Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ANI
ચૂંટણીપંચ (ઇસી)એ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) અંગે ઊઠેલા વિવાદ વચ્ચે શનિવારે બેઠક યોજી. તેમાં મુખ્ય ચૂંટણીકમિશનર જ્ઞાનેશકુમાર અને ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશી સામેલ થયા.
બેઠક બાદ ઇસીએ કહ્યું કે એસઆઇઆર સાથે સંકળાયેલા તમામ નિર્ણય સર્વસંમતિથી લીધા હતા. પંચે એસઆઇઆરની પ્રક્રિયામાં કેટલાક બદલાવોની પણ જાહેરાત કરી છે, પરંતુ તેમ છતાં કૉંગ્રેસ અને બીજા વિપક્ષોના સવાલ ખતમ નથી થયા.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેનાં સહયોગી દળોએ પંચના સ્પષ્ટીકરણનું સ્વાગત કર્યું છે. આવામાં સવાલ છે કે વિવાદ હવે કઈ દિશામાં જશે?
આ બેઠક ઇન્ડિયન ઍક્સપ્રેસના એ અહેવાલ બાદ યોજાઈ હતી, જેમાં કમિશનરો વચ્ચે એસઆઇઆર, મતદાર ડેટા અને ફૉર્મ-6 સાથે સંકળાયેલા મુદ્દે મતભેદનો દાવો કરાયો હતો.
બેઠક બાદ પંચે કહ્યું કે એસઆઇઆર સાથે સંકળાયેલા આદેશ અને શિડ્યૂલ ત્રણે ચૂંટણી કમિશનરોની સંમતિથી જાહેર કરાયાં છે. પંચે એવું પણ કહ્યું કે ચૂંટણી કમિશનરોની કૅબિનેટ સચિવને મોકલવામાં આવેલા પત્રોની કોઈ નીતિ કે એસઆઇઆરના નિર્ણય સાથે સંકળાયેલા નહોતા.
પરંતુ કૉંગ્રેસે પંચના નિવેદનને ટાળનારું ગણાવ્યું અને કહ્યું કે આ નિવેદનથી તેણે ઉઠાવેલા મૂળ સવાલોના જવાબ નથી મળ્યા. પાર્ટીએ એસઆઇઆર રોકવા અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ ફરી વાર ઉચ્ચારી છે.
તેમજ ભાજપનું કહેવું છે કે પંચના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે એસઆઇઆર અંગે લગાવાઈ રહેલા આરોપો નિરાધાર છે. ભાજપના અધ્યક્ષ નીતિન નબીને વિપક્ષ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.

ચૂંટણીપંચે શું કહ્યું અને વિપક્ષને આમાં શું ‘કમી’ દેખાઈ?
ઇમેજ સ્રોત, ANI
પંચનો સૌથી મહત્ત્વપૂર્ણ જવાબ હતો કે એસઆઇઆર અંગે ત્રણેય ચૂંટણી કમિશનરોમાં સંમતિ હતી.
પંચે એવું પણ કહ્યું કે બે ચૂંટણી કમિશનરોના કૅબિનેટ સચિવને મોકલાયેલા પત્રો કોઈ ચૂંટણીલક્ષી નીતિ કે એસઆઇઆરના નિર્ણય સાથે સંકળાયેલા નહોતા. આ એક અધિકારીના કામકાજ સાથે સંકળાયેલો મામલો હતો.
નોટિસ મેળવનારા મતદારોના દસ્તાવેજ લેવા માટે બૂથ લેવલ ઑફિસર (બીએલઓ) તેમના ઘરે જશે. સામાન્યપણે તેમને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર (ઇઆરઓ) કે આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર (એઇઆરઓ) સામે વ્યક્તિગતપણે જવાની જરૂર નહીં હોય. જરૂર હોય તો સુનાવણી ઑનલાઇન પણ થઈ શકે છે.
કમિશને એવું પણ કહ્યું કે ઇસીઆઇએનઇટી (ચૂંટણીપંચનું પોર્ટલ)ની સ્વતંત્ર સમીક્ષા માટે નિષ્ણાતોવાળી સમિતિ બનાવાશે. બેઠકોનો એજન્ડા પહેલાંથી શૅર કરવા અને મિનિટ્સ જાહેર કરવાની વ્યવસ્થા પર ભાર મુકાયો છે.
પરંતુ કૉંગ્રેસે તેને આ વિવાદનું સમાધાન નથી માન્યું.
કૉંગ્રેસનું કહેવું છે કે જો ચૂંટણ કમિશનરોએ ફૉર્મ 6માં બદલાવને “બિનઆધિકારિક અને ગેરકાયદે” ગણાવેલો તો એ અંગે સ્પષ્ટ જવાબ કેમ ન અપાયો.
કૉંગ્રેસ નેતા પવન ખેડાએ એક્સ પર ચૂંટણીપંચની પ્રેસ નોટને “ટૂ લેમ, ટૂ લિટલ, ટૂ લેટ” ગણાવી.
તેમણે કહ્યું કે પ્રેસ નોટે ત્રણ મોટા સવાલોના જવાબ ન આપ્યા – ફૉર્મ – 6માં બદલાવ, યુવા મતદારોનો સવાલ અને ઇસીઆઇએનઇટી.
પવન ખેડાએ ઍક્સ પર લખ્યું, “જ્યાં સુધી ચૂંટણીપંચ ખાસ કાયદાકીય આપત્તિઓનો જવાબ નથી આપતું, ત્યાં સુધી ભલે ગમે એટલી લાંબી પ્રેસ નોટ જાહેર કરી દેવાય, સર્વસંમતિના ગમે તેટલા દાવા કરાયા કે અન્ય કોઈ તમાશો કરી લેવાય, આનાથી જ્ઞાનેશકુમાર ગુપ્તાની મુશ્કેલીઓ ખતમ નહીં થાય.”
“હજુ પણ તેમના માટે મોડું નથી થયું. તેમણે રાજીનામું આપી દેવું જોઈએ અને સરકારી સાક્ષી બની જવું જોઈએ, નહીંતર જેલ જવા માટે તૈયાર રહેવું જોઈએ.”

ફૉર્મ-6 અને યુવાન મતદારોનો સવાલ શો છે?
ઇમેજ સ્રોત, Santosh Kumar/Hindustan Times via Getty Images
‘ફૉર્મ-6’ એ ફૉર્મ છે, જેનો ઉપયોગ મતદારયાદીમાં નવું નામ સામેલ કરવા માટે કરવામાં આવે છે.
કૉંગ્રેસનો આરોપ છે કે એસઆઇઆર સાથે સંકળાયેલા બદલાવો દરમિયાન આ ફૉર્મમાં આવો સવાલ જોડવામાં આવ્યો, જેનાથી મતદારોને પોતાના કે તેમનાં માતાપિતા/દાદાદાદીના જૂના એસઆઇઆર રેકૉર્ડ સાથે સંબંધ બતાવવો પડ્યો.
ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે, ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુએ આ બદલાવને “બિનઅધિકૃત અને ગેરકાયદેસર” ગણાવ્યો હતો.
ચૂંટણીપંચે પોતાની નવી પ્રેસ નોટમાં કહ્યું કે એસઆઇઆર સાથે સંકળાયેલું ફૉર્મ-6 ડિક્લેરેશન સુપ્રીમ કોર્ટથી બરકરાર રાખવામાં આવ્યું છે.
કૉંગ્રેસનું કહેવું છે કે જે રાજ્યોમાં એસઆઇઆર બાદ ચૂંટણી થઈ ચૂકી છે, ત્યાં યુવાન મતદારોનું શું થશે. પવન ખેડાએ ખાસ પૂછ્યું કે બિહાર અને પશ્ચિમ બંગાળમાં એસઆઇઆર બાદ સ્પેશિયલ સમરી રિવિઝન એટલે કે એસએસઆર વિના ચૂંટણી થઈ ગઈ, તો ત્યાં એસઆઇઆર દરમિયાન બાકી રહી ગયેલા યુવાન મતદારોનું શું થશે? તેમણે એવું પણ પૂછ્યું કે જાન્યુઆરી 2024 બાદ એસએસઆર ન થયું તો જૂના ફૉર્મ-6ની પ્રાસંગિકતા શું છે.
ચૂંટણીપંચે દિલ્હીમાં 29-30 સપ્ટેમ્બરના રોજ યુવાન મતદારો માટે વિશેષ કૅમ્પ્સ આયોજિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. એ બાદ કૉંગ્રેસ નેતા જયરામ રમેશે ઍક્સ પર તેને “પૅનિક રિઍક્શન” ગણાવ્યું.
તેમનો આરોપ હતો કે એક તરફ ચૂંટણીપંચ યુવા મતદારોને જોડવા માટે કૅમ્પ લગાવી રહ્યું છે, બીજી તરફ ફૉર્મ-6માં આવી નવી ફરજિયાત પ્રતિક્રિયા જોડવામાં આવી, જેમાં અરજદારને પૂછવામાં આવ્યું કે તેનાં માતાપિતા કે દાદાદાદી ગત એસઆઇઆરમાં મતદાર હતાં કે નહીં. જયરામ રમેશનું કહેવું છે કે આના કારણે પ્રથમ વખત મત આપનારા જેન-ઝી મતદારો માટે નામ સામેલ કરાવવું મુશ્કેલ બન્યું.

ભાજપનો શો જવાબ છે?
ઇમેજ સ્રોત, ANI
ભાજપે પંચની પ્રેસ નોટને પોતાના માટે મહત્ત્વપૂર્ણ સ્પષ્ટીકરણ ગણાવ્યું છે.
ભાજપ સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આ દાવો ખોટો સાબિત થયો કે ચૂંટણીપંચના ત્રણેય સભ્યો વચ્ચે અસંમતિ હતી અને મામલો કૅબિનેટ સચિવ સુધી પહોંચી ગયેલો.
પાત્રાએ કહ્યું કે પંચના નિવેદને આ આરોપોને સ્પષ્ટપણે નકારી દીધા છે.
પાત્રાએ એવું પણ કહ્યું કે અધિકારીઓની બેઠક અને પ્રશાસનિક મામલા પર ચર્ચાને ચૂંટણીપંચની અંદર મતભેદ તરીકે રજૂ કરવું એ ખોટું છે.
ભાજપના અધ્યક્ષ નીતિન નબીને પણ કૉંગ્રેસ પર બંધારણીય સંસ્થાઓને બદનામ કરવા માટે પ્રોપેગેન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો.

એનડીએનાં સહયોગી દળોનું વલણ શું છે?
ઇમેજ સ્રોત, ANI
આ મામલામાં એનડીએ સહયોગીઓનું વલણ પણ મહત્ત્વપૂર્ણ છે.
ટીડીપી (તેલુગુ દેશમ પાર્ટી) પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ પંચના સ્પષ્ટીકરણનું સ્વાગત કર્યું છે.
તેમણે આને “સર્વસંમતિથી અપાયેલું સ્પષ્ટીકરણ” ગણાવ્યું અને કહ્યું કે આનાથી બંધારણીય સંસ્થાઓની વિશ્વનીયતા અંગે પેદા થયેલી ગેરમાન્યતા દૂર થાય છે.
પરંતુ આ પહેલાં એનડીએનાં કેટલાંક સહયોગી દળોએ પંચ પાસેથી સ્થિતિ સ્પષ્ટ કરવાની માગ કરી હતી.
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાને કહ્યું હતું કે પંચે લોકોના મનમાં ઊઠી રહેલા સવાલોનો જવાબ આપવો જોઈએ, જેથી બંધારણીય સંસ્થામાં જનતાનો વિશ્વાસ જળવાયેલો રહે.

હવે આગળ શું થશે?
ઇમેજ સ્રોત, Getty Images
સૌથી મોટો આગામી રાજકીય તબક્કો 30 સપ્ટેમ્બર છે.
વિપક્ષ ઇન્ડિયા બ્લૉકના પક્ષ એ દિવસે બેઠક કરવાના છે. તેમાં એસઆઇઆર, ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હઠાવવાની માગ અંગે આગળની વ્યૂહરચના પર ચર્ચા થઈ શકે છે.
કૉંગ્રેસ પહેલાં જ જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરી ચૂકી છે.
રાહુલ ગાંધીએ પણ ચૂંટણીપંચ અને એસઆઇઆર અંગે ગંભીર આરોપ કર્યા છે. કૉંગ્રેસ પ્રમાણે તે પંચ પર પોતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે.
કૉંગ્રેસ સિવાય ડીએમકે પ્રમુખ સ્ટાલિને પણ જ્ઞાનેશકુમારને હઠાવવા અને એસઆઇઆરને રોકવાની માગ કરી છે.
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી વાઇ.એસ. જગનમોહન રેડ્ડીએ કહ્યું છે કે લોકશાહી ત્યારે જ મજબૂત રહી શકે છે જ્યારે લોકોને ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થાઓ પર પૂરો વિશ્વાસ હોય.
તેમજ પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજીએ 26 સપ્ટેમ્બરના રોજ સેરામપુરની રેલીમાં કહ્યું કે “મુખ્ય ચૂંટણી કમિશનરે રાજીનામું આપવું જોઈએ, નહીંતર અમારું આંદોલન ચાલુ રહેશે.”
તેમણે એસઆઇઆર અંગે આરોપ લગાવ્યો કે આના દ્વારા બંગાળમાં માન્ય મતદારોનાં નામ હઠાવાયાં અને ભાજપને ફાયદો કરાવવાનો પ્રયાસ થયો.
જ્ઞાનેશકુમાર સાથે સંકળાયેલો વધુ એક વિવાદ સામે આવ્યો
આ દરમિયાન 26 સપ્ટેમ્બરના રોજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના કેરળના પૂર્વ મુખ્ય સચિવ અને સેવાનિવૃત્ત આઇએએસ અધિકારી જિજી થૉમસનના તાજેતરના દાવાનો હવાલો આપતા ચૂંટણીપંચની નિષ્પક્ષતા સામે ફરી વાર સવાલ ઉઠાવ્યા.
રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું, “પહેલાં જ્ઞાનેશકુમારનો ઉપયોગ ભાજપ માટે લોકોને ભરતી કરવા માટે કરાયો. બાદમાં મોદી અને શાહે તેમને અમ્પાયર બનાવી દીધા અને ભારતની ચૂંટણીઓમાં મૅચ ફિક્સિંગની જવાબદારી સોંપી દીધી.”
કેરળના પૂર્વ મુખ્ય સચિવ અને સેવાનિવૃત્ત આઇએએસ અધિકારી જિજી થૉમસને દાવો કર્યો છે કે જ્ઞાનેશકુમારે તેમને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાની સલાહ આપી હતી.
જિજી થૉમસને ઓનમનોરમાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ વાતચીત વર્ષ 2016માં થઈ હતી, જ્યારે બંને સરકારી સેવામાં હતા.
તેમના અનુસાર, આ મુલાકાત દિલ્હી જતી એક ફ્લાઇટ દરમિયાન થઈ હતી. એ સમયે તેઓ કેરળના મુખ્ય સચિવના પદે કાર્યરત્ હતા.
થૉમસને કહ્યું કે જ્ઞાનેશકુમાર સાથે તેમની સારી મિત્રતા હતી. વાતચીત દરમિયાન જ્ઞાનેશકુમારે તેમને પૂછ્યું કે નિવૃત્તિ બાદ તેમની શું યોજના છે.
આ અંગે તેમણે જવાબ આપ્યો કે તેમણે કોઈ ખાસ યોજના નથી બનાવી.
થૉમસન અનુસાર, એ બાદ જ્ઞાનેશકુમારે તેમને સલાહ આપી કે તેઓ વર્ષ 20019માં લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે.
જિજી થૉમસને દાવો કર્યો કે જ્ઞાનેશકુમારે તેમને કહ્યું હતું કે ચૂંટણી જીતીને તેઓ સાંસદ બની શકે છે અને આગળ જઈને કેન્દ્રીય મંત્રિમંડળમાં મંત્રી બનવાની તક પણ મળી શકે છે.
જોકે, થૉમસને સ્પષ્ટ કર્યું કે તેમણે આ પ્રસ્તાવને ન સ્વીકાર્યો અને ચૂંટણીલક્ષી રાજકારણમાં જવાની ના પાડી દીધી.
રાહુલ ગાંધીએ આ આરોપોનો હવાલો આપતાં જ્ઞાનેશકુમાર પર નિશાન સાધ્યું અને ચૂંટણીમાં “મૅચ-ફિક્સિંગ”નો આરોપ લગાવ્યો.
આ આરોપ અંગે જ્ઞાનેશકુમાર તરફથી પ્રતિક્રિયા સામે આવવાની હજુ બાકી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




