Home તાજા સમાચાર gujrati પ્રથમ દેખાયો પછી ગાયબ થયો, ફરી દેખાયો : સંતાકૂકડી રમતા એક ટાપુની...

પ્રથમ દેખાયો પછી ગાયબ થયો, ફરી દેખાયો : સંતાકૂકડી રમતા એક ટાપુની કહાણી

5
0

Source : BBC NEWS

તરતા આ ટાપુને સૌપ્રથમ નાવિકોએ જોયો હતો

ઇમેજ સ્રોત, Supplied by Rocky Avery

કૅનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક સરોવરમાં એક નાનો તરતો ટાપુ ફરી દેખાયો છે. આ ટાપુ શરૂઆતમાં શોધાયા પછી ગાયબ થઈ ગયો હતો.

ઑગસ્ટની શરૂઆતમાં બ્રિટિશ કોલંબિયાના સૌથી મોટા મીઠા પાણીના સરોવર વિલિસ્ટનની મધ્યમાં વૃક્ષોથી ઢંકાયેલો આ ટાપુ પહેલી વાર જોવા મળ્યો હતો.

કેટલાક ખલાસીઓએ આનો વીડિયો બનાવ્યો હતો જે પછી સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

જુલાઈના અંતમાં લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરમાં આ ટાપુના અસ્તિત્વની પુષ્ટિ થઈ હતી. તે એક ફૂટબૉલના મેદાન કરતાં લગભગ દોઢ ગણો મોટો છે.

પરંતુ થોડાં અઠવાડિયાં પછી તે ફરીથી ગાયબ થઈ ગયો.

બ્રિટિશ કોલંબિયાના અધિકારીઓ કહે છે કે તેઓ હવે તેને ફરીથી કિનારાની નજીક શોધવામાં સફળ થયા છે. જોકે, એ સ્પષ્ટ નથી કે આ ટાપુ ક્યાંથી આવ્યો છે.

બ્રિટિશ કોલંબિયા હાઇડ્રો (પાવર પ્લાન્ટ)ના પ્રવક્તા બૉબ ગૅમરને આ ટાપુ વિશે સૌપ્રથમ ત્યારે ખબર પડી જ્યારે તેના વીડિયો કૅનેડિયન સોશિયલ મીડિયા પર વાઇરલ થયા.

બીસી હાઇડ્રો એ સરકારી માલિકીની વીજ કંપની છે જે જળાશય અને નજીકના બંધની જાળવણીનું કામ કરે છે.

ખલાસીઓએ જે વીડિયો બનાવ્યો હતો તેમાં વૃક્ષોથી ઢંકાયેલી જમીનનો એક ભાગ પાણીમાં તરતો જોવા મળ્યો હતો.

ટાપુ અંગે વિશ્વભરમાં કુતૂહલ

તરતા ટાપુની એક તસવીર

ઇમેજ સ્રોત, Rocky Avery/FB

બીસી હાઇડ્રોના પ્રવક્તા બૉબ ગૅમરે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમને લાગ્યું હતું કે આ વીડિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવાયો છે.

તેમણે બીબીસીને કહ્યું કે, “મને લાગ્યું કે તે ક્યાંયનો પણ હોઈ શકે છે. કદાચ તે સાચો ન હોય.”

પરંતુ તેમની ટીમે 21 જુલાઈના રોજ એક સેટેલાઇટ તસવીર મેળવી હતી જેમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે આ ટાપુ વાસ્તવિક હતો અને આ પ્રાંતના ઉત્તર ભાગમાં છેવાડે તરતો હતો.

જોકે, થોડાં અઠવાડિયાં પછી, પાંચ ઑગસ્ટના રોજ લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરમાં ટાપુ સ્થળ પરથી ગાયબ હોવાનું દેખાયું.

તેના ગાયબ થવાના સમાચાર ઘણાં આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેનાથી વિશ્વભરના લોકોમાં કુતૂહલ વધ્યું હતું.

ગૅમરે કહ્યું, “અમને ખબર નથી કે તે ક્યાં ગયો. શું તે ડૂબી ગયો? શું તે કોઈ બીજા ભાગમાં પહોંચ્યો?”

ગૅમરે કહ્યું કે હવે તે આ પ્રશ્નોના જવાબ આપી શકે છે.

આવું કેમ થઈ રહ્યું છે?

તરતો ટાપુ

ઇમેજ સ્રોત, Rocky Avery/FB

ગૅમરના મતે ટાપુ કદાચ કિનારા તરફ વહી ગયો હતો અને જ્યાંથી તે પહેલી વાર દેખાયો હતો ત્યાંથી લગભગ 30 કિલોમીટર દૂર પહોંચી ગયો હતો.

તેમણે કહ્યું કે આ વાતની પુષ્ટિ નવી સેટેલાઇટ તસવીરો અને ઉપર ઊડતા પાઇલટ્સના બે પ્રત્યક્ષદર્શીનાં નિવેદનો દ્વારા કરવામાં આવી છે.

બીસી હાઇડ્રોનો અંદાજ છે કે ટાપુનો વિસ્તાર 9800 ચોરસ મીટર અથવા લગભગ એક હેક્ટર છે. આ આશરે એક કૅનેડિયન ફૂટબૉલ મેદાન અથવા દોઢ અમેરિકન ફૂટબૉલ મેદાન જેટલો છે.

આ ટાપુ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો તે પણ સ્પષ્ટ નથી. જોકે, એવી પ્રબળ શક્યતા છે કે તે ઘણાં વર્ષોથી વહીને આવતા અને એકઠાં થયેલાં લાકડાંમાંથી બન્યો હોય.

આ લાકડાંમાં છોડ અને વૃક્ષોનાં મૂળિયાં આસાનીથી પકડ જમાવી શક્યાં હશે.

ગૅમર માને છે કે આ ઉનાળામાં પાણીનું સ્તર વધ્યા પછી, તે જળાશયના કાંઠાથી અલગ થઈ ગયો. પાણી 2012 પછીના મહત્તમ સ્તરે પહોંચ્યું હતું.

અમેરિકામાં પણ એક આવો ટાપુ છે

આવા તરતા ટાપુઓ અન્ય સ્થળોએ પણ જોવા મળ્યા છે.

અમેરિકાના વિસ્કોન્સિનમાં ચિપ્પેવા તળાવમાં પણ એક એવો જ ટાપુ છે, જેને ફૉર્ટી એકર બોગ તરીકે ઓળખવામાં આવે છે.

કેટલીક વાર સ્થાનિક હોડીવાળાઓ આ તરતા કીચડને બીજી જગ્યાએ ધકેલી દે છે જેથી તે નજીકના પુલ તરફ ન વહીને જાય.

લેક ચિપ્પેવા ફ્લોએજ રિસોર્ટ ઍસોસિયેશન અનુસાર, આ ટાપુ દેડકાં અને સેલામેન્ડર સહિત વિવિધ જીવોનું ઘર છે. વિસ્કોન્સિન રાજ્યના કાયદા અનુસાર, આ વિસ્તારો કાયદા હેઠળ સંરક્ષિત છે.

સ્થાનિક રહેવાસી ચેરીલ ટ્રેલેન્ડે 2024 માં વિસ્કોન્સિન પબ્લિક રેડિયોને જણાવ્યું હતું કે આ એક હિમશિલા જેવું છે.

તેમણે કહ્યું કે, “આ પાણીની સપાટી પર તરતાં પાંદડાં જેવું નથી.”

ગૅમરે ચેતવણી આપી હતી કે બ્રિટિશ કોલંબિયામાં આવેલો આ ટાપુ સ્થિર નથી અને લોકોને તેના પર પગ મૂકવાનો પ્રયાસ ન કરવાની સલાહ આપી હતી.

તેમણે કહ્યું, “તે દૂરના વિસ્તારમાં આવેલો છે અને મોટા ભાગના લોકો ક્યારેય તેની નજીક પહોંચી શકશે નહીં.”

પરંતુ જે લોકો ત્યાં પહોંચવાનો રસ્તો અને સાધનો શોધી શકે છે તેમને તેમણે ચેતવણી આપી હતી કે, “ટાપુથી દૂર રહેવું. તે તૂટી શકે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS