Home તાજા સમાચાર gujrati ઇસ્લામ અપનાવનારાઓને અનામત ન મળવાથી હજારો પરિવારો પર શું અસર પડશે?

ઇસ્લામ અપનાવનારાઓને અનામત ન મળવાથી હજારો પરિવારો પર શું અસર પડશે?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

સુપ્રીમ કોર્ટે 15 ઑક્ટોબરે મદ્રાસ હાઈ કોર્ટના એ ચુકાદાને યથાવત્ રાખ્યો હતો, જેમાં જણાવાયું હતું કે હિંદુ ધર્મમાં રહીને પછાત વર્ગને મળતી અનામતનો લાભ મેળવનાર વ્યક્તિ ઇસ્લામ ધર્મ અપનાવ્યા પછી એ લાભ મેળવી શકે નહીં.

મનિથાનૈયા મક્કલ કાચી (એમએમકે)ના નેતા જવાહિરુલ્લાહે બીબીસી તમિલને જણાવ્યું હતું કે આ ચુકાદાને કારણે ઇસ્લામ અપનાવનારા લોકોનાં બાળકોને શિક્ષણ અને રોજગારમાં અનામતનો લાભ મેળવવામાં મુશ્કેલીઓ પડશે અને હજારો પરિવારો પર તેની અસર થશે.

બીજી તરફ, તમિલનાડુના લઘુમતી કલ્યાણ મંત્રી શાહજહાંએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર ઇસ્લામ અપનાવનારા લોકોને અનામત આપવા માટે પ્રતિબદ્ધ છે.

રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ફેરવિચાર અરજી દાખલ કરવા સહિતના કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહી છે.

‘લાઇવ લો’ના અહેવાલ મુજબ, ન્યાયમૂર્તિ પ્રશાંતકુમાર મિશ્રા અને ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રશેખરની ખંડપીઠે મદ્રાસ હાઈ કોર્ટના આદેશ સામે તમિલનાડુ સરકારની અપીલ ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈ કોર્ટના એ ચુકાદાને યથાવત્ રાખ્યો હતો, જેમાં તમિલનાડુ સરકારનો 2024નો આદેશ રદ કરવામાં આવ્યો હતો.

‘લાઇવ લો’ના અહેવાલ મુજબ, ન્યાયાધીશોએ કહ્યું હતું, “માત્ર ઇસ્લામ અપનાવવાથી કોઈ વ્યક્તિ રાજ્યના સાત મુસ્લિમ પછાત વર્ગોમાંથી કોઈ એકની સભ્ય બની જતી નથી. તેની અગાઉની જાતિગત ઓળખને મુસ્લિમ પછાત વર્ગની ઓળખમાં ફેરવી શકાતી નથી. એ જ રીતે, માત્ર ધાર્મિક ઓળખના આધારે પણ કોઈ વ્યક્તિ અનામત મેળવવા માટે પાત્ર છે કે નહીં તે નક્કી કરી શકાય નહીં.”

અદાલતે એમ પણ કહ્યું હતું કે બંધારણ મુજબ, હિંદુ, શીખ કે બૌદ્ધ ધર્મ સિવાયના અન્ય ધર્મનું પાલન કરનાર વ્યક્તિને અનુસૂચિત જાતિના સભ્ય તરીકે ગણવામાં આવી શકે નહીં.

અદાલતે કહ્યું હતું, “હિંદુ ધર્મમાં પાછા ફરનારાઓને અનામતનો અધિકાર છે કે નહીં, એ નિર્ણય માત્ર તેમની અગાઉની ઓળખના આધારે લઈ શકાય નહીં. એ માટે દરેક વ્યક્તિના કેસને લગતી હકીકતોની તપાસ કરવી પડશે.”

હજારો મુસ્લિમ પરિવારો પર અસર થવાની શક્યતા

બીબીસી ગુજરાતી

એમએમકેના નેતા જવાહિરુલ્લાહનું કહેવું છે કે આ ચુકાદાને કારણે ઇસ્લામ અપનાવનારા લોકોનાં બાળકો અનામતનો લાભ મેળવી શકશે નહીં.

બીબીસી તમિલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “અમે મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ ખંડપીઠના ચુકાદા અંગે મંત્રીઓને મળ્યા હતા. એ વખતે મંત્રીઓએ અમને ખાતરી આપી હતી કે મુસ્લિમોને 3.5 ટકા અનામત આપતા 2007ના કાયદામાં સુધારો કરવામાં આવશે.”

તેમણે કહ્યું હતું, “મંત્રીઓએ અમને આ કાયદામાં કરવાના સુધારાનો મુસદ્દો પણ રજૂ કરવા કહ્યું હતું. એ પછી ન્યાયમૂર્તિ અકબર અલીએ સુધારાનો મુસદ્દો સુપરત કર્યો હતો. પરંતુ સરકારે કાયદામાં કોઈ સુધારો કર્યો નહીં.”

આ ચુકાદાની સંભવિત અસરો અંગે જવાહિરુલ્લાહે કહ્યું હતું, “ઇસ્લામ અપનાવનારા લોકોનાં બાળકોને સામાજિક પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલીઓ પડશે. તેમણે સામાન્ય વર્ગના ઉમેદવારો સાથે સ્પર્ધા કરવી પડશે. તેઓ તમિલનાડુમાં અમલી 69 ટકા અનામતના લાભથી વંચિત રહી શકે છે. આના કારણે હજારો મુસ્લિમ પરિવારોને અસર થશે.”

તમિલનાડુમાં શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 69 ટકા અનામત અમલી છે. તેમાં પછાત વર્ગના મુસ્લિમો માટે 3.5 ટકા આંતરિક અનામતની જોગવાઈ છે.

જોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઇસ્લામ અપનાવનાર વ્યક્તિ પોતાની અગાઉની જાતિગત ઓળખના આધારે મુસ્લિમ પછાત વર્ગ માટેની અનામત મેળવી શકે નહીં.

આ ચુકાદાને કારણે અગાઉથી ઇસ્લામ અપનાવી ચૂકેલા લોકો અને તેમનાં બાળકોને સામાજિક પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલીઓ પડવાની આશંકા છે. શિક્ષણ અને રોજગારમાં અનામત મેળવવા માટેની પાત્રતા નક્કી કરવામાં પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

અરજદાર સમીર અહમદે શું કહ્યું?

બીબીસી ગુજરાતી

આ કેસ લડી રહેલા સમીર અહમદે બીબીસી તમિલને જણાવ્યું હતું કે તેમને આ સમસ્યાની જાણ ત્યારે થઈ, જ્યારે તેમણે પોતાનાં બાળકોનાં સામાજિક પ્રમાણપત્રો કઢાવવાનો પ્રયાસ કર્યો.

તેમણે કહ્યું, “મારાં બાળકો માટે સામુદાયિક પ્રમાણપત્રો કઢાવવાનો પ્રયાસ કર્યો ત્યારે જ મને ખબર પડી કે મારા પોતાના માટે પણ આવું પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી છે. મેં ખાસ એવું પ્રમાણપત્ર માગ્યું હતું, જેમાં મને મુસ્લિમ લેબ્બાઈ સમુદાયના સભ્ય તરીકે ઓળખાવવામાં આવે.”

“આનું કારણ એ હતું કે મારા બે મોટા ભાઈઓનાં લગ્ન લેબ્બાઈ મુસ્લિમ પરિવારોમાં થયાં છે. આ ઉપરાંત, કાયથારુ વિસ્તારમાં અન્ય મુસ્લિમ સમુદાયોની સરખામણીએ લેબ્બાઈ મુસ્લિમોની વસ્તી વધુ છે.”

સમીર અહમદે આ કેસમાં તમિલનાડુ સરકારના વલણની પણ ટીકા કરી હતી.

તેમણે કહ્યું, “મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ ખંડપીઠમાં કેસ હાર્યા પછી તમિલનાડુ સરકારે અપીલ કરી હતી. પરંતુ એ પહેલાં સરકારે ધાર્મિક આગેવાનો અને કાનૂની નિષ્ણાતો સાથે યોગ્ય પરામર્શ કર્યો નહોતો. તેમની સાથે યોગ્ય રીતે વિચારવિમર્શ કર્યો હોત, તો સરકાર કેસ જીતી શકી હોત.”

આ કેસની પૃષ્ઠભૂમિ શી છે?

મિલનાડુના તૂતુકુડી જિલ્લાના સમીર અહમદનું અગાઉનું નામ પરમશિવમ હતું.

તેમણે 2015માં હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ અપનાવ્યો હતો. 2016માં આ અંગેની સૂચના સરકારી ગૅઝેટમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

તેમનું લગ્ન ઇસ્લામી રીતરિવાજો અનુસાર થયું છે અને તેમને બે બાળકો છે.

ત્યાર પછી તેમણે પછાત મુસ્લિમ સમુદાયોમાં સમાવિષ્ટ ‘મુસ્લિમ લેબ્બાઈ’ સમુદાયના સભ્ય હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી હતી.

તહસીલદારે તેમની અરજી નકારી કાઢતાં તેમણે મદ્રાસ હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

2024ના સરકારી આદેશમાં શી જોગવાઈ હતી?

બીબીસી ગુજરાતી

તમિલનાડુ સરકારના પછાત વર્ગ, અતિ પછાત વર્ગ અને લઘુમતી કલ્યાણ વિભાગે 9 માર્ચ, 2024ના રોજ આદેશ ક્રમાંક 31 બહાર પાડ્યો હતો.

આ આદેશમાં તમિલનાડુના પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત જનજાતિઓમાંથી ઇસ્લામ અપનાવનારા લોકોને ‘પછાત વર્ગના મુસ્લિમો’ તરીકે વર્ગીકૃત કરવાની અને તેમને પ્રમાણપત્રો આપવાની જોગવાઈ હતી.

તમિલનાડુના પછાત વર્ગના મુસ્લિમો માટેના 2007ના કાયદા હેઠળ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે 3.5 ટકા અનામતની જોગવાઈ છે.

આ કાયદા અંતર્ગત તમિલનાડુ અધિનિયમ 45/1994ની કલમ 3(એ) હેઠળ કેટલાક મુસ્લિમ સમુદાયોને પછાત વર્ગ તરીકે જાહેર કરતો સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં સાત સમુદાયોનો સમાવેશ થાય છે:

  • અંસાર
  • દખ્ખણી મુસ્લિમો
  • ધુનિયા (દુદેકુલા)
  • લબ્બાઈ, જેમાં રાવુથર અને મરાઈકાયરનો સમાવેશ થાય છે. તેઓ તમિલ બોલતા હોય કે ઉર્દૂ, તેનાથી કોઈ ફરક પડતો નથી.
  • માપ્પિલા
  • શેખ
  • સૈયદ

આદેશમાં એમ પણ જણાવાયું હતું કે આ સાતમાંથી કોઈ પણ સમુદાય સાથે જોડાવા માગતી વ્યક્તિને ધર્મપરિવર્તનના આધારે ‘પછાત વર્ગના મુસ્લિમ’ તરીકેનું પ્રમાણપત્ર આપી શકાય છે.

હાઈ કોર્ટે તમિલનાડુ સરકારના 2024ના આ આદેશને ગેરબંધારણીય ઠરાવીને રદ કર્યો હતો.

સરકારે દલીલ કરી હતી કે આ આદેશનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે જે લોકો અગાઉથી અનામતનો લાભ મેળવી રહ્યા છે, તેઓ ઇસ્લામ અપનાવવાને કારણે એ લાભથી વંચિત ન રહી જાય.

જોકે, ન્યાયમૂર્તિ જી.આર. સ્વામીનાથન અને ન્યાયમૂર્તિ પી.બી. બાલાજીની ખંડપીઠે કહ્યું હતું કે આ આદેશ અદાલતોના અગાઉના ચુકાદાઓને અનુરૂપ નહોતો. આથી ખંડપીઠે તેને રદ કર્યો હતો.

તમિલનાડુ સરકારે હાઈ કોર્ટના આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે પણ હાઈ કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો છે.

સ્ટાલિને કહ્યું, ‘ચુકાદો સામાજિક ન્યાયની વિરુદ્ધ’

બીબીસી ગુજરાતી

દરમિયાન, તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે તાત્કાલિક ફેરવિચાર અરજી દાખલ કરવાની અપીલ કરી છે.

સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું હતું, “સામાજિક પછાતપણું એક દિવસમાં કે એક પેઢીમાં પેદા થતું નથી. તે હજારો વર્ષોથી ચાલી આવતી સામાજિક વ્યવસ્થાનું પરિણામ છે. માત્ર ધર્મ બદલવાથી આ પછાતપણું દૂર થઈ જતું નથી.”

તેમણે કહ્યું હતું, “સામાજિક વાસ્તવિકતા આવી હોય, ત્યારે ઇસ્લામ અપનાવનારા પછાત વર્ગોને અનામત આપવાની જરૂર નથી એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો સામાજિક ન્યાયની વિરુદ્ધ છે.”

સ્ટાલિને તમિલનાડુ સરકારને આ ચુકાદા સામે તાત્કાલિક ફેરવિચાર અરજી દાખલ કરવા અને ઇસ્લામ અપનાવનારા પછાત સમુદાયોના અનામતના અધિકારને જાળવી રાખવાની અપીલ કરી હતી.

તેમણે એ વાત પણ યાદ અપાવી હતી કે ડીએમકેની અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકારને બંધારણમાં સુધારો કરવાની માગણી કરતો એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં ખ્રિસ્તી ધર્મ અપનાવનારા આદિ દ્રવિડ સમુદાયના લોકોને અનામત આપવાની માગણી કરવામાં આવી હતી.

સ્ટાલિને વર્તમાન તમિલનાડુ સરકારને આ પ્રયાસો ચાલુ રાખવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું હતું, “જાતિના આધારે ઉત્પીડનનો સામનો કરતા પછાત વર્ગો, અતિ પછાત વર્ગો અને અનુસૂચિત જાતિઓને અનામત આપવી એ સામાજિક ન્યાયની દિશામાં ભરાયેલું એક પગલું હશે. ધર્મના આધારે તેમને આ અધિકારથી વંચિત રાખવા એ સામાજિક અન્યાય ગણાશે.”

બીબીસી તમિલ સાથે વાત કરતાં લઘુમતી કલ્યાણ મંત્રી શાહજહાંએ કહ્યું હતું, “સરકાર આ મુદ્દે સક્રિય રીતે કામ કરી રહી છે.”

તેમણે કહ્યું હતું, “અમે કાનૂની નિષ્ણાતો સાથે વિચારવિમર્શ કર્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ફેરવિચાર અરજી દાખલ કરવા અંગે અમે વિચાર કરી રહ્યા છીએ.”

મંત્રી શાહજહાંએ એમ પણ જણાવ્યું હતું કે સરકાર 2007ના એ કાયદામાં સુધારો કરવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે, જેના હેઠળ મુસ્લિમોને અનામત આપવામાં આવી હતી.

આ ઉપરાંત, 2024ના સરકારી આદેશની ખામીઓ દૂર કરવા માટે તેના જેવી જ જોગવાઈઓ ધરાવતો નવો આદેશ બહાર પાડવા અંગે પણ વિચારણા થઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS