Home તાજા સમાચાર gujrati ‘ગુજરાતમાં પોલીસ ભાડે મળે છે’ – ગોપાલ ઇટાલિયાની આ વાતનો સરકારે વિધાનસભામાં...

‘ગુજરાતમાં પોલીસ ભાડે મળે છે’ – ગોપાલ ઇટાલિયાની આ વાતનો સરકારે વિધાનસભામાં શું જવાબ આપ્યો?

3
0

Source : BBC NEWS

પ્રતીકાત્મક તસવીર, ગુજરાત પોલીસ, ગોપાલ ઇટાલિયા

ઇમેજ સ્રોત, ani

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં એક સવાલ પૂછ્યો હતો તે હાલ ચર્ચામાં છે.

તેમણે ગૃહમાં પૂછ્યું હતું કે ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની નીતિ હેઠળ અમલમાં છે કે નહીં અને છે તો તે હેઠળ છેલ્લાં બે વર્ષ દરમિયાન કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઑન પેમેન્ટ બંદોબસ્ત પેટે કેટલી રકમ વસૂલવામાં આવી.

ગૃહ વિભાગ દ્વારા તે પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની નીતિ હાલ અમલમાં છે.

ગૃહ વિભાગે સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં કેટલા પૈસા વસૂલ્યા છે અને કેટલા બાકી છે એ પણ જણાવ્યું હતું.

ગૃહ વિભાગના જવાબ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયાને સંબોધતા કહ્યું, “ગુજરાતમાં પોલીસ પણ ‘ભાડે’ મળે છે અને પૈસાવાળાઓ માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે.”

ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા

ઇમેજ સ્રોત, gopal italia/fb

તાજેતરમાં ગાંધીનગરમાં ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી સત્ર અંગે મીડિયા સાથે વાત કરતા આમ આદમી પાર્ટીના વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે “વિધાનસભામાં મારો એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન હતો કે ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની નીતિ હેઠળ અમલમાં છે તેવું સરકારે સ્વીકાર્યું છે”

ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે “ગુજરાત સરકાર પોલીસને ભાડે આપે છે. તે પણ ફક્ત પૈસાદાર લોકોને મળે છે.”

તેમણે કટાક્ષ કરતાં કહ્યું, “મને પણ એક એસપી ભાડે જોઈએ છે, હું ગમે તે ભાડું ચૂકવીશ, મને એક એસપી, એક ડીવાયએસપી અને ચાર કૉન્સ્ટેબલ ભાડા પર જોઈએ છે.”

તેમણે આગળ કહ્યું, “સરકારે પોલીસને ભાડે આપવાના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ સરકારે કચ્છમાંથી 17 કરોડની કમાણી કરી છે, અને તેમાંથી રૂપિયા 57 લાખ હજુ પણ કંપનીઓ પાસેથી બાકી છે. ગૃહમંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું કે આ નીતિ અમલમાં છે.”

ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે બંધારણ દ્વારા આપવામાં આવેલા પોલીસ યુનિફોર્મની ગરિમાને નીચે લાવીને સરકાર શું સાબિત કરવા માગે છે?

તેમણે કહ્યું “ફક્ત પોલીસ જ નહીં, પણ કોઈ સરકારી અધિકારી ભાડા માટે ઉપલબ્ધ ન હોવા જોઈએ.”

ગુજરાતના ગૃહ વિભાગે શું જવાબ આપ્યો?

ઇમેજ સ્રોત, gujarat vidhansabha

ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગોપાલ ઇટાલિયાના આ સવાલનો જવાબ આપ્યો હતો.

ગૃહ વિભાગે સ્વીકાર્યું હતું કે ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની નીતિ હાલ અમલમાં છે.

ગૃહ વિભાગ અનુસાર, ‘અને આ પ્રકારના ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત ફાળવવાની માર્ગદર્શિકા અને સંવર્ગવાર વસૂલવામાં આવતી રકમ અંગેની જોગવાઈઓ ગૃહ વિભાગના તા. 1/10/1999ના ઠરાવ ક્રમાંક: મહક-1098-876-સ મુજબ નક્કી કરવામાં આવે છે.’

તેમજ ગૃહ વિભાગ દ્વારા જવાબમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઑન પેમેન્ટ બંદોબસ્ત પેટે કેટલી રકમ વસૂલવામાં આવી છે અને કેટલી રકમ બાકી છે તેની વિગતો પણ રજૂ કરવામાં હતી.

ગૃહ વિભાગના જવાબના જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લામાં ફાળવેલા બંદોબસ્ત માટે વસૂલાત કરાયેલી કુલ રકમ રૂપિયા 17,21,27,621 રૂપિયા છે, જ્યારે રૂપિયા 57,50,596ની રકમ હજુ વસૂલ કરવાની બાકી છે.

“એ જ રીતે, સુરેન્દ્રનગર જિલ્લામાં ઑન પેમેન્ટ બંદોબસ્ત પેટે કુલ રૂપિયા 7,04,90,476ની વસૂલાત કરવામાં આવી છે અને કુલ રૂપિયા 2,02,42,281ની રકમની વસૂલાત હજુ બાકી છે.”

ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્તના નિયમ અંગે નિષ્ણાત શું કહે છે?

પ્રતીકાત્મક તસવીર, ગુજરાત પોલીસ, ગોપાલ ઇટાલિયા

ઇમેજ સ્રોત, ani

પૂર્વ ડીજીપી અને અમદાવાદ યુનિવર્સિટીના પ્રોફેસર વિનોદ મલ્લ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત નીતિ હેઠળ પોલીસ દરેક પ્રાઇવેટ કંપનીને ઑન પેમેન્ટ બંદોબસ્ત નથી આપી શકતી, કેટલાક અનિવાર્ય સંજોગોમાં જ આ શક્ય છે.

તેઓ કહે છે, “તેમાં સરકાર જે કંપનીને ખરેખર પરવડી શકે તેને આપી શકે અને તેમાં પણ દરેક કંપની નહીં, જેમ કે કોઈ ઝવેરી એમ કહે કે મારે પોલીસને પૈસા આપીને ગોલ્ડની સુરક્ષા કરાવવી છે તો સામાન્ય રીતે આવું બની શકે નહીં.”

“આ જાહેર સુરક્ષા હેઠળ પોલીસનું કામ છે, પણ બિઝનેસ હેતુથી પોલીસને પૈસા આપી કામ લેવું તેવું નથી હોતું. કદાચ કાયદાકીય વિવાદ હોય તો સુરક્ષા બાબતમાં ધ્યાને લેવામાં આવી શકે.”

તેઓ વધુમાં કહે છે, “પરંતુ સામાન્ય રીતે દરેક કંપનીને સામાન્ય બિઝનેસ ઍક્ટિવિટી હેઠળ ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત આપતો નથી.”

“કોઈ પબ્લિક સેક્ટર કંપની છે જેમ કે ઓનજીસી હોય કે અન્ય કોઈ એવી કંપનીને જરૂરી સંજોગોમાં મળી શકે છે અથવા ખાસ સુરક્ષા સંજોગોને લઈને જરૂરી હોય તો ખાનગી કંપની મળી શકે જે પોલીસને પૂરતું પેમેન્ટ કરી શકે તો તેને ધ્યાને લેવામાં આવતું હોય છે.”

તેઓ એમ પણ કહે છે કે “આનાથી સરકારની આવકમાં વધારો પણ થતો હોય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન

SOURCE : BBC NEWS