Home તાજા સમાચાર gujrati સોમનાથ મંદિરની આસપાસ નૉનવેજ બૅન પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર –...

સોમનાથ મંદિરની આસપાસ નૉનવેજ બૅન પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર – ન્યૂઝ અપડેટ

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

વાંચવાનો સમય: 7 મિનિટ

લાઇવ લૉના અહેવાલ અનુસાર, 6 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથ મંદિરની આસપાસ 500 મીટર સુધી માંસાહારી ભોજન પરના પ્રતિબંધને ચાલુ રાખતા ગુજરાત હાઇકોર્ટના તાજેતરના હુકમ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. જોકે, કોર્ટે હાઇકોર્ટને પેન્ડિંગ અપીલોનો શક્ય હોય તો બે માસની અંદર નિકાલ લાવવાની વિનંતી કરી છે.

નોંધનીય છે કે ગુજરાત પોલીસ ઍક્ટ, 1951ની કલમ 33 (1)(w)(ii) અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે 10 ઑગસ્ટના રોજ એક નોટિફિકેશન મારફતે આ પ્રતિબંધ જાહેર કર્યો હતો. જે અંતર્ગત વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણના નિર્દિષ્ટ વિસ્તારોમાં અને રૂટ પર માંસાહારી ભોજન અને ઈંડાં રાંધવા, તેના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. મંદિરની આસપાસના 500 મીટરમાં આવેલા તમામ વિસ્તારો પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

આ હુકમને હાલના અરજદાર મેસર્સ તાજ રેસ્ટોરાંના માલિક આકિબ અમીનભાઈ ખાન સહિતના અન્ય અરજદારોએ પડકાર્યો હતો. અરજીમાં દલીલ કરાઈ હતી કે તેઓ પાછલાં 35-40 વર્ષથી શાકાહારી અને માંસાહારી ભોજન પીરસતી હોટલો અને રેસ્ટોરાં બિઝનેસ કાયદેસર રીતે ચલાવી રહ્યાં છે.

30 ઑક્ટોબરના રોજ સિંગલ જજે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટના 10 ઑગસ્ટના નોટિફિકેશનને રદ કર્યું હતું અને તેને બંધારણના અનુચ્છેદ 19 (1) (g) અંતર્ગત બંધારણના મૂળભૂત હકની જોગવાઈનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

જોકે, હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે એ જ દિવસે સિંગલ જજના આ ઑર્ડર પર વચગાળાના ઉપાય તરીકે સ્ટે આપ્યો હતો.

આ સ્ટે સામે રેસ્ટોરાંમાલિકો સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યા હતા, જે દરમિયાન શુક્રવારે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના હુકમ સામે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.

આધાર અને વોટર આઇડી અંગે લલનસિંહના નિવેદન સામે રાહુલ ગાંધીનો પલટવાર : ‘ષડ્યંત્ર ઘણું ગંભીર છે’

આધાર અને વોટર આઇડી અંગે લલન સિંહના નિવેદન સામે રાહુલ ગાંધીનો પલટવાર : 'ષડ્યંત્ર ઘણું ઊંડું છે' - ન્યૂઝ અપડેટ

કેન્દ્રીય મંત્રી લલનસિંહના એક નિવેદનને શૅર કરતાં કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર એક લાંબી પોસ્ટ લખીને કેન્દ્ર સરકાર પર તીખો પ્રહાર કર્યો છે.

રાહુલ ગાંધીએ લખ્યું હતું, “મોદી સરકારના એક મંત્રીએ જાહેરાત કરી છે કે હવે યોજનાઓનો લાભ આધાર કાર્ડના આધારે નહીં, પરંતુ મતદાર ઓળખપત્ર (વોટર આઇડી)ના આધારે નક્કી થશે. આ ષડ્યંત્ર ઘણું ઊંડું છે, તેને ધ્યાનથી સમજો.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું, “એસઆઇઆર (SIR)ના નામે કરોડો લોકોનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવી રહ્યાં છે. જો આ પ્રક્રિયા અટકશે નહીં તો વધુ નામો પણ કાઢવામાં આવશે. મોટા ભાગનાં નામ એવા લોકોનાં છે જેઓ ભાજપ સામે નારાજગી ધરાવે છે.”

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું, “મતદાર યાદી એક નિષ્પક્ષ ચૂંટણી આયોગના હાથમાં હોવી જોઈએ. પરંતુ હવે તે મોદી સરકારના અધિકારી જ્ઞાનેશકુમારના હાથમાં છે, જેમની ભાજપ સાથેની સાંઠગાંઠ દ્વારા મતચોરી થતી હોવાના પુરાવા અમે રજૂ કર્યા છે. એવી મતદાર યાદી બનાવવાની તૈયારી ચાલી રહી છે કે જેમાં બહુમતી હંમેશાં ભાજપની જ રહે. હવે એ જ યાદી નક્કી કરશે કે તમને સરકારી યોજનાઓનો લાભ મળશે કે નહીં.”

તેમણે આક્ષેપ કર્યો હતો, “જે કોઈ ભાજપને સત્તામાંથી દૂર કરવાની વાત કરશે, તેમનાં નામ એક પછી એક કાઢી નાખવામાં આવશે. નામ કપાયું એટલે મતનો અધિકાર ગયો. મતનો અધિકાર ગયો એટલે હક છીનવાઈ ગયો. ધીમે ધીમે તમે એવા અપહૃત લોકતંત્રના અદૃશ્ય નાગરિક બની જશો જ્યાં જનતા સરકાર પસંદ નહીં કરે, પરંતુ સરકાર પોતાની જનતા પસંદ કરશે.”

કૉંગ્રેસ નેતાએ વધુમાં લખ્યું હતું, “આજે પંચાયતી રાજની યોજનાઓ છે, કાલે રાશન, પેન્શન, મનરેગા, આવાસ યોજના, શિષ્યવૃત્તિ અને અનામત પણ આવી જ વ્યવસ્થામાં જોડાઈ શકે છે. આ માત્ર ચૂંટણી જીતવાની રાજનીતિ નથી, પરંતુ ચૂંટણી ચોરી કરીને સત્તામાં કાયમી રહેવાની તૈયારી છે.”

તેમણે અંતમાં સ્પષ્ટ કર્યું હતું, “મત આપવો તમારો અધિકાર છે, કોઈ શરત નહીં. કોઈ પણ ગરીબ વ્યક્તિનું પેન્શન તેના મતદાર ઓળખપત્ર પર નિર્ભર ન હોવું જોઈએ. આ માત્ર મતચોરી નથી, પરંતુ હકચોરી છે. અમે આવું થવા નહીં દઈએ.”

લલનસિંહે શું કહ્યું હતું?

કેન્દ્રીય પંચાયતી રાજ, માછીમારી, પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી રાજીવ રંજનસિંહ (લલનસિંહ)એ જણાવ્યું હતું કે, હાલમાં લાભાર્થીઓને આધાર નંબરના આધારે ચૂકવણી કરવાની જે વ્યવસ્થા છે, તેના સ્થાને ટૂંક સમયમાં નવી વ્યવસ્થા લાવવામાં આવશે. આ નવી વ્યવસ્થામાં બાયૉમેટ્રિક ઓળખ અને મતદાર ઓળખપત્ર (વોટર આઇડી) નંબરના આધારે લાભોની ચૂકવણી કરવામાં આવશે.

અમેરિકા : રુબિયો અને હૅગસેથ દ્વારા પદ છોડવાની અટકળો પર વ્હાઇટ હાઉસે શું કહ્યું?

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મોટો પરાજય મળ્યો છે. (પ્રતીકાત્મક તસવીર).

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હાર પછી સંરક્ષણ મંત્રી પીટ હૅગસેથ અને વિદેશમંત્રી માર્કો રુબિયો પદ છોડશે તેવી ચાલી રહેલી અટકળો પર વ્હાઇટ હાઉસે પ્રતિક્રિયા આપી છે.

વ્હાઇટ હાઉસે આ અટકળોને નકારી કાઢી છે કે, ચૂંટણી બાદ ટ્રમ્પ પ્રશાસનમાં ફેરફારના ભાગરૂપે સંરક્ષણ મંત્રી પીટ હૅગસેથ અને વિદેશમંત્રી માર્કો રુબિયો તેમનાં પદ પરથી રાજીનામું આપી શકે છે.

અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ, હૅગસેથને પદ પરથી હટાવવાની માંગ ઊઠી રહી છે. ખાસ કરીને ઈરાન સાથેના યુદ્ધને સંભાળવાની તેમની રીત અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ યુદ્ધને રિપબ્લિકન પાર્ટીની ચૂંટણીમાં થયેલી મોટી હાર માટે જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

કૉંગ્રેસના એક નિવૃત્ત થનારા રિપબ્લિકન સભ્યએ આગામી સપ્તાહની શરૂઆતમાં જ હૅગસેથ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ મતદાન માટે લાવવાનો પ્રયાસ કરવાની ધમકી આપી છે.

બીજી તરફ, હૅગસેથે એક વીડિયો નિવેદન જાહેર કરીને પોતાના કાર્યકાળનો બચાવ કર્યો અને આ પ્રયાસની ટીકા કરી.

તેમણે કહ્યું, “જુઓ, તેઓ મારા પર હુમલો કરે છે. તેઓ અમારા પર હુમલો કરે છે કારણ કે અમે અસરકારક છીએ. અમે પાછળ હટવાના નથી.”

આ દરમિયાન, માર્કો રુબિયોએ પણ એ અહેવાલોને નકારી કાઢ્યા છે કે તેઓ વર્ષ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા પહેલાં પોતાનું પદ છોડવાની યોજના બનાવી રહ્યા છે.

રુબિયોએ ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, “ટ્રમ્પના કાર્યકાળના અંત સુધી તેમની સાથે કામ કરવું હંમેશાં મારી યોજના રહી છે.”

‘ઈરાન અમેરિકા સાથે કોઈ નવી વાતચીત નહીં કરે’, પુતિન સાથે મુલાકાત બાદ મોહસિન રઝાઈનું નિવેદન

મોહસિન રઝાઈ ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈનો સંદેશ આપવા માટે મૉસ્કો ગયા તે વેળાની તસવીર.

ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સચિવ મેજર જનરલ મોહસિન રઝાઈએ રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી છે.

મોહસિન રઝાઈ ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈનો સંદેશ આપવા માટે મૉસ્કો ગયા હતા.

બીબીસી પર્શિયનના જણાવ્યા અનુસાર, રઝાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિએ તેહરાનમાં યોજાયેલી ચાર દેશોની બેઠકનું સ્વાગત કર્યું હતું, જેમાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ ભાગ લીધો હતો.

રઝાઈએ એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું છે કે ક્રેમલિન આ વિસ્તારમાં યુદ્ધનો અંત લાવવા માટેના કોઈપણ પ્રયાસ માટે તૈયાર છે, કારણ કે તેમના મત મુજબ ‘ન યુદ્ધ, ન શાંતિ’ની સ્થિતિનો અંત આવવો ઈરાનનાં હિતમાં રહેશે.

ગુરુવારે પુતિન સાથે મુલાકાત કર્યા બાદ રઝાઈએ ફરી એકવાર કહ્યું હતું કે, ઈરાન અમેરિકા સાથે કોઈ નવી વાતચીત નહીં કરે અને જ્યાં સુધી તેની સાત શરતો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હોર્મુઝ જળમાર્ગ ખોલશે નહીં.

મોહસિન રઝાઈએ વધુમાં જણાવ્યું હતું, “પુતિન સાથેની બેઠક દરમિયાન રશિયાથી ઈરાન સુધી ગૅસ પાઇપલાઇનના નિર્માણ અંગે ચર્ચા થઈ હતી, જેથી ઈરાન ગૅસની અછત દૂર કરી શકે અને આસપાસના દેશોને રશિયન ગૅસનું વેચાણ કરી શકે.”

શૅરબજારમાં થયેલા ઘટાડા માટે ટ્રમ્પે આ લોકોને ગણાવ્યા જવાબદાર

અમેરિકાની મિડટર્મ ચૂંટણીનાં પરિણામોને કારણે દુનિયાભરનાં શૅરબજારોમાં ટૅક શૅરો તૂટ્યા

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને એશિયાનાં શૅરબજારોમાં આવેલા ભારે ઘટાડા માટે સામાન્ય લોકોને જવાબદાર ઠેરવ્યા છે.

તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું, “આજે શૅરબજાર ધરાશાયી થયું છે, કારણ કે ડેમૉક્રેટિક પાર્ટીએ મંગળવારે મોટી જીત મેળવી છે. આ જોઈને ખૂબ દુઃખ થાય છે. તેના માટે તમે પોતે જ જવાબદાર છો.”

બીજી એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું, “ચૂંટણીનાં પરિણામોના આધારે જોવામાં આવે તો આ શૅરબજારના ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાંનો એક રહ્યો છે. આ બધું જોવું ખરેખર દુઃખદ છે. બજારને એવા સ્તરે પહોંચાડવા માટે ખૂબ મહેનત કરવામાં આવી હતી, જ્યાં તે અગાઉ ક્યારેય પહોંચ્યું નહોતું, અને પછી આ બધું બની ગયું. તેના કારણે તમારા નિવૃત્તિ (રિટાયરમેન્ટ) ખાતામાં રહેલી રકમ પણ ઘટી ગઈ છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું, “યાદ રાખો, તેના માટે રિપબ્લિકન નહીં પરંતુ ડેમૉક્રેટ્સ જવાબદાર છે. જોકે, ચિંતા કરવાની જરૂર નથી, અમે ટૂંક સમયમાં કોઈ ને કોઈ રીતે પહેલાં કરતાં વધુ મોટા અને મજબૂત બનીને પાછા ફરીશું.”

આ અગાઉ અમેરિકાની મિડટર્મ ચૂંટણી બાદ શૅરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. તેના કારણે અમેરિકા અને એશિયાની અગ્રણી ટૅક્નૉલૉજી કંપનીઓના બજાર મૂલ્યમાંથી સેંકડો અબજ ડૉલરનું નુકસાન થયું હતું.

આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વિકાસની ગતિ ધીમી પડી શકે તેવી આશંકાઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

AIના વિકાસને ધીમો પાડવાના મુદ્દે ચૂંટણી લડનારા ડેમૉક્રેટિક ઉમેદવારોની જીત બાદ ટૅક્નૉલૉજી અને AI ક્ષેત્રની કંપનીઓના શૅરમાં ભારે ઘટાડો નોંધાયો હતો.

અમેરિકાની મિડટર્મ ચૂંટણીનાં પરિણામોને કારણે દુનિયાભરનાં શૅરબજારોમાં ટૅક શૅરો તૂટ્યા

AIના વિકાસને ધીમો પાડવાના મુદ્દે ચૂંટણી લડનારા ડેમૉક્રેટિક ઉમેદવારોની જીત બાદ ટૅક્નૉલૉજી અને AI ક્ષેત્રની કંપનીઓના શૅરોમાં ભારે વેચવાલી જોવા મળી.

અમેરિકાની મિડટર્મ ચૂંટણી બાદ શૅરબજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાના કારણે અમેરિકા અને એશિયાની અગ્રણી ટેક કંપનીઓના બજાર મૂલ્યમાંથી સેંકડો અબજ ડૉલરનું નુકસાન થયું છે.

આ પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વિકાસની ગતિ ધીમી પડી શકે તેવી આશંકાઓ છે.

AIના વિકાસને ધીમો પાડવાના મુદ્દે ચૂંટણી લડનારા ડેમૉક્રેટિક ઉમેદવારોની જીત બાદ ટૅક્નૉલૉજી અને AI ક્ષેત્રની કંપનીઓના શૅરોમાં ભારે વેચવાલી જોવા મળી.

ટેક કંપનીઓનું વધુ વજન ધરાવતા નાસ્ડેક કૉમ્પોઝિટ ઇન્ડેક્સમાં 5.5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો. ડાઉ જોન્સના આંકડા મુજબ, તેના કારણે કંપનીઓના કુલ બજાર મૂલ્યમાં અંદાજે 2.5 ટ્રિલિયન ડૉલરનો ઘટાડો થયો.

અમેરિકાના અન્ય મુખ્ય શૅરબજાર સૂચકાંકોમાં પણ ભારે ઘટાડો નોંધાયો. વર્ષ 2025 પછીનો આ તેમનો સૌથી ખરાબ ટ્રેડિંગ દિવસ રહ્યો.

AI પર થઈ રહેલા મોટા પાયાના ખર્ચમાંથી કેટલો વાસ્તવિક ફાયદો મળશે તે અંગે પહેલેથી જ રહેલી ચિંતાઓ વચ્ચે આ વેચવાલી જોવા મળી.

એશિયામાં પણ શુક્રવારે સવારે ટેક કંપનીઓનું વધુ વજન ધરાવતા શૅરબજાર સૂચકાંકોમાં તેજ ઘટાડો નોંધાયો.

જાપાનનો નિક્કેઈ 225 શરૂઆતના કારોબારમાં 5 ટકા નીચે આવી ગયો. આ દરમિયાન પેનાસોનિકના શૅરોમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો, જ્યારે હિતાચીના શૅર લગભગ 8 ટકા સુધી ઘટી ગયા.

દક્ષિણ કોરિયાની મુખ્ય ટેક કંપનીઓના શૅરોમાં ઘટાડાને કારણે કૉસ્પી ઇન્ડેક્સ પણ 8.5 ટકાથી વધુ તૂટી ગયો. ચિપ ઉત્પાદક કંપની એસકે હાઇનિક્સના શૅરોમાં 11.5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, જ્યારે સેમસંગના શૅર લગભગ 10 ટકા નીચે આવી ગયા.

અમેરિકાના વિવિધ ચૂંટણીક્ષેત્રોમાં ડેમૉક્રેટિક ઉમેદવારોએ ડેટા સેન્ટરો અને AIના ઝડપી વિસ્તરણને ધીમું કરવાની વાતને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.

દેશભરનાં મતપત્રકોમાં એવા અનેક પ્રસ્તાવો પણ સામેલ હતા, જેમનો હેતુ આ ટૅક્નૉલૉજીને સંચાલિત કરવા માટે અત્યંત જરૂરી એવાં ડેટા સેન્ટરોના નિર્માણ અને વિસ્તરણ પર નિયંત્રણ લાદવાનો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS