Home તાજા સમાચાર gujrati આયર્લૅન્ડે ભારતને 155 રનનો લક્ષ્યાંક આપ્યો, પ્રિન્સ યાદવે ત્રણ વિકેટ લીધી –...

આયર્લૅન્ડે ભારતને 155 રનનો લક્ષ્યાંક આપ્યો, પ્રિન્સ યાદવે ત્રણ વિકેટ લીધી – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

આયર્લેન્ડ, ભારત, ટી20, મેચ, વૈભવ સૂર્યવંશી, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 7 મિનિટ

આયર્લૅન્ડના બેલફાસ્ટમાં રમાઈ રહેલી બીજી ટી20 મૅચમાં આયર્લૅન્ડે ભારતને જીતવા માટે 155 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ મૅચ ભારત અને આયર્લૅન્ડ વચ્ચે ટી20 શ્રેણીની બીજી અને અંતિમ મૅચ છે. આ મૅચમાં પણ વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયા તરફથી ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.

પ્રથમ બેટિંગ કરતા, આયર્લૅન્ડ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા.

આયર્લૅન્ડ તરફથી હેરી ટેક્ટરે સૌથી વધુ 53 રન બનાવ્યા હતા.

ભારત તરફથી પ્રિન્સ યાદવે પોતાની ડેબ્યૂ મૅચમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ અને શિવમ દુબેએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે હર્ષિત રાણાએ એક વિકેટ લીધી હતી.

આયર્લૅન્ડે પહેલી મૅચમાં ભારતને હરાવ્યું હતું.

સાઉદી અરેબિયાની તેલ કંપની અરામકોનું હેલિકૉપ્ટર ક્રૅશ, ઓછામાં ઓછા 14 લોકોનાં મોત

અકસ્માત, સાઉદી આરબ, તેલ કંપની અરામકો, હેલિકૉપ્ટર ક્રેશ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

રવિવારે સાઉદી આરબના પૂર્વ કિનારા પર રાસ તાનૂરામાં તેલ કંપની અરામકોનું એક હેલિકોપ્ટર ક્રૅશ થતાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયાં છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બધા લોકો સાઉદી અરેબિયાના નાગરિકો હતા.

અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ઈરાન યુદ્ધને કારણે અરામકોએ ત્યાં ચાર મહિના માટે કામગીરી સ્થગિત કરી દીધી હતી. શુક્રવારે રાસ તાનૂરા ટર્મિનલ પર ક્રૂડ ઑઇલ લોડિંગ ફરી શરૂ થયું હતું.

ટી20 મહિલા વિશ્વકપ: ભારતે ઑસ્ટ્રેલિયા સામે ટૉસ જીતીને બેટિંગનો કરવાનો લીધો નિર્ણય – ન્યૂઝ અપડેટ

ટી20 મહિલા વિશ્વ કપ, ભારત, ઓસ્ટ્રેલિયા, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ટી20 મહિલા વિશ્વકપમાં ભારતે ઑસ્ટ્રેલિયા સામે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની આ મૅચને ટુર્નામેન્ટની સૌથી મહત્ત્વપૂર્ણ મૅચોમાંની એક માનવામાં આવે છે.

જો ભારતીય ટીમ આજની મૅચ હારી જાય છે, તો તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

ભારતીય ટીમની પ્લેઇંગ 11 – સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, હરમનપ્રીતકોર (કૅપ્ટન), જેમિમા રૉડ્રિગ્સ, રૂચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ

ઑસ્ટ્રેલિયાની પ્લેઇંગ 11 : બેથ મૂની (વિકેટકીપર), જ્યૉર્જિયા વૉલ, ફિબી લિચફિલ્ડ, એલિસ પેરી, એશલે ગાર્ડનર, જ્યૉર્જિયા વેયરહમ, એનાબેલ સદરલૅન્ડ, નિકોલા કેરી, સોફી મોલિનક્સ (કેપ્ટન), કિમ ગાર્થ, લ્યુસી હેમિલ્ટન

સોનમ વાંગચુકે આમરણાંત ભૂખ હડતાલ શરૂ કરી, અભિજિત દીપકેએ પોલીસ પર શું આક્ષેપ કર્યા

સોનમ વાંગચુક, અભિજિત દીપકે, બીબીસી ગુજરાતી, કૉકરોચ જનતા પાર્ટી, દિલ્હી, જંતરમંતર, ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણમંત્રી

ઇમેજ સ્રોત, Ishant Chauhan/Hindustan Times via Getty Images

સામાજિક અને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે દિલ્હીના જંતરમંતર પર રવિવારે અનિશ્ચિતકાલ માટે ભૂખ હડતાલ શરૂ કરી છે.

કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી) નીટ-યુજી પેપર લીક મામલે દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી છે. આ ભૂખ હડતાલ તે જ પ્રદર્શનનો ભાગ છે.

સીજેપી અનુસાર, આ ભૂખ હડતાલ ત્યાર સુધી ચાલશે જ્યાર સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે.

સોનમ વાંગચુક ભૂખ હડતાલ પર બેઠા ત્યાર બાદ સીજેપીના સંસ્થાપક અભિજિત દીપકેએ ઍક્સ પર પોસ્ટ કરીને દિલ્હી પોલીસ પર સહયોગ નહીં કરવાનો આક્ષેપ કર્યો.

અભિજિત દીપકેએ ઍક્સ પર લખ્યું કે, “સોનમ વાંગચુકની ભૂખ હડતાલની જાહેરાત બાદ દિલ્હી પોલીસે જંતરમંતર પર સાફ-સફાઈની સુવિધાઓ બંધ કરી દીધી છે. ત્યાં પાણીના કનેક્શન અને સાફ-સફાઈની કોઈ વ્યવસ્થા નથી.”

“વારંવાર વિનંતી કરવા અને વાંગચુકની ઉંમર અને તબિયત સાથે જોડાયેલી ચિંતાઓ વ્યક્ત કરવા છતાં પોલીસ સહયોગ નથી કરી રહી. અમને આશંકા છે કે આવી જ અન્ય મૂળભૂત સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવશે. પોલીસ શું કરવાની કોશિશ કરી રહી છે?”

ઈરાનનાં સૈન્ય ઠેકાણાં પર અમેરિકાના હુમલા બાદ ઈરાની વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ઈરાનનાં સૈન્ય ઠેકાણાં પર અમેરિકાના હુમલા બાદ ઈરાની વિદેશ મંત્રાલયે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Stringer/Anadolu via Getty Images

ઈરાનનાં સૈન્ય ઠેકાણાં પર અમેરિકાની સેનાના હાલના હુમલા બાદ ઈરાની વિદેશ મંત્રાલયે નિવેદન જારી કર્યું છે.

બીબીસી ફારસી સેવાના જણાવ્યા અનુસાર, ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકાના હુમલાની નિંદા કરી છે અને ‘ઈરાનની સંપ્રભુતાના રક્ષણ કરવાના અધિકાર પર ભાર’ મૂક્યો છે.

વિદેશ મંત્રાલયે અમેરિકાના હુમલાને ‘યુદ્ધવિરામ સમજૂતીનું સ્પષ્ટ ઉલ્લંઘન’ ગણાવ્યું છે.

ઈરાનના વિદેશ મંત્રાલયે 27મી જુલાઈની સવારે થયેલા અમેરિકાના હવાઈ હુમલાની નિંદા કરતા લખ્યું, “અમેરિકા પોતાની પ્રતિબદ્ધતાને જરા પણ મહત્ત્વ નથી આપતું અને વાયદાઓ તોડવા એ તેના સ્વભાવનો ભાગ છે.”

અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે રવિવારે જણાવ્યું કે તેણે હોર્મુઝ સ્ટ્રેટની નજીક ઈરાનનાં 10 સૈન્ય ઠેકાણાં પર હુમલા કર્યા છે.

અમેરિકાની સેનાએ આરોપ લગાવ્યો હતો કે ઈરાને પનામાના ઝંડા ધરાવતા એક ઑઇલ ટૅન્કરને નિશાન બનાવ્યું હતું, ત્યાર પછી અમેરિકાની સેનાએ ઈરાનનાં સૈન્ય ઠેકાણાં પર હુમલા કર્યા હતા.

બીજી તરફ, બીબીસી ફારસી સેવાના જણાવ્યા અનુસાર, ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ કૉર્પ્સ (આઈઆરજીસી)એ જણાવ્યું છે કે તેણે રવિવાર સવારે ‘કુવૈતમાં સ્થિત અલી અલ-સલેમ ઍરબેઝ અને બહેરીનમાં અમેરિકાના પાંચમા બેડાના મુખ્યાલય સાથે સંબંધિત આઠ ઠેકાણાંને નિશાન બનાવ્યાં’ છે.

આઈઆરજીસીના અનુસાર, તેણે આ હુમલા એક સંયુક્ત અભિયાન હેઠળ કર્યા હતા. આ દરમિયાન ‘બૅલિસ્ટિક મિસાઇલ અને ડ્રૉન’ છોડવામાં આવ્યાં હતાં.

વેનેઝુએલામાં ભૂકંપ : મૃતકોની સંખ્યા વધીને 1,430 થઈ, સેંકડો લાપતા

વેનેઝુએલામાં ભૂકંપથી મરનારાની સંખ્યા વધીને 1,430 થઈ, સેંકડો લાપતા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

વેનેઝુએલામાં બુધવારે આવેલા બે ભૂકંપોને કારણે અત્યારસુધીમાં ઓછામાં ઓછા 1,430 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે.

હજુ પણ લોકો પોતાના પ્રિયજનોને શોધી રહ્યા છે.

બુધવારે જે થોડી સેકન્ડોની વચ્ચે બે ભૂકંપો આવ્યા તેમાં એકની તીવ્રતા 7.5 હતી. જે સદીમાં નોંધાયેલો સૌથી શક્તિશાળી ભૂકંપો પૈકીનો એક હતો.

આ ભૂકંપને કારણે સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે હજુ પચાસ હજાર લોકો લાપતા છે.

દેશમાં રાહત-બચાવ કર્મચારીની સંખ્યા મર્યાદિત છે. જોકે, મૅક્સિકો, સ્પેન, અમેરિકા અને બ્રિટનથી તથા અન્ય આંતરરાષ્ટ્રિય મદદ ત્યાં પહોંચી છે પરંતુ મનાય છે કે તે પર્યાપ્ત નથી.

અમેરિકાએ ઈરાનનાં દસ સૈન્ય ઠેકાણાં પર હુમલાનો કર્યો દાવો

અમેરિકાએ ઈરાનનાં દસ સૈન્ય ઠેકાણાં પર હુમલાનો કર્યો દાવો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, US CENTCOM/Handout/Anadolu via Getty Images

અમેરિકાની સેનાએ પોતાના હાલના નિવેદનમાં દાવો કર્યો છે કે તેનાં ફાઇટર પ્લેનોએ હોર્મુઝ સામુદ્રધુનીની નજીક આવેલાં ઈરાનનાં લગભગ 10 સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે.

અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ ઍક્સ પર જણાવ્યું, “ઈરાન તરફથી એમ-ટી કિકૂ પર કરવામાં આવેલા ડ્રૉન હુમલાના જવાબમાં અમેરિકાની નૌસેના અને વાયુસેનાનાં ફાઇટર પ્લેનોએ શનિવારે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટ તથા તેની આસપાસનાં ઘણાં સ્થાનો પર ઈરાનનાં 10 સૈન્ય ઠેકાણાં પર હુમલો કર્યો.”

સેન્ટકૉમે આ નિવેદન સાથે એક વીડિયો પણ શૅર કર્યો છે. જેમાં રાત્રે અંધારામાં વિસ્ફોટો થઈ રહ્યા છે.

પહેલાં એક નિવેદનમાં સેન્ટકૉમે જણાવ્યું હતું કે તેણે ઈરાન પર હાલ હુમલો કર્યો છે. સેન્ટકૉમે કહ્યું હતું કે આ કાર્યવાહી ઈરાન તરફથી પનામાના ઝંડા ધરાવતા એમ-ટી કિકૂ જહાજ પર હુમલા બાદ કરવામાં આવી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ હુમલાની પુષ્ટિ કરી છે અને ઈરાનને ચેતવણી આપી છે કે જો તે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતું રહેશે તો તેનું ‘અસ્તિત્વ સમાપ્ત’ કરી દેવામાં આવશે.

ઈરાને કુવૈત અને બહેરીનમાં આવેલાં અમેરિકી સૈન્ય ઠેકાણાં પર હુમલો કરવાનો દાવો કર્યો

ઈરાને કુવૈત અને બહેરીનમાં આવેલાં આ અમેરિકી સૈન્ય ઠેકાણાં પર હુમલો કરવાનો દાવો કર્યો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ફારસી સેવાના જણાવ્યા અનુસાર, ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ કૉર્પ્સ (આઈઆરજીસી)એ જણાવ્યું છે કે તેણે રવિવાર સવારે ‘કુવૈતમાં સ્થિત અલી અલ-સલેમ ઍરબેઝ અને બહેરીનમાં અમેરિકાના પાંચમા બેડાના મુખ્યાલય સાથે સંબંધિત આઠ ઠેકાણાંને નિશાન બનાવ્યાં’ છે.

આઈઆરજીસીના અનુસાર, તેણે આ હુમલા એક સંયુક્ત અભિયાન હેઠળ કર્યા હતા. આ દરમિયાન ‘બૅલિસ્ટિક મિસાઇલ અને ડ્રૉન’ છોડવામાં આવ્યાં હતાં.

નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલા તાજેતરમાં થયેલા અમેરિકી હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યા હતા. અમેરિકી અધિકારીઓએ અત્યાર સુધી કોઈપણ નુકસાન અથવા જાનહાનિ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

આઈઆરજીસીનું એવું પણ કહેવું છે કે અમેરિકાએ અગાઉ આઈઆરજીસી નૌકાદળ અને એક જહાજના આમના-સામના થવાના બહાને ઈરાનની પાંચ તટીય ચોકીઓ પર હુમલો કર્યો હતો.

નિવેદનમાં આ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ઇસ્લામાબાદ કરારના આધારે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવરને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે અને આઈઆરજીસી હવે એવાં જહાજો સામે વધુ કડક કાર્યવાહી કરશે જેને તે ‘ઉલ્લંઘનકર્તા’ માને છે.

આઈઆરજીસીએ ચેતવણી આપી છે કે યુદ્ધવિરામનું ઉલ્લંઘન થવાથી ઇસ્લામાબાદ કરારની આગળની પ્રક્રિયાઓ અટકી શકે છે.

આ પહેલા બીબીસી ફારસી સેવાને અહેવાલ આપ્યો હતો કે કુવૈતની સેનાએ મિસાઇલ અને ડ્રૉન હુમલાઓની પુષ્ટિ કરી છે.

કુવૈતી સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું કે દેશની ઍર ડિફેન્સ સિસ્ટમ ‘દુશ્મન’ મિસાઇલ અને ડ્રૉન હુમલાઓનો સામનો કરી રહી છે.

અમેરિકાએ ઈરાન પર કર્યો નવો હુમલો, જણાવ્યું આ કારણ

અમેરિકાએ ઈરાન પર કર્યો નવો હુમલો, જણાવ્યું આ કારણ- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Shady Alassar/Anadolu via Getty Images

હોર્મુઝ સામુદ્રધુનીના પનામાના ધ્વજવાળા એક જહાજ પર શનિવારે ડ્રૉન હુમલા બાદ અમેરિકાએ ઈરાન પર નવા હુમલા કર્યા છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ) એ જણાવ્યું કે તેણે ઈરાનમાં ઘણાં ઠેકાણાંને નિશાન બનાવ્યાં. આ કાર્યવાહી વેપારી જહાજો વિરુદ્ધ ચાલી રહેલી ‘સતત આક્રમક પ્રવૃત્તિઓ’ના સીધા જવાબ તરીકે કરવામાં આવી.

સેન્ટકૉમે જે ઠેકાણાંને નિશાન બનાવ્યાંની વાત કરી છે, તેમાં સૈન્ય સાધનસામગ્રી, કૉમ્યુનિકેશન સિસ્ટમ, ઍર ડિફેન્સ અને ડ્રૉન સ્ટોરેજ સાથે જોડાયેલાં ઠેકાણાંનો સમાવેશ થાય છે.

સેન્ટકૉમે એક નિવેદનમાં કહ્યું, “ઈરાનને યુદ્ધવિરામ કરારનું સન્માન કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ તેણે એવું કર્યું નહીં. તેની સેનાએ એકતરફી હુમલાખોર ડ્રૉન દ્વારા એમ/ટી કિકૂ પર હુમલો કર્યો.”

એમ/ટી કિકૂ પનામાના ધ્વજવાળું એક ટૅન્કર છે. સેન્ટકૉમના જણાવ્યા મુજબ, આ ટૅન્કર બે મિલિયન બેરલથી વધુ ક્રૂડઑઈલ લઈને હોર્મુઝ સામુદ્રધુની નજીકથી પસાર થઈ રહ્યું હતું.

સેન્ટકૉમે એ પણ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી વેપારી જહાજોની અવરજવર ચાલુ છે.

ઈરાને અત્યાર સુધી આ તાજેતરના હુમલાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી.

પાકિસ્તાન : કરાચીમાં રેન્જર્સ કાર્યાલય નજીક વિસ્ફોટ, અનેક લોકો ઘાયલ

પાકિસ્તાન : કરાચીમાં રેન્જર્સ કાર્યાલય નજીક વિસ્ફોટ, અનેક લોકો ઘાયલ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

પાકિસ્તાનના કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં સ્થિત રેન્જર્સ કાર્યાલય નજીક થયેલા વિસ્ફોટ અને ગોળીબારની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે.

આ ઘટના શનિવારે રાત્રે ગુલિસ્તાન-એ-જૌહરના બ્લૉક-પાંચમાં સ્થિત સચલ રેન્જર્સ ભવન નજીક ઘટી હતી. પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું કે સૌપ્રથમ વિસ્ફોટનો અવાજ સંભળાયો, ત્યારબાદ વચ્ચે-વચ્ચે ગોળીબાર થયો.

વિસ્ફોટના પ્રકાર અને જાનમાલના નુકસાન વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. અધિકારીઓનું કહેવું છે કે ઘટનાની તપાસ ચાલી રહી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના બાદ આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તપાસ એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કરી રહી છે.

રૅસ્ક્યૂ 1122ના પ્રવક્તા અનુસાર, કેન્દ્રીય કમાન્ડ અને કંટ્રોલરૂમને માહિતી મળતાની સાથે જ રાહત-બચાવ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

રૅસ્ક્યૂ ટીમના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

ઘટનાસ્થળે હાજર રૅસ્ક્યૂ 1122ના સીઈઓ ડૉ. આબિદ જલાલે બીબીસીને જણાવ્યું કે ગ્રૅનેડ સૌપ્રથમ રેન્જર્સના કાર્યાલયમાં ફેંકવામાં આવ્યો હતો, ત્યારબાદથી ગોળીબાર ચાલુ છે.

તેમણે શનિવાર સાંજે જણાવ્યું કે અત્યાર સુધીમાં બે રેન્જર્સના કર્મચારીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ ગોળીબાર હજુ પણ ચાલુ છે. સાવચેતીના ભાગરૂપે કોઈને પણ ઘટનાસ્થળે જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.

સિંધ સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સિંધના મુખ્ય મંત્રી સૈયદ મુરાદ અલી શાહે પોલીસ પાસેથી ઘટનાનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

પ્રવક્તાએ જણાવ્યું કે સિંધના મુખ્ય મંત્રીએ નિર્દેશ આપ્યો છે કે ઘટના વિશે તાત્કાલિક તપાસ થાય.

આતંકવાદી જૂથ જમાત-ઉલ-અહરાર સાથે સંકળાયેલા એક જૂથે આ હુમલાની જવાબદારી લીધી છે. જૂથે એવો પણ દાવો કર્યો છે કે હુમલો હજુ પણ ચાલુ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS