Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ કયા જિલ્લામાં વરસાદ પડશે અને ક્યાં સુધી જોર...

ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ કયા જિલ્લામાં વરસાદ પડશે અને ક્યાં સુધી જોર રહેશે?

4
0

Source : BBC NEWS

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં 10 ઑગસ્ટથી કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને હજી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે એક લૉ-પ્રેશર એરિયા મધ્ય પ્રદેશ પર બનેલો છે, જેની અસર ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યો પર થઈ રહી છે અને ચોમાસું ફરી સક્રિય થયું છે.

આ સિસ્ટમને લીધે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો, મધ્ય ભારત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં 1 જૂનથી 11 ઑગસ્ટ સુધીમાં સામાન્ય કરતાં 3 ટકા વધારે વરસાદ થયો છે અને એમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય કરતાં 21 ટકા ઓછો વરસાદ થયો છે.

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં હજી વરસાદ બંધ નહીં થાય પરંતુ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ હજી પાંચ દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે.

ગુજરાતમાં કયા વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે?

સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી વરસાદનું જોર વધવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે

ઇમેજ સ્રોત, imd

હવામાન વિભાગ પ્રમાણે 11થી 13 ઑગસ્ટની વચ્ચે ગુજરાત રીજનમાં ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત રીજનમાં 11 ઑગસ્ટના રોજ એકાદ-બે સ્થળે ભારે વરસાદ પણ થઈ શકે છે. ગુજરાત રીજનમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓને બાદ કરતાં બાકીના તમામ જિલ્લાનો સમાવેશ થાય છે.

11થી 13 ઑગસ્ટ દરમિયાન પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ તથા મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં ઘણાં સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે એકાદ-બે વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ ઉપરાંત પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનું જોર 11 અને 12 ઑગસ્ટ દરમિયાન રહેવાની શક્યતા છે અને આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સ્થિતિ શું થશે?

હવામાન વિભાગ પ્રમાણે 11થી 13 ઑગસ્ટની વચ્ચે ગુજરાત રીજનમાં ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે

ઇમેજ સ્રોત, imd

સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી વરસાદનું જોર વધવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ખાસ કરીને સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વધારે સ્થળોએ હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે મોરબી, રાજકોટ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે.

જ્યાં વરસાદની વધારે જરૂર છે એવા જિલ્લા જેવા કે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદમાં ખાસ વધારો જોવા મળશે નહીં. અહીં છૂટોછવાયો હળવો વરસાદ પડવાની શક્યતા છે.

જ્યારે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદનું જોર થોડું વધશે અને હવામાન 11 ઑગસ્ટથી પલટાઈ ગયું છે. જેથી કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

હાલ સૌરાષ્ટ્રના સૌથી વધારે જિલ્લાઓ વરસાદની ઘટ અનુભવી રહ્યા છે એટલે કે તેમાં ચોમાસું અડધાથી વધારે પૂરું થઈ ગયું હોવા છતાં પૂરતો વરસાદ પડ્યો નથી.

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની ઘટ પૂરી થશે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS