Source : BBC NEWS
SEBASTIAN D’SOUZA/AFP via Getty Images
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને આડે હવે સવા વર્ષનો જ સમય બાકી રહ્યો છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપે ‘આદિવાસી મતદારોને રીઝવવા’ માટે એક નવી અને વ્યાપક યોજના અમલમાં મૂકી છે.
આ યોજના અંતર્ગત પક્ષના તમામ ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદોને આદિવાસી વિસ્તારોનાં ગામડાં ખૂંદવાની અને લોકસંપર્ક વધારવાની વિશેષ જવાબદારી આપી દેવામાં આવી છે.
આ ‘જનસંપર્ક ઝુંબેશ’ના ભાગરૂપે ભાજપના જનપ્રતિનિધિઓ ગામડે-ગામડે જઈને ‘ખાટલાબેઠક’ કરશે. પક્ષનો મુખ્ય હેતુ રાજ્યમાં નવેસરથી ઉમેરાયેલી આદિવાસી વોટબૅન્કને સાચવી રાખવા માટેની મજબૂત વ્યૂહરચના ઘડવાનો છે.
અત્રે નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપે શરૂ કરેલી આ રાજકીય કવાયત અને તેની પાછળનાં મુખ્ય કારણો અંગે બીબીસી ગુજરાતીએ વિસ્તારપૂર્વક તપાસ કરી હતી.
ભાજપની આ વ્યૂહરચના અંગે રાજકીય નિષ્ણાતો શું કહે છે?
Frédéric Soltan/Corbis via Getty Images
જાણકારોના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર 2025થી મધ્ય અને દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ચાલતાં કેટલાંક આંદોલન બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)ને મળેલા ‘થોડા સારા’ પ્રતિસાદ બાદ ભાજપે 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં આદિવાસી મતદારોને રીઝવવા કવાયત કરવાનું નક્કી કર્યું છે.
જાણીતા રાજકીય વિશ્લેષક પ્રો .ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “2012માં ગુજરાત વિધાનસભાના નવા સીમાંકન પછી આદિવાસીઓ માટે 27 બેઠકો અનામત છે. એ પહેલાં 2007 સુધી આ સંખ્યા 26 હતી, 2002માં ભાજપને 13, કૉંગ્રેસને 11 અને જેડીયુને બે બેઠક મળી હતી. 2007માં આ ભાજપના અમિત શાહ આદિવાસીઓનો મૂડ પારખી ગયા હતા એટલે ત્યાં કૅમ્પ લગાવીને બેઠા હતા. ત્યારે ભાજપને 11, કૉંગ્રેસને 14 અને બીટીપીને એક બેઠક મળી હતી.”
“2012માં નવા સીમાંકન પછી આદિવાસીઓ માટે 27 બેઠક અનામત રખાઈ, ભાજપ એમાંથી દસ બેઠક પર જીત્યો હતો. જયારે કૉંગ્રેસ 16 અને જેડીયુ એક બેઠક પરથી જીતી હતી. એ બાદ 2017ની ચૂંટણીમાં ભાજપને નવ, કૉંગ્રેસને 15 અને બીટીપી બે અને અપક્ષને એક બેઠક મળી હતી. જોકે, 2022ની ચૂંટણીમાં આખુંય ચિત્ર ફરી ગયું હતું. એ ચૂંટણીમાં ભાજપને 23, કૉંગેસને ત્રણ અને આપને એક બેઠક મળી હતી.”
પ્રો. ઘનશ્યામ શાહ આગળ વાત કરતાં કહે છે, “ડિસેમ્બર 2025થી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા આદિવાસી આંદોલન પછી ભાજપમાં આંતરિક અસંતોષ વધી રહ્યો છે. બીજી તરફ, કૉંગ્રેસ પોતાની ગુમાવેલી વોટબૅન્ક પાછી મેળવવા મથી રહી છે, અને એમને છેલ્લા કેટલાક સમયથી આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલા કાર્યક્રમોમાં સમર્થન પણ મળી રહ્યું છે. એ સંજોગોમાં આદિવાસી વિસ્તારમાં ભાજપનો આંતરિક અસંતોષ એ પક્ષ માટે ચિંતાનો વિષય છે. બીજું કે, સરદાર પટેલનું સ્ટેચ્યૂ ઑફ યુનિટી થયા પછી આદિવાસીઓની જમીન લેવાઈ એ સમસ્યા વધુ તીવ્ર બની છે.”
તેઓ ઉમેરે છે, “આ ઉપરાંત આદિવાસીઓમાં ભણતરનું પ્રમાણ વધ્યું છે અને રોજગાર મળી નથી, એટલે ભણેલા યુવાન આદિવાસીઓમાં આક્રોશ પણ વધ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આદિવાસીઓ આંદોલન કરી રહ્યા છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં કુદરતી સંપત્તિ માટે જમીન સંપાદન કરવા જેવી બાબતો એમને આંદોલન તરફ દોરી રહી છે.”
પ્રો. શાહ કહે છે, “ભણેલા આદિવાસીઓ હવે હક માંગતા થયા છે, અને તેમણે બનાવેલી ‘ટાઇગર સેના’ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમજ, મધ્ય ગુજરાતના આદિવાસીઓનો મધ્ય પ્રદેશના આદિવાસીઓ સાથેનો રોટીબેટીનો વ્યવહાર છે. આવું જ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને મહારાષ્ટ્રમાં રોટીબેટીનો વ્યવહાર છે. તો ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન સાથે ગુજરાતના આદિવાસીઓનો રોટીબેટીનો વ્યવહાર છે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના સંખ્યાબંધ લોકો ગુજરાતમાં રોજગાર માટે આવે છે એટલે આદિવાસીઓને થતા કથિત અન્યાયની વાતની અસર માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી પટ્ટામાં પડે એમ છે.”
“હાલ સુરતથી ઉત્તર ભારતીય શ્રમિકો વતન પરત જઈ રહ્યા છે, એ મોટો મૅસેજ છે. ત્યારે આ સ્થિતિ આદિવાસી વિસ્તારમાં ટાળવા માટે આ પ્રકારની કવાયત કરાય એ સ્વાભાવિક છે. એટલે જ ગુજરાતમાં 2027ની ચૂંટણી પહેલાં યુસીસી (સમાન નાગરિક ધારો)નું બિલ અમલમાં આવવાનું છે ત્યારે એમની આ કવાયત 2027ની ચૂંટણી માટે કરવી પડે એમ છે, જેથી આદિવાસી વોટબૅન્ક સાચવી રખાય,” એમ ધનશ્યામ શાહ ઉમેરે છે.
SAM PANTHAKY/AFP via Getty Images
તો જાણીતા રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી ઘનશ્યામ શાહની વાત સાથે સહમત થતાં બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે “ગુજરાતનો આદિવાસી પહેલાં જેવો રહ્યો નથી, એમનામાં ભણતરનું પ્રમાણ વધ્યું છે, તેમજ તેઓ પોતાના હકો માટે જાગૃત થયા છે.”
“ઘણા સમય પહેલાં કાંતિલાલ ભુરિયા અને ગુજરાતના અશોક ચૌધરીએ ભેગા મળી ‘એકતા મંચ’ બનાવ્યો હતો, એના કારણે હવે આદિવાસીઓ ભણ્યા પછી આ મૂવમેન્ટને કારણે પોતાના અધિકારો માટે જાગૃત થયા છે. જેના કારણે આદિવાસીઓમાં નવું કલ્ચર ઊભું થયું છે. ગુજરાતમાં ખનીજ માટે અને ઔદ્યોગિકીકરણ થવાનું શરૂ થયું છે, જમીનસંપાદન થાય છે, બીજી તરફ પેસા ઍક્ટ મુજબ,આદિવાસીની જમીનો એમનાં નામે થઈ નથી અને આદિવાસી પટ્ટામાં ઉદ્યોગોનાં દબાણ થઈ રહ્યાં છે, જેનો આદિવાસીઓમાં ભારે અસંતોષ છે. ઉત્તર ગુજરાત, ભરૂચ, ઝઘડિયા ખાતે જમીનોનું મોટા પાયે સંપાદન થઈ રહ્યું છે, પણ અખબારોમાં આના કોઈ અહેવાલ આવતા નથી, એટલે લોકોને એની જાણ નથી, પણ વર્ષોથી ખેડાતી જમીન જાય એનો આક્રોશ ખૂબ વધુ છે. અલબત્ત ગુજરાતનો આદિવાસી ઝારખંડની જેમ માઓવાદી કે નક્સલી નહીં બને, પણ એનો આક્રોશ જરૂર ઠાલવશે.”
વિદ્યુત જોશી આગળ કહે છે, “આદિવાસીઓમાં ભણતરનું પ્રમાણ લગભગ 21 ટકા જેટલું વધ્યું છે. બીજી તરફ, શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસમાં જોડાય એ લગભગ નક્કી છે, ત્યારે તેમણે આદિવાસી અને દલિતો માટે કૉંગ્રેસના મંચ પરથી આદિવાસી અને અનુસૂચિત જાતિને અન્યાય થતો હોવાની વાત કરી રાજકીય મધપૂડો છેડ્યો જ છે. કારણકે, 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે ભલે પાટીદારોને સાથે લઈ ભાજપને 99 બેઠક પર લાવી પાતળી ગલીમાં ઊભો કરી દીધેલો, પણ કૉંગ્રેસની મૂળ વોટબૅન્ક અસમંજસમાં મુકાઈ ગઈ હતી. એટલે શંકરસિંહે કૉંગ્રેસના મંચ પરથી એ જૂની વોટબૅન્કને પાછી લાવવા સોગઠી મારી અને એ સફળ રહી. જ્ઞાતિ આધારિત રાજકારણ કરતા નેતાઓએ રાજકીય નિવેદનો કર્યાં, પણ કોઈએ વાસ્તવમાં શંકરસિંહનો વિરોધ કર્યો હોત તો એમના ઘરની બહાર કાળા વાવટા લઈને ઊભા રહી ગયા હોત. ભાજપની રણનીતિને શંકરસિંહ નજીકથી ઓળખે છે ત્યારે ભાજપે પોતાની નવી ઊભી થયૅલી વોટબૅન્ક પાછી કૉંગ્રેસ તરફ ન ઢળે, એટલે આદિવાસીની સમસ્યાઓ સમજી એના ઝડપી નિકાલ માટે ચૂંટણીના સવા વર્ષ પહેલાં કવાયત શરૂ કરી છે. જો અહીં લોકસભાની જેમ આપ અને કૉંગ્રેસ ભેગા થઈ લડે તો ભાજપને ભારે પડે એમ છે.”
તો વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આદિવાસીઓમાં અસંતોષ છે, એટલું જ નહીં, ભાજપમાં આંતરિક મતભેદો વધુ છે. એટલે જ સુમૂલ ડેરીની સહકારી ચૂંટણીમાં ભાજપના કેટલાક સવર્ણ નેતાઓ પ્રમુખ થવા માંગતા હતા, પણ ત્યાં ભાજપે આદિવાસીને ઉતાર્યા. જયારે ઉપપ્રમુખ સવર્ણને બનાવ્યા છે. માંગરોળમાં ઉદ્યોગપતિને જમીન આપવાના મામલે આદિવાસીઓ નારાજ છે. બીજી તરફ, જંગલની જમીનના અધિકાર અંગેના પટ્ટા અપાયા નથી. આદિવાસી વિસ્તારમાં પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસ અને આપને ફાયદો થયો છે. અહીં આપ અને કૉંગ્રેસ લોકસભાની ચૂંટણીની જેમ સમજૂતી કરે તો ભાજપને નુકસાન થાય એમ છે, એટલે ભાજપ આ કવાયત કરી રહ્યો છે.”
શું કહે છે રાજકીય પક્ષ ?
Robert Nickelsberg/Getty Images
જોકે, ભાજપ આ જનસંપર્ક આયોજન માત્ર લોકો સુધી પહોંચવા માટે કરવામાં આવ્યું હોવાનું જણાવે છે. તેના જણાવ્યા પ્રમાણે તેનો આશય આદિવાસી વિસ્તારમાં સરકારી યોજનાની જાણકારી આપવા માત્રનો જ છે.
ભાજપના સહપ્રવક્તા અશ્વિન બૅંકરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ અંગે કહ્યું હતું કે, “દરેક પ્રધાને 72 કલાક આદિવાસી વિસ્તારમાં વિતાવી સરકારી યોજના અંગે માહિતી આપવી અને આદિવાસી ગામડાં ખૂંદવાનો સરકારનો નિર્ણય છે. સરકારી કામમાં આવરોધ ના આવે એ રીતે મંત્રીઓ આ કામગીરી હાથ ધરશે. આની પાછળનો મુખ્ય આશય સરકાર છેવાડા માણસના ઘર સુધી પહોંચે એ છે. જેથી સરકારની યોજના વિશે છેવાડાના માણસને જાણકારી મળે અને એ એનો લાભ લઈ શકે.”
આ કાર્યક્રમના ભાગ રૂપે ગુજરાતના શિક્ષણવિભાગના કૅબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ ઝઘડિયાની મુલાકાત લીધી હતી. તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આદિવાસી વિસ્તારોની 72 કલાકની મુલાકાતમાં અમે આદિવાસી વિસ્તારના લોકોને મળ્યા અને એમની શુભેચ્છા મુલાકાત તથા એમની સાથે ભોજન લીધું હતું.”
તો છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમારા વિસ્તારમાં મંત્રી મુલાકાત લેવાના છે, અને 72 કલાક વિતાવવાના છે. એની અમને સૂચના છે, પણ ટૂંક સમયમાં મારા વિસ્તારમાં કયા પ્રધાન આવવાના છે એ નક્કી થશે, ટૂંક સમયમાં અમને એની જાણ પણ કરવામાં આવશે.”
ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ બીબીસી ગુજરાતીને પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, “અમે સંગઠનને વધુ મજબૂત કરવા માટે દશેરા પછી આદિવાસી વિસ્તારમાં ગ્રામસભાઓ અને ખાટલા બેઠકો કરવાના છીએ, જેથી સરકારી યોજનાઓનો વિશે લોકોને જણાવી શકીએ.”
જોકે, ભાજપના નેતાઓ આદિવાસી વિસ્તારમાં ગુજરાત સરકાર પ્રત્યે કોઈ રોષ હોવાના આરોપો નકારે છે. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં ભાજપની પકડ પહેલાંથી જ મજબૂત છે.
આપના પ્રવક્તા ડૉ. કરણ બારોટે કહ્યું કે, “આદિવાસી પટ્ટામાં અમારી પકડ મજબૂત છે, તાજેતરમાં થયેલી પંચાયતની ચૂંટણીમાં અમારો દેખાવ સારો રહ્યો છે. એટલે ભાજપને ડર છે કે અમે અહીં વધુ સારું પ્રદર્શન કરીશું, કારણકે આ વિસ્તારોમાં આદિવાસીના હકો, જમીનના પટ્ટા જેવા મૂળભૂત અધિકારો, રોજગાર, ઇન્ડસ્ટ્રિયલ દબાણથી જતી જમીન જેવા તમામ મુદ્દાઓને અમે વાચા આપીએ છીએ, એટલે ભાજપ ચૂંટણી પહેલાં ડરી ગયો છે, માટે આ પ્રયોગ કરી રહ્યો છે.”
તો કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આદિવાસી વિસ્તાર કૉંગ્રેસનો ગઢ છે, ભાજપમાં આંતરિક વિખવાદ વધી ગયો છે, 2022ની ચૂંટણી પછી એ બહાર આવી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં ભાજપનાં મહિલા ધારાસભ્ય દેશમુખ અપમાનિત થઈ મંચ છોડીને જતાં રહે, ભાજપને 2024ની લોકસભાની ચૂંટણીમાં જાહેર કરેલા બે ઉમેદવારોને બદલવા પડે, એટલું જ નહીં, ભાજપ પાસે આદિવાસી નેતામાં એક જ ચહેરો છે, ત્યારે અમે અમારા મતદારોને અમારી તરફ વાળવા માટે ચોક્કસ વ્યૂહરચના ગોઠવીને ચાલી રહ્યા છીએ. અત્યારે અમારા પ્રજાના પ્રશ્નોને ઉઠાવવાના જે પ્રયાસો છે, એમાં અમને સફળતા મળી રહી છે. હાલ અમારી તમામ વ્યૂહરચના જાહેર કરવા નથી માંગતા. તબક્કાવાર રણનીતિ પ્રમાણે કૉંગ્રેસ આગળ વધતી રહેશે, અમને ભાજપનો આંતરિક જૂથવાદ વધુ મદદરૂપ થશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




