ઘાતક બૉમ્બ વિસ્ફોટના માત્ર 24 કલાક પછી બની હતી.
આમિયા પર થયેલા કાર બૉમ્બ હુમલામાં 85 લોકો માર્યા ગયા હતા. આ હુમલાનો કેસ પણ હજુ સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ સુધી પહોંચ્યો નથી.
બંને ઘટનાઓ વચ્ચે આટલો ઓછો સમયગાળો હોવાથી ફ્લાઇટ 901ની તપાસ વધુ મુશ્કેલ બની ગઈ.
આ કેસમાં બે શક્યતાઓ જણાઈ હતી
પહેલી શક્યતા એ હતી કે આ હુમલો યહૂદી સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. બની શકે કે આ હુમલો હૂતી બળવાખોરોએ કર્યો હોય. હૂતી યમનનું ‘શિયા અન્સાર અલ્લાહ આંદોલન’ છે, જેનો સંબંધ હિઝ્બુલ્લાહ સાથે હોવાનું કહેવાય છે.
બીજી શક્યતા એ હતી કે આ ઘટના કોઈ વ્યક્તિ સાથે ‘હિસાબ ચૂકતે કરવા’ માટે કરવામાં આવી હોય. એવી આશંકા હતી કે એ વ્યક્તિનો સંબંધ કૉલંબિયાની ડ્રગ કાર્ટેલ સાથે હતો.
પનામામાં તપાસની દિશા ઘણી વખત બદલાઈ. છેવટે કોઈ મોટી સફળતા મળ્યા વિના કેસ બંધ કરી દેવામાં આવ્યો.
બીબીસી મુન્ડોએ તે સમયે આ કેસના સરકારી વકીલ રહી ચૂકેલા હુઆન એન્ટોનિયો તેહાડાનો ઇન્ટરવ્યૂ લેવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમણે કહ્યું કે આ વિશે હાલના સરકારી વકીલો સાથે વાત કરવી જોઈએ.
આ દરમિયાન આર્જેન્ટિનાના ન્યાયતંત્રે પણ અલગથી તપાસ કરી હતી. તેનાં તારણો એક ગુપ્ત ફાઇલમાં નોંધાયેલાં છે.
ઘણાં વર્ષો પછી ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીઓ અને અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ આ કેસ વિશે કેટલીક માહિતી આપી.
ત્યાર પછી પનામા સરકારે 2018માં આ કેસ ફરી ખોલવાની માગણી કરી.
કેસ ફરી ખોલવામાં આવ્યો
આ કેસ પનામાના તત્કાલીન રાષ્ટ્રપતિ હુઆન કાર્લોસ વારેલા માટે પણ અંગત હતો.
તેમણે બીબીસી મુન્ડોને કહ્યું, “કૉલેજના મારા સહાધ્યાયી મૌરિસિયો હારોસ પણ એ જ વિમાનમાં હતા. અમે ઍટલાન્ટાની જ્યૉર્જિયા ટેકમાં ચાર વર્ષ સાથે ભણ્યા હતા. અમારા રૂમ એકમેકની બાજુમાં હતા. છેલ્લા વર્ષે તેઓ મારી સાથે જ રહેતા હતા.”
વારેલા કહે છે કે બંને પરિવારો પનામા પરત ફર્યા પછી તેમની મિત્રતા વધુ ગાઢ બની હતી.
2009માં વારેલા ઉપરાષ્ટ્રપતિ બન્યા. ત્યાર પછી તેમણે આ કેસ વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું. તેઓ બોગોટામાં ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદના એજન્ટોના સંપર્કમાં પણ હતા.
પછી તેમને એફબીઆઈના એક એજન્ટ પાસેથી પણ વધુ માહિતી મળી. આ એજન્ટે આ ઘટનાની તપાસ કરી હતી. વારેલા રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમની આ એજન્ટ સાથે મુલાકાત થઈ હતી.
ઇઝરાયેલની સરકારી મુલાકાત દરમિયાન વારેલાને બેન્જામિન નેતન્યાહૂનો એક પત્ર પણ મળ્યો હતો. આ પત્ર મળ્યા પછી તેમણે કેસ ફરી ખોલવાની માગણી કરી.
નેતાન્યાહૂએ પત્રમાં લખ્યું હતું કે ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીઓ પાસે એવા પુરાવા છે, જેનાથી જણાય છે કે વિમાનમાં થયેલો વિસ્ફોટ “સ્પષ્ટપણે આતંકવાદી હુમલો” હતો.
ત્યાર પછી મે 2018માં હુઆન કાર્લોસ વારેલાએ એક પત્રકાર પરિષદ યોજી.
તેમણે કહ્યું, “અમે પનામાના અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને મળીશું. અમે તેમને અલાસ ચિરિકાનાસ કેસ સત્તાવાર રીતે ફરી ખોલવાની માગણી કરીશું. અમે ઇચ્છીએ છીએ કે આ હુમલા માટે જવાબદાર લોકોની ઓળખ થાય અને તેમની સામે કેસ ચલાવવામાં આવે.”
પનામાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ બીબીસી મુન્ડોને કહ્યું, “મારા મિત્રને ન્યાય અપાવવો એ મારું લક્ષ્ય બની ગયું હતું.”
વારેલાને ખુદને પણ ઓડેબ્રેખ્ટ કેસમાં અદાલતમાં હાજર થવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસ લેટિન અમેરિકાના સૌથી મોટા અને સૌથી વધુ વિવાદાસ્પદ ભ્રષ્ટાચારના કેસોમાંનો એક છે.
સરકારી વકીલોના જણાવ્યા અનુસાર, આ કેસ બ્રાઝિલની એક બાંધકામ કંપની સાથે સંકળાયેલો હતો. તેમાં લગભગ 10 દેશોના અનેક નેતાઓ, સરકારી અધિકારીઓ અને વેપારીઓનાં નામ પણ બહાર આવ્યાં હતાં. આ કેસ 2005થી 2014ના અરસાનો હતો.
હુઆન કાર્લોસ વારેલાએ તે સમયે ઓડેબ્રેખ્ટ કે અન્ય કોઈ સરકારી કૉન્ટ્રાક્ટર પાસેથી “ગેરકાયદે રીતે નાણાં મેળવ્યા” હોવાનો ઇન્કાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે તેઓ કેસમાં “પરિણામોનો સામનો કરવા” તૈયાર છે.
મધ્ય અમેરિકાની સંસદના સભ્ય હોવાથી તેમના કેસની સુનવણી સુપ્રીમ કોર્ટમાં થવાની હતી.
એફબીઆઈ અને ઇઝરાયલની તપાસ
ઇમેજ સ્રોત, AFP via Getty Images
પનામામાં ચાલી રહેલી તપાસની સાથે સાથે એફબીઆઈએ પણ ‘અલાસ કેસ’ની તપાસ ચાલુ રાખી હતી.
29 મે, 2024થી એફબીઆઈએ પોતાની વેબસાઇટ પર લોકોને આ કેસ સાથે સંકળાયેલી માહિતી આપવાની અપીલ કરી છે.
વેબસાઇટ પર શંકાસ્પદ હુમલાખોર અલી હવા જમાલના ચહેરાનો એક સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યો છે.
તેની સાથે સુરક્ષા કૅમેરાથી લેવામાં આવેલી ત્રણ બ્લૅક-ઍન્ડ-વાઇટ તસવીરો પણ છે. તેમાં કેટલાક અજાણ્યા પુરુષો દેખાય છે. એમ માનવામાં આવે છે કે તેમનો આ ઘટના સાથે સંબંધ હોઈ શકે છે.
જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, 27 અને 28 મે, 1994ના રોજ મધ્યપૂર્વીય મૂળની એક અજાણ્યા વ્યક્તિએ એક અમેરિકન નાગરિકનું ચોરાયેલું ક્રૅડિટ કાર્ડ વાપર્યું હતું.
આ કાર્ડથી પનામા સિટીમાં બે એસયુવી અને બે લાઇન ધરાવતી એક ટેલિફોન સિસ્ટમ ભાડે લેવામાં આવી હતી.
બંને વાહનો પછી ટોક્યૂમૅન ઍરપૉર્ટ પાસે મળી આવ્યાં હતાં.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે, “તસવીરોમાં દેખાતા અજાણ્યા પુરુષો અલી હવા જમાલના સાથી હતા કે નહીં, એ સ્પષ્ટ નથી.”
“એમ માનવામાં આવે છે કે તેમણે કૉલંબિયા, વેનેઝુએલા, કોસ્ટા રિકા અને લેબનોનની મુસાફરી કરી હતી. એવું પણ કહેવાય છે કે તેઓ એવા લોકોના સંપર્કમાં હતા, જેમનો સંબંધ હથિયારોની હેરાફેરી સાથે હતો.”
એફબીઆઈએ એમ પણ જણાવ્યું છે કે અમેરિકાના વિદેશ મંત્રાલયે આ કેસમાં 50 લાખ ડૉલર સુધીનું ઇનામ જાહેર કર્યું છે.
આ ઇનામ એવી માહિતી માટે છે, જેના આધારે ફ્લાઇટ 901માં થયેલા વિસ્ફોટના હુમલાખોરો, તેનું કાવતરું ઘડનારાઓ અથવા તેમના સાથીઓની ધરપકડ થઈ શકે અથવા તેમને દોષિત ઠેરવી શકાય.
એફબીઆઈએ પોસ્ટર જાહેર કર્યું
ઇમેજ સ્રોત, FBI
2020માં એફબીઆઈએ વધુ એક પોસ્ટર જાહેર કર્યું હતું. તેમાં અલી ઝકી જલીલ નામની એક વ્યક્તિના ઠેકાણા બાબતે માહિતી માગવામાં આવી હતી.
તે સમયે તેમની ઉંમર આશરે 52 વર્ષ હોવાનું જણાવાયું હતું. તેમનું વજન 91 કિલોગ્રામ અને ઊંચાઈ 180 સેન્ટિમીટર હોવાનું જણાવાયું હતું.
તેમને સ્કાયડાઇવિંગમાં રસ હતો. તેઓ પુષ્કળ મુસાફરી કરતા હતા અને વેનેઝુએલાના માર્ગારિતા ટાપુ પર અનેક બાર અને રેસ્ટોરાંના માલિક હતા.
એફબીઆઈનું માનવું હતું કે તેમની પાસે આ કેસ સાથે સંકળાયેલી “ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી” હોઈ શકે છે.
બીબીસી મુન્ડોના સવાલના જવાબમાં એફબીઆઈના પ્રેસ કાર્યાલયે કહ્યું કે તેની પાસે જાહેર કરવા માટે બીજી કોઈ માહિતી નથી.
જોકે, એફબીઆઈએ એ વાતની પુષ્ટિ કરી હતી કે ઇનામ હજુ પણ ચાલુ છે.
મિયામીમાં એફબીઆઈની આતંકવાદ વિરોધી શાખાના માઇક બેનહામે ડૉક્યુમેન્ટરી બનાવનાર એબ્નેર બેનેઇમને કહ્યું કે આ કેસ હજુ પણ ખુલ્લો છે.
તેમણે જણાવ્યું કે અલગ-અલગ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલુ છે. તપાસ એજન્સીઓએ એવા ત્રણ લોકોની ઓળખ પણ કરી છે, જેમના વિશે તેઓ વધુ માહિતી મેળવવા માગે છે.
હિઝ્બુલ્લાહ પર શંકા
ઇમેજ સ્રોત, FBI
એબ્નેર બેનેઇમ આ કેસ સાથે સંકળાયેલી શક્ય એટલી તમામ વ્યક્તિઓ સાથે વાત કરવા માગતા હતા. આ જ પ્રયાસમાં તેઓ તેલ અવિવ પણ ગયા હતા.
તેમની ડૉક્યુમેન્ટરીમાં શબ્તાઈ શાવિત પણ જોવા મળે છે. તેઓ 1989થી 1996 સુધી મોસાદના વડા હતા.
શાવિતે કૅમેરા સામે કહ્યું કે તેઓ આ વિષય પર વાત કરી શકે તેમ નથી, કારણ કે આ કેસને “વર્જિત વિષય” માનવામાં આવે છે.
તેમણે એમ પણ કહ્યું કે આટલાં વર્ષો વીતી ગયા હોવાથી તેમને આ કેસની ઘણી બધી વાતો યાદ નથી.
પરંતુ ઇઝરાયેલની આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટના ભૂતપૂર્વ વડા યાકોવ પેરી અને ઇઝરાયેલની ઇન્સ્ટિટ્યૂટ ફૉર નૅશનલ સિક્યૉરિટી સ્ટડીઝના આતંકવાદ અધ્યયન કાર્યક્રમના ડિરેક્ટર યોરામ શ્વાઇત્ઝરનું માનવું હતું કે આ હુમલા પાછળ હિઝબુલ્લાહનો હાથ હતો.
શ્વાઇત્ઝર કહે છે, “શરૂઆતમાં કોઈને ખબર નહોતી કે આ આતંકવાદી હુમલો હતો. તેથી તેની તપાસ પણ આતંકવાદી હુમલા તરીકે કરવામાં આવી નહોતી.”
“શંકાસ્પદ આત્મઘાતી હુમલાખોરના મૃતદેહ અને અન્ય ફોરેન્સિક પુરાવાઓ પરથી હકીકતની જાણ થઈ, ત્યારે તપાસ શરૂ થઈ.”
“પરંતુ ત્યાં સુધીમાં ઘણો સમય વીતી ગયો હતો. તેને કારણે પુરાવા શોધવામાં મુશ્કેલી પડી. આવા કેસોમાં સમય ખૂબ મહત્ત્વનો હોય છે.”
યાકોવ પેરીએ કહ્યું, “દુનિયામાં ક્યાંય પણ થતો આતંકવાદી હુમલો ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીઓ માટે મહત્ત્વનો હોય છે.”
“પરંતુ આ કેસની તપાસ પનામાના અધિકારીઓના હાથમાં હતી. તેમણે આર્જેન્ટિનાના અધિકારીઓ સાથે મળીને સારું કામ કર્યું છે.”
આરોપીની સોંપણી અને ‘ગૂંચવાયેલો કેસ’
ઇમેજ સ્રોત, EPA/Shutterstock
લેબનીઝ મૂળના કૉલંબિયા-વેનેઝુએલાના નાગરિક અલી હજ જલીલની નવેમ્બર 2025માં માર્ગારીટા ટાપુ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
તેની ધરપકડ બાદ આ કેસની તપાસનો નવો તબક્કો શરૂ થયો.
એ વર્ષે એપ્રિલમાં વેનેઝુએલાએ તેને પનામાને સોંપ્યો હતો.
ત્યાર પછી તેને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો. એમ મનાય છે કે આ ઘટનામાં તેમની ભૂમિકા હોઈ શકે છે. પનામાના સરકારી વકીલો હવે એ તપાસ કરી રહ્યા છે કે આ એક આતંકવાદી હુમલો હતો.
તે સમયે અમેરિકાના રાજદૂત કૅવિન મૅરિનો કાબ્રેરાએ કહ્યું હતું, “આ સોંપણી એક સ્પષ્ટ સંદેશ આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રને જૂની વાતો પણ યાદ રહે છે અને તેની કાર્યવાહીનો વ્યાપ એનાથી પણ લાંબો છે.”
તેમણે કહ્યું, “અમને આશા છે કે ન્યાયિક પ્રક્રિયા અને તેના અંતિમ પરિણામથી એ પરિવારોને રાહત મળશે, જેઓ 30 વર્ષથી વધુ સમયથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે.”
સરકારી વકીલ ગેઓમારા ગ્વેરાના જણાવ્યા અનુસાર, તેમની ટીમ હવે અગાઉની તપાસમાં રહી ગયેલી ખામીઓ પર ધ્યાન આપી રહી છે અને નવા પુરાવા એકત્ર કરી રહી છે.
તેમણે કહ્યું, “અમે એવી કેટલીક જગ્યાઓ શોધી કાઢવામાં સફળ રહ્યા છીએ, જ્યાં ઘટનાથી પહેલાં એ વ્યક્તિ હાજર હતી, જે કદાચ બૉમ્બ લઈને આવી હતી.”
“અમે આ કેસ સાથે બીજા બે લોકોને પણ જોડ્યા છે.”
જોકે, ગ્વેરા સ્વીકારે છે કે ત્રણ દાયકાથી વધુ સમય વીતી જવાને કારણે તપાસ મુશ્કેલ બની ગઈ છે.
તેમણે કહ્યું, “અમે મોટા પાયે તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ હવે ઘણા પુરાવા ઉપલબ્ધ નથી. તેમાં લોકો એકબીજા સાથે કેવી રીતે સંપર્ક કરતા હતા અને તેમની વચ્ચે થયેલી વાતચીતનો પણ સમાવેશ થાય છે.”
આ કેસ પછી લેટિન અમેરિકાના બીજા દેશોમાં ફેલાયેલાં ઉગ્રવાદી સંગઠનોનાં નેટવર્ક પર પણ ફરી ધ્યાન ગયું છે.
અમેરિકા અને આ વિસ્તારના અધિકારીઓ ઘણા વર્ષોથી ચેતવણી આપતા આવ્યા છે કે, હિઝ્બુલ્લાહ જેવાં સંગઠનોએ લેટિન અમેરિકાના કેટલાક વિસ્તારોમાં નાણાં અને સામાન પહોંચાડવાનું નેટવર્ક ઊભું કર્યું છે.
આ સંગઠનો ઘણીવાર વેપારી કંપનીઓ અને પ્રવાસી સમુદાયો મારફતે કામ કરે છે.
એપ્રિલમાં થયેલી સુનવણી દરમિયાન અલી હજ જલીલે પોતાના કાનૂની અધિકારનો ઉપયોગ કર્યો હતો અને કોઈ પણ સવાલનો જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો.
તેમના વકીલોએ પણ કેસ બંધ કરવાની માગણી કરી હતી.
વકીલોનું કહેવું હતું કે ઘટનાને 20 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. ઘટના સમયે અમલી કાયદા મુજબ, આ કેસ માટેની કાનૂની સમયમર્યાદા 20 વર્ષ હતી.
જૂનની શરૂઆતમાં સરકારી વકીલોની માગણીને પગલે પનામાની સર્વોચ્ચ ફોજદારી અપીલ અદાલતે તેને “ગૂંચવાયેલો કેસ” જાહેર કર્યો.
આ નિર્ણય પછી સરકારી વકીલોને તપાસ આગળ વધારવા માટે 12 મહિનાનો વધારાનો સમય મળ્યો છે. ત્યાર પછી તેઓ આરોપનામું દાખલ કરી શકશે.
ગ્વેરા કહે છે, “એનો અર્થ એવો નથી કે અમને આખું એક વર્ષ લેવું જ પડશે. અમે શક્ય તેટલા ઓછા સમયમાં પરિણામ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું.”
હિંસાની ઊંડી અસર
ઇમેજ સ્રોત, Cortesía Ministerio Público de Panama
ફ્લાઇટ 901માં માર્યા ગયેલા યુવાન પાઇલટ હોસે એન્ટોનિયો ગોન્ઝાલેઝનાં માતા માર્તા માર્કેઝ પૂછે છે, “પરંતુ 32 વર્ષ પછી અને આટલી તપાસ છતાં શું હજી પણ કોઈ નવો પુરાવો મળી શકે?”
તેઓ કહે છે, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈની ધરપકડ થશે કે આ કેસ ફરી ખૂલશે.”
“મને લાગતું હતું કે બધું આમ જ પડ્યું રહેશે. તેથી મને ખબર પડી કે કેસની જૂની ફાઇલો ફરી ખોલવામાં આવી છે અને કદાચ હવે આખરે ન્યાય મળશે, ત્યારે મને ખૂબ ખુશી થઈ.”
“એનાથી અમને થોડી રાહત મળી શકે છે, ભલે આપણાં સ્વજનો પાછા ન આવી શકે.”
એબ્નેર બેનેઇમ કહે છે કે હજુ પણ ઘણા સવાલોના જવાબ મળ્યા નથી. “આવું શા માટે કરવામાં આવ્યું? તેનો હેતુ શો હતો? પનામાને જ શા માટે પસંદ કરવામાં આવ્યું?”
તેઓ કહે છે કે પોતાની ડોક્યુમેન્ટરી લોકોને બતાવ્યા પછી તેમને સમજાયું કે આ ઘટનાના ભાવનાત્મક ઘા હજુ પણ સંપૂર્ણપણે રૂઝાયા નથી.
આ વાત એવા લોકો માટે પણ સાચી છે, જેમને આ ઘટના સારી રીતે યાદ છે. તેની અસર એવી પેઢીઓ પર પણ પડી છે, જેમણે આ ઘટના વિશે કદી સાંભળ્યું જ ન હતું.
એબ્નેર કહે છે, “મારો હેતુ પણ આ જ હતો. હું સમજવા માગતો હતો કે આવું શા માટે થયું.”
“સાથે સાથે હું એ પણ બતાવવા માગતો હતો કે આવી ઘટનાઓ કેટલી ઊંડી અસર છોડી શકે છે. સમય પસાર થતો જાય તેમ તે લોકોનું જીવન બદલી શકે છે અને તેની અસર એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચી શકે છે.”
તેઓ કહે છે, “મોટી મોટી વાતો કરીને સામાન્ય નિષ્કર્ષ કાઢનારા લોકોમાંનો હું નથી.”
“પરંતુ એ વાત સાચી છે કે હિંસાની અસર આપણા બધા પર પડે છે, ભલે સાંભળવામાં આ વાત ઘસાઈ ગયેલી લાગતી હોય.”
“તમે પોતે તેનો ભોગ ન બનો, ત્યાં સુધી હિંસા કોઈ સમાજને કેટલું ઊંડું નુકસાન પહોંચાડી શકે છે, એ તમે ખરેખર સમજી શકતા નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




