Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ANI
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ
રાજસ્થાન રૉયલ્સનો ન્યૂ ચંદીગઢ ખાતે રમાયેલી IPLની ઍલિમિનેટર મૅચમાં સનરાઇઝર્સ હૈદારાબાદ સામે 47 રનથી વિજય થયો હતો. રાજસ્થાન રૉયલ્સને ફાઇનલમાં પહોંચવા માટે હવે ગુજરાત ટાઇટન્સને 29 મે, શુક્રવારે રમાનારી મૅચમાં હરાવવી પડશે.
રાજસ્થાન રૉયલ્સની ટીમે પહેલી બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા. રાજસ્થાન રૉયલ્સના વૈભવ સૂર્યવંશીએ 12 સિક્સ અને પાંચ બાઉન્ડ્રીની મદદથી 29 બૉલમાં 334.48ના સ્ટ્રાઇક રેટથી 97 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગેએ 4 ઓવરમાં 54 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 19.2 ઓવરમાં 196 રન બનાવીને ઑલઆઉટ થઈ હતી. રાજસ્થાન રૉયલ્સના જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 58 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
રાજસ્થાન રૉયલ્સે IPL 2026ની પહેલી ચાર મૅચ જીતી હતી અને પ્લે ઑફમાં પહોંચવાની મજબૂત દાવેદાર ગણાતી હતી. જોકે, ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ જે સરળતાથી ફાઇનલમાં પ્રવેશ્યા તે સરળતાથી તે પ્લે ઑફમાં પ્રવેશ્યું ન હતું. તેમણે પોતાની છેલ્લી મૅચ ભારે સંઘર્ષથી જીતીને પ્રવેશ મેળવ્યો હતો.
પ્લે ઑફમાં પહોંચવા માટે સંઘર્ષ કરનારી રાજસ્થાન રૉયલ્સની ટીમે કેવી રીતે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી દીધું?
વૈભવ સૂર્યવંશીએ 29 બૉલમાં 97 રન બનાવ્યા
ઇમેજ સ્રોત, ANI
રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 29 બૉલમાં 334.48ના સ્ટ્રાઇક રેટથી 97 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ 12 સિક્સ અને પાંચ બાઉન્ડ્રી ફટકારી હતી.
વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદારાબાદના કૅપ્ટન અને દુનિયાના વર્તમાન સમયના મહાન બૉલરોમાંથી એક પૅટ કમિન્સની પહેલી ઓવરમાં સિક્સ ફટકારીને પોતાના આક્રમક મિજાજ દર્શાવ્યો હતો.
આ પછી વૈભવ સૂર્યવંશી પૅટ કમિન્સ ત્રીજી ઓવર નાખવા આવ્યા ત્યારે તેમને ત્રણ સિક્સ અને એક બાઉન્ડ્રી ફટકારી હતી. પૅટ કમિન્સે દરેક બૉલે ફિલ્ડિંગ બદલી હતી છતાં પણ વૈભવ સૂર્યવંશીએ સિક્સ ફટકારી હતી.
વૈભવ સૂર્યવંશીની આ ધમાકેદાર બૅટિંગના કારણે રાજસ્થાને 6 ઓવરમાં 80 રન બનાવ્યા હતા.
વૈભવ સૂર્યવંશીએ પ્રફુલ હિંગેએ નાખેલી આઠમી ઓવરમાં 26 રન ફટકાર્યા હતા, જોકે 97 રન પર હતા ત્યારે ઓવરના છેલ્લા બૉલે આઉટ થયા હતા.
વૈભવ સૂર્યવંશી 8 ઓવરના અંતે રાજસ્થાન રૉયલ્સની ટીમનો સ્કોર 125 રને લઈ ગયા હતા. યશસ્વી જયસ્વાલ 25 રન બનાવીને મેદાન પર હતા.
વૈભવ સૂર્યવંશી રમી રહ્યા હતા ત્યારે લાગતું હતું કે ટીમનો સ્કોર 280ને પાર પહોંચશે.
વૈભવ સૂર્યવંશી IPLમાં સૌથી ઝડપી સદી ફટકારવાના ક્રિસ ગેઇલ(30 બૉલમાં)ના રેકૉર્ડને તોડી શક્યા હોત પરંતુ તે 29 બૉલમાં 97 રન બનાવીને આઉટ થયા હતા.
વૈભવ સૂર્યવંશી IPL 2026માં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીની યાદીમાં ટોચ પર પહોંચી ગયા છે. તેમણે 15 મૅચમાં 680 રન બનાવ્યા છે.
વૈભવ સૂર્યવંશી IPLની એક સિઝનમાં સૌથી વધારે સિક્સ મારવાનો રેકૉર્ડ બનાવ્યો છે.
તેમણે 65 સિક્સ હાલની સિઝનમાં ફટકારી છે. વૈભવ સૂર્યવંશી મૅન ઑફ ધ મૅચ બન્યા હતા.
ધ્રુવ ઝુરેલ અને રિયાન પરાગની વિસ્ફોટક ઇનિંગ
ઇમેજ સ્રોત, Getty Images
રાજસ્થાન રૉયલ્સે વૈભવ સૂર્યવંશીની વિકેટ ગુમાવ્યા પછી બે ઓવર ધીમી બૅટિંગ કરી હતી.
11મી ઓવરના બીજા બૉલે સેટ ખેલાડી યશસ્વી જયસ્વાલ પણ 29 બૉલમાં 29 બનાવીને આઉટ થઈ ગયા હતા.
યશસ્વી જયસ્વાલના આઉટ થયા પછી ચોથા બૉલે ધ્રુવ ઝુરેલે સિક્સ ફટકારીને વિરોધી ટીમને સંદેશો આપી દીધો હતો કે તેઓ દબાણમાં આવીને નહીં રમે. આ પછી રિયાન પરાગે છેલ્લા બૉલે સિક્સ ફટકારી હતી.
ધ્રુવ ઝુરેલે 20 બૉલમાં 238ના સ્ટ્રાઇક રેટથી 50 રન બનાવ્યા હતા, જોકે તેઓ પચાસ રન બનાવીને પછીના બૉલે આઉટ થઈ ગયા હતા.
ધ્રુવ ઝુરેલના આઉટ થયા પછી રિયાન પરાગે પણ આક્રમક બૅટિંગ યથાવત્ રાખી હતી, જોકે તેઓ મેદાન પર ઈજાથી પીડાઈ રહ્યા હતા. રિયાન પરાગ પ્રફુલ હિંગેની ઓવરમાં 12 બૉલમાં 26 રન બનાવીને આઉટ થાય છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ બૉલરો કમબૅક કરી ન શક્યા
ઇમેજ સ્રોત, Reuters
વૈભવ સૂર્યવંશીની વિકેટ લીધા પછી સનરાઇઝર્સ હૈદરાબાદના બૉલરોએ રાજસ્થાનની ટીમ પર હાવી થવાનો પ્રયત્ન કર્યો હતો. 9મી ઓવરમાં બૉલર શિવાંગ કુમારે માત્ર ચાર રન આપ્યા હતા, જ્યારે દસમી ઓવરમાં નિતિશ કુમાર રેડ્ડીએ સાત રન આપ્યા હતા.
સનરાઇઝર્સ હૈદારાબાદના બૉલરોએ આ પછી 11મી ઓવરમાં 15, 12મી ઓવરમાં 17 અને 13મી ઓવરમાં 17 રન આપ્યા હતા. આના કારણે રાજસ્થાન રૉયલ્સના હાથમાં ગૅમ પરત ફરી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદના બૉલરોએ અંતિમ ઓવરોમાં સારું કમબૅક કર્યું હતું. છેલ્લી પાંચ ઓવરમાં હૈદરાબાદના બૉલરોએ 36 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જોકે તેનો કોઈ અર્થ ન હતો કારણ કે 15 ઓવરમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ 207 રન બનાવી ચૂકી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે 4 ઓવરમાં 64 રન આપ્યા હતા, તેમને એક વિકેટ પણ મળી ન હતી. આ ઉપરાંત પ્રફુલ હિંગેએ 4 ઓવરમાં 54 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
20 ઓવરના અંતે રાજસ્થાન રૉયલ્સની ટીમે 8 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા.
જોફ્રા આર્ચરે પાવરપ્લેમાં જ ત્રણ વિકેટ લીધી
ઇમેજ સ્રોત, Reuters
જોફ્રા આર્ચરે સનરાઇઝર્સ હૈદારાબાદના વિસ્ફોટક બૅટ્સમૅન અભિષેક શર્માને ઇનિંગના બીજા જ બૉલે કૅચ આઉટ કરી દીધા હતા. જોફ્રા આર્ચરે અભિષેક શર્માને શૂન્ય રન પર આઉટ કરીને રાજસ્થાન રૉયલ્સની જીતનો પાયો નાખી દીધો હતો.
ઇશાન કિશને પણ આવીને જોફ્રા આર્ચરના બાકીના ચાર બૉલમાં 16 રન ફટકારીને પોતાનો મનસૂબો સાફ કરી દીધો હતો.
જોફ્રા આર્ચરે પોતાની બીજી ઓવરના પાંચમા બૉલે ઇશાન કિશનને 150 કિમી પ્રતિકલાકની ઝડપનો બૉલ નાખીને કૅચ આઉટ કર્યા હતા. ઇશાન કિશન 11 બૉલમાં 33 રન બનાવીને પરત ફર્યા હતા.
ટ્રાવિસ હેડે આક્રમક બૅટિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે જોફ્રા આર્ચરે પોતાની ત્રીજી ઓવરના ચોથા બૉલે તેમને બૉલ્ડ કર્યા હતા. તે બૉલની ઝડપ પણ 150 કિમી પ્રતિકલાકની હતી.
જોફ્રા આર્ચરે પોતાની ચાર ઓવરમાં 58 રન આપીને 3 વિકેટ લીધી હતી. આર્ચર મોંઘા સાબિત થયા હતા પરંતુ તેમણે વિકેટ લીધી હતી.
હૈદરાબાદની ઇનિંગની ત્રીજી ઓવરમાં નાન્દ્રે બર્ગરે રવિચંદ્રન સ્મરનને એક રન પર હતા અને આઉટ કર્યા હતા. આમ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પાવરપ્લેની 6 ઓવરમાં માત્ર 71 રન બનાવીને ચાર વિકેટ ગુમાવી હતી.
રાજસ્થાન રૉયલ્સના નાન્દ્ર બર્ગરે, સુશાંત મિશ્રા અને રવીન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. યશરાજ પુંજાએ એક વિકેટ લીધી હતી. જે હેન્રિચ ક્લાસેનની મહત્ત્વપૂર્ણ વિકેટ હતી.
હૈદરાબાદના ખેલાડીઓની અતિ આક્રમક બૅટિંગનું વલણ
ઇમેજ સ્રોત, ANI
રાજસ્થાન રૉયલ્સની ટીમ અગાઉ આ જ મેદાન પર 222 રનના સ્કોરને ચેઝ કરીને મૅચ જીતી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓએ શરૂઆતમાં અતિ આક્રમક બૅટિંગ કરવાના સ્થાને લાંબો સમય મેદાન પર રહેવા ભાર આપ્યો હોત તો તેઓ પણ આ મૅચ જીતી શકતા.
અતિ આક્રમક બૅટિંગ કરવાના કારણે અભિષેક શર્મા શૂન્ય પર, ટ્રાવિસ હેડ 17 રન, ઇશાન કિશન 33 રન અને હેન્રિચ ક્લાસેન 18 રન બનાવીને આઉટ થયા હતા.
નીતિશ કુમાર રેડ્ડીએ 20 બૉલમાં 38 અને સલિલ અરોરાએ 21 બૉલમાં 35 રન બનાવ્યા હતા.
હૈદરાબાદ પાસે આઠમા ક્રમ સુધી બૅટિંગ કરી શકે તેટલા ખેલાડીઓ હતા છતાં તેમના ટોચના ખેલાડીઓએ અતિ આક્રમક બૅટિંગ કરવાનું પસંદ કર્યું અને ટીમની હાર થઈ હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે પ્રેઝન્ટેશનમાં કહ્યું, ‘અમે મોટા ભાગની ઇનિંગમાં યોગ્ય રેટથી રન બનાવ્યા હતા પરંતુ અમે ખોટા સમયે બે-ત્રણ વિકેટ ગુમાવી હતી.’
રાજસ્થાન રૉયલ્સે IPLની ફાઇનલમાં પહોંચવા ગુજરાત સામે રમવું પડશે
ઇમેજ સ્રોત, Reuters
રાજસ્થાન રૉયલ્સને IPLની ફાઇનલમાં પહોંચવા માટે હવે ચંદીગઢ ખાતે શુક્રવારે ગુજરાત ટાઇટન્સ સામે ક્વૉલિફાયર 2 મૅચમાં રમવું પડશે.
રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







