Home તાજા સમાચાર gujrati પેનિસ ફિલર્સ શું છે અને લિંગના આકારમાં ફેરફારનો ટ્રેન્ડ કેમ વધી રહ્યો...

પેનિસ ફિલર્સ શું છે અને લિંગના આકારમાં ફેરફારનો ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે?

5
0

Source : BBC NEWS

પેનિસ ફિલર્સ શું છે? લિંગના આકારમાં ફેરફારનો ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images

જેસનને “કોક કેન” જોઈતું ન હતું, જે પેનિસનું એક ઉપનામ છે. એને એટલા બધા ફિલર્સથી મોટું કરવામાં આવ્યું છે કે તે એક જાડા ડ્રિંક કેન જેવું દેખાય છે.

જેસને માન્ચેસ્ટરમાં એક મીટિંગ દરમિયાન મને કહ્યું, “કેટલાક લોકો હદથી વધારે કરી દે છે.”

આ પ્રક્રિયાથી તેમના લિંગનો ઘેરાવો 16 ટકા વધ્યો છે, જેનાથી તેઓ અને તેમના જીવનસાથી બંને ખુશ છે. તેઓ કહે છે કે આમ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે.

જેસન જણાવે છે, “હજુ પણ બધું એકદમ સામાન્ય રીતે કામ કરી રહ્યું છે, હવે તે થોડું જાડું થઈ ગયું છે.”

જેસન જેવા કેટલા પુરુષો પેનિસ ફિલર્સ લઈ રહ્યા છે તે હજુ સ્પષ્ટ નથી. તમે રોડ પર ચાલતી વખતે આની લોકપ્રિયતાનો અંદાજ એ રીતે નથી લગાવી શકતા જે રીતે લિપ ફિલર્સની લોકપ્રિયતા જોઈને લગાવી શકાય છે.

આ પ્રક્રિયાને લઈને ખૂબ ઓછું નિયંત્રણ છે અને તેનો કોઈ સત્તાવાર રેકોર્ડ પણ નથી, કારણ કે કોઈ પણ ડૉક્ટર કે સર્જન તે કરી શકે છે.

જોકે, ગયા વિન્ટર ઑલિમ્પિક્સ દરમિયાન એક વિચિત્ર કન્સ્પિરેસી થિયરી સામે આવી હતી. અફવા હતી કે પુરુષ સ્કી જમ્પર્સ તેમના સૂટનું ક્ષેત્રફળ વધારવા માટે ફિલરનો ઉપયોગ કરી રહ્યા હતા, જેથી તેઓ વધુ દૂર સુધી કૂદી શકે.

કેટલાક પુરુષોને ખોટી રીતે કરાયેલા ઑપરેશન પછી લિંગ કાળું પડી જવા અને ત્વચા છોલાઈ જવા જેવી સમસ્યાઓ થઈ અને તેમને ઇમરજન્સીમાં ભરતી થવું પડ્યું. બ્રિટિશ ઑસોસિએશન ઑફ યુરોલૉજિકલ સર્જન્સે આવાં ઑપરેશન કરાવતા પુરુષો માટે ચેતવણી જાહેર કરી છે.

તો પુરુષો આ પ્રકારના ફિલર્સ કેમ લઈ રહ્યા છે? તેની પાછળ કયાં જોખમો રહેલાં છે? કેવી હોય છે પેનિસ ફિલિંગની પ્રક્રિયા?

કેવી હોય છે પેનિસ ફિલિંગની પ્રક્રિયા?

પેનિસ ફિલર્સ શું છે? લિંગના આકારમાં ફેરફારનો ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે?

ઇમેજ સ્રોત, BBC/James Gallagher

જેસને (બદલાવેલું નામ) નામ ન આપવાની શરતે વાત કરી પરંતુ અમારી સાથે આ મુદ્દા પર ખુલ્લીને વાત કરી. તેઓ તેમના લિંગની લંબાઈથી ખુશ તો હતા પણ હજુ “થોડી વધુ સુસંગતતા અને વધુ જાડાઈ ઈચ્છતા હતા જેથી એક સારો, સંતુલિત લુક મળી શકે.”

જેસન કહે છે, “જો તમને લાગે કે તમારા લિંગમાં કોઈ ઉણપ છે, તો પછી સર્જરી જ કેમ ન કરાવવી?”

તેમણે એક વર્ષ સુધી વિકલ્પો પર વિચાર કર્યો અને અંતે સર્જરીનો વિચાર છોડી દીધો. તેમણે એક પ્રકારનું ફિલર, ‘હાયલ્યુરોનિક ઍસિડ’ પસંદ કર્યું, જે અસ્થાયી હોય છે. તેમને ખબર હતી કે જો તેમને પોતાના લિંગનો લુક પસંદ નહીં આવે તો ફિલરને ઓગાળીને હટાવી શકાય છે.

