Home તાજા સમાચાર gujrati વૈભવ સૂર્યવંશીને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમમાં કાયમી સ્થાન ક્યારે મળશે?

વૈભવ સૂર્યવંશીને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમમાં કાયમી સ્થાન ક્યારે મળશે?

3
0

Source : BBC NEWS

વૈભવ સૂર્યવંશીને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમમાં કાયમી સ્થાન ક્યારે મળશે?

કિશોરોમાં વીડિયો ગેમ્સ ઘણી લોકપ્રિય હોય છે. પરંતુ 15 વર્ષના વૈભવ સૂર્યવંશી એવા કિશોર છે, જેઓ આજકાલ વ્યાવસાયિક ક્રિકેટને જ વીડિયો ગેમમાં ફેરવી રહ્યા છે.

24 નવેમ્બરે દોહામાં રમાયેલી એક મૅચમાં તેમણે કંઈક આવું જ કર્યું.

વૈભવે લિસ્ટ A ક્રિકેટની એક જ ઇનિંગ્સમાં સૌથી ઝડપી 100 રન (28 બૉલ), સૌથી ઝડપી 150 રન (40 બૉલ) અને સૌથી ઝડપી 200 રન (52 બૉલ) બનાવવાનો રેકૉર્ડ નોંધાવ્યો.

તેમની આ ઇનિંગ્સમાં કુલ 28 છગ્ગા હતા.

હા, 28 છગ્ગા.

એટલે કે 204 રનની આ ઇનિંગ્સમાં તેમણે 168 રન માત્ર છગ્ગાથી જ બનાવ્યા.

વૈભવની તાજેતરની ઇનિંગ્સે ફરી એકવાર આ સવાલને ચર્ચામાં લાવ્યો છે કે આ ખેલાડી ભારતની ટી20 ક્રિકેટ ટીમમાં ઓપનર તરીકે પોતાનું સ્થાન ક્યારે પાકું કરી શકશે? અને શું ટી20 ઉપરાંત તેને વનડે ક્રિકેટમાં પણ અજમાવવો જોઈએ?

સૌ પહેલાં આંકડાઓ પર નજર કરીએ.

અત્યાર સુધી રમેલી 10 ટી20 આંતરરાષ્ટ્રીય મૅચોમાં વૈભવે 29.50ની સરેરાશ અને 185.53ના સ્ટ્રાઇક રેટથી 295 રન બનાવ્યા છે. તેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 81 રન રહ્યો છે.

બીજી તરફ, આઈપીએલમાં અત્યાર સુધી રમેલી 23 ઇનિંગ્સમાં તેણે 1,028 રન બનાવ્યા છે. અહીં તેની સરેરાશ 44.69 અને સ્ટ્રાઇક રેટ 228.95 રહ્યો છે.

આમાંથી સાત મૅચ તેમણે 2025ની સિઝનમાં અને 16 મૅચ 2026ની આઈપીએલમાં રમી હતી.

2026ની આઈપીએલમાં જ તેમણે ક્રિસ ગેઇલનો એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકૉર્ડ પણ તોડ્યો હતો. ગેઇલે 2012ની સિઝનમાં 59 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે રાજસ્થાન રૉયલ્સના આ ટીનેજ ખેલાડીએ 2026માં 72 છગ્ગા ફટકાર્યા.

છગ્ગાનો ઉલ્લેખ કરવો જરૂરી છે કારણ કે વૈભવ સૂર્યવંશીની રમવાની શૈલીમાં તેની આક્રમકતા અને છગ્ગા ફટકારવાની ક્ષમતાની વારંવાર ચર્ચા થાય છે.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે વૈભવ સૂર્યવંશીને ભારતની ટી20 આંતરરાષ્ટ્રીય ટીમમાં કાયમી સ્થાન મળવું જોઈએ અને ઓપનર તરીકેના તેના સ્થાનમાં થોડા સમય સુધી ફેરફાર ન કરવો જોઈએ.

‘સ્પર્ધા ખૂબ જ કઠિન છે’

વૈભવ સૂર્યવંશીને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમમાં કાયમી સ્થાન ક્યારે મળશે?

વરિષ્ઠ રમત-ગમત પત્રકાર અને નિષ્ણાત અયાઝ મેમનને જ્યારે પૂછવામાં આવ્યું કે આવી શાનદાર ઇનિંગ્સ રમવા છતાં વૈભવને ટીમમાં સ્થાન આપીને લાંબા સમય સુધી કેમ અજમાવવામાં આવતો નથી, ત્યારે તેમણે કહ્યું કે આ સવાલ તદ્દન વાજબી છે.

તાજેતરમાં ભારતીય ટીમે ન્યૂઝીલૅન્ડમાં પાંચ મૅચની ટી20 શ્રેણી રમી હતી. તેમાં બે મૅચમાં વૈભવ સૂર્યવંશીને રમાડવામાં આવ્યા હતા. તેમાંથી એક મૅચમાં તેમને ઓપનિંગ કરવાની તક મળી અને તેમણે 19 બૉલમાં 45 રન બનાવ્યા.

શ્રેણી પહેલાં વૈભવને તક આપવા વિશે કૅપ્ટન શ્રેયસ અય્યરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું, “તેના જેવી પ્રતિભા ડ્રેસિંગ રૂમની આસપાસ ખુશ રહે, એ જરૂરી છે.”

અય્યરના કહેવા પ્રમાણે, “તેઓ ઘણા જ યુવાન છે અને આવનારાં વર્ષોમાં તેમને ઘણી તકો મળશે. તેઓ સીધા જ ટીમમાં આવીને સ્થાન મેળવી શકે તેમ નથી, કારણ કે આપણા ઓપનરો પણ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.”

પરંતુ શું આ યોગ્ય વ્યૂહરચના છે?

વૈભવ સૂર્યવંશીને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમમાં કાયમી સ્થાન ક્યારે મળશે?

અયાઝ મેમને બીબીસીને કહ્યું, “મોટાભાગના લોકોનું કહેવું છે કે વૈભવ સૂર્યવંશી ‘ચાઇલ્ડ પ્રોડિજી’ છે અથવા એક પેઢીમાં એકવાર જોવા મળતો ખેલાડી છે.”

“આવા ખેલાડીને યોગ્ય સમયે અને સતત તકો ન મળે તો તેનાં નકારાત્મક પરિણામો પણ આવી શકે છે.”

“સચીન તેંડુલકરને પણ બહુ નાની ઉંમરે તક આપવામાં આવી હતી અને એકવાર તક આપ્યા પછી તેમને સતત તકો મળી હતી. ત્યારબાદ તેમણે જે કર્યું એ આપણી સૌની સામે છે.”

1989માં પાકિસ્તાન સામે સચીન તેંડુલકરે ટેસ્ટ અને વનડેમાં પદાર્પણ કર્યું ત્યારે તેમની ઉંમર 16 વર્ષ હતી.

વિશ્વ રેકૉર્ડની વાત કરીએ તો પાકિસ્તાનના હસન રઝાએ માત્ર 14 વર્ષ અને 233 દિવસની ઉંમરે ઝિમ્બાબ્વે સામે પોતાની પ્રથમ વનડે રમી હતી.

સામાન્ય રીતે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં કાઉન્ટી તથા સ્ટેટ ટીમ માટે રમતા ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવામાં ઘણો સમય લાગી જાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નાની ઉંમરે પદાર્પણ કરીને પોતાનું સ્થાન બનાવનારા એશિયન ખેલાડીઓની યાદી લાંબી છે.

મંગળવારે યુએઈ સામે રમેલી વૈભવની ઇનિંગ્સ અંગે અયાઝ મેમને કહ્યું, “વૈભવની ગઈકાલની ઇનિંગ્સ અસાધારણ હતી, જાણે તેઓ પસંદગીકારોને કોઈ સંદેશ આપી રહ્યા હોય. આવો ખેલાડી ક્યારેક જ આવે છે. સારું રમવા છતાં ટીમમાં કાયમી સ્થાન મળવાની આશા ન દેખાય તો તેમની માનસિક મજબૂતી પર પણ અસર પડી શકે છે.”

તેમણે કહ્યું, “કોઈ પણ ખેલાડી વિચારી શકે કે સારું રમવા છતાં ટીમમાં યોગ્ય રીતે સ્થાન મળી રહ્યું નથી, તો હવે વધુ શું કરવું?”

“દસ મૅચમાં નિષ્ફળ જાય તો બહાર કરવા સમજાય. પરંતુ એક-બે મૅચ રમાડીને ફરી બહાર કરી દેવા યોગ્ય નથી. વૈભવને લાંબી તક આપવાની જરૂર છે.”

પરંતુ કેપ્ટન અય્યરની ઓપનિંગ જોડી અંગેની દલીલનું શું?

આ અંગે મેમને કહ્યું, “એ વાત સાચી છે કે અભિષેક શર્મા અને સંજુ સેમસન બંને સારા ખેલાડીઓ છે, પરંતુ તમારે વૈભવ માટે જગ્યા બનાવવાના રસ્તા શોધવા પડશે. એવું ન થઈ શકે કે ક્યારેક તેમને રમાડો અને ક્યારેક બહાર કરી દો.”

બીબીસીએ વૈભવ વિશે જાણીતાં રમત-ગમત નિષ્ણાત અને લેખિકા મીનાક્ષી રાવ સાથે વાત કરી. તેમણે કહ્યું કે આ ખેલાડી અંગે સંતુલિત અભિગમ અપનાવવાની જરૂર છે.

મીનાક્ષીના કહેવા પ્રમાણે, “વૈભવને લઈને ચારે તરફ ઘણો હાઇપ છે. જ્યારે તેઓ બીજી જગ્યાએ સારું કરે છે ત્યારે ખૂબ ચર્ચા થાય છે અને ભારતીય ટીમ તરફથી રમતી વખતે કોઈ દિવસે નિષ્ફળ જાય તો કહી દેવામાં આવે છે કે તેઓ ખરાબ રમી રહ્યા છે.”

“આ બધું યોગ્ય નથી. તેઓ દરેક મૅચમાં સ્કોર કરશે એવી અપેક્ષા રાખવી નિરર્થક છે. પરંતુ તેમને સતત તકો આપવી પડશે.”

વૈભવ સૂર્યવંશીને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમમાં કાયમી સ્થાન ક્યારે મળશે?

મીનાક્ષીનું કહેવું છે કે વૈભવની આક્રમક બેટિંગ તેમની ખાસિયત છે અને તેમાં ફેરફાર ન કરવો જોઈએ. પરંતુ તેની સાથે તેમને આંતરરાષ્ટ્રીય પિચ અને આંતરરાષ્ટ્રીય બૉલરો સામે ચોક્કસ અજમાવવો જોઈએ.

સાથે જ વૈભવે કેટલીક ટી20 મૅચોમાં સતત 30-40 રનની ઇનિંગ્સ રમીને પોતાની સાતત્યપૂર્ણ ક્ષમતા પણ દર્શાવવી પડશે.

તેમણે કહ્યું, “વૈભવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પિચ અને બૉલરને સમજવાની જરૂર પડશે. કારણ કે આવનારા સમયમાં બૉલરો પણ તેની રમતને સમજશે.”

“આવી સ્થિતિમાં તેમણે તેના જવાબ શોધવા પડશે. ટેકનિકની દૃષ્ટિએ પણ પોતાની રમતને વધુ મજબૂત બનાવવી પડશે. ડ્રેસિંગ રૂમમાં રહીને પણ તેઓ ઘણું શીખી શકે છે.”

મીનાક્ષીનું માનવું છે કે આવતા વર્ષે યોજાનારા વનડે વર્લ્ડકપ પહેલાં વૈભવને કેટલીક વનડે મૅચોમાં પણ રમાડવા જોઈએ. સાથે જ ઘરેલુ ક્રિકેટમાં જ્યારે પણ તક મળે ત્યારે તેમણે લાંબા ફૉર્મેટમાં પણ રમવું જોઈએ.

તેમણે કહ્યું, “એ વાત સાચી છે કે તેમની ઉંમર ઓછી છે, તેથી ટીમમાં સ્થાન પાકું કરવા માટે તેમની પાસે હજુ ઘણો સમય છે.”

“પરંતુ અત્યારે તેઓ જે ફૉર્મમાં છે અને તેમની રમતમાં જે આક્રમકતા છે, તે જાળવી રાખવી પડશે. પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ તેની સાથે સાતત્ય, અનુકૂલનક્ષમતા, મૅચની સમજ અને ટેકનિકલ જાણકારીની જરૂર પડશે. અને આ બધું તેમને આંતરરાષ્ટ્રીય મૅચોમાં રમીને જ મળશે.”

મીનાક્ષીના કહેવા પ્રમાણે, “જો તેઓ 15 વર્ષની જગ્યાએ 16 વર્ષની ઉંમરે કાયમી ખેલાડી બને તો પણ કોઈ વાંધો નથી, કારણ કે તેમની પાસે સમય છે.”

“પરંતુ તેમને પસંદગીના પ્રવાસોમાં ચોક્કસ રમાડવા પડશે કારણ કે દુનિયાભરના બૉલરોએ તેમની રમતને સમજવાનું શરૂ કરી દીધું હશે. હવે તેમણે પણ આંતરરાષ્ટ્રીય બૉબોલરોને સમજવાનું શીખવું પડશે.”

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS