Source : BBC NEWS

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કર્જત તાલુકામાં આવેલા સાઈ ડુંગર પમ્પડ સ્ટૉરેજ પ્રોજેક્ટને લઈને હાલમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે.
મોટા પ્રમાણમાં ‘વૃક્ષોનું નિકંદન, જૈવવિવિધતાને નુકસાન, પ્રોજેક્ટની પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ અને સ્થાનિકોના વિસ્થાપન’ના ડરથી નાગરિકો તથા પર્યાવરણપ્રેમીઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.
આદિવાસીઓના વનઅધિકારો, પાણીની ઉપલબ્ધતા અને પશ્ચિમ ઘાટના પર્યાવરણ પર થનારી સંભવિત માઠી અસર અંગે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ સમગ્ર સંદર્ભમાં બીબીસી મરાઠીએ ટૉરેન્ટ પાવર કંપનીને કેટલાક સવાલો પૂછ્યા હતા.
વિવાદ વચ્ચે કંપનીએ પહેલી વાર બીબીસી મરાઠીને આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત લેખિત જવાબો આપ્યા છે.
સાઈ ડુંગર પ્રોજેક્ટ ખરેખર શું છે?
ટૉરન્ટ કંપનીના જણાવ્યા મુજબ, કર્જતના સાઇ ડુંગર ખાતે પ્રસ્તાવિત 3,000 મેગાવૉટ ક્ષમતાનો પમ્પડ સ્ટૉરેજ પ્રોજેક્ટ ‘વીજ ગ્રીડની સ્થિરતા જાળવવા, વીજપુરવઠાની વિશ્વસનીયતા વધારવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાનો વધુ ઉપયોગ શક્ય બનાવવા’ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ પ્રોજેક્ટને 12 જાન્યુઆરી, 2026ના રોજ પર્યાવરણીય મંજૂરી (EC) અને 10 જુલાઈ, 2026ના રોજ વનવિભાગની અંતિમ મંજૂરી મળી ગઈ હતી.
આ પ્રોજેક્ટ માટે 233 હૅક્ટર વનવિસ્તારનો ઉપયોગ કરવામાં આવશે. તેના બદલામાં વનીકરણ માટે સાતારા જિલ્લામાં 253 હૅક્ટર જમીન નિર્ધારિત કરવામાં આવી છે.
કંપનીએ આપેલી માહિતી અનુસાર, 3 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી પર્યાવરણીય જાહેર સુનાવણીમાં 442 લોકો હાજર રહ્યા હતા.
પ્રોજેક્ટનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
કંપનીનો દાવો છે કે, શરૂઆતમાં કેટલાંક હિતધારક જૂથોએ ગેરમાર્ગે દોરનારાં નિવેદનો આપ્યાં હોવાથી આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ થયો હતો.
કંપનીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ ભીમાશંકર વન્યજીવ અભયારણ્યમાં આવે છે અને તેના કારણે ભીમાશંકર જ્યોતિર્લિંગ પર અસર થશે, એવી માહિતી ફેલાવવામાં આવી હતી.”
તેમણે આગળ ઉમેર્યું હતું કે, “પરંતુ વાસ્તવમાં પ્રોજેક્ટનું સ્થળ ભીમાશંકર મંદિરથી આશરે 20 કિલોમીટર અને ભીમાશંકર વન્યજીવ અભયારણ્યથી આશરે 16 કિલોમીટર દૂર છે.”
“આથી આ પ્રોજેક્ટના કારણે પવિત્ર જ્યોતિર્લિંગ કે અભયારણ્ય પર કોઈ જ પ્રતિકૂળ અસર થશે નહીં,” તેવું કંપનીએ સ્પષ્ટ કર્યું હતું.
Torrent Power
વૃક્ષો કાપવા અને પ્રોજેક્ટની પર્યાવરણીય અસરો અંગેની ચિંતાઓ વિશે સ્પષ્ટતા કરતાં કંપનીએ જણાવ્યું હતું કે, “તમામ જરૂરી પરવાનગીઓ મળ્યા પછી વનવિભાગે વૃક્ષછેદનની પ્રક્રિયા શરૂ કરી છે.”
કંપનીએ ઉમેર્યું હતું કે, “પ્રોજેક્ટના લાંબા ગાળાના પર્યાવરણીય ફાયદા અને વીજ ગ્રીડ માટે તેના મહત્ત્વ વિશે 25 ઑક્ટોબરે પ્રેસ રિલીઝ બહાર પાડીને સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે.”
કંપનીનું કહેવું છે કે, સ્થાનિક ગામોનાં પ્રતિનિધિઓ, અસરગ્રસ્ત જમીનમાલિકો, ગ્રામપંચાયતો અને જિલ્લા વહીવટી તંત્ર સાથે પર્યાવરણીય જાહેર સુનાવણી, ગ્રામ્ય સ્તરની બેઠકો અને લેખિત રજૂઆતો મારફતે સતત સંવાદ સાધવામાં આવ્યો છે.
લોકોના વિરોધ છતાં ટૉરેન્ટ પાવર નક્કી કર્યા મુજબ આગળ વધશે કે પ્રોજેક્ટ પર પુનર્વિચાર કરશે? આ પ્રશ્નના જવાબમાં કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે, “પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી અને વનવિભાગની મંજૂરી સહિતની તમામ જરૂરી પરવાનગીઓ મળી ચૂકી છે. આથી કંપનીની ભૂમિકા પ્રોજેક્ટને આયોજન મુજબ આગળ ધપાવવાની જ છે.”
ટૉરેન્ટ પાવરનું શું કહેવું છે?
Roshan Dagade
આ પ્jaજેક્ટ કર્જતના સાઈ ડુંગર, પાલી, પોટલ અને આંબોટ વિસ્તારમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. પરંતુ આ અસરગ્રસ્ત ગામોના બદલે 3 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રોજેક્ટ માટેની જાહેર સુનાવણી 14 કિલોમીટર દૂર આવેલા ગૌરકામથ ગામમાં યોજવામાં આવી હતી. સ્થાનિકોએ આ સ્થળ પસંદગી સામે ભારે વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોના વાંધા સામે કંપનીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, “જાહેર સુનાવણીનું સ્થળ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળ (MPCB) અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.”
કંપનીએ ઉમેર્યું હતું કે, “પ્રોજેક્ટના સ્થળથી અંતર, નાગરિકો ત્યાં સરળતાથી પહોંચી શકે તેવી સુવિધા અને ભાગ લેનારા લોકોને સમાવી શકાય તેવી ક્ષમતા ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરાયું હતું. જાહેર સુનાવણીનું સમયપત્રક 2 ઑગસ્ટ, 2025ના રોજ અખબારોમાં જાહેરાતો આપીને પ્રસિદ્ધ કરાયું હતું.”
કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ જાહેર સુનાવણીની કાર્યવાહીનો અહેવાલ (વૃત્તાંત) અને તેને લગતા તમામ જવાબો જાહેરમાં ઉપલબ્ધ છે.
કંપનીના જણાવ્યા અનુસાર, “જાહેર સુનાવણી દરમિયાન જમીન, પર્યાવરણ અને સામાજિક અસરો અંગેના તમામ મુદ્દા નોંધવામાં આવ્યા હતા. સુનાવણીના અહેવાલ અને દરેક મુદ્દા પર કંપનીએ આપેલા જવાબોને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની નિષ્ણાત મૂલ્યાંકન સમિતિ (EAC) દ્વારા ધ્યાને લેવામાં આવ્યા હતા. ત્યાર પછી 12 જાન્યુઆરી, 2026ના રોજ પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી હતી.”
23 આદિવાસી પરિવારોના વનઅધિકારોનો પ્રશ્ન

આ પ્રોજેક્ટ માટે આદિવાસીઓની દળી જમીનના વ્યવહાર અંગે પણ સ્થાનિક લોકોએ સવાલો ઉઠાવ્યા છે.
દળી જમીન એ મહારાષ્ટ્રના, ખાસ કરીને રાયગઢ જિલ્લાના વનવિસ્તારોમાં જોવા મળતી એક પરંપરાગત અને વિશિષ્ટ પ્રકારની જમીન છે. બ્રિટિશરોના શાસન દરમિયાન આદિવાસીઓની આજીવિકા માટે આ જમીનો સામૂહિક રીતે આદિવાસી વસાહતોને ખેતી કરવા માટે આપવામાં આવી હતી.
કર્જતમાં ટૉરેન્ટના પ્રોજેક્ટથી અસરગ્રસ્ત વિસ્તારમાં દળી જમીન ધરાવતા 23 આદિવાસી પરિવારો રહે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પરિવારોના વનઅધિકારો અંગેના પ્રશ્નો જિલ્લા વહીવટી તંત્રની માર્ગદર્શિકા મુજબ હાથ ધરવામાં આવ્યા છે.
કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે, “વનઅધિકારો અંગેની બાબતો પર જિલ્લા સ્તરની સમિતિ (DLC)નું પ્રમાણપત્ર, ગ્રામસભાના રેકૉર્ડ અને જિલ્લા કલેક્ટરના આદેશોના આધારે સક્ષમ અધિકારીઓ દ્વારા પ્રક્રિયા કરવામાં આવી હતી. ત્યાર પછી ઑગસ્ટ 2026માં વનઅધિકાર કાયદા (FRA) હેઠળ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વનઅધિકારો અને આજીવિકા અંગેના પ્રશ્નોનું નિરાકરણ સૂચિત વનઅધિકાર મંજૂરી પ્રક્રિયા તેમજ જમીન અને વળતરની વ્યવસ્થાઓ અનુસાર કરવામાં આવી રહ્યું છે.”
જોકે, વનઅધિકાર કાયદા હેઠળની પ્રક્રિયા અને પ્રમાણપત્ર વિશે કંપનીએ માહિતી આપી છે, પરંતુ PESA કાયદા હેઠળ ગ્રામસભાઓની સંમતિ કે તેમની સાથે પરામર્શ કેવી રીતે કરાયો, તે અંગે કંપનીએ કોઈ અલગ વિગતો આપી નથી.
ઉલ્લેખનીય છે કે, PESA કાયદા હેઠળ અનુસૂચિત વિસ્તારોમાં આદિવાસી સમુદાયોને ગ્રામસભા મારફતે સ્વશાસન અને સ્થાનિક નિર્ણયો લેવાના કાનૂની અધિકારો મળેલા છે.
આ ઉપરાંત, જંગલ પર નિર્ભર આદિવાસી પરિવારોની ભવિષ્યની આજીવિકા માટે કયાં નક્કર પગલાં લેવામાં આવશે, તે અંગે પણ કંપનીએ કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી.
આ પ્રોજેક્ટ માટે કેટલાં વૃક્ષો કાપવામાં આવ્યાં?
કંપનીનો દાવો છે કે, પ્રોજેક્ટથી અસરગ્રસ્ત વનવિસ્તારમાં સ્થળ પર જઈને વૃક્ષોની વિગતવાર ગણતરી કરવામાં આવી હતી.
કંપનીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, “દરેક વૃક્ષની પ્રજાતિની અલગથી નોંધ કરવામાં આવી હતી અને પ્રોજેક્ટના વિસ્તાર સાથે નકશાના આધારે તેનું મૅપિંગ કરાયું હતું.”
તેમણે આગળ ઉમેર્યું હતું કે, “ત્યાર પછી મહારાષ્ટ્રના વનવિભાગે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. વનજમીનના ઉપયોગની પરવાનગી આપવાની પ્રક્રિયા દરમિયાન આ નોંધોની ચકાસણી કરીને ખરાઈ કરવામાં આવી હતી. આ વૃક્ષગણતરીના આધારે જ વૃક્ષો કાપવાની મંજૂરી અપાઈ હતી.”
જોકે, કુલ કેટલાં વૃક્ષોની ગણતરી કરવામાં આવી, કેટલાં વૃક્ષો કાપવાની મંજૂરી મળી અને ખરેખર કેટલાં વૃક્ષો કાપવામાં આવ્યાં, તે અંગે કંપનીએ કોઈ વાસ્તવિક આંકડા આપ્યા નથી.
કંપનીએ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, “વૃક્ષો કાપવાનું કામ વનવિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોઈ ચોક્કસ દિવસે ખરેખર કેટલાં વૃક્ષો કાપવામાં આવ્યાં, તેની માહિતી વનવિભાગ પાસે ઉપલબ્ધ હશે.”
વૃક્ષગણતરીમાં એક જ વૃક્ષને બે અલગ-અલગ નંબર આપવા અને જિયૉટેગિંગમાં ગડબડ હોવાના આક્ષેપો અંગે પણ કંપનીએ સ્પષ્ટતા કરી હતી.
કંપનીએ કહ્યું હતું કે, “વૃક્ષોની ગણતરી, તેમની ઓળખ નક્કી કરવી, નંબર આપવા, જિયૉટેગિંગ અને વૃક્ષો કાપવા સહિતની તમામ પ્રક્રિયાઓ રાજ્યના વનવિભાગની દેખરેખ હેઠળ અને નિર્ધારિત નિયમો અનુસાર જ કરવામાં આવે છે.”
જોકે, વૃક્ષો કાપવા પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે પછી આગામી સમયમાં વૃક્ષો કાપવાનું કામ ચાલુ રહેશે, તે અંગે કંપનીએ કોઈ સ્પષ્ટ વલણ રજૂ કર્યું નથી.
વળતરરૂપે વનીકરણ માટે આપવામાં આવેલી જમીનનો વિવાદ
Nitin Nagarkar/BB
કંપનીએ સ્વીકાર્યું છે કે, નવાં વૃક્ષો વાવવાથી કુદરતી જંગલના વિનાશની તાત્કાલિક ભરપાઈ થઈ શકતી નથી.
કંપનીનું કહેવું છે કે, નવાં વાવેલાં વૃક્ષોને ઉછરતાં સમય લાગે છે. આથી આ નુકસાનની ભરપાઈ તબક્કાવાર જ શક્ય બને છે.
કંપનીએ જણાવ્યું હતું કે, “પર્યાવરણીય નુકસાન ઘટાડવાના ઉપાય તરીકે અગાઉથી વૃક્ષો ધરાવતી જમીન ફાળવવી, તેનું લાંબા ગાળા સુધી સંરક્ષણ કરવું અને અન્ય પર્યાવરણીય પગલાં ભરવાનો સમાવેશ થાય છે.”
આ ઉપરાંત, કંપની પોતે પણ પ્રોજેક્ટના ગ્રીન બેલ્ટ વિસ્તારમાં, માટી તથા પથ્થર ઠાલવવાની જગ્યાઓ પર અને પ્રોજેક્ટના અન્ય ભાગોમાં આશરે 60,000 વૃક્ષો વાવશે.
કંપનીએ દાવો કર્યો છે કે, તેમણે વળતરરૂપી વનીકરણ માટે 253 હૅક્ટર (આશરે 625 એકર) ખાનગી જમીન વનવિભાગને સોંપી છે.
આ જમીન સાતારા જિલ્લાના પાટણ તાલુકામાં આવેલી છે અને તેના પર અગાઉથી જ 70,000 વૃક્ષો છે.
કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે, આ જમીન પર વનવિભાગ દ્વારા વધુ 30,000 વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભીમાશંકર અભયારણ્ય અને વન્યજીવો પર અસર થશે?

પ્રોજેક્ટનું સ્થળ ભીમાશંકર વન્યજીવ અભયારણ્યથી આશરે 16 કિલોમીટર દૂર છે. અલીબાગના નાયબ વનસંરક્ષકે 6 જૂન, 2025ના રોજ આપેલા પત્રમાં પણ આ પ્રોજેક્ટ અભયારણ્ય વિસ્તારની બહાર હોવાનું જણાવ્યું હતું.
જોકે, પર્યાવરણપ્રેમીઓનું કહેવું છે કે, વન્યજીવોની દ્રષ્ટિએ આ અંતર ખાસ મોટું નથી. અહીં વૃક્ષો કાપ્યાં પછી કેટલાક વન્યજીવો મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટના કારણે વન્યજીવો પર કેવી અસર થશે, તે અંગે બીબીસી મરાઠીએ કંપનીને સવાલો પૂછ્યા હતા.
પ્રોજેક્ટના કામ દરમિયાન અત્યાર સુધીમાં કોઈ વન્યજીવો ઘાયલ થયા છે કે કેમ અથવા તેમનાં મોત થયાં છે કે કેમ, તેવા સવાલના જવાબમાં કંપનીએ સ્પષ્ટતા કરી હતી.
કંપનીએ જણાવ્યું હતું કે, “વૃક્ષો કાપવાનું કામ વનવિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેથી વન્યજીવો ઘાયલ થયાની કોઈ માહિતી હશે તો તે વનવિભાગ પાસે ઉપલબ્ધ હશે.”
જોકે, પ્રોજેક્ટ વિસ્તારમાં વન્યજીવોના અવરજવરના માર્ગો (વાઇલ્ડલાઇફ કૉરિડૉર) અંગે કોઈ અલગ અભ્યાસ કરવામાં આવ્યો છે કે કેમ અને તેનાં તારણો શું છે, તે અંગે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
પર્યાવરણીય મંજૂરીની શરતોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તે અંગેના અહેવાલો દર છ મહિને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની ઓનલાઇન વ્યવસ્થા મારફતે રજૂ કરવા જરૂરી છે. આ અહેવાલો કંપનીની વેબસાઇટ પર પણ પ્રસિદ્ધ કરવા પડશે, તેમ કંપનીએ સ્પષ્ટ કર્યું હતું.
વિસ્ફોટ, ભૂસ્ખલન અને બાંધકામને કારણે ઘરોને જોખમ?
કંપનીના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ માટે ખોદકામ અને નિયંત્રિત વિસ્ફોટ (બ્લાસ્ટિંગ)ની પ્રક્રિયા મંજૂર થયેલી પર્યાવરણીય વ્યવસ્થાપન યોજના (EMP) મુજબ હાથ ધરવામાં આવશે.
આ માટે કાયદેસરની વિસ્ફોટક મંજૂરીઓ અને સ્થળની પરિસ્થિતિ અનુસાર નક્કી કરાયેલાં એન્જિનિયરિંગ નિયંત્રણોને ધ્યાને લેવાશે.
પર્યાવરણીય મંજૂરી અનુસાર, વિસ્ફોટનું કામ માત્ર પરવાનાધારક અથવા અધિકૃત એજન્સીઓ જ કરી શકશે.
ભૂસ્ખલન અને ભારે વરસાદના સમયગાળામાં સુરક્ષાની વિશેષ કાળજી રાખવાની રહેશે. ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી તૈયારીઓ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.
કંપનીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, “બાંધકામનું આયોજન કરતી વખતે યોગ્ય વિસ્ફોટ યોજના, સતત દેખરેખ અને નજીકની ઇમારતો તેમજ પાણીના સ્રોતોની સુરક્ષા માટે જરૂરી તમામ સાવચેતી રાખવામાં આવશે.”
તેમણે આગળ ઉમેર્યું હતું કે, “અંતર અને સંભવિત જોખમને ધ્યાને રાખીને, જ્યાં જરૂર જણાય ત્યાં કામ શરૂ કરતાં પહેલાં આસપાસનાં બાંધકામોની વર્તમાન સ્થિતિનું સર્વેક્ષણ કરાશે. તેમજ સંબંધિત લોકો સાથે સતત સંવાદ સાધવામાં આવશે.”
કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ખોદકામ દરમિયાન નીકળતા પથ્થર અને માટીના ઢગલા ઠાલવવા માટે વનવિસ્તારની બહાર ત્રણ સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે.
આ એકત્રિત કરાયેલા જથ્થામાંથી પ્રોજેક્ટના બાંધકામમાં ઉપયોગી સામગ્રીનો પુનઃઉપયોગ કરવામાં આવશે.
પર્યાવરણીય અહેવાલની સ્વતંત્ર તપાસ થશે?
પ્રોજેક્ટના પર્યાવરણીય અસર મૂલ્યાંકન અહેવાલ (EIA)ની સ્વતંત્ર ચકાસણી કેવી રીતે થશે, તે અંગે કંપનીને સવાલ પૂછવામાં આવ્યો હતો.
કંપનીએ આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, “પર્યાવરણીય મંજૂરી આપતાં પહેલાં પર્યાવરણીય અસર મૂલ્યાંકન અને પર્યાવરણીય વ્યવસ્થાપન યોજના (EIA/EMP) અંગે કાયદાકીય નિયમો મુજબ જાહેર સુનાવણી યોજીને વિચારણા કરાઈ હતી.”
તેમણે ઉમેર્યું હતું કે, “ત્યાર પછી કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની નિષ્ણાત મૂલ્યાંકન સમિતિ (EAC) દ્વારા આ અહેવાલોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.”
આ ઉપરાંત, પ્રોજેક્ટ શરૂ થયાનાં 5 વર્ષ પછી પર્યાવરણીય અસરોનો સ્વતંત્ર અભ્યાસ કરવો અને કોઈ તટસ્થ સંસ્થા મારફતે પર્યાવરણીય તથા સામાજિક અસરોનું મૂલ્યાંકન (Post-EIA/SIA Assessment) કરાવવાની વિશેષ શરત પર્યાવરણીય મંજૂરીમાં મૂકવામાં આવી છે.
જોકે, સમગ્ર પ્રોજેક્ટની બ્લૂપ્રિન્ટ (આરાખડો/નકશો) જાહેર કરવા સામે કંપનીએ સુરક્ષાનાં કારણો દર્શાવ્યાં છે.
કંપનીએ પોતાના જવાબમાં સ્પષ્ટ કર્યું હતું કે, “આ અતિ મહત્ત્વના ઊર્જા પ્રોજેક્ટનો સંપૂર્ણ નકશો દર્શાવતી વિગતો સુરક્ષાના કારણોસર જાહેર કરી શકાય નહીં.”
પ્રોજેક્ટ માટે કેટલું પાણી જોઈશે? ઓછો વરસાદ પડે તો શું થશે?

કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે, આ પ્રોજેક્ટના કારણે આસપાસના વિસ્તારોમાં પીવાના પાણી, સિંચાઈ કે ભૂગર્ભ જળ પર કોઈ પ્રતિકૂળ અસર થશે નહીં.
કંપનીના જણાવ્યા અનુસાર, “પમ્પ્ડ સ્ટોરેજમાં મર્યાદિત પ્રમાણમાં પાણીની જરૂર પડે છે, કારણ કે એક જ પાણીનો વારંવાર ઉપયોગ થાય છે. બાષ્પીભવનને કારણે પાણીમાં થતી ઘટ પૂરી કરવા માટે દર વર્ષે કુલ પાણીના માત્ર 5થી 10 ટકા પાણીની જરૂર પડશે.”
પ્રોજેક્ટની શરૂઆતમાં જળાશય ભરવા માટે 230 લાખ ઘનમીટર (MCM) અને ત્યારબાદ દર વર્ષે 30 લાખ ઘનમીટર પાણીની જરૂર પડશે. આ પાણી ચોમાસા દરમિયાન જળસંગ્રહ વિસ્તારમાંથી એકત્ર કરવામાં આવશે.
કંપનીએ ઉમેર્યું હતું કે, “જળસંપદા વિભાગના જળવિજ્ઞાન મૂલ્યાંકન મુજબ, પ્રસ્તાવિત નીચલા બંધના સ્થળે 90 ટકા વિશ્વસનીયતાના ધોરણે ઉપલબ્ધ પાણીનો જથ્થો આશરે 3.41 કરોડ ઘનમીટર (34.177 મિલિયન ઘનમીટર) છે. જેની સામે પ્રોજેક્ટ માટે દર વર્ષે માત્ર 30 લાખ ઘનમીટર પાણીની જરૂર છે.”
કંપનીનું કહેવું હતું કે, “નીચલા જળાશયમાં જે પાણી એકત્ર કરાશે, તે અન્યથા વહીને સમુદ્રમાં ભળી જતું હતું. આથી વાસ્તવમાં આ જળાશયના કારણે ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવામાં પણ મદદ મળશે.”
મહારાષ્ટ્ર સરકારની ‘2023ની પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ નીતિ’ હેઠળ જળસંપદા વિભાગના નાશિકસ્થિત જળવિજ્ઞાન વિભાગ પાસેથી 13 જાન્યુઆરી, 2025ના રોજ પાણીની ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું.
આ પ્રમાણપત્રમાં સ્પષ્ટ કરાયું છે કે, આ પ્રોજેક્ટના કારણે વર્તમાન બંધોમાંથી સિંચાઈ કે પીવાના પાણી પુરવઠાની વ્યવસ્થા પર કોઈ વિપરીત અસર થશે નહીં.
જોકે, ઓછો વરસાદ પડે કે દુકાળની સ્થિતિ સર્જાય અને પાણીની તંગી ઊભી થાય, ત્યારે જળાશયનું પાણી વીજ ઉત્પાદન માટે વપરાશે કે પીવા માટે અપાશે, તે અંગે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