જેસનનું કહેવું છે કે તેઓ ‘દેખાડાની મર્દાનગી’થી પ્રેરિત નહોતા. તેઓ કહે છે, “હું આ વાત નથી માનતો કે ‘તમારું લિંગ કેટલું મોટું છે અને તમે કેટલા મોટા મર્દ છો’.”

તેમનું કહેવું છે કે પુરુષોના સૌંદર્યની અપેક્ષાઓ બદલાઈ ગઈ છે. “માત્ર મહિલાઓને જ નહીં, પુરુષોને પણ આગળ વધવાની જરૂર છે.”

તેઓ કહે છે, “ખરેખર, સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે. મને લાગે છે કે મીડિયા જે રીતે દરેક બાબત રજૂ કરે છે તેનો આપણા રોજિંદા જીવન પર મોટો પ્રભાવ પડે છે.” તે કહે છે, “એવું લાગે છે કે તમે ક્યાંય પણ જાઓ, તમને કોઈને કોઈ એકદમ પરફેક્ટ દેખાતી વ્યક્તિ જોવા મળી જ જશે.”

લિંગ મોટું કરવાની ઑફર કરતી ક્લિનિકોની વેબસાઇટો જોશો તો તેમની જાહેરાતોમાં આ લાઇન જોવા મળશે: “શું તમે તમારા લિંગના કદથી શરમ અનુભવો છો?” તમે જોઈ શકો છો કે કેટલાક ક્લિનિક આનો ફાયદો કેવી રીતે લે છે.

પેનિસનું કદ વધારવા માટે ઘણા બધા વિકલ્પો છે, જેમાં સર્જિકલ અને નૉન-સર્જિકલ સારવાર પદ્ધતિઓ તેમજ પેનિસમાં ઇન્જેક્ટ કરી શકાય તેવા વિવિધ પદાર્થોનો પણ સમાવેશ થાય છે. સૌથી સામાન્ય રીત જેલ જેવા પદાર્થ હાયલ્યુરોનિક ઍસિડને ઇન્જેક્ટ કરવાની છે. આ એ જ મુખ્ય ઘટક છે જે લિપ ફિલર્સમાં પણ વપરાય છે. હાયલ્યુરોનિક ઍસિડ શરીરમાં કુદરતી રીતે મળી આવતો એક શુગર મોલિક્યુલ છે અને તેને “મોઇશ્ચર મૅગ્નેટ” તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે પાણીને શોષી લે છે.

પેનિસ ફિલર્સ શું છે? લિંગના આકારમાં ફેરફારનો ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે?

ઇમેજ સ્રોત, BBC/James Gallagher

ડૉ. જાવેદ હુસૈન એક વર્ષથી વધુ સમયથી ગ્રેટર માન્ચેસ્ટરના પ્રેસ્ટવિચમાં તેમના ક્લિનિકમાં પેનિસ ફિલર્સ સર્વિસ આપી રહ્યા છે. હુસૈને કૉસ્મેટિક પ્રક્રિયાઓમાં આવતા પહેલાં ડૉક્ટર તરીકે તાલીમ લીધી હતી. પરંતુ પેનિસ ફિલિંગ માટે કોઈ મેડિકલ ટ્રેનિંગની જરૂર હોતી નથી.

તેમનું કહેવું છે કે પેનિસ ફિલિંગની માંગ વધી રહી છે. તેમણે દરેક ઉંમરના પુરુષોની સારવાર કરી છે. કેટલાક ૨૦થી ૨૫ વર્ષના છે જ્યારે તેમના સૌથી મોટી ઉંમરના ક્લાયન્ટની ઉંમર ૭૨ વર્ષ છે.

આ પ્રક્રિયાની શરૂઆત દર્દીના સ્વાસ્થ્ય, પ્રક્રિયા કરાવવાના કારણો, પરિણામો સાથે સંબંધિત અપેક્ષાઓ અને જોખમો પર ચર્ચા સાથે પરામર્શથી થાય છે. તેમને પૂછવામાં આવે છે કે તેઓ ફિલિંગ કેમ કરાવવા માંગે છે.

પેનિસ ફિલર્સમાં કેવાંકેવાં જોખમો રહેલાં છે?

પેનિસ ફિલર્સ શું છે? લિંગના આકારમાં ફેરફારનો ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે?

ઇમેજ સ્રોત, BBC/James Gallagher

એના પછી ફિલરનું મસાજ કરવામાં આવે છે જેથી ત્વચા એકસમાન દેખાય. દર્દી ઘરે પણ આ ચાલુ રાખે છે.

હુસૈનનું કહેવું છે કે 3500 પાઉન્ડ (ભારતીય ચલણમાં સાડા લાખ કરતાં વધારે રૂપિયા)સુધીના ખર્ચ પર, પુરુષો આગામી છ થી નવ મહિના માટે પોતાના લિંગની જાડાઈમાં 10થી 20 ટકા સુધીના વધારાની અપેક્ષા રાખી શકે છે.

પરંતુ તેમાં જોખમો પણ સામેલ છે. આમાં સામાન્ય જોખમો જેવા કે દુખાવો, વાદળી ડાઘ પડવા અને ફિલર અસમાન રીતે લાગવાથી લઈને સંક્રમણ જેવાં ગંભીર જોખમો પણ સામેલ છે. આ જોખમો ફિલર્સનો ઉપયોગ કરતી બધી પ્રક્રિયાઓ પર લાગુ પડે છે.

જોકે, ઇરેક્શન માટે જરૂરી હોય તેવી લિંગની મહત્ત્વપૂર્ણ સંરચનાઓ અને રક્તવાહિનીઓને નુકસાન પહોંચવાનું પણ જોખમ રહેલું છે.

જ્યારે હુસૈનને પૂછવામાં આવ્યું કે તેમને એ પ્રક્રિયાઓ કરવામાં સહજતા કેમ અનુભવાય છે જે સર્જનો માટે ચિંતાનો વિષય છે, તો તેમણે કહ્યું કે તેઓ “પૂરી રીતે સમજે છે” કે કેટલાક લોકો કેમ ચિંતિત છે.

તેઓ કહે છે, “એ ગભરાટ સ્વાભાવિક છે.” જોકે આવા વધુને વધુ પુરાવા સામે આવી રહ્યા છે અને અમને રિઝલ્ટ મળી રહ્યાં છે. આમ એવા પુરાવા પણ મળી રહ્યા છે કે આનાથી “પુરુષોને લાભ થાય છે.”

હુસૈન કહે છે કે તેમની પાસે એક “ઇમરજન્સી માટે ઍક્શન પ્લાન” છે જેમાં જો કંઈ ખોટું થાય તો ફિલર્સને ઝડપથી ઓગાળી દેવા માટે દવાનો સમાવેશ થાય છે. તે કહે છે, “સદભાગ્યે, અમને ક્યારેય તેની જરૂર પડી નથી”. જોકે બીબીસી સ્વતંત્ર રીતે આની પુષ્ટિ કરી શકતું નથી.

પરંતુ તેમને એક દર્દી યાદ છે જે અન્યત્ર સારવાર લીધા પછી સલાહ માટે તેમની પાસે આવ્યા હતા કારણ કે તેમની સારવાર “ખોટી થઈ ગઈ હતી.” તે વ્યક્તિનો દાવો હતો કે ખોટો ફિલર વપરાયો હતો. ફિલિંગ પ્રક્રિયાથી રક્તવાહિનીઓને નુકસાન થયું હતું અને ત્વચાને પણ નુકસાન થયું હતું, જેના કારણે ગ્લાન્સ કાળી પડી ગઈ હતી. તેમને તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા.

જો સર્જરી ખોટી પડે તો શું થાય?

પેનિસ ફિલર્સ શું છે? લિંગના આકારમાં ફેરફારનો ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images

માન્ચેસ્ટરમાં એનએચએસ માટે એન્ડ્રોલૉજિસ્ટ અને કન્સલ્ટન્ટ યુરોલૉજીકલ સર્જન પ્રો. વૈભવ મોદગિલે એવા પુરુષોને હૉસ્પિટલમાં આવતા જોયા છે જેમની સર્જરી ખોટી રીતે કરવામાં આવી હોય. તેઓ કહે છે, “જ્યારે આવું થાય છે, ત્યારે તે દર્દી માટે નુકસાનકારક હોઈ શકે છે.” તેમને યાદ છે કે કેટલાક પુરુષો એવા હતા જેમના “ટિશ્યૂ ઓગળી ગયા હતા.” આમાં ત્વચાનો એક ભાગ નષ્ટ થઈ જાય છે. તે ખૂબ કાળો થઈ જાય છે અને પછી ધીમે ધીમે ઉખડી જાય છે.

“તેથી, પુરુષો એવું વિચારીને જશે કે ‘ઓહ, આ ખૂબ સરસ થવાનું છે’, પરંતુ તેમાં વાસ્તવમાં પહેલાં કરતાં પણ વધુ અસંતુષ્ટ થઈને બહાર આવી શકે છે.”

એલેક્સ (અસલી નામ વાપરવા નહોતા માગતા) લિંગનું કદ વધારવાની એક અલગ પ્રકારની પ્રક્રિયા માટે જર્મની ગયા હતા. તેઓ પોતાનું લિંગ લાંબું કરાવવા માગતા હતા. આ માટે લિંગને પ્યુબિક બોન સાથે જોડતા લિગામેન્ટને કાપવાની સર્જરી કરાવી. સાથે જ, તેમણે પોતાના જ શરીરના ફેટ સેલ્સને કઢાવીને પોતાના લિંગમાં ઇન્જેક્ટ કરાવ્યા જેથી તેનો આકાર વધી જાય.

ઑપરેશન પછી જ્યારે તેમને ભાન આવ્યું, ત્યારે તેમને એટલો દુખાવો થઈ રહ્યો હતો કે તેઓ ઊભા પણ નહોતા થઈ શકતા. તેઓ કહે છે, “મને ઘણી ઈજાઓ થઈ હતી અને મારી આખી જાંઘ પીળી પડી ગઈ હતી.” “હું લગભગ એક મહિના સુધી સરખી રીતે ચાલી પણ નહોતો શક્યો.”

એલેક્સની સારવાર મોદગિલેના ક્લિનિકમાં કરવામાં આવી, જ્યાં આખરે તેમને સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા. તેઓ કહે છે, “ઘણા લોકોને આ સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું. હું ભાગ્યશાળી રહ્યો.”

એલેક્સનું કહેવું છે કે તેઓ શરૂઆતથી જ જાણતા હતા કે તેમનું લિંગ નાનું નહોતું, પરંતુ સમાજ અને પોર્નોગ્રાફીએ તેમને એવો વિશ્વાસ અપાવી દીધો હતો કે મોટું લિંગ “મર્દાના અને સૌથી સારું” હોય છે.

બ્રિટિશ ઍસોસિએશન ઑફ યુરોલૉજિકલ સર્જન્સ આ અંગે શું કહે છે?

લિંગનું કદ વધારવાની પ્રક્રિયાઓની સંખ્યા અંગેના સત્તાવાર આંકડાઓની અછત હોવા છતાં, મોદગિલનું કહેવું છે કે ઓનલાઇન સર્ચ ટ્રેન્ડ્સ, જાહેરાતો અને સોશિયલ મીડિયા આ તમામ “એ તથ્ય તરફ ઈશારો કરે છે કે સંખ્યા વધી રહી છે.”

આ કારણોસર, બ્રિટિશ ઍસોસિએશન ઑફ યુરોલૉજિકલ સર્જન્સે આ પ્રક્રિયાઓ સામે નવી ભલામણો જાહેર કરી છે. મોદગિલ કહે છે, “અમે તાજેતરમાં બહાર પાડેલી માર્ગદર્શિકામાં મૂળભૂત રીતે એવું કહેવામાં આવ્યું છે કે અમે આમાંથી કોઈ પણ પ્રક્રિયા અપનાવવાની ભલામણ કરતા નથી કારણ કે આ અંગેના પુરાવા અત્યંત નબળા છે.”

આમાં 3,750 પુરુષો સાથે જોડાયેલા 36 અભ્યાસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પરંતુ કહેવામાં આવ્યું કે આ પ્રક્રિયાઓની “સેફ્ટી પ્રોફાઇલ” હજુ પણ સ્પષ્ટ નથી. આનું એક કારણ એ છે કે પેનિસ પર ફિલર્સની લાંબા ગાળાની અસરો વિશે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી. સાથે જ, એ ચિંતા પણ છે કે લિપ ફિલર્સની જેમ, આ પ્રક્રિયા કરવા માટે કોઈ યોગ્યતાની જરૂર હોતી નથી.

મોદગિલનું કહેવું છે કે સંપૂર્ણ પ્રતિબંધ “કદાચ ખૂબ કઠોર” નિર્ણય હશે, પરંતુ જો આ પ્રક્રિયાઓ ચાલુ રહેવાની હોય તો આ ઉદ્યોગને “રેગ્યુલેશનની સખત જરૂર છે.” તેમણે એક નેશનલ રજિસ્ટ્રી બનાવવાની અપીલ કરી જેમાં એ નોંધવામાં આવે કે લિંગ ફિલિંગની પ્રક્રિયાઓ ક્યારે કરવામાં આવી છે. ઉપરાંત, લોંગ ટર્મ ડેટા એકત્રિત કરવા જોઈએ જેથી પુરુષો માટેના જોખમો અને ફાયદાઓના આધારે નિર્ણયો લઈ શકાય.

માન્ચેસ્ટર પાછા ફર્યા પછી, જેસન તેની પ્રક્રિયાના પરિણામોથી ખુશ છે. તેઓ વિચારી રહ્યા છે કે જ્યારે તેમના હાલના ફિલર્સની અસર પૂરી થઈ જશે ત્યારે તેઓ આ ફરીથી કરાવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS