Home તાજા સમાચાર gujrati પાડોશીઓ સાથે રજાઓ ગાળવા ગયાં, પરત ફરતાં પતિ-પત્ની અને બાળકોની અદલા-બદલી?

પાડોશીઓ સાથે રજાઓ ગાળવા ગયાં, પરત ફરતાં પતિ-પત્ની અને બાળકોની અદલા-બદલી?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

રેચલ સ્ટોન જ્યારે પાંચ વર્ષનાં અને તેમના ભાઈ ઇયાન 10 વર્ષના હતા, તે સમયે તેમનો પરિવાર વેલ્સમાં બાજુમાં રહેતા એક પરિવાર સાથે કેરેવાનમાં રજાઓ ગાળવા ગયો હતો.

તેમણે બે અઠવાડિયાં મોજ-મજાથી સાથે રહીને પસાર કર્યાં હતાં. પણ ઘરે પરત ફર્યા પછી બંને પરિવારો બે ભાગમાં વહેંચાઈ ગયા અને તેમણે પોતાનાં ઘરોની અંદરો-અંદર અદલા-બદલી કરી નાખી.

રેચલ અને તેમનાં માતા કે (માતાનું નામ) પાડોશીઓ એડી અને તેમની પુત્રી એલિસન સાથે રહેવા ચાલ્યાં ગયાં.

એડીનાં પત્ની આયરીન અને તેમની દીકરી ડોન રેચલના પિતા રેક્સ અને ભાઈ ઇયાન સાથે રહેવા જતાં રહ્યાં.

રેચલે રેડિયો 4ના લાઇફ ચેન્જિંગ પૉડકાસ્ટનાં હોસ્ટ ડૉક્ટર સિયાન વિલિયમ્સ સાથે તેમનો પરિવાર વિખરાઈ જવાના આઘાત, તે પછી વ્યાપેલી અરાજકતા અને આખરે પોતાનાં માતા-પિતાને માફ કરી દેવા વિશે વાત કરી હતી.

બીબીસી ગુજરાતી

“અમે ચારેય તરત જ દોસ્ત બની ગયાં.”

તેઓ ઘણાં ઉત્તેજિત હતાં, કેમકે, તેઓ સૌ સાથે વેકેશન માણવા જઈ રહ્યાં હતાં.

રેચલને હજુયે તે બે કેરેવાન એકદમ યાદ છે, જે બાજુ-બાજુમાં ઊભી હતી અને એકદમ સરળતાથી સ્નોડન પર્વત પર ચઢી ગઈ હતી.

પણ જ્યારે ઘરે પરત ફરવાનો સમય આવ્યો, ત્યારે બધી ગરબડ થઈ ગઈ હતી. બધાં જુદી-જુદી કેરેવાનમાં બેસી ગયાં હતાં.

રેચલ કહે છે કે, તેમનાં માતા તેમની સામેની સીટમાં વળીને બોલ્યાં, “હવે આપણો નવો પરિવાર હશે. આપણે નંબર 8માં એડી અને એલિસન સાથે રહેવા જઈશું. હવે એલિસન તારી નવી બહેન હશે.”

“તારા પિતા અને તારો ભાઈ નંબર 10 વાળા જૂના ઘરમાં જ રહેશે. આન્ટી આયરીન અને ડોન ત્યાં તેમની સાથે રહેવા જશે. અને હવે ડોન તારા ભાઈ (ઇયાન)ની નવી બહેન બનશે.”

આ સાંભળીને રેચલ “એકદમ ડઘાઈ ગયાં, વ્યગ્ર થઈ ગયાં અને તેમને દુઃખ થયું.” તેઓ રડવા લાગ્યાં.

કાર આગળ વધી રહી હતી અને તેમના મનમાં જાત-ભાતના વિચારો આવી રહ્યા હતા. “સમજાતું નહોતું કે, આ બધુ શું ચાલી રહ્યું છે, પણ તેની સાથે જ ઉત્સુકતા પણ હતી.” રેચલને એલિસન ગમતી હતી અને તેમણે હંમેશાં બહેનની ઝંખના સેવી હતી.

એ રાતે એલિસને રેચલને પોતાની ઉપરના બંક બેડ પર સૂવા દીધાં. બીજા દિવસે વડીલોએ આઇલ ઑફ શેપી પર આવેલાં બંને ઘરો વચ્ચે ફર્નિચરની અદલા-બદલી કરી લીધી.

બીબીસી ગુજરાતી

રેચલ જણાવે છે કે, તેઓ ભારે ગૂંચવણ અનુભવતાં હતાં.

“તમે અભાનપણે સતત વિચારતાં રહો છો કે, કદાચ તમારી ભૂલને કારણે આમ થયું છે.”

રેચલ હવે જે નવા ઘરમાં રહેતાં હતાં, તે નંબર 8માં તેમનું જીવન 10 નંબરના તેમના જૂના ઘર કરતાં ઘણું અલગ હતું. તેમનું જૂનું ઘર સ્વચ્છ હતું, જ્યારે આ ઘરમાં ઠેર-ઠેર “કૂતરાની રૂંવાટી, તેલથી તરબતર વસ્તુઓ અને કારને લગતો સામાન પથરાયેલો હતો.”

તેઓ પોતાનાં માતાને “સખ્ત પરંતુ તટસ્થ” અને અત્યંત વ્યવહારૂ વ્યક્તિ તરીકે વર્ણવે છે.

સાવકા પિતા એડીએ “કદીયે મારી સાથે દુર્વ્યવહાર નહોતો કર્યો, પણ મેં તેમને કદી પિતા કહીને નહોતા સંબોધ્યા. હું તેમની દીકરી નહોતી.”

રેચલ તેમના ભાઈ, ઇયાનને ખૂબ યાદ કરતાં હતાં.

“મને તેના પર ઘણો ગર્વ હતો. એ મારો મોટો ભાઈ હતો.”

“બાળપણમાં ત્યારે જ્યારે તે સ્કૂલથી ઘરે આવતો, ત્યારે હું સામેના બગીચામાં તેની રાહ જોતી ઊભી રહેતી.”

અદાલત, છૂટાછેડા અને પુનર્લગ્ન

બીબીસી ગુજારતી

રેચલ જ્યારે સાત વર્ષનાં હતાં, ત્યારે બંને યુગલો સાથે અદાલતમાં ગયાં અને તેમના છૂટાછેડા થઈ ગયા.

પછીથી તેમણે લગ્ન નોંધણીની કચેરીમાં એક સાધારણ સમારોહમાં પોત-પોતાના નવા જીવનસાથી સાથે લગ્ન કરી લીધાં.

રેચલ તો એ પણ નહોતાં જાણતાં કે, તેમના પિતાએ આયરીન સાથે લગ્ન કરી લીધાં હતાં. જ્યારે તેમણે લગ્નનો ફોટો જોયો, ત્યારે તેમને ખબર પડી.

જ્યારે તેઓ 11 કે 12 વર્ષનાં થયાં, ત્યારે તેમણે તેમના જૂના ઘરે જવાનું બંધ કરી દીધું. તેઓ તેમના પિતાને મળવામાં અસહજતા અનુભવતાં હતાં અને આયરીન સાથે પણ તેમના સંબંધ ખાસ સારા નહોતા.

આ દરમિયાન, માતા કે અને એડી સાથેનું તેમનું જીવન પણ અસ્ત-વ્યસ્ત હતું.

“[એડી] ઘણા નિયંત્રણ રાખવાવાળા માણસ હતા. જ્યારે હું 13 વર્ષની હતી, ત્યારે મારી માતાએ કહ્યું, ‘આવું વધુ નહીં ચાલી શકે. આપણે આ રીતે નહીં જીવી શકીએ.'”

રેચલ માટે શાળા એક પ્રકારનો ‘છૂટકારો’ હતી.

તેમણે સારું પરિણામ મેળવ્યું અને આગળ જતાં તેઓ શિક્ષિકા બન્યાં.

તેમણે લગ્ન કર્યાં અને તેમને બે બાળકો થયાં. જોકે, અત્યારે તેઓ અલગ રહે છે અને બિઝનેસ કોચ તરીકે કામ કરે છે.

સમગ્ર જીવન દરમિયાન તેમનાં માતાએ કદીયે પરિવારની આ અદલા-બદલીની ઘટના વિશે વાત ન કરી.

“હું ઘણા સવાલો પૂછતી, પણ મા ફક્ત એટલું જ કહેતાં કે, એ બધું ઘણું જટિલ હતું.”

માતા-પિતાની અદલાબદલી મામલે રેચલનાં માતાએ શું કહ્યું

બીબીસી ગુજરાતી

દાયકાઓ પછી, પોતાનાં બાળકો સાથે રજાઓ ગાળવા દરમિયાન, રેચલે તેમનાં માતા સમક્ષ ફરી આ મુદ્દો ઉખેળ્યો.

“મેં મારાં માતાને કહ્યું, ‘જોસેફ હવે 10 વર્ષનો છે… તમે ઇયાનને પપ્પા અને આયરીન સાથે રહેવા મોકલ્યો, ત્યારે એ પણ દસ વર્ષનો હતો.'”

રેચલ કહે છે કે, આ સાંભળીને તેમનાં માતામાં “અપરાધભાવ અને આત્મસંદેહની લાગણી છલકાઈ ઊઠી… તેમને તેમના સ્વાર્થી નિર્ણયો પર ભારોભાર પસ્તાવો થયો.”

“ઘણાં વર્ષો પછી મારાં માતાએ મને એ શબ્દો કહ્યા, જે સાંભળવા મેં જીવનભર રાહ જોઈ. તેમણે કહ્યું, ‘મને ઘણું દુખ થાય છે કે, મેં તને નિરાશ કરી. અને હું તેની ભરપાઈ કરવાનો પ્રયત્ન કરવા માગું છું.'”

રેચલ કહે છે કે, તે ક્ષણથી તેમનાં માતા સાથેના તેમના સંબંધો સુધરવા માંડ્યા અને આજે તેમના સંબંધો “અત્યંત સુંદર છે.”

પિતા વિશેની લાગણીઓ

જોકે, તેમના પિતા સાથે તેમને કદીયે ઘનિષ્ઠ સંબંધો નહોતા રહ્યા.

“તેમણે મને કહ્યું હતું કે, તેમણે તેમનાં (નવાં) પત્ની અને તેમનાં બાળકોમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી. દુર્ભાગ્યે, તેમણે મારા બદલે તેમની પત્નીની પસંદગી કરી.”

તેમના પિતા અને આયરીન તેમના મૃત્યુ સુધી, 81 વર્ષની વય સુધી સાથે રહ્યાં.

પણ પિતાની અંતિમવિધિમાં બોલતી વખતે રેચલને લાગ્યું કે, તેમણે સ્વયં માફી માગવી જોઈએ.

“મેં મારા મનમાં એક આદર્શ પિતાની છબિ બનાવી રાખી હતી, જે મારી પાસેથી છિનવાઈ ગયા હતા. મેં તેમની કલ્પના એક એવા માણસ તરીકે કરી હતી, જેઓ દરેક કામ પરફેક્ટ રીતે કરી શકતા હતા, જેઓ મારી તમામ અપેક્ષાઓ પૂરી કરી શકતા હતા.

હું સાચે જ ઇચ્છતી હતી કે, તેઓ એવા હોય, પણ સમય વીતવા સાથે મને સમજાયું કે, લોકોએ તેમને એવા જ સ્વીકારવા જોઈએ, જેવા તેઓ હોય.

“મારા અભિપ્રાય પ્રમાણે, માતા-પિતા તેમનો શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે. તેઓ પરિપૂર્ણ નથી. આથી, આપણે તેમની પાસેથી એવા બનવાની અપેક્ષા ન સેવી શકીએ, જે તેઓ નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS